આસામમાં ભયંકર પૂર : 1,556 ગામો પાણીમાં ગરકાવ, બચાવ માટે આર્મી બોલાવાઈ

આસામ રાજ્યમાં પૂરની સ્થિતિ બદતર થતાં આર્મીની મદદ લેવાની જરૂર પડી છે, 21 જિલ્લાના લગભગ 9 લાખ લોકો પ્રભાવિત થયા છે અને 6 લોકોનાં મૃત્યુ થયાં છે. બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી(એએસડીએમએ)ના અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે વરસાદ અને પૂરના કારણે ગોલાઘાટ, દિમા હસાઓમાં શુક્રવારે વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે, જે પૈકી 21 જિલ્લાના લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

ભારતમાં એક તરફ આસામમાં પૂર આવ્યું છે ત્યારે અન્ય રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોના અનેક વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી.

1,556 ગામો પાણીમાં ગરકાવ

બારપેટામાં સ્થિતિ સૌથી ખરાબ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. એએસડીએમએના જણાવ્યા પ્રમાણે બારપેટામાં સૌથી વધારે 3.5 લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે ધેમાજીમાં 1.2 લાખ અને બોંગાઈગાઓમાં 62,500 લોકો પ્રભાવિત થયા છે.

પૂરના પગલે ચિરાંગ, બારપેટા અને બાક્સામાં જમીન ધોવાણ થતાં 1,556 ગામો પાણીમાં ગરકાવ થયાં છે અને 27,864 હેક્ટર વિસ્તારમાં પથરાયેલાં ખેતરો, રસ્તા, બ્રિજ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે.

તંત્ર દ્વારા 11 જિલ્લામાં 68 જેટલા રાહત કૅમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સાત હજારથી વધારે લોકો આશરો લઈ રહ્યા છે.

આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓએ ગુરુવાર સુધીમાં 1,160 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. આ ટુકડીઓ ખોરાકની સામગ્રી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકો સુધી પહોંચાડી રહી છે.

બ્રહ્મપુત્રાની ભયજનક સપાટી

ગુવાહાટી, જોરહાટ, સોનિતપુર, ગોઆલપરા અને ઢુબરીમાં બ્રહ્મપુત્રા નદી ભયજનક જળસપાટી વટાવી ચૂકી છે.

બ્રહ્મપુત્રા ઉપરાંત બુર્હીદેહિંગ, દેસાંગ, ધનસિરી, જિઆ ભરાલી, બેકિ, કટખલ, કોપિલી,પુથિમરી, કુશિયારા સહિતની નદીઓ પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. જે રાજ્યના મોટાભાગના જિલ્લાઓને આવરી લે છે.

સેન્ટ્રલ વૉટર કમિશને પીટીઆઈને જણાવ્યું હતું કે નીમતિઘાટમાં બ્રહ્મપુત્રા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતાં 2.27 મીટર વધારે છે.

અહીં એશિયાનો સૌથી મોટો નદી વચ્ચે આવેલો ટાપુ મજુલી છે, ત્યાં લઈ જતી ફેરી સેવા પણ શુક્રવારે બંધ કરવાની ફરજ પડી હતી.

રેલવે વ્યવહાર પ્રભાવિત

લુમડિંગ-બદરપુર હિલ સ્ટેશન સહિત ઘણી જગ્યાઓએ રેલવે વ્યવહાર પર પ્રભાવિત થયો છે.

ઉત્તર-પૂર્વ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર પ્રણય જ્યોતિ શર્મા જણાવે છે કે પૂરને લીધે સ્થિતિ કકફોડી થઈ છે.

રેલવે ટ્રેકને પણ તેના કારણે અસર થઈ રહી છે, જેથી અમારે રેલવે વ્યવહારમાં ફેરફાર કરવા પડી રહ્યા છે.

કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

વન્ય વિસ્તારમાંથી બહાર આવતાં પ્રાણીઓ

ગેંડાઓ માટે જાણીતા કાઝીરંગા નેશનલ પાર્ક અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ પૂરથી પ્રભાવિત છે. અહીં નેશનલ હાઈવે પર વાહનોની ગતિને કાબૂમાં લેવા માટે બૅરિકેડ લગાવી દેવામાં આવ્યાં છે.

આસપાસના વિસ્તારોમાં વન્ય વિસ્તારમાંથી પ્રાણીઓ બહાર આવી રહ્યાં હોવાથી ગોલાઘાટમાં 144ની કલમ લાદી દેવામાં આવી છે.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે વન્ય પ્રાણીઓ સુરક્ષાની શોધમાં કરબી આંગલોગની ટેકરીઓ તરફ જઈ રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો