You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં આવતાં પૂર પાછળ રહેલું નદીઓનું રાજકારણ
- લેેખક, નવીનસિંઘ ખડકા
- પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
ભારતમાં હાલ બિહાર, અસમ અને અન્ય રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ છે, જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિ હંમેશાં નેપાળ અને ભારત વચ્ચે તણાવ ઊભો કરે છે.
જ્યારે જળ સંસાધનની વાત આવે ત્યારે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળે છે.
જોકે, તાજેતરનાં વર્ષોમાં બંનેના સંબંધોમાં કડવાશ આવી છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બંને દેશોના સંબંધો વધારે બગડ્યા હતા.
હાલમાં જ આવેલા પૂરના કારણે બંને દેશ વચ્ચે તણાવ વધવાનો શરૂ થયો અને બંને દેશમાં રહેતા લોકો તેમના પર આવેલી આપત્તિ માટે અન્ય દેશને જવાબદાર માનવા લાગ્યા.
આ વર્ષે પૂરે કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી છે. નેપાળ અને બાંગ્લાદેશમાં ડઝન જેટલા લોકોનાં મોત થયાં છે અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં લગભગ 30 લાખ જેટલા લોકોને પૂરની અસર થઈ છે.
છ હજાર જેટલી નદીઓ અને પૂર
ભારત અને નેપાળ વચ્ચે 1,800 કિલોમિટર લાંબી ખુલ્લી સરહદ આવેલી છે.
6,000 હજાર કરતાં પણ વધારે નદીઓ અને નાનાં ઝરણાં નેપાળમાંથી ભારત તરફ વહે છે. જે વરસાદ સિવાયના દિવસોમાં ગંગા નદીને 70% જેટલું પાણી પૂરું પાડે છે.
જ્યારે આ નદીઓમાં પૂર આવે છે ત્યારે તે નેપાળ અને ભારતના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાળ તરફથી આ મામલે ગુસ્સો વ્યક્ત કરાઈ રહ્યો છે.
નેપાળનું કહેવું છે કે સરહદની પાસે ભારતમાં આવેલાં પાળા જેવાં સ્ટ્રકચર પાણીને વહેવા દેતું નથી.
બે વર્ષ પહેલાં પૂર્વ નેપાળમાં એક તપાસ દરમિયાન બીબીસીને ભારતની હદમાં આવાં કેટલાંક સ્ટ્રકચર જોવા મળ્યાં હતાં.
નેપાળના અધિકારીના કહેવા પ્રમાણે આવા 10 જેટલા બાંધ છે, જેના કારણે નેપાળની હજારો એકર જમીનમાં પાણી ભરાઈ જાય છે.
2016માં નેપાળે તેનો વિરોધ કર્યા બાદ બંને દેશના સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
ભારતના અધિકારીઓના કહેવા પ્રમાણે તે રસ્તાઓ છે, પરંતુ નેપાળના નિષ્ણાતો કહે છે કે તે ભારતનાં ગામોને પૂરના પાણીથી બચાવવા માટે બાંધવામાં આવેલા બાંધ છે.
નેપાળનું ગોર નામનું ગામ જે જિલ્લામથક પણ છે, જ્યાં ગયા અઠવાડિયે ત્રણ દિવસ સુધી પૂરના પાણી ભરાયેલા રહ્યા હતા. જે બાદ અધિકારીઓને હિંસા ફાટી નીકળવાનો ડર હતો.
ક્રિષ્ના ધકાલ નામના એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ખૂબ ગભરાટ બાદ અંતે ભારત તરફના બાંધના દરવાજા ખોલાયા બાદ પાણી ઓસર્યાં અને તેના કારણે તેમને રાહત થઈ.
આ મામલે ભારતના અધિકારીઓએ બીબીસીના સવાલોના જવાબ આપ્યા ન હતા.
નદીઓનાં પાણી અને પૂર મામલે બંને દેશો વર્ષોથી મંત્રણાઓ કરતા આવ્યા છે, પરંતુ તેમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી નથી.
નેપાળ તરફથી મંત્રણા કરનારા અધિકારીઓની તેમના દેશમાં જ ટીકાઓ થઈ રહી છે કે તેઓ આ મામલે ભારતને સંમત કરી શકતા નથી.
જોકે, તેનો અર્થ એવો નથી કે ભારતે પૂરના કારણે કંઈ સહન કરવું પડતું નથી.
બિહારની સરકારના કહેવા પ્રમાણે તાજેતરમાં આવેલા પૂરના કારણે 19 લાખ લોકોને તેમનાં ઘર છોડવાં પડ્યાં છે.
જ્યારે કોસી અને ગંડક નદીમાં પૂર આવે છે ત્યારે બિહારને તેની સૌથી વધારે અસર થાય છે. આ મામલે હંમેશાં નેપાળ પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે કે તે તેના ફ્લડ ગેટ ખોલી દે છે.
જોકે, ભારત સરકાર આ બંને નદીઓ પર આવેલા બૅરેજનું સંચાલન કરે છે જે નેપાળમાં આવેલા છે.
નદીઓ અંગેની એ સંધિ
કોસી અને ગંડક નદી મામલે અનુક્રમે 1954 અને 1959માં બે સંધિઓ થઈ હતી અને તેમાં બંને દેશોએ પોતાની સહી કરી સહમતિ આપી હતી.
આ બંને નદીઓ પર પૂર નિયંત્રણ, સિંચાઈ અને જળવિદ્યુત માટે ભારતે બૅરેજ બનાવ્યા છે.
જોકે, આ બૅરેજ નેપાળમાં વિવાદનું કારણ બન્યા છે. નેપાળના લોકોનું માનવું છે કે તે સ્થાનિકો માટે ક્યારેય ઉપયોગી બન્યા નથી.
જોકે, આ મતની વિરુદ્ધ ભારત સરકારનું માનવું છે કે આ બૅરેજ સરહદ પાર જળવ્યવસ્થાપન અને સહકારનાં ઉદાહરણ છે.
એક કોસી બૅરેજમાં જ 56 જેટલા ફ્લડ ગેટ આવેલા છે. જ્યારે પણ ચોમાસામાં નદીને કારણે પૂર આવે અને તે જોખમી સ્તર સુધી પહોંચે ત્યારે ભારતને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવે છે કે તે ગેટ ખોલતું નથી.
કોસી નદીને બિહારમાં 'બિહારના દુખ' તરીકે જોવામાં આવે છે. જેના કારણે રાજ્યમાં અનેક વખત પૂર આવ્યાં છે અને તબાહી થઈ છે.
2008માં તેમાં આવેલા પૂરને કારણે હજારો માણસો મોતને ભેટ્યા હતા અને નેપાળ તથા ભારતમાં 30 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.
હવે આ બૅરેજ 70 વર્ષ જેટલા જૂના થયા છે ત્યારે ભારે પૂરને કારણે તેમાં નુકસાન થવાની ભીતિ છે. જેથી ભારત હાલ એક નવો ડૅમ બાંધવાની તૈયારી કરી રહ્યું છે અને તે પણ નેપાળમાં જ હશે.
કપાતાં જંગલ અને ખાણકામે વિનાશ વેર્યો
નેપાળની ઘણી નદીઓનાં મૂળ ચૂર પર્વતમાળામાં આવેલાં છે. આ પર્વતમાળા એક સમયે નદીઓના પ્રવાહને ધીમો પાડતી અને પૂરના કારણે થનારા નુકસાનને ઓછું કરતી હતી.
જોકે, ખાણકામ અને કપાતા જતાં જંગલોએ આ પર્વતમાળાને નબળી પાડી દીધી છે.
તાજેતરમાં જ બાંધકામ શ્રેત્રે આવેલી તેજીએ આ નદીના તળપ્રદેશમાં રેતી, કાંકરા અને પથ્થરોના ખોદકામને અનિયંત્રિત બનાવી દીધું છે.
ભારતનાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીને કારણે આ વિસ્તારમાં આવેલા કુદરતી સંસાધનોને નુકસાન પહોંચ્યું છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ કુદરતી આડશો ખલાસ થઈ જતાં હવે પૂર નિયંત્રણ બહાર જતું રહ્યું છે.
પર્યાવરણની જાળવણી માટે એક હાઈ-પ્રોફાઇલ કૅમ્પેન પણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, તે નિષ્ફળ ગયું અને હાલ કુદરતી સંસાધનોની સ્થિતિ વધારે ખરાબ થતી જાય છે.
કપાતાં જંગલો અને કુદરતી સંસાધનોના અમર્યાદ ઉપયોગ મામલે ભારત નેપાળને જવાબદાર ઠેરવી રહ્યું છે.
આબોહવામાં આવી રહેલા પરિવર્તનને કારણે ચોમાસું અનિયમિત બની રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે બંને દેશો વચ્ચે સ્થિતિ વધારે ગૂંચવણભરી બનશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો