રિયાલિટી ચૅક : ભારતમાં કોરોના વાઇરસ વકરવા પાછળ ચૂંટણીસભાઓ જવાબદાર છે?

    • લેેખક, શ્રુતિ મેનન અને જૅક ગુડમેન
    • પદ, બીબીસી રિયાલિટી ચૅક

એક બાજુ જ્યારે ભારત કોરોના વાઇરસના સતત વધતા કેસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભારતીય આરોગ્યતંત્ર પોતાની જાતને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

કેટલાક લોકો માને છે કે કોરોના વાઇરસના કેસમાં અચાનક આવેલ રૅકર્ડ વૃદ્ધિ પાછળ એ રાજકીય પક્ષો જવાબદાર છે, જેમણે જોખમ હોવા છતાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી-મોટી સભાઓ યોજવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ કર્યો નથી.

જોકે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોરોના વાઇરસના વધતાં કેસ અને રાજકીય રેલી વચ્ચે કોઈ સંબંધ નથી.

બીબીસી સાથેની વાતચીતમાં ભાજપના નેતા ડૉક્ટર વિજય ચોથાઈવાલે કહે છે, કોરોના વાઇરસના વધતાં કેસનો ધાર્મિક અથવા રાજકીય કારણોસર ભેગી થયેલ ભીડ સાથે કોઈ સંબંધ નથી."

ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ

સપ્ટેમ્બર 2020થી ભારતમાં કોરોના વાઇરસના કેસ ધીમે-ધીમે ઘટવા લાગ્યા હતા પણ ફેબ્રુઆરી 2021માં કેસમાં ઝડપથી વધારો થવાની શરુઆત થઈ હતી.

માર્ચમાં ચેપ એટલી ઝડપથી ફેલાયો કે પાછલાં વર્ષના બધા રૅકર્ડ તૂટી ગયા.માર્ચમાં જ્યારે કોરોના વાઇરસના કેસ રૅકર્ડ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે ભારતના રાજકીય પક્ષો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં થનાર ચૂંટણીઓ માટે મોટી-મોટી સભાઓ કરી રહ્યા હતા.

માર્ચના આરંભથી ચૂંટણીસભાઓ શરૂ થઈ ગઈ હતી કારણકે માર્ચના છેલ્લા અઠવાડિયાથી લઈને સમગ્ર એપ્રિલ દરમિયાન મતદાન થવાનું હતું.

ચૂંટણીસભાઓના કારણે કેસ વધ્યા?

ચૂંટણીસભાઓમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કઈ નહોતું. સભાઓમાં માસ્ક પહેરેલા લોકો પણ ભાગ્યે જ જોવા મળ્યા હતા.

સામાન્ય જનતાની સાથે-સાથે નેતાઓ અને ઉમેદવારો પણ ચૂંટણીસભા દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનો પાલન કરતા નહોતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાઓ દરમિયાન કોરોના વાઇરસના પ્રોટોકોલનું પાલન થતું ન હોવાનું બહાર આવતાં ચૂંટણીપંચે ચેતવણી પણ આપી હતી.

ચેતવણી આપવા છતાં નેતાઓએ કોરોના વાઇરસના નિયમોનું પાલન નહીં કરતા ચૂંટણી પંચે 22 એપ્રિલથી ચૂંટણીસભા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

પશ્ચિમ બંગાળમાં માર્ચના બીજા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી કોરોના વાઇરસના કેસમાં તીવ્ર વધારો નોંધાયો છે.

ચૂંટણીઓ થવાની છે તેવાં બીજાં રાજ્યો જેમ કે આસામ, કેરળ અને તામિલનાડુમાં પણ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં કોરોના વાઇરસના કેસમાં સમાન વધારો જોવા મળ્યો હતો.

જોકે, અમારી પાસે એ વિસ્તારના સંક્રમણ સાથે સંબંધિત સ્થાનિક ડેટા નથી. જ્યાં સભાઓ યોજવામાં આવી હતી અથવા જ્યાં લોકોએ સભાઓમાં ભાગ લીધો હતો જોકે, એવું નથી કે આ સમયગાળા દરમિયાન ફક્ત જે રાજ્યોમાં ચૂંટણી હતી માત્ર ત્યાં જ કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો.

આ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના કેસમાં તીવ્ર વધારો નોધાયો હતો.

દાખલા તરીકે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં ચૂંટણી અથવા ચૂંટણીસભા જેવું કોઈ આયોજન ન હોવા છતા કોરોના વાઇરસના કેસોમાં રૅકર્ડ વધારો થયો છે.

એટલા માટે કોરોના વાઇરસના વધતા કેસ અને ચૂંટણીસભાઓ વચ્ચે કોઈ સંબંધ દેખાડવા માટે કોઈ નક્કર પુરાવા અથવા ડેટા હાજર નથી.

બહારના કાર્યક્રમોથી કેટલું જોખમ છે?

નિષ્ણાતો માને છે કે ખુલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં ચેપનો જોખમ પ્રમાણમાં ઓછું હોય છે.

વારવિક મેડિકલ સ્કૂલના પ્રોફેસર લોરેન્સ યંગ કહે છે, "ખુલ્લી હવામાં કોરોના વાઇરસની અસર ઝડપથી ઓછી થઈ જાય છે."

જોકે, તેમ છતાં ઘણાં એવાં કારણો છે જેનાથી ચૂંટણી સભા જેવા કાર્યક્રમમાં ચેપની શક્યતાને વધારી દે છે. જો ખુલ્લી પરતું ભીડ હોય એવી જગ્યામાં લોકો લાંબા સમય સુધી રહે તો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

પ્રોફેસર યંગ કહે છે, "જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લાંબા સમય સુધી બહાર રહે છે તો ચેપ ફેલાશે."

બ્રિસ્ટોલ યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન રીડ કહે છે કે જો ખુલ્લી જગ્યામાં પણ લોકો એક મિટરની અંદર સામસામે ઊભા રહેશે તો ચેપ થવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

તેઓ કહે છે, "કેમ કે સભાઓમાં મોટેથી સૂત્રોચ્ચાર કરવામાં આવે છે, ત્યારે લોકોના મોઢામાંથી ચેપ ફેલવાનાર ડ્રોપલેટ બહાર આવવાની શક્યતા વધી જાય છે."

શું ચેપ પાછળ વારસનો નવો વૅરિન્ટ જવાબદાર છે?

વૈજ્ઞાનિકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર પાછળ કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ જવાબદાર છે કે કેમ? નિષ્ણાતો મુજબ આવું હોઈ શકે છે. પરંતુ તેને સાબિત કરવા માટે હજી સુધી પૂરતા પુરાવા નથી.

ડેટાના અભાવને કારણે કોરોના વાઇરસના ભારતીય વૅરિએન્ટને પબ્લિક હેલ્થ ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા વૅરિયન્ટ ઑફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યો નથી જ્યારે બ્રિટન, બ્રાઝિલ અને આફ્રિકી વૅરિએન્ટને વૅરિયન્ટ ઑફ કન્સર્ન તરીકે સ્વીકારવામાં આવ્યા છે.

અત્રે નોંધવું રહ્યું કે ભારતમાં માર્ચ મહિનાથી કુંભ મેળા જેવો વિશાળ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આ મેળામાં ભાગ લીધો હતો.

પરંતુ તેમ છતાં અહીં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા જોવા મળી નહોતી.

10થી 14 એપ્રિલ વચ્ચે કુંભ મેળામાં 1600થી વધુ પૉઝિટિવ કેસ સામે આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો