કોરોના : ચીનની વૅક્સિન લગાવવા માટે નેપાળ કેમ જઈ રહ્યા છે ભારતીયો?

આ અઠવાડિયાના બુધવારે નેપાળની રાજધાની કાઠમંડુની ટેકુ હૉસ્પિટલના કર્મચારી વૅક્સિન લગાવવા માટે આવેલા કેટલાક લોકો પાસે મોટા-મોટા સૂટકેસ અને બેગ જોઈને અચરજમાં પડી ગયા.

હૉસ્પિટલના કર્મચારીના અનુસાર જ્યારે આ લોકોને ઓળખપત્ર બતાવવાનું કહ્યું તો આ લોકોએ ભારતીય પાસપોર્ટ બતાવ્યો.

હૉસ્પિટલના નિદેશક સાગર રાજ ભંડારીએ બીબીસી નેપાળીને જણાવ્યું કે, "આ લોકો પાસેથી અમને જાણવા મળ્યું કે કોવિડ વૅક્સિનનો આ રીતે પણ ઉપયોગ થઈ રહ્યો છે."

"આ એક રીતે વૅક્સિનનો ખોટો ઉપયોગ કરવા જેવો મામલો હતો. અમે આ લોકોને કહ્યું કે તમને વૅક્સિન ન આપી શકીએ તો તે ઝઘડો કરવા લાગ્યા. ઘણા લોકોએ અમારી પર અલગઅલગ રીતે દબાણ કર્યું."

નેપાળસ્થિત ચીની દૂતાવાસે પોતાની વેબસાઇટ પર ઉલ્લેખ કરેલી જોગવાઈ મુજબ ચીન એ જ લોકોને વિઝા આપી રહ્યું છે જેમને ચીનમાં બનેલી વૅક્સિન મુકાવવી હોય.

નેપાળી અધિકારીઓને શંકા છે કે ચીનની કંપનીઓ સાથે વ્યવસાય કરવાવાળા ભારતીય ઉદ્યોગપતિ વિઝા પ્રાપ્ત કરવા માટે નેપાળમાં આવીને ચીનમાં બનેલી વૅક્સિન મુકાવવા માગે છે.

જોકે ભારતમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિનનું નિર્માણ થઈ રહ્યું છે, આ ઉપરાંત રશિયાની વેક્સિન સ્પુતનિક વીને પણ કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી અપાઈ ચૂકી છે.

તેમ છતાં ભારતમાં તમામ લોકો માટે વૅક્સિન હાલમાં ઉપલબ્ધ નથી.

કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના પ્રવક્તા દેવચંદ્રા લાલ કર્ણે જણાવ્યું કે હાલના દિવસોમાં મોટી સંખ્યામાં ભારતીય કાઠમંડુ આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું, "ભારતીયો માટે નેપાળથી અન્ય દેશમાં જવાની જોગવાઈ છે, એના માટે બિનવાંધા પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું હોય છે. ઘણા ભારતીય યાત્રીઓ પાસે હવે આવાં પ્રમાણપત્ર છે."

હાલના સમયમાં ભારત અને નેપાળ વચ્ચે ફક્ત એક વિમાનસેવા છે જે ઍર બબલ વ્યવસ્થાની સાથે સેવા પૂરી પાડે છે. નેપાળ અને ચીનની વચ્ચે પણ ફ્લાઇટ સર્વિસ ચાલુ છે.

કાઠમંડુસ્થિત ભારતીય દૂતાવાસમાં છેલ્લા કેટલાક દિવસમાં બિનવાંધા પ્રમાણપત્ર કાઢી આપવાની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

નેપાળે કડક વલણ અપનાવ્યું

નેપાળમાં 31 માર્ચથી 19 એપ્રિલ દરમિયાન 40થી 59 વર્ષના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે.

ઉપરાંત કામ, વ્યવસાય, કૌટુંબિક કારણોથી અથવા તો સારવાર માટે ચીન જઈ રહેલા લોકોને પણ વૅક્સિન આપવામાં આવી રહી છે.

ચીનનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પણ વૅક્સિન અપાઈ રહી છે.

નેપાળ સરકારના જણાવ્યા મુજબ શરૂઆતના પહેલા દસ દિવસમાં 50 હજારથી વધુ લોકોને વૅક્સિન અપાઈ ચૂકી છે.

નેપાળ સરકારના સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત પ્રવક્ત ડૉ. સમીરકુમાર અધિકારીએ જણાવ્યું કે, "પહેલાં અમે લોકોને ઓળખપત્ર બતાવવા માટે કહ્યું હતું. હવે સ્વાસ્થ્ય અધિકારીઓને લેખિતમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓળખપત્રની તપાસ ફરજિયાત કરી દેવામાં આવે."

જોકે નેપાળના અધિકારીઓએ કહ્યું કે નેપાળમાં રહેતા અને નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા ભારતીય નાગરિકોને વૅક્સિન આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો