You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધ માટે સરકાર કાયદો લાવશે - BBC TOP NEWS
શ્રીલંકાએ પણ યુરોપના માર્ગે બુરખા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મહિંદા રાજાપક્ષે સરકારના એક મંત્રીએ જાહેરાત કરી હતી કે શ્રીલંકામાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકાશે. સાથે જ દેશમાં 1000 જેટલી ઈસ્લામિક સ્કૂલો પણ બંધ કરવામાં આવશે. યુરોપના અનેક દેશોએ બુરખા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પણ બુરખા પર પ્રતિબંધ માટે જનમત લેવાયો હતો.
શ્રીલંકાના રક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ જણાવ્યું હતું કે, તેમણે કૅબિનેટની મંજૂરી માટે એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ બિલમાં રાષ્ટ્રીય સલામતીના આધારે મુસ્લિમ મહિલાઓ પર જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધની માગ કરાઈ છે. આ બિલ કૅબિનેટમાંથી પસાર થશે તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે.
સરથ વેરાસેકેરાએ કહ્યું કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ બુરખા પહેરતી નહોતી. આ તાજેતરમાં જ આવેલા ધાર્મિક અતિવાદનો સંકેત છે. અમે નિશ્ચિતરૂપે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છીએ. કહેવાય રહ્યું છે કે આ કાયદાથી શ્રીલંકામાં મુસ્લિમોમાં રોષ જોવા મળી શકે છે.
કંદહાર હાઇજેકમાં બંધકોને છોડાવવા મમતાજીએ પોતાને બંધક બનાવવા પેશકશ કરી હતી : યશવંત સિન્હા
NDTV ડોટ કૉમના અહેવાલ અનુસાર પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ કહ્યું હતું કે વર્ષ 1999માં કંદહાર વિમાન હાઇજેક વખતે તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજીએ બંધકોના છૂટકારા બદલ પોતાને બંધક બનાવી લેવાની પેશકશ કરી હતી.
નોંધનીય છે કે એ સમયે મમતા બેનરજી પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ હતાં.
શનિવારે કોલકાતા ખાતે તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થતી વખતે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ મમતા બેનરજી સાથેના પોતાના કાર્યકાળની યાદો તાજી કરતી વખતે આ નિવેદન આપ્યું હતું અને તેમને 'ફાઇટર' ગણાવ્યાં હતાં.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે "મેં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં મમતા બેનરજી સાથે કામ કર્યું છે. હું તમને કહી શકું છું કે તેઓ શરૂઆતથી જ ફાઇટર હતાં અને હજુ પણ ફાઇટર જ છે."
સિંહાએ તૃણમૂલ કૉંગ્રેસના કોલકાતાસ્થિત મુખ્યાલય ખાતે પક્ષના સિનિયર નેતા ડેરેક ઓબ્રાયન, સુદીપ બંદોપાધ્યાય અને સુબ્રતા મુખરજીની હાજરીમાં પાર્ટીમાં સામેલ થતા પહેલાં મમતા બેનરજી સાથે કાલીઘાટસ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સચીન વાઝેની એન્ટીલિયા કેસમાં ધરપકડ
શનિવારે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલ વિસ્ફોટક ભરેલી કાર મૂકવાના કેસમાં મહારાષ્ટ્ર પોલીસના મદદનીશ પોલીસ ઇન્સપેક્ટર સચીન વાઝેની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના એક અહેવાલ અનુસાર મદદનીશ પોલીસ ઇન્સપેક્ટર સચીન વાઝે મુંબઈ ખાતેની NIA ઑફિસે પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા હતા.
અહેવાલ અનુસાર શુક્રવારે થાણેની સેશન્સ કોર્ટ દ્વારા બિઝનેસમૅન મનસુખ હિરેનની હત્યાના કેસમાં વાઝેને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
અદાલતે જણાવ્યું હતું કે ATSની દરખાસ્ત પ્રમાણે સચીન વાઝેની કસ્ટોડિયલ પૂછપરછ કરવાનું જરૂરી હતું.
નોંધનીય છે કે અમુક સમય પહેલાં ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ પાસેથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી. ત્યાર બાદ ઘણાં સ્થાનિક મીડિયા દ્વારા કારના કથિત માલિક એવા બિઝનેસમૅન મનસુખ હિરેન તરફ આંગળી ચીંધવામાં આવી હતી.
જોકે, ફરિયાદના અમુક દિવસો બાદ કારના કથિત માલિક મનસુખ હિરેનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે તપાસ કરતાં મહારાષ્ટ્ર પોલીસમાં કાર્યરત્ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર સચીન વાઝેનું નામ સામે આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું હતું.
આ આરોપોને પગલે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝેની ક્રાઇમ બ્રાન્ચમાંથી પણ હકાલપટ્ટી કરાઈ હતી. જ્યારે અંતે શનિવારે તેમની ધરપકડ કરી લેવાઈ હતી.
ગુજરાત : રાજ્યમાં અનાજના ઉત્પાદનમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાય તેવો અંદાજ
ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા વર્ષ 2020-21 સોશિયો-ઇકૉનૉમિક રિવ્યૂ અનુસાર ચાલુ નાણાકીય વર્ષે રાજ્યમાં અનાજનું ઉત્પાદન પાંચ ટકા ઘટી 88.38 લાખ ટન નોંધાવાની સંભાવના છે.
વર્ષ 2019-20 દરમિયાન કરાયેલ ઍડ્વાન્સ અંદાજ પ્રમાણે રાજ્યમાં અનાજનું ઉત્પાદન 93.28 લાખ ટન નોંધાવાનો અંદાજ હતો. જ્યારે ચાલુ વર્ષ કરાયેલ અંદાજમાં ગત વર્ષની સરખામણીએ અનાજના ઉત્પાદનમાં 4.9 લાખ ટન ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગત વર્ષની સરખામણીએ અનાજના ઉત્પાદનમાં ઘટાડાના કારણ તરીકે ઓછી વાવણીને જવાબદાર ગણવામાં આવી રહી છે.
અહેવાલ અનુસાર ગત વર્ષે 41,19 લાખ હેક્ટર જમીન પર ચોખા, ઘઉં, જવાર અને બાજરી જેવા અનાજની વાવણી કરાઈ હતી. જ્યારે આ વર્ષે વાવણી વિસ્તારનું પ્રમાણ ઘટીને 40 લાખ હેક્ટર થઈ ગયું હતું.
ખેડૂત એકતા મંચના વડા સાગર રબારીએ આ ઘટાડાનાં કારણો અંગે પોતાનો તર્ક રજૂ કરતાં અખબારને જણાવ્યું હતું કે, “ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી તરફથી વળીને બાગાયતી પેદાશોની ખેતીમાં લાગી ગયા છે કારણ કે તેમાં ઓછી મજૂરીની જરૂરિયાત હોય છે."
"જ્યારે બીજી તરફ ગેરહાજર રહેતા જમીનમાલિક ખેડૂતોની વધતી સંખ્યા પણ આ ઘટાડા માટે જવાબદાર છે, જેઓ પોતાની જમીન પર ખેતી કરવા માટે ખેતમજૂરોને રાખે છે.”
ટૂલકિટ મામલે દિશા રવિએ કહ્યું, ‘ટીઆરપી માટે મને ગુનેગાર બનાવી દેવાઈ’
ટૂલકિટ મામલામાં આરોપી પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિએ ગયા મહિને જામીન પર મુક્ત થયા બાદ શનિવારે પ્રથમ વખત પોતાનું નિવેદન જારી કર્યું.
પોતાના ટ્વિટર હૅંડલ પર પોસ્ટ કરાયેલા ચાર પાનાંના નિવેદનમાં દિશાએ મીડિયાની ટીકા કરી અને સમર્થન આપનાર તમામનો આભાર માન્યો.
તેમણે કહ્યું, “જે બધું સત્ય છે તે સત્યથી દૂર લાગે છે : દિલ્હીની સ્મૉગ, પટિયાલા કોર્ટ અને તિહાર જેલ.”
તેમણે લખ્યું કે જો તેમનાથી કોઈ પૂછત કે આવનારાં પાંચ વર્ષોમાં તેઓ પોતાની જાતને ક્યાં જુએ છે, તો તેમનો જવાબ નિશ્ચિતપણે જેલ તો ન જ હોત.
તેમણે લખ્યું, “હું મારી જાતને પૂછતી રહી કે એ સમયે ત્યાં હોવું કેવું લાગી રહ્યું હતું, પરંતુ મારી પાસે કોઈ જવાબ નહોતો. મને લાગી રહ્યું હતું કે માત્ર એક જ રીતે હું આનો સામનો કરી શકું છું અને તે એ કે હું મારી જાતને એ સમજાવી શકું કે આ બધું મારી સાથે બની જ નથી રહ્યું – પોલીસ મારા દરવાજે નહોતી આવી, તેમણે મારો ફોન નહોતો લીધો, મારી ધરપકડ નહોતી કરાઈ, મને પટિયાલા હાઉસ કોર્ટે નહોતી લઈ જવાઈ. મીડિયાના લોકો ત્યાં એ રૂમમાં પોતાના માટે જગ્યા નહોતા શોધી રહ્યા.”
નોંધનીય છે કે દિલ્હીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં યોજાયેલ ખેડૂતોની ટ્રૅક્ટર રેલીના દિવસે થયેલી હિંસામાં ટૂલકિટ શૅરિંગ અને તેના નિર્માણમાં ભૂમિકાના આરોપસર પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો