You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના ઇલાજ માટે એઇમ્સ અને ICMRની નવી ગાઇડલાઇનમાં શું ફેરફારો કરાયા?
એઇમ્સ, ICMR - કોવિડ-19 ટાસ્ક ફૉર્સ અને જૉઇન્ટ મૉનિટરિંગ ગ્રૂપે કોરોના વાઇરસના પુખ્ત વયના દર્દીઓ માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં દર્દીઓને માઇલ્ડ, મૉડરેટ અને સીવિયર કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેમની સારવારની રીતો વિશે માહિતી આપવામાં આવી છે.
આ ગાઇડલાઇન પ્રમાણે એવા દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થઈ રહી તેમને માઇલ્ડ ડિસીઝ, હળવા સંક્રમણની શ્રેણીમાં આવશે.
મૉડરેટ શ્રેણી એટલે કે ગંભીર શ્રેણીમાં એવા દર્દીઓ હશે જેમનો ઓક્સિજન સ્તર રૂમની હવામાં 90 થી 93 ટકા વચ્ચે હોય.
સીવિયર એટલે કે ખતરનાક શ્રેણીમાં એવા દર્દીઓ આવશે જેમનો ઑક્સિજન સ્તર રૂમની હવામાં 90 ટકાથી ઓછો છે.
માઇલ્ડ ડિસીઝના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અને ડૉક્ટરની સલાહ લેવાનું સૂચવવામાં આવ્યું છે.
મૉડરેટ શ્રેણીના દર્દીઓને વૉર્ડમાં દાખલ થવાની સલાહ અપાઈ છે. જ્યાં તેમને ઓક્સિજન સપોર્ટ મળી શકે. આ દરમિયાન જો દર્દીની પરિસ્થિતિ ગંભીર થઈ જાય તો ચેસ્ટ સીટી અને એક્સ-રે કરવાની સલાહ અપાઈ છે.
સીવિયર શ્રેણીના દર્દીઓને ICUમાં દાખલ કરવાની સલાહ અપાઈ છે. આ દરમિયાન તેમની સ્થિતિ અનુસાર રેસ્પિરેટરી સપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.
મૉડરેટ અને સીવિયર શ્રેણીના દર્દીઓના ક્લિનિકલ સુધાર બાદ ડિસ્ચાર્જ ક્રાઇટેરિયાના આધારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવાનું કહેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
60 વર્ષથી વધુ વયના લોકો, હૃદય સંબંધિત બીમારી, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ, લીવર અને ફેફસાં સંબંધિત બીમારીઓથી પીડાતા લોકો ગંભીર બીમાર પડે તેવી આશંકા છે. આવી વ્યક્તિઓમાં મૃત્યુ દર પણ વધુ જોવા મળ્યો છે.
રેમડેસિવિર માત્ર મૉડરેટ અને સીવિયર શ્રેણીના એ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે જેમને ઑક્સિજન સપોર્ટની જરૂર નથી.
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ અને ઑક્સિજન સપોર્ટ ન લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવાની સલાહ અપાઈ છે.
ગંભીરપણે બીમારી દર્દીઓ, જેમને ICUમાં દાખલ કર્યાના 24-48 કલાક થઈ ચુક્યા હોય તેમ છતાં તેમની બીમારી ગંભીર બનતી જઈ રહી હોય તો તેવા કિસ્સામાં જ ટોસિલિઝુમેબ આપવાની સલાહ અપાઈ છે.
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં બે કલાક જ ચાલી શકે એટલો ઓક્સિજનનો જથ્થો, 25 દર્દીઓનાં મોત, 60 ખતરામાં
દિલ્હીના સર ગંગારામ હૉસ્પિટલે કહ્યું છે કે તેમની પાસે આગામી બે કલાક સુધી જ ચાલી શકે તેટલો ઓક્સિજનનો જથ્થો છે. હૉસ્પિલટલના વૅન્ટિલેટર અને બાઇપેપ મશીન સારી રીતે કામ નથી કરી રહી.
હૉસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું છે કે 60 'અત્યંત ગંભીર' દર્દીઓના જીવ જોખમમાં છે.
સૂત્રો પ્રમાણે પાછલા 24 કલાકમાં ગંગારામમાં 25 'અત્યંત ગંભીર' લોકોનાં મૃત્યુ થઈ ચુક્યાં છે. સંભવ છે કે તેનું કારણ ઓક્સિજનની અછત જ છે.
હૉસ્પિટલે જણાવ્યું છે કે ઇમરજન્સી અને ICUમાં હાલ મેન્યુઅલ વૅન્ટિલેશનની મદદ લેવાઈ રહી છે કારણ કે મશીનવાળા વૅન્ટિલેટર કામ નથી કરી રહ્યા.
જોકે, છેલ્લી ઘડીએ સર ગંગારામ હૉસ્પિટલને ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. અહીં ઓક્સિજનની ઘટને જોતાં અંત સમયે ઓક્સિજન ટેન્કર પહોંચી ગયું છે.
મહારાષ્ટ્રમાં હૉસ્પિટલમાં આગ, 13 કોરોના દર્દીઓનાં મોત
સમાચાર એજન્સી ANI મારફતે મળી રહેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની વસાઈ હૉસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગવાને કારણે ICUમાં દાખલ 13 દર્દીઓનાં મૃત્યુ થઈ ગયાં છે.
વિરાર નગરપાલિકાએ આ ઘટનાની પુષ્ટિ પણ કરી છે. ઈજાગ્રસ્ત દર્દીઓને નજીકની હૉસ્પિટલમાં શિફ્ટ કરાઈ રહ્યા છે.
સમાચાર એજન્સી PTIને પોલીસે જાણકારી આપી છે કે આ ઘટનામાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે.
બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાશિકમાં એક હૉસ્પિટલમાં ઓક્સિજન લીક થવાના કારણે 22 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
કોરોનાનો કેર : ગુજરાતમાં દર મિનિટે નવ ચેપગ્રસ્ત, દર કલાકે પાંચનાં મૃત્યુ
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં ગુરુવારે કોરોનાના કુલ 13,105 નવા કેસો મળી આવ્યા હતા. તેની સામે માત્ર 5,010 લોકો જ આ માંદગીમાંથી બેઠા થયા હતા.
જો આ આંકડાની સરેરાશ મેળવવામાં આવે તો રાજ્યમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ આંકડાઓ અનુસાર રાજ્યમાં દર નવ મિનિટે એક કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ મળી આવી રહી છે. જ્યારે કોરોનાની માંદગીમાંથી બેઠા થવાનો દર દર મિનિટે ત્રણ વ્યક્તિનો જ છે.
ગુરુવારે રાજ્યમાં કોરોનાના કારણે 137 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે વિપક્ષ અને ઘણા નિષ્ણાતો રાજ્યમાં નવા કેસો અને મૃત્યુના આંકડા સરકારી આંકડા કરતાં ઘણા વધુ હોવાનો દાવો કરી ચુક્યા છે.
જો આ આંકડાની સરેરાશ કાઢવામાં આવે તો દર કલાકે રાજ્યમાં કુલ પાંચ વ્યક્તિનાં દુ:ખદ મૃત્યુ થઈ રહ્યાં છે.
સાથે જ સ્મશાનો અને હૉસ્પિટલો બહાર લાગેલી લાંબી લાઇનોનાં દૃશ્યો પણ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા પર શંકા જન્માવે છે.
કૉંગ્રેસે કહ્યું, "રાજ્યમાં કોરોનાના સંકટ માટે ભાજપ જવાબદાર", ગણાવી આ ભૂલો
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ગુરુવારે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (AICC) દ્વારા એક પત્રકારપરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ માટે રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ગણાવી હતી.
આ પત્રકારપરિષદમાં હાજર રહેલા ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર મહામારી દરમિયાન અવ્યવસ્થા સર્જવાનો આરોપ મુક્યો હતો.
ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે રાજ્ય સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે, "રાજ્યમાં સંકટની સ્થિતિ છે. પહેલાં તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરીને હજારોને ચેપગ્રસ્ત કર્યા. હાલ રાજ્યમાં ઓક્સિજન બેડની મોટા પાયે અછત છે. 14 જેટલા જિલ્લામાં તો CT સ્કૅન અને RT-PCR ટેસ્ટની પણ વ્યસ્થા નથી. જે ગુજરાત મૉડેલની વાતો કરવામાં આવી, તેણે રાજ્યમાં બરબાદી સર્જી છે."
પરિષદમાં હાજર રહેલા કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ ભાજપ પર રેમડેસિવિર ઇન્જેક્શનની કૃત્રિમ અછત ઊભી કરવાનો આરોપ મુક્યો હતો.
પરિષદમાં હાજર રહેનાર તમામ કૉંગ્રેસી નેતાઓએ એકસૂરે ગુજરાત સરકાર પર આ સંકટનો સામનો ખૂબ જ અસંવેદનશીલતા સાથે કરાઈ રહ્યો હોવાની વાત કરી હતી.
કોરોનાની કરુણતા : ગુજરાતમાં મૃતદેહોના ઢગલા થતાં ડમ્પિંગ ગ્રાઉન્ડને બનાવાયું સ્મશાન
ગુજરાતમાં ગુરુવારે કોરોનાના 13,105 નવા કેસો નોધાયા હતા, જ્યારે 137 લોકોનાં રાજ્યમાં કોરોનાની માંદગીને કારણે મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં કોરોનાના કેસો અને કોરોનાના કારણે થતાં મૃત્યુના આંકડા રાજ્ય સરકાર દ્વારા ઇરાદાપૂર્વક ઓછા બતાવાઈ રહ્યા હોવાના આરોપો અવારનવાર થયા છે.
આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક વિચલિત સમાચાર એ આવ્યા છે કે કોરોનાના સંકટમાં દરરોજ આવનારા મૃતદેહોની સંખ્યા વધતાં ગાંધીનગર ખાતે ડમ્પિંગ ગ્રાઉન્ડને સ્મશાનમાં ફેરવી દેવાયું છે.
ટાઇમ્સ નાઉ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે મૃતદેહોના ઢગલા થતાં રોકવા માટે ગાંધીનગરના સૅક્ટર 39માં આવેલા સ્મશાન દ્વારા પોતાનો વિસ્તાર વધારવા માટે પાસેની કચરો નાખવાની જગ્યામાં અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક સાથે 11 ચિતાઓ સળગતી હોવા છતાં આ સ્મશાનમાં આઠ મૃતદેહો વેઇટિંગમાં જોવા મળ્યા હતા.
સ્મશાનની મૅનેજિંગ સમિતિ માટે કામ કરતાં જિલુભા ધાંધલે કહ્યું હતું કે હાલ સ્મશાનમાં દરરોજ 75-80 મૃતદેહો આવી રહ્યા છે. જે પૈકી 25 ટકા મૃતદેહો કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના હોય છે.
રેમડેસિવિર : અભાવમાં હજારોએ જીવ ગુમાવ્યા, હવે કેન્દ્ર ગુજરાતને આપશે ઇન્જેક્શનનો વધુ જથ્થો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કેન્દ્રની મોદી સરકારે બુધવારે જે રાજ્યોમાં રેમડેસિવિરની અછતની ફરિયાદ ઊઠી રહી છે તેમના માટે 30 એપ્રિલ સુધી વચગાળાની સપ્લાય મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કુલ 19 રાજ્યોને આ જથ્થો પૂરો પાડવાની જાહેરાત કરી હતી. જે પૈકી ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી અને આંધ્ર પ્રદેશને વધુ જથ્થો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરાશે.
નોંધનીય છે કે પાછલા ઘણા દિવસોથી ગુજરાતમાં રેમડેસિવિરની ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે. રેમડેસિવિર ખરીદવા માટે હૉસ્પિટલોની બહાર લાઇનોનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
જોકે, રાજ્ય સરકાર કોરોનાની માંદગીમાં મદદરૂપ મનાતા આ ઇન્જેક્શનની કોઈ અછત ન હોવાની વાત કરે છે.
અમુક દિવસો પહેલાં રાજ્યમાં હોમ કૅર ટ્રીટમેન્ટ લઈ રહેલા લોકોને આ ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત કરાતાં તબીબોએ રાજ્ય સરકાર અને સંરકારી તંત્ર સામે નારાજગી પ્રગટ કરી હતી અને કહ્યું હતું કે રેમડેસિવિર કોને આપવું અને કોને ન આપવું એ નિર્ણય સરકાર ડૉક્ટરોને કરવા દે.
સમગ્ર દેશમાં ઓક્સિજનના પુરવઠાને લઈને અફરાતફરીનો માહોલ
ગુરુવારે દેશના પાટનગર દિલ્હીમાં લગભગ અડધો ડઝન હૉસ્પિટલોમાં ઓક્સિજન ખતમ થઈ ગયો. પાટનગર ક્ષેત્ર NCRના વિસ્તારમાં ઘણી હૉસ્પિટલો ઓક્સિજનનો પુરવઠો મેળવવા માટે ઝઝૂમતી દેખાઈ.
દિલ્હીમાં કોવિડ-19ના મૅનેજમૅન્ટનું કામ જોનારા દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારને જરૂરિયાત પડવા પર દિલ્હીની સીમાઓએ અર્ધસૈનિક બળો અને સીમાબળોને તહેનાત કરવા કહ્યું છે.
તેમણે ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારો પર આરોપો લગાવતાં કહ્યું કે આ સરકારો દિલ્હીને મળનાર ઓક્સિજન સપ્લાયમાં દખલ કરી રહી છે.
આવી જ રીતે ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં ઘણાં સ્થળોએ હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે જરૂરી એવા પ્રાણવાયુ ઓક્સિજનની સપ્લાયના પ્રશ્નો સર્જાતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
નોંધનીય છે કે બુધવારે બનાસકાંઠા જિલ્લાના ડિસામાં એક હૉસ્પિટલમાં ઑક્સિજનની અછતને કારણે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હોવાના અહેવાલ જોવા મળ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો