You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળના એ પાણીના બૉમ્બ જો ફાટ્યા તો વિનાશ સર્જાશે
- લેેખક, સલમાન રાવી
- પદ, કેરળથી, બીબીસી સંવાદદાતા
થંગમની ગત વર્ષની એ વરસાદની રાતને હજુ સુધી ભૂલી શક્યાં નથી, જ્યારે તેઓ ચેંગનુર તાલુકાથી આશરે 10 કિલોમિટર દૂર પોતાનાં ગામમાં પિતા અને પતિની સાથે હતાં.
ચેંગનુર દક્ષિણ ભારતના કેરળ રાજ્યના એલેપ્પી જિલ્લામાં આવે છે, જે વર્ષ 2018ના ઑગસ્ટ મહિનામાં આવેલા વિનાશકારી પૂરથી સૌથી વધારે પ્રભાવિત થયો હતો.
તેમના વિસ્તારમાં આમ તો ચોમાસાના મહિનાઓમાં પાણી ભરાઈ જવું કોઈ મોટી વાત નથી, પરંતુ એ રાત્રે વસ્તુઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી હતી.
વાદળની ગર્જના વચ્ચે ભારે વરસાદ રોકાવા માટે તૈયાર ન હતો. થોડી જ ક્ષણોમાં વરસાદનું પાણી ચઢવા લાગ્યું. એ પણ ખૂબ ઝડપથી.
પતિ સાથે મળીને તેમણે પોતાના વૃદ્ધ પિતાને મુશ્કેલીથી છત સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણી ઘરના પહેલા માળ સુધી પહોંચી ગયું હતું.
એ ક્ષણોને યાદ કરીને થંગમની કહે છે, "અમે ઘણા દિવસો સુધી ફસાયેલા હતા કેમ કે અહીં પાણી ખૂબ ઝડપથી વહી રહ્યું હતું. કોઈ રાહત ટીમ પહોંચી ન હતી."
"અમે છત પર પલળતા રહ્યા. મારા પિતાની તબિયત બગડવાની શરૂ થઈ ગઈ. ઘણા દિવસો સુધી અમે લોકો કંઈ જમ્યા પણ ન હતા."
"પરંતુ જ્યાં સુધી સેના અને રાહતકર્મીઓ અમારા સુધી પહોંચ્યા, મારા પિતાએ દમ તોડી દીધો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થંગમનીના પરિવારને રાહત શિબિરમાં મોકલી દેવામાં આવ્યો જ્યારે તેમના પિતાનો મૃતદેહ ઘરની છત પર જ પડ્યો રહ્યો. જ્યારે પાણી ઓસર્યા, ત્યારે તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા.
તેઓ જણાવે છે કે રાહત શિબિરમાં રહેતી વખતે તેમને દસ હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવ્યા.
પરંતુ એક વર્ષ થવાનું છે. હજુ સુધી તેઓ ઘરને થયેલા નુકસાન અને પિતાના મૃત્યુના વળતર માટે સરકારી ઓફિસના ચક્કર જ લગાવી રહ્યાં છે.
44 નદીઓ પર 70 ડૅમ
કેરળમાં ગત વર્ષે આવેલા પૂરે 'ભગવાનનો પોતાનો પ્રદેશ' ગણાતા કેરળનો ચહેરો બદલીને મૂકી દીધો છે.
આ પૂરને એક વર્ષ જેટલો સમય પૂર્ણ થવાનો છે જેમાં 350 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને મોટાપાયે જાનમાલનું નુકસાન થયું હતું.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વિનાશ પાછળ ડૅમોનો મોટો હાથ છે કે જેમને રાજ્યમાં વહેતી 44 નદીઓ પર બનાવવામાં આવ્યા છે.
તેઓ આ ડૅમોને 'એક સળગતા પાણીના બૉમ્બ' તરીકે જુએ છે, જેમના ફાટવાની સ્થિતિમાં પહેલા કરતાં પણ વધારે વિનાશ સર્જાઈ શકે છે.
કેરળમાં 70 કરતાં વધારે ડૅમ છે જેમને અહીં વહેતી 44 નદીઓ પર બનાવવામાં આવ્યા છે. તેમાંથી ઘણા ડૅમોની વ્યવસ્થા પર હવે સવાલ ઊઠવા લાગ્યા છે.
સાજી ચેરિયન ચેંગનુરના ધારાસભ્ય અને રાજ્યમાં સત્તારૂઢ ડાબેરી ગઠબંધનના પ્રવક્તા પણ છે.
પૂરના સમયે સાજી ચેરિયન દ્વારા ફેસબુક પર મદદ માટે લખવામાં આવેલી પોસ્ટ ઘણી વાઇરલ થઈ હતી. મદદની માગ કરતા રડી પડવાનો તેમનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.
ચેરિયન પોતે માને છે કે મુલ્લાપેરિયાર અને ઇડુક્કી જેવા ઘણા ડૅમ છે, જે ગમે ત્યારે વિનાશ સર્જી શકે છે.
બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમનું કહેવું હતું, "મુલ્લાપેરિયાર ડૅમ એક સંવેદનશીલ પાણીનો બૉમ્બ છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને પહેલાં કરતાં પણ વધારે વિનાશ મચાવી શકે છે."
"ચિરુન્થોની અને ઇડુક્કી ડૅમ પણ આ જ પ્રકારના બૉમ્બના રૂપમાં ઊભા છે. તામિલનાડુ અને કેરળની સરકારે તેનો જલદી કોઈ ઉકેલ લાવવાની જરૂર છે."
કેરળ હાઈકોર્ટે જેકબ પી એલેક્સના નેતૃત્વમાં એક તપાસ સમિતિની પણ નિયુક્તિ કરી, જેમાં જાણવા મળ્યું કે આ ડૅમ ભારે વરસાદનું દબાણ સહન કરી ન શક્યા અને અચાનક પાણી છોડવાના કારણે રાજ્યએ ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો.
એલેક્સે કેરળ હાઈકૉર્ટમાં વિનાશકારી પૂરના સંબંધમાં ન્યાયિક તપાસની માગ પણ કરી છે.
એલેક્સની તપાસ અને તેમના રિપોર્ટ સાથે વિશેષજ્ઞ પણ સહમત છે. તેમનું માનવું છે કે એક વર્ષ બાદ પણ સરકારે ડૅમોના પ્રબંધન પર કોઈ કડક પગલાં ઉઠાવ્યાં નથી.
સરકારે અવગણના કરી
નદી અને જળાશય વ્યવસ્થાપન વિશેષજ્ઞ એસપી રવિના જણાવ્યા પ્રમાણે કેરળમાં ક્યારેય ડૅમોની રચના મામલે ગંભીરતા જોવા મળી નથી.
તેમનું કહેવું હતું, "ગત વર્ષે જૂન મહિનાથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને જુલાઈના અંત સુધી ઘણી વખત પ્રદેશે પૂરનો સામનો કરવો પડ્યો."
"આ ત્રણ મહિનાના સમયગાળા વચ્ચે દર વખતે પૂરનું સ્તર વધતું ગયું. જળનું સ્તર વધતું ગયું. તે ખતરાની ઘંટી હતી પરંતુ કોઈએ તેની તરફ ધ્યાન ન આપ્યું."
રવિના જણાવ્યા પ્રમાણે અંતે 16 ઑગસ્ટના રોજ એટલો વરસાદ પડ્યો કે પરિસ્થિતિ નિયંત્રણની બહાર નીકળી ગઈ. ત્યાં સુધી બધા જ ડૅમ છલોછલ ભરાઈ ગયા હતા.
તેઓ કહે છે, "પેરિન્ગ્ગલકુટ્ટી ડૅમ પર પાણી બે મીટર ઊંચાઈ પર વહેતું રહ્યું. ડૅમને ઘણું નુકસાન થયું. પરંતુ એક વર્ષ થવાનું છે. હજુ સુધી સરકારે વૈજ્ઞાનિક રીતે એ તપાસ કરવાનો પ્રયાસ કર્યો નથી કે ડૅમને કેટલું નુકસાન પહોંચ્યું છે."
એન. સુકુમારન નાયર પર્યાવરણવિદ છે અને ડૅમ તેમજ નદીઓ પર તેમણે ઘણું સંશોધન પણ કર્યું છે.
એલેપ્પીના પૂવાથૂરના રહેવાસી નાયર કહે છે કે રાજ્યમાં જેટલી પણ સરકારો રહી છે, તેમણે ન તો નદીમાં ડૂબેલાં ક્ષેત્રો પર ધ્યાન આપ્યું, ન ડૅમના પ્રબંધન પર.
તેઓ કહે છે કે કેરળમાં દર વર્ષે ઘણો વરસાદ વરસે છે અને ડૅમોનું પ્રબંધન પણ તેના પ્રમાણે જ થવું જોઈએ.
જો સરેરાશ કરતાં વધારે વરસાદ પડે છે તો પછી ડૅમોમાં એકત્રિત થયેલું પાણી છોડતું રહેવું જોઈએ જેથી અચાનક જમા પાણી ડૅમો માટે ખતરો ન બની જાય. ગત વર્ષે એવું જ થયું.
પૂરે કેરળને ખૂબ પાછળ ધકેલી દીધું છે કેમ કે જે નુકસાન રાજ્યએ ભોગવવું પડી રહ્યું છે તેની ભરપાઈમાં ઘણાં વર્ષો લાગી શકે છે.
આમ તો રાજ્ય સરકારે 'બહેતર કેરળના પુનઃનિર્માણ'નું સૂત્ર આપ્યું છે, પરંતુ જે લોકોનાં ઘર પૂરમાં નાશ પામ્યાં હતાં કે પછી જે લોકોએ પોતાનાં પરિવારજનોને ગુમાવી દીધા, તેઓ આજે પણ પોતાનાં મકાનોને બનાવવા માટે સરકારી વળતરની રાહ જોઈ રહ્યા છે.
દાવા અને વાસ્તવિકતા
જોકે, સરકારના પ્રવક્તા સાજી ચેરિયને બીબીસી સાથે વાત કરતા દાવો કર્યો કે પૂર દરમિયાન કેરળના બધા રાજ્ય માર્ગ અને રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ ધ્વસ્ત થઈ ગયા હતા.
તેમનું એક વર્ષની અંદર પુનઃનિર્માણ કરી લેવામાં આવ્યું છે.
તેઓ કહે છે, "આખી દુનિયામાં એવું ક્યાંય થયું નથી કે કોઈ કુદરતી આફત બાદ આટલું જલદી પુનઃનિર્માણ થઈ ગયું હોય."
"એક લાખ કરતાં વધારે લોકો વિસ્થાપિત થયા હતા, જેમના માટે સરકાર મહિનાઓ સુધી જમવાની વ્યવસ્થા કરતી રહી. 40 હજાર પરિવારોને વળતર આપવામાં આવ્યું."
વિધાનસભામાં ચેરિયન જે વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરે છે તે પૂરમાં સૌથી વધારે પ્રભાવિત થયો હતો.
તેમના જ વિધાનસભા ક્ષેત્રની પંડાનાડ પંચાયત છે, જ્યાં 200 પરિવાર પૂરની ઝપેટમાં આવી ગયા હતા અને અહીંના 40 ઘર પાણીમાં વહી ગયાં હતાં.
અહીંની મન્નારથરા કૉલોનીમાં આજે પણ લોકો કમ્યુનિટી સેન્ટરમાં રહેવા માટે મજબૂર છે.
તેમાંથી જ એક છે રાધાકૃષ્ણન કે જેઓ સામુદાયિક ભવનની નજીક આવેલા એક કમ્પ્યૂટર સેન્ટરમાં રહે છે કેમ કે એક વર્ષ બાદ પણ તેમનું ધ્વસ્ત થયેલું મકાન તૈયાર થઈ શક્યું નથી.
તેમના જેવા બીજા પણ ઘણા લોકો છે જેમ કે સૂમા, કે જેઓ વિધવા છે.
સૂમા કહે છે કે રાહત શિબિરમાં તેમને 10 હજાર રૂપિયા વળતર તરીકે મળ્યા, પરંતુ ત્યારબાદ તેમને એક રૂપિયો પણ મળ્યો નથી.
તેઓ કહે છે, "શું દસ હજાર રૂપિયામાં તમે તમારું મકાન બનાવી લેશો સાહેબ?"
સૂમાના પાડોશમાં 75 વર્ષીય જાનકીનું પણ તૂટેલું ફૂટેલું ઘર છે.
તેઓ કહે છે, "પહેલા અમારા ઘરમાં ફ્રીઝ હતું, ટીવી હતું, પલંગ, કબાટ બધું હતું. તે હવે કંઈ જ રહ્યું નથી. હવે દસ હજાર રૂપિયા મળ્યા. તેમાં શું મકાન બનાવીએ અને શું સામાન ખરીદીએ."
કેરળનો સાક્ષરતા દર ભલે સમગ્ર ભારતમાં સૌથી વધારે છે, પરંતુ આ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ન તો પૂર અંગે પૂર્વ ચેતવણીની કોઈ પ્રણાલી કામ કરી રહી છે, ન ડૅમના પ્રબંધનની અને ન પૂરમાં ડૂબેલા ક્ષેત્રના પ્રબંધનની.
તેવામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષ 2018ની જેમ ફરી જો વરસાદ વરસ્યો અને ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ તો આ વર્ષે મોટો વિનાશ સર્જાઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો