નેપાળમાંથી પસાર થતી એ સડક જે ચીન અને ભારતને જોડશે

લગભગ એક અઠવાડિયા પહેલાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના નેપાળપ્રવાસે હતા ત્યારે ચીન અને નેપાળ વચ્ચે ઘણી સમજૂતી થઈ.

તેમના આ પ્રવાસ બાદ ચીન અને ભારતને જોડતી તેમજ નેપાળમાંથી પસાર થનારી સડક પણ ચર્ચામાં આવી છે.

કોસી, ગંડકી અને કર્ણાલી કૉરિડૉરના નિર્માણની ચીનની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ નેપાળના વિદેશમંત્રાલયે આપેલા એક નિવેદનમાં પણ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં નેપાળ માત્ર કાલીગંડકી કૉરિડૉરનું નિર્માણ પોતે કરી રહ્યું છે.

પરંતુ નેપાળ દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદન બાદ એવી આશા વ્યક્ત થઈ રહી છે કે ચીન અને ભારતને જોડતી અન્ય સડકોના નિર્માણમાં પણ ચીન આર્થિક મદદ કરશે.

બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટીવની મદદથી ચીન સમગ્ર હિમાલય વિસ્તારનાં બંદરો, સડકો, રેલવે અને ઍરપૉર્ટથી સંચારનુ નેટવર્ક વિસ્તારવા ઇચ્છે છે.

માર્ગની સ્થિતિ

નેપાળ પહેલાંથી જ બીઆરઆઈ પરિયોજના માટે કરાર કરી ચૂક્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ યોજનામાં ત્રણેય માર્ગ સામેલ હશે.

કોસી, કાલીગંડકી અને કર્ણાલી કૉરિડૉરના મોટા ભાગના રસ્તા બહેતર બનાવવામાં આવશે.

આ જ રીતે ઘણી જગ્યાઓએ વધારાની સડકોનું નિર્માણ કરવામાં આવશે. તે ઉપરાંત સરકારનું લક્ષ્ય આ રસ્તાઓને પહોળા કરીને ડબલ-ટ્રૅક બનાવવાનું પણ છે.

કોશી કૉરિડૉર

કોશી કૉરિડૉરની લંબાઈ લગભગ 340 કિલોમિટર છે. તે મોરાંગમાં જોગબનીથી લઈને નેપાળ-ભારતની સીમા સુધી ધમણ, ધનકુટા, તેહરથુમ, ખંડબાડી, સાંખુવાસભાના મુખ્યાલયથી ચીનની સીમાના કિમનથકાને જોડે છે.

માર્ગવિભાગની હસ્તક આવતાં ઉત્તર-દક્ષિણ વેપાર માર્ગ વિસ્તાર નિદેશાલયના પ્રમુખ શિવ નેપાળનું કહેવું છે કે 14 કિલોમિટરના ટ્રૅકને ચાલુ કરવાનું હજુ બાકી છે.

તેમના મતે આ વિસ્તાર પહાડી છે જેના કારણે નેપાળી સેનાની તેની જવાબદારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેની સાથે અન્ય વિસ્તારોમાં રસ્તા પહોળા કરવાની પણ જરૂર છે.

કાલીગંડકી કૉરિડૉર

કાલીગંડકી કૉરિડૉરની લંબાઈ 435 કિમી છે.

આ ભારતીય સીમાને નેપાળના નવપરાસી સાથે ચીનના ઉત્તર વિસ્તારના કોરલા સાથે જોડે છે.

કાલીગંડકી કૉરિડૉરના રામ્દી-રીરી ખંડ પાસે પહાડી વિસ્તારમાં ટ્રૅકને હજુ ખોલવાનો બાકી છે. અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારના માર્ગો પહોળા કરવામાં આવશે.

કર્ણાલી કૉરિડૉર

આ ત્રણે કૉરિડૉરમાં આ સૌથી લાંબો છે અને માનવામાં આવે છે કે આ કૉરિડૉર નેપાળના માધ્યમથી ભારત અને ચીનને જોડશે. આ કૉરિડૉરમાં બનનારા માર્ગની લંબાઈ 682 કિલોમિટર હશે.

રાજ્ય સરકાર માટે માર્ગ 22 કિલોમિટરના ટ્રૅકને ખોલવાની પ્રાથમિકતા છે.

એવું કહેવાય છે કે નેપાળી સેના બાકીના ટ્રૅકને ખોલવા માટે કેટલાક વિસ્તારોમાં કામ કરી રહી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં માર્ગવિભાગ દ્વારા કામ ચાલે છે.

સમસ્યા

શિવ નેપાળનું કહેવું છે કે હાલના સમયમાં સડક બનાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

તેમનું કહેવું છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ત્રણ સડકોનું નેટવર્ક ખોલી નાંખવામાં આવશે.

નેપાળના માધ્યમથી ભારત અને ચીનને જોડતી આ ત્રણ સડકોનાં નેટવર્કનો ઉપયોગ વેપારના માર્ગ રૂપે કરી શકાય છે. આ સડક નેટવર્કને રાષ્ટ્રીય ગૌરવ તરીકે જોવામાં આવે છે.

પરિયોજનાના પ્રમુખ નેપાળનું કહેવું છે કે આ પરિયોજના માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો.

જોકે તેઓ એમ માને છે કે હવે તેવી તકલીફો નથી. તેમણે કહ્યું કે આ સમસ્યાઓનું એક કારણ એવું પણ હતું કે તેમની પાસે કુશળ કારીગરોની અછત હતી.

નેપાળના વરિષ્ઠ પત્રકાર યુવરાજ ધિમિરેનું વિશ્લેષણ

જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો, પાંચ-છ માર્ગોથી હવે ચીન અને નેપાળ જોડાઈ જશે.

ભારતના સંદર્ભે તેને જોઈએ તો નેપાળમાં 12-13 વર્ષ સુધી ભારતનો સારો પ્રભાવ રહ્યો છે. પરંતુ ત્યાંના રાજકીય પરિવર્તનમાં ભારતની ભૂમિકાથી સ્થિતિ બદલવાની શરૂ થઈ છે.

એ વખતે ભારતે અમેરિકા અને યુરોપીય સંઘનો સાથ આપ્યો અને નેપાળમાં તેમની ઉપસ્થિતિ વધી ગઈ. ચીને તેને કૂટનીતિની રીતે જોખમ તરીકે લીધું અને પોતાની હાજરી વધારવા માટે નેપાણમાં ઘણું નાણાકિય રોકાણ કર્યું.

તેથી હવે નેપાળમાં ચીનની ઉપસ્થિતિ ઘણી વ્યાપક અને શક્તિશાળી જણાય છે. હવે પ્રશ્ન એ છે કે શું ભારત માટે આ અસુરક્ષા અનુભવવાની વાત છે?

ચીન અને નેપાળ બંનેનો દાવો છે કે તેનાથી બંને તરફ વિકાસની શક્યતાઓ વધશે. પરંતુ આ હાજરીને કૂટનીતિની દૃષ્ટિએ પણ જોવામાં આવે છે. આ દૃષ્ટિએ એ વાત પણ સાચી છે કે ભારતે નેપાળમાં ઘણું ગુમાવ્યું છે.

તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતે નેપાળની આંતરિક રાજનીતિમાં ઘણી દખલ કરી.

ભારત જે માઓવાદીઓને પોતાને ત્યાં આતંકવાદી જેવા માને છે, નેપાળમાં તેમની સાથે ભાગીદારી કરી અને તેમને સમર્થન આપીને નેપાળની સત્તાના કેન્દ્ર બિંદુમાં લાવવામાં મદદ કરી.

તેનાથી ભારતના પરંપરાગત સહયોગી મનાતાં નેપાળની કૉંગ્રેસ અને નેપાળની રાજાશાહી ભારતથી દૂર થઈ ગયાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો