You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : એ માતાની કહાણી, જેમણે કોરોના સામે લડી પુત્રને જન્મ આપ્યો પણ મોત સામે હારી ગયાં
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'મારી બહેનને પ્રસુતિના છેલ્લા દિવસોમાં ક્યાંકથી કોરોનાનો ચેપ લાગી ગયો. એણે ભગવાન સાથે લડીને બાળકને દુનિયામાં લાવવાનું નક્કી કર્યું.'
"તેણે કોરોનામા દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી તે સ્વસ્થ હતી. દીકરાના માથે હાથ મૂકી હેત કરતી હતી અને ભગવાને તેમનો શ્વાસ છીનવી લીધો."
આ શબ્દો છે ડીસાના હરપાલસિંહના જેમનાં બહેન પુત્રને જન્મ આપતાની સાથે જ કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે.
કોરોના વાઇરસે હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે અને અનેક જિંદગોઓ દરરોજ છીનવી રહ્યો છે.
ક્યાંય કમાનાર પુત્ર, ક્યાંક ઘરના મોભી તો ક્યાંક પરિવારજનોને એકલા છોડીને વડીલો આ દુનિયા છોડી રહ્યા છે.
આ આવી જ એક કરુણ કહાણી છે, જેમાં પુત્રને જન્મ આપતાની સાથે જ માતાએ પોતાનો દેહ છોડી દીધો.
ખુશખુશાલ લગ્ન જીવન અને બાળક આવવાની ખુશી
હરપાલસિંહનાં બહેન સરોજકુંવરનાં લગ્ન મૂળ રાજસ્થાનના કૃપાલસિંહલ દેવડા સાથે થયાં હતાં.
કૃપાલસિંહ હાલ મુંબઈમાં કોન્ટ્રાક્ટર છે. બંનેનું લગ્નજીવન ખુશીઓથી ભરેલું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈમાં કોરોનાની વકરેલી સ્થિતને કારણે કૃપાલસિંહ થોડો સમય મુંબઈ અને થોડો સમય રાજસ્થાનમાં રહેતા હતા. સરોજબાનું પિયર ડીસાની પાસે આવેલું ધાનિયાડ ગામ.
ગયા વર્ષે એમને ખબર પડી કે એમના ઘરે પારણું બંધાવાનું છે અને સરોજકુંવર માતા બનવાનાં છે.
એટલે મુંબઈ છોડીને તેઓ પોતાના ગામ રાજસ્થાનમાં આવી ગયા. જે બાદ ખોળો ભરાયાની વિધિ થઈ.
જે બાદ તેઓ સરોજકુંવરબાની સાથે જ ધાનિયાડમાં રહેવા માટે આવી ગયા. તેમને ત્યાં પ્રથમ સંતાનની ખુશી હતી.
હરપાલસિંહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે મારા બનેવી મારાં બહેન સાથે અહીં આવીને અમારા જ ઘરે રહેતા હતા.
તેમણે કહ્યું, "મારા બહેનની પાટણના ડૉક્ટરની હેઠળ ગર્ભાવસ્થાને લઈને સારવાર ચાલતી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું."
"બહેનને નવમો મહિનો ચાલતો હતો અને અચાનક તેમને તાવ આવવાનો શરૂ થયો. તાવ ઊતરતો ન હતો તો અમે તેમને પાટણ હૉસ્પિટલમાં લઈ ગયા."
તેઓ કહે છે, "ડૉક્ટરે તાવની સ્થિતિ જોઈને કહ્યું કે સરોજકુંવરનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે. અમે તેમનો ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે ઘરની બહાર પગ ન મુકનારી મારી બહેને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે."
કોરોના બાદ પ્રસૂતિના દિવસોનો સંઘર્ષ
હરપાલસિંહના કહેવા પ્રમાણે તેમને પ્રસૂતિના માંડ ગણતરીના દિવસો બાકી હતા. જેથી ડૉક્ટરની સલાહ અનુસાર અમે તેમને ધારપુર સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા.
ધારપુર સિવિલ હૉસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડૉક્ટર ઉદય પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે જ્યારે સરોજકુંવર અમારી પાસે આવ્યાં ત્યારે તેમને શ્વાસની તકલીફ હતી.
ડૉક્ટરે કહ્યું, "તેમને કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું અને પ્રસૂતિ થવામાં માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા. અમારા માટે એ નિર્ણાયક ઘડી હતી."
"નોર્મલ ડિલિવરી રાહ જોઈએ તો કદાચ બાળક અને માતા બંનેનાં મોત થવાની શક્યતા હતી."
"એમને ઓક્સિજન સપોર્ટ પર રાખવાં પડ્યાં હતાં. હૉસ્પિટલમાં દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ 93ની નીચે હતું જે બાદ તે ઘટીને 87 થઈ ગયું હતું."
કોરોના વાઇરસની સ્થિતિમાં ઓક્સિજન લેવલ ખૂબ જ મહત્ત્વનું હોય છે. સામાન્ય રીતે 94થી ઉપર ઓક્સિજન લેવલ હોય તો સારું ગણાય છે.
પુત્રનો જન્મ અને જિંદગી સામે જંગ
ઉદય પટેલે કહ્યું, "આવી સ્થિતિમાં બાળક અને માતા બંને પર જોખમ હતું, જે બાદ અમે એનેસ્થેટિસ્ટને બોલાવ્યા અને એમની સારવાર શરૂ કરી."
"ઘણી મહેનત બાદ અમે તેમનું ઓક્સિજન લેવલ 96 સુધી લાવ્યા. અમારા માટે આ રાહતના સમાચાર હતા. કારણ કે કોરોના પૉઝિટિલ ગર્ભવતી મહિલાઓને આવા સમયે સિઝેરિયન કરીને અમે માતા અને બાળકને બચાવી લેતાં હોઈએ છીએ."
"આ પહેલાં પણ અમે ચાર કેસમાં બંનેને બચાવી લીધાં હતાં. એટલે અમને થોડી હિંમત હતી."
"અમારી ડૉક્ટરની ટીમે નક્કી કર્યું કે રાત સુધી જો ઓક્સિજન લેવલ જળવાઈ રહે તો સવારે ઑપરેશન કરી માતા અને બાળક બંનેને બચાવી લેવા કોશિશ કરીએ."
ડૉક્ટરના કહેવા પ્રમાણે સવાર સુધીમાં માતાની તબિયત સારી થઈ હતી.
ઉદય પટેલ કહે છે, "અમારી ટીમ તૈયાર હતી, સામાન્ય રીતે અમે સિઝેરિયન 39થી 42 મિનિટમાં કરી લેતા હોઈએ છીએ."
"એમનું ઓક્સિજન લેવલ બરાબર હતું, અમે યૂટરસ પરે બે કાપ મૂકીને સિઝેરિયન કરવાને બદલે એક કાપ મૂકવાનું નક્કી કર્યું, જેથી સમય ઓછો જાય અને દર્દીને લોહીની જરૂર ના પડે."
"અમારી ટીમને ખબર હતી કે અમે કોરોના પૉઝિટિવ દર્દીનું ઑપરેશન કરી રહ્યા છીએ. અમને પણ ચેપ લાગવાની સંભાવના હતી. જેથી અમે પૂરતી તૈયારી સાથે આવ્યા હતા."
"અમે નક્કી કર્યા મુજબ 28 મિનિટમાં સફળ ઑપરેશન કરીને બાળકને જન્મ આપ્યો હતો. એ સમયે માતા સરોજકુંવર બેભાન હતાં."
બાળક જન્મની ખુશી અને મોત સામે હાર્યાં જંગ
બાળકના જન્મ બાદ તેની સારવાર કરવા માટે હૉસ્પિટલની નિયોનેટલ પીડિયાટ્રિશ્યનની ટીમ તૈયાર હતી.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકનું વજન બરાબર હતું અને બાળક સ્વસ્થ હતું.
પીડિયાટ્રિક વિભાગના વડા ડૉક્ટર કિરણ ગામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે પ્રસૂતિ બાદ બાળક અને માતા બંનેની હાલત સ્થિર હતી.
તેમણે કહ્યું, "સરોજકુંવર જેવાં ભાનમાં આવ્યાં કે અમે બાળકને તેમની પાસે લઈ ગયાં, એમણે બાળકના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખોમાં સંતાનને જન્મ આપવાની ખુશી જોઈ શકાતી હતી."
જોકે, ત્યારબાદ તેમની તબિયત બગડી અને તેમણે પોતાનો દેહ છોડી દીધો.
બીબીસીએ સરોજકુંવરના પતિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ વાત કરી શકે એવી સ્થિતિમાં ન હતા.
સરોજકુંવરના ભાઈ હરપાલસિંહે કહ્યું, "મારી બહેન તેના દીકરાને આ દુનિયામાં લાવવા માગતી હતી, જેથી તેણે વૅન્ટિલેટર પર પણ રહીને બાળકને જન્મ આપ્યો."
હરપાલસિંહનું કહેવું છે કે હવે હૉસ્પિટલ બાળકનો કોરોના ટેસ્ટ કરશે અને પછી બાળકને તેમને સોંપશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો