ગુજરાતમાં લૉકડાઉન લાદવાની માગ ડૉક્ટર્સ કેમ કરી રહ્યા છે?

    • લેેખક, ઋષભ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણથી સ્થિતિ ખૂબ વણસી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર દર્દીઓને હૉસ્પિટલમાં પથારીઓ, પ્રાણરક્ષક ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સુવિધા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.

કોરોનાના ટેસ્ટ કરાવવા માટેના કેન્દ્રથી માંડીને સ્મશાન સુધી તમામ જગ્યાએ હાલ લોકોને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું હોવાની ફરિયાદો વ્યાપક બની છે. ત્યારે રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને લઈ નિષ્ણાત તબીબો ફરીથી લૉકડાઉન કરવાની માગ કરી રહ્યા છે.

જોકે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મીડિયા સમક્ષ કહી ચૂક્યા છે કે તેમની સરકાર લૉકડાઉન લાદવાના પક્ષમાં નથી.

બીબીસી ગુજરાતીએ લૉકડાઉનની માગણી કરી રહેલા આ તબીબો સાથે વાતચીત કરી, જેમાં કેટલાક તબીબોએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણની ચેઇન તોડવા માટે લૉકડાઉન જરૂરી છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગુજરાતમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહાનગરોની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.

રવિવારે અમદાવાદમાં 3694 અને સુરતમાં 2425 કેસ નોંધાવાની સાથે રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 10,340 કેસ નોંધાયા હતા. રાજ્યમાં રવિવારે કોરોનાની સારવાર લઈ રહેલા કુલ 110 દર્દીઓનાં મૃત્યુ નીપજવાની સાથે અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે કુલ 5267 મૃત્યુ નોંધાઈ ચુક્યાં છે.

રાજ્યમાં સિનિયર ડૉક્ટરો દ્વારા કરવામાં આવી રહેલી લૉકડાઉનની માગ અંગે વાત કરતાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ગુજરાત ચૅપ્ટરના પૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ જણાવે છે, ''હાલમાં કોવિડ સેન્ટર અને પથારીઓની સંખ્યા વધારાઈ રહી છે, જે જરૂરી છે પરંતુ સંક્રમણની ચેઇન તોડવી એ હાલમાં ખૂબ જ અગત્યની વાત છે."

"સંક્રમણને રોકવા માટે બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. જો લૉકડાઉન થાય અને 15 દિવસ માટે પણ લોકો બહાર નીકળતા બંધ થઈ જાય તો કોરોના સંક્રમણનો અપવર્ડ ટ્રૅન્ડ ચાલી રહ્યો છે તેમાં ઘટાડો થઈ શકે છે.''

હાલ કોરોનાના કારણે રાજ્યના સ્વાસ્થ્યતંત્રમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાત કરતાં ડૉ. જરદોશ કહે છે કે, ''કોરોના વાઇરસના નવા મ્યુટેશનના કારણે હાલમાં વાઇરસ દર્દીના શરીરમાં ઝડપથી પ્રસરે છે. ત્રણ દિવસમાં જ દર્દીને શ્વાસને લગતી તકલીફ શરૂ થઈ જાય છે."

"જેના કારણે હાલ ઓક્સિજનની જરૂરિયાતમાં પણ વધારો થયો છે. ત્યારે સરકાર દાવા કરી રહી છે કે દર્દીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે પરંતુ તબીબોના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિમાં દર્દીઓને માટે ખૂબ જ તકલીફ પડી રહી છે."

"ખાનગી હૉસ્પિટલોમાં દર્દીને ઇન્જેક્શન નથી મળી રહ્યાં અને પથારીઓની પણ અછત સર્જાયેલી છે.''

સિનિયર ડૉક્ટર વસંત પટેલે પરિસ્થિતિને જોઈને એક કવિતા થકી મુખ્ય મંત્રીને લૉકડાઉન કરવા અંગે વિનંતી કરી છે.

તેમણે હાલમાં રાજ્યમાં જોવા મળી રહેલી કોરોનાની પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે, "રાજ્યમાં હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, જો લૉકડાઉન લગાવવામાં આવે તો કોરોના વાઇરસના અતિ ઝડપથી વધી રહેલા સંક્રમણ પર ચોક્કસપણે બ્રેક લગાવી શકાય તેમ છે."

"જો લૉકડાઉન લગાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોનાના બમણા કેસ જોવા મળે તેવી સ્થિતિ પણ સર્જાવાની શક્યતા રહેલી છે."

તેઓ કહે છે તબીબોની સાથે સંતો, કલાકારો સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો પણ હાલ લૉકડાઉન કરવાની વાતનું સમર્થન કરી રહ્યા છે.

અહીં નોંધનીય છે કે કોરોનાના કેસમાં થઈ રહેલા ઉછાળાને લઈ તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે સરકારને રાજ્યમાં વણસેલી આરોગ્યની સ્થિતિને લઈ અસરકારક પગલાં લેવા માટે સૂચનો કર્યાં હતાં.

ડૉ. વસંત પટેલ આ અંગે આગળ વાત કરતાં જણાવે છે કે, "હાલ રાજ્યના સિનિયર ડૉક્ટરો જ્યારે લૉકડાઉનની માગ કરી રહ્યા છે ત્યારે આપણે સ્થિતિની ગંભીરતાનું અનુમાન લગાવી શકીએ છીએ."

આ વાત અંગે ડૉ.ચંદ્રેશ જરદોશ જણાવે છે, ''હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તબીબો અને નર્સિંગ સ્ટાફ સતત કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં જો તબીબો અને મેડિકલ સ્ટાફ બીમાર થવા લાગશે તો આખી સિસ્ટમ પેરાલાઇઝ થઈ જશે.''

''રાજ્યમાં વધતાં જતાં કોરોનાના કેસની સંખ્યાને જોઈ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે 3થી 4 દિવસનો કર્ફ્યુ લાદી શકાય તે માટે સૂચન કરી સરકાર પાસે આ અંગે જવાબ રજૂ કરવા કહ્યું હતું. જેના બાદ સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.''

'લોકો સ્વયંભૂ લૉકડાઉન પાળી રહ્યા છે'

રાજ્યના ઘણાં શહેરોમાં વેપારીઓ અને ધંધાર્થીઓ સાથે મળીને સ્વયંભૂ લૉકડાઉન પાળી રહ્યા છે.

સ્થાનિક વેપારી ઍસોસિયેશન અને ચેમ્બરો વેપારીઓની સાથે મળીને કોરોનાના સંક્રમણમાં ઘટાડો કરવા માટે મદદરૂપ થવા માટે આંશિક લૉકડાઉન લાગુ કરવા માટે નિર્ણયો કરી સહકાર પણ આપી રહ્યા છે.

સ્થિતિને જોતાં ઘણાં ગામો અને નગરોમાં પણ સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા આંશિક લૉકડાઉન લગાવી દેવાયું છે. કેટલાંક ગામોમાં બહારથી આવનારા લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ અંગે વાત કરતાં ડૉ. વસંત પટેલ જણાવે છે, કૉમ્યુનિટી સ્પ્રેડ વધી ગયું છે અને સંક્રમણનો આંકડો મોટી સંખ્યામાં આગળ વધી રહ્યો છે. જો લૉકડાઉન લગાવવામાં આવે તો આ સંક્રમણમાં કેટલાક અંશે ઘટાડો થઈ શકે છે.

તેઓ કહે છે કે, "અગાઉ લૉકડાઉન કરવામાં આવ્યું તેની પોઝિટિવ ઇફેક્ટ આપણને કોરોનાની પહેલી લહેરમાં જોવા મળી. તે સમયે કેસની સંખ્યા ઓછી હતી."

"હાલમાં બીજી લહેરમાં લૉકડાઉન નથી અને વાઇરસ પણ વધુ ઘાતક બન્યો છે જેના કારણે આપણું હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું પડી રહ્યું છે. તબીબો અને સ્ટાફ ઓછામાં ઓછા 12 કલાક સુધી કામ કરી રહ્યા છે."

તેઓ કોરોના વાઇરસની બીજી લહેરમાં સર્જાયેલી ચિંતાજનક પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે, " હાલની પરિસ્થિતિને જોઈ અને ઇન્જેક્શન, પથારીઓ અને ઓક્સિજન સહિતની જરૂરિયાત માટે દર્દીઓની આજીજી સાંભળીને હૃદય કંપી ઊઠે છે."

"કોરોના વાઇરસનું વધી રહેલું સંક્રમણ ઉદ્યોગ અને નાના-મોટા વેપાર-ધંધા પર પણ અસર કરી રહ્યું છે."

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર કોરોનાની બીજી લહેરના કારણે ગુજરાતમાં છેલ્લા 15થી 20 દિવસમાં કાપડના ઉત્પાદનમાં 25 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

જોકે લૉકડાઉન કરવાની જરૂરિયાત અંગે ઇનકાર કરતાં પોતાનું મંતવ્ય રજૂ કરતાં અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું કે, "હાલમાં લૉકડાઉન લાગુ કરવા કરતાં રાજ્યની બૉર્ડર સીલ કરવી જોઈએ."

"તેની સાથે જ કુંભ મેળામાંથી કે બંગાળની ચૂંટણીમાંથી પરત ફરી રહેલા લોકો રાજ્યની બહાર જ ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કરીને પ્રવેશ કરે તેવી વ્યવસ્થા થવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો