વિજય રૂપાણીના શહેરમાં જ ડૉક્ટરોની આજીજી, 'હૉસ્પિટલોને ઓક્સિજન આપો નહીં તો દર્દીઓ મરી જશે'

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાની બીજી લહેરમાં દરદીઓને ઓક્સિજનની વધુ જરૂર ઊભી થઈ રહી છે, રાજ્યની અનેક હોસ્પિટલમાંથી પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન ન હોવાની બૂમરાણ સંભળાઈ રહી છે.

બીજી બાજુ, રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ક્વોટા ઉપલબ્ધ છે.

ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલુ છે. દેશની પાંચથી વધુ હાઈકોર્ટમાં કોરોના સંબંધિત સરકારની કામગીરી વિશે સુનાવણી ચાલી રહી છે.

દેશની સર્વોચ્ચ અદાલતે પણ કોરોના સંબંધિત સ્થિતિની સુઓ-મોટો નોંધ લઈને કેન્દ્ર સરકાર પાસેથી રાષ્ટ્રીય આયોજન વિશેની વિગતો માગી છે.

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, ગુરુવાર સાંજની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કોરોનાના 92 હજાર 84 ઍક્ટિવ કેસ છે, જે એક-બે દિવસમાં એક લાખને પાર કરી જશે એવી આશંકા સેવવામાં આવી રહી છે.

'અનેક રજૂઆતો કરી, પણ...'

ગોંડલની શ્રીરામ સાર્વજનિક હૉસ્પિટલની મૅનેજમૅન્ટ કમિટીના સભ્ય દેવેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે, "અમારે ત્યાં કોરોનાના 35 બેડ છે અને તે પૂરેપૂરા ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા કોવિડની કામગીરીના સંકલન માટે વૉટ્સઍપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે."

"જેમાં કોવિડ માટે કેટલા ખાટલા ફાળવવામાં આવ્યા છે અને કેટલા ઉપલબ્ધ છે તેની માહીત ઉપલબ્ધ કરાવવાની હોય છે અને જરૂરિયાત વિશે જણાવવાનું હોય છે. આ ગ્રૂપમાં તથા અન્ય રીતે પણ અમે તથા અન્ય હૉસ્પિટલોએ સ્થાનિક તંત્રને પરમદિવસ રાતથી રજૂઆત કરી રહ્યા છીએ. છતાં ઓક્સિજન નથી મળી રહ્યો."

"ગઈકાલે રાત્રે એક ગાડી ગઈ હતી, જે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ 22 બોટલ લઈને આવી છે. જેનાથી થોડા સમય માટે સમસ્યા હળવી થઈ છે, પરંતુ આગામી સમય વિશે કંઈ ખબર નથી."

"આ પહેલાં બે દરદીનાં અવસાન થઈ ગયા. ટ્રસ્ટની અન્ય એક ગાડી શાપરમાં (રાજકોટ જિલ્લો) ઓક્સિજન માટે ગઈ છે, પરંતુ હજુ નથી આવી."

રાજકોટની જેનેસિસ હૉસ્પિટલોના તબીબોએ ઓક્સિજનની કમીને લઈને પત્રકાર પરિષદ કરી હતી.

તેમના કહેવા પ્રમાણે તેમની હૉસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂબ ઓછો છે અને જો ઓક્સિજનની સપ્લાય કરવામાં નહીં આવે તો દર્દીઓનાં મોત પણ થઈ શકે છે.

જેનેસિસ હૉસ્પિટલના ડૉ. અર્ચિત રાઠોડે પત્રકારોને કહ્યું હતું કે બહુ ગંભીર દર્દીઓ ઓક્સિજન વિના જીવી શકે નહીં, બે મિનિટ પૂરતો પણ ઓક્સિજન સપ્લાય થતો બંધ ના થવો જોઈએ.

જેનેસિસના ડૉક્ટરોના કહેવા પ્રમાણે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેમને ઓક્સિજન મળી રહ્યો નથી, તેમનો આશય પેનિક ફેલાવાનો નથી પરંતુ સાચી સ્થિતિ શું છે તે દર્શાવવાનો છે.

'દાખલ તો કરીએ પણ...'

દક્ષિણ ગુજરાતની એક ખાનગી હૉસ્પિટલના તબીબના જણાવ્યા પ્રમાણે, "તંત્રની વિનંતી ઉપર કોવિડ હૉસ્પિટલ શરૂ કરી હતી, પરંતુ હવે ઓક્સિજનના સપ્લાયમાં ધાંધિયા થઈ રહ્યાં છે. એટલે અમે કોરોનાના નવા દરદી લઈ નથી શકતા. ઓક્સિજનના અભાવે જો દરદીની સ્થિતિ કથળે તો તેના માટે જવાબદાર કોણ?"

ખાનગી હૉસ્પિટલના તબીબોને આશંકા રહે છે કે ઓક્સિજન, ઇન્જેકશન કે સારવારમાં કચાશને કારણે જો દરદીનું મૃત્યુ થાય તો તેનો રોષ તેમના સ્ટાફ ઉપર કે હૉસ્પિટલની સંપત્તિ ઉપર ઉતરી શકે છે.

દરમિયાન સુરતના કલેક્ટર ધવલ પટેલે નિવેદન કર્યું હતું કે હાલમાં ઓક્સિજનની જે માગ છે, તે માંડ-માંડ પૂર્ણ થઈ રહી છે અને જો હવે માગ વધી, તો તેને પૂર્ણ કરવી મુશ્કેલ બનશે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સ્થિતિ અંગે સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી, જેમાં રાજ્ય સરકાર વતી રજૂઆત કરતા વકીલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં એક હજાર 50 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે, જેની સામે એક હજાર 100 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે.

તા. નવમી જરૂરિયાતે રાજ્યની કુલ જરૂરિયાત 472 મેટ્રિક ટન હતી. આ અંગે આગામી મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જોકે, રાજ્યના મહાનગરો તથા અલગ-અલગ શહેરોમાં સતત સળગતી ચિતાઓ, કબ્રસ્તાનમાં ઘટી પડેલી જગ્યા અને કોવિડ પ્રોટોકોલ મુજબ થતી અંતિમવિધિ સરકારના દાવા ઉપર સવાલ ઉઠે છે. આ અંગેના સવાલ ગુજરાતના અખબારો તથા ટીવી ચેનલોમાં પ્રકાશિત થઈ રહ્યા છે.

'ધંધાને નુકસાન તો થશે પણ...'

ગુરુવાર સાંજ સુધી મુખ્ય મંત્રી વિજય રૂપાણીના 'હોમ ટાઉન' રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનના અભાવની બૂમરાણ હતી.

શુક્રવારે સવારે જિલ્લાતંત્રે જાહેર કર્યું કે, જિલ્લામાં ઓક્સિજનની તંગીની સ્થિતિ '80-90 ટકા સુધી' કાબૂમાં આવી ગઈ છે અને સાંજ સુધીમાં 'પૂર્ણપણે' કાબૂમાં આવી જશે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગરથી એક ટ્રક ઓક્સિજન આવી જશે.

ભાવનગરસ્થિત 'શ્રીરામ ઑક્સિગૅસ'ના મુકેશ પટેલના કહેવા પ્રમાણે, "હાલ અમારા ઓક્સિજન પ્લાન્ટની કામગીરી જિલ્લાતંત્રને હસ્તક છે. જે કેન્દ્રીયસ્તરે તેમને મળેલા નિર્દેશો મુજબ, જ્યાં જેટલી જરૂરિયાત હોય તે મુજબ ઓક્સિજન મોકલવા માટેનું વ્યવસ્થાપન કરે છે."

"સામાન્ય સંજોગોમાં અમારા પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા 100થી 108 ટનની છે. જે અમે અમારા ટેન્કર મારફત તેને જે-તે સ્થળે મોકલાવી આપીએ છીએ."

દેશભરમાં ઓક્સિજનની તંગીની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા ઔદ્યોગિક વપરાશનો ઓક્સિજન પણ મેડિકલ માટે ડાયવર્ટ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. આની અસર પટેલને પણ પડી છે. પટેલના કહેવા પ્રમાણે:

"ઓક્સિજન ડાયવર્ટ થવાથી અલંગના દરેક શિપબ્રેકરને તેની અસર પડી છે. દૈનિક 100થી 150 ટનની ક્ષમતા હોય લોનનું વ્યાજ, ભાડું, ફિસ સહિતના સ્થિર ખર્ચા ચાલુ જ છે. ધંધાને નુકસાન તો થશે, પરંતુ અત્યારે દરેકની પ્રાથમિકતા માનવજીવ બચાવવાની છે."

તાજેતરમાં તેમની કંપનીએ બહુપ્રતિષ્ઠિત 'આઈએનએસ વિરાટ' ખરીદ્યું હતું, જેને તોડવાની કામગીરી અટકી ગઈ છે.

નાઇટ્રોજન તથા અર્ગનના સિલિન્ડરને પણ મેડિકલ ઓક્સિજન માટે વાપરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, આ પ્રક્રિયા લાંબી હોય છે અને તેને પૂર્ણ કર્યા બાદ તબીબી ગુણવત્તાનું સર્ટિફિકેટ લેવાનું રહે છે. આ બધું 'રાતોરાત' ન થઈ શકે, એમ જાણકારોનું માનવું છે.

મોદી-શાહ, સ્થિતિ અને સમીક્ષા

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પશ્ચિમ બંગાળના ચૂંટણીકાર્યક્રમને અટકાવી દીધો હતો અને કોરોનાસંબંધિત કામગીરીની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો.

ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર પણ સક્રિય બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરની બેઠક ઉપરથી સંસદસભ્ય અમિત શાહ અમદાવાદ પહોંચી રહ્યાં છે.

અહીં તેઓ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા ઊભી કરવામાં આવેલી હૉસ્પિટલની મુલાકાત લેશે. અહીંની કામગીરી માટે કેન્દ્રીય પોલીસ બળોના તબીબી સ્ટાફ તથા તબીબોને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

સશસ્ત્ર દળોના છાવણી વિસ્તારમાં આવેલી જગ્યા ઉપર કોવિડની હૉસ્પિટલો શરૂ કરવામાં આવી રહી છે.

ભારતીય વાયુદળના વિમાનો દ્વારા ઓક્સિજનના કન્ટેઇનર, દવાઓ તથા તબીબી સ્ટાફને એકસ્થળેથી બીજાસ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રેલવે દ્વારા ઓક્સિજનનું વહન સરળતાથી થઈ શકે તે માટે રો-રો (રોલ-ઓન રોલ-ઑફ) ટ્રેન દોડાવવામાં આવી રહી છે અને તેને ગ્રિન કૉરિડોર આપવામાં આવી રહ્યું છે.

આ વ્યવસ્થામાં ઓક્સિજન ભરેલી ટ્રકને સીધી જ ટ્રેન ઉપર ચઢાવી દેવામાં આવે છે, જેથી કરીને તે સીધી જ ગંતવ્ય સુધી પહોંચી શકે અને ટ્રાફિક નિયમન દરમિયાન આ ટ્રેનને પ્રાથમિકતાથી રવાના કરવામાં આવે છે.

ગુરુવારે રાત્રે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના પ્લાન્ટ ખાતેથી 100 ટન ઓક્સિજન સાથેની ટ્રકો રો-રો સેવા દ્વારા મહારાષ્ટ્ર રવાના થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો