'દરેક હૉસ્પિટલમાં ગયા, ક્યાંય જગ્યા ન મળી', ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"અમારા સાડુભાઈ સુભાષ પટેલને કોરોના વાઇરસનાં લક્ષણો હતાં, શનિવારે અચાનક ઓક્સિજન લેવલ ઘટી જતાં હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થઈ. અમે વલસાડની દરેક હૉસ્પિટલમાં ફરી વળ્યા. પણ ક્યાંય પણ પથારી ન મળી."

"ત્યારબાદ અમે નવસારી ગયા પણ ત્યાં પણ કોઈ હૉસ્પિટલમાં પથારી ખાલી નહોતી. છેવટે અમે પાછા આવી ગયા અને હાલ ફૅમિલી-ડૉક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છીએ. ડૉક્ટરે કહ્યું છે કે જો પરિસ્થિતિ બગડે તો તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે.''

"જો સુભાષભાઈની તબિયત લથડે તો અમારે નાછૂટકે તેમને સુરત લઈ જવા પડશે. ત્યાં પણ પથારી મળશે કે કેમ તેની કોઈ ખાતરી નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે આવી પરિસ્થિતિ ન આવે."

આ શબ્દો સુભાષ પટેલના સંબંધી નટવર પટેલના છે. વલસાડ જિલ્લાના કેવાડા ગામના સુભાષ પટેલને છેલ્લા આઠ દિવસથી કોરોના વાઇરસનાં લક્ષણો છે.

શુક્રવાર રાત્રે સુભાષ પટેલની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, પણ તેમને કોઈ પણ હૉસ્પિટલમાં જગ્યા ન મળી. સુભાષ પટેલના ઓક્સિજન લેવલમાં વધઘટ થતી રહે છે અને એટલા માટે પરિવારના સભ્યોની ચિંતા વધી ગઈ છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં રેકર્ડ વધારો થતાં રાજ્યની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે અને મોટાભાગની હૉસ્પિટલોમાં બૅડ ઉપલબ્ધ નથી.

હૉસ્પિટલમાં જગ્યા ન હોવાના કારણે રાજકોટના મનહર પ્લૉટ વિસ્તારમાં રહેતા ભાયાભાઈ (બદલાવેલું નામ)ના મામાનું શનિવારે મૃત્યુ થયું હતું.

બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે 16 એપ્રિલની રાત્રે 11 વાગ્યે તેમના મામાની તબિયત લથડી ગઈ હતી અને રાજકોટના કોઈ પણ હૉસ્પિટલમાં જગ્યા ન મળતાં સારવારના અભાવે તેમનું મૃત્યુ થયું હતું.

રાજ્યમાં શું પરિસ્થિતિ છે?

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રવિવારે રાજકોટ સિવિલ હૉસ્પિટલની બહાર કોરોના વાઇરસના દરદીઓને દાખલ કરવા માટે ઍમ્બ્યુલન્સની લાઇન લાગી ગઈ હતી.

અગાઉ અમદાવાદની સિવિલ હૉસ્પિટલ બહાર કોરોના વાઇરસના દરદીઓને દાખલ કરવા માટે ઍમ્બ્યુલન્સની લાઇન લાગી હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

ત્યારે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ સમાચાર સંસ્થા ANIને જણાવ્યું હતું કે મેડિસીટી કૅમ્પસમાં 2120 બૅડની ક્ષમતા છે અને હાલમાં 2008 કોવિડ પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. સોમવાર રાત્રે અમે માત્ર એક કલાકની અંદર 45 ઍમ્બ્યુલન્સને અંદર આવવાની પરવાનગી આપી છે.

બીબીસીના સહયોગી ફોટોગ્રાફર કલ્પિત ભચેચે જણાવ્યું, "માત્ર સિવિલ હૉસ્પિટલ જ નહીં પણ અમદાવાદમાં કોરોના દરદીઓ માટે જાહેર કરવામાં આવેલ દરેક હૉસ્પિટલ દરદીઓથી ઊભરાઈ રહી છે."

"ઓક્સિજન અને વૅન્ટિલેટરવાળી પથારીઓ મેળવવા દર્દીઓ અને તેમના પરિવારજનો શહેરની હૉસ્પિટલોના ચક્કર મારી રહ્યા છે અને છતાં હૉસ્પિટલમાં જગ્યા મળી રહી નથી."

કંઈક આવી જ પરિસ્થિતિ વલસાડ અને નવસારી જિલ્લાની પણ છે, જ્યાં મોટાભાગની હૉસ્પિટલોમાં પથારીઓ નથી અને દર્દીઓને સારવાર માટે સુરત જવાની ફરજ પડી રહી છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, સોમવારે (સાંજની સ્થિતિ મુજબ) રાજ્યમાં 11 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.

સ્થિતિ બેકાબૂ કેમ થઈ રહી છે?

કોરોના વાઇરસની બીજી લહેરની અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ અસર થઈ છે અને આ શહેરોમાં દરેક વૉર્ડમાં મોટા પ્રમાણમાં કેસ આવી રહ્યા છે.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ મોના દેસાઈ કહે છે, "કોરોના વાઇરસની બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે અને દરેક ઉંમરની વ્યક્તિ સંક્રમિત થઈ રહી છે, જેના કારણે કેસમાં આટલો વધારો થયો છે. જો પરિવારની એક વ્યક્તિ સંક્રમિત થાય તો પરિવારના બધા સભ્યો પણ સંક્રમિત થઈ રહ્યા છે."

"બીજું સૌથી મોટું કારણ છે કે શહેરનો એક મોટો વર્ગ એવો છે, જેઓ હજુ સુધી માસ્ક પહેરતા નથી. આવા લોકો સુપર સ્પ્રેડર બની રહ્યા છે અને બીજા લોકોને પણ સંક્રમિત કરી રહ્યા છે. જો તમે હૉસ્પિટલોમાં જોશો તો ખબર પડશે કે હાલમાં જે કોરોના દરદીઓ આવી રહ્યા છે, તેમાં 25-40 વર્ષના લોકો સૌથી વધુ છે."

તેઓ વધુમાં જણાવે છે કે હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે હજુ દસથી બાદર દિવસ સુધી આ પરિસ્થિતિ રહેવાની છે અને પરિસ્થિતિ બગડી પણ શકે છે.

અમદાવાદમાં પ્રૅક્ટિસ કરતાં ચિંતન ગાંધી કહે છે, "લોકો કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરતા નથી, તેના અસંખ્ય પુરાવા છે. છેલ્લા એક વર્ષથી તંત્ર વિવિધ સૂચનાઓ આપી રહ્યું છે પણ લોકો તેનું ચુસ્તપણે પાલન કરતા નથી."

"તહેવારો અને લગ્ન સમારંભોમાં લોકોએ જે છૂટ લીધી છે, તેના કારણે કેસમાં આટલો ઝડપી વધારો થયો છે."

સુરતમાં પ્રૅક્ટિસ કરતાં વિશ્વજિત દાસ કહે છે, "બજારોમાં મોટી સંખ્યામાં લોકો આવીને મોટા ભાગે હજુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. નિયમો હળવા થતાં લોકોએ ભરપૂર છૂટ લીધી અને હજુ પણ લોકો માસ્ક વગર બહાર નીકળી જાય છે."

પથારી, દવા અને ક્સિજનની અછત

હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓ ભરાવો થતાં શહેરની મેડિકલ સિસ્ટમ પર દબાણ ઊભું થયું છે, જેની સીધી અસર આરોગ્ય સેવા પર પડી છે. કેસ સતત વધવાના કારણે અમદાવાદમાં દર્દીઓને ઓક્સિજન સાથેની પથારીઓ નથી મળી રહી.

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર હોવા છતાં પૂરતો ઓક્સિજન નથી અને રેમડેસિવિર જેવી દવા મેળવવા માટે દરદીના પરિવારજનોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.

મોના દેસાઈ કહે છે, ''હૉસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને ઘણા ડૉક્ટરો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે જે હૉસ્પિટલોની સાથે-સાથે મેડિકલ સ્ટાફ પર પણ ભારણ વધી રહ્યું છે."

"ઘણી જગ્યાએ સ્ટાફની અછત છે જેના કારણે હૉસ્પિટલો પથારીની ક્ષમતા પણ વધારી શકતી નથી."

ચિંતન ગાંધી કહે છે, "માત્ર હૉસ્પિટલોમાં જ નહીં પરતું લૅબોરેટરીઓ પર કામનું ભારણ અનેક ગણું વધી ગયું છે. અમદાવાદમાં એવા અનેક દાખલા છે, જ્યાં કોઈ દરદીનો રિપોર્ટ પૉઝિટિવ આવતો હોય તો સારવાર કરાવવાની જગ્યાએ બીજી લૅબમાં જઈને ફરીથી રિપોર્ટ કઢાવે છે. યોગ્ય સમયે સારવાર નહીં લેવાના કારણે પણ વાઇરસ ફેલાઈ રહ્યો છે."

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે : નીતિન પટેલ

રવિવારે ગુજરાતના આરોગ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં પથારીઓ અને બીજી સુવિધાઓની માગ છે, તેને પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે પણ જે ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે અમારી તૈયારીઓ ઓછી પુરવાર થઈ રહી છે.

આઉટલુક અનુસાર નીતિન પટેલે જણાવ્યું કે પ્રથમ લહેરમાં અમુક શહેરો અને જિલ્લાઓમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા પણ હવેરાજ્યનો કોઈ જિલ્લો બાકાત નથી.

તેમણે કહ્યું કે અમે સતત પથારીઓ સહિતની સુવિધાઓમાં વધારો કરી રહ્યા છીએ, પણ મોટા પ્રમાણમાં દર્દીઓ આવતાં હોવાથી દરેક દર્દીને સુવિધા આપવામાં મુશ્કેલી થઈ રહી છે.

"જે ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતાં કહીશ કે અમે જેટલી વ્યવસ્થા કરીએ છીએ, તેની સામે જરૂરિયાત વધતી જાય છે."

"અમારી દરેક મોટી હૉસ્પિટલો અને જૂની હૉસ્પિટલો, મેડિકલ કૉલેજ સહિતની સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલોમાં દર્દીઓને રાખવા માટેની જગ્યા ઓછી પડી રહી છે. અમે આ પરિસ્થિતિને નિવારવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ."

"રેમડેસિવિર ઇન્જેક્શન હોય, વૅન્ટિલેટર હોય અથવા ઓક્સિજન હોય એ દર્દીઓને મળી રહે તે માટે આરોગ્યવિભાગ દિવસ-રાત મહેનત કરી રહ્યો છે."

"પહેલાં 108ને દરરોજ 6000-8000 કૉલ આવતા હતા અને હવે કૉલ અનેકગણા વધી ગયા છે. કમનસીબે જે લહેર ચાલી છે તેમાં અમારી ક્ષમતા કરતાં વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે."

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ બહાર દર્દીઓને દાખલ કરવા માટે જે લાઇન લાગી રહી છે.

તેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું, "બીજી હૉસ્પિટલો દર્દીને દાખલ કરવામાં ના પાડે છે, જેના કારણે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ બહાર લાઇન લાગી રહી છે."

"આ સારી બાબત નથી પણ દરેક દર્દીનો જીવ બચાવવા માટે અમે કટિબદ્ધ છીએ. જ્યાં સુધી દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતું નથી, ત્યાં સુધી તેમને ઍમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપીએ છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો