કોરોના વાઇરસ : એ લોકો જેમણે મહામારીની 'આગાહી' કરી હતી

    • લેેખક, જેન સિયાબેટારી
    • પદ, બીબીસી કલ્ચર

આજે આપણે જે દૌરમાંથી પસાર થઈ રહ્યા છીએ તેમાં આવતીકાલ વિશે કોઈ કશું જાણતું નથી. અત્યારે તો આપણા દિલોદિમાગ પર ભય છવાયેલો છે. આપણે બધા સામાજિક સંપર્કથી દૂર રહીને પોતપોતાનાં ઘરોમાં કેદ છીએ, જેથી નવા કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવી શકાય.

આ સમયગાળામાં આપણી એકલતા સાહિત્ય દૂર કરી રહ્યું છે. સાહિત્ય આપણને વાસ્તવિક દુનિયાથી દૂર લઈ જઈને રાહત આપે છે. આપણું દોસ્ત બને છે, પણ હાલના સમયગાળામાં રોગચાળા વિશેનાં પુસ્તકોની માગમાં જોરદાર વધારો થયો છે.

રોગચાળાના દૌરની વાસ્તવિકતાની એકદમ નજીક હોય એવી ઘણી નવલકથાઓ છે. એ અગાઉના રોગચાળાની ડાયરી, વાસરિકા, દૈનિક નોંધ જેવી છે.

ભૂતકાળમાં રોગચાળાની ભયાનક આફતમાંથી લોકો કઈ રીતે ઊગર્યા હતા તેની કથા એ નવલકથાઓ આપણે જણાવે છે.

બ્રિટિશ લેખક ડેનિયલ ડેફોએ 1722માં એક પુસ્તક લખ્યું હતું. તેનું નામ હતું : 'ધ જર્નલ ઑફ ધ પ્લેગ યર'.

બ્રિટનની રાજધાની લંડનમાં 1665માં ફેલાયેલા પ્લેગના રોગચાળાનું વિગતવાર આલેખન ડેનિયલે એ પુસ્તકમાં કર્યું છે.

એ ભયાનક ચિત્રણ એ સમયની દરેક ઘટનાના હિસાબકિતાબ જેવું છે અને એમાંનું ઘણું આપણા સમયના કોરોના વાઇરસના પ્રકોપના દૌર જેવું જ છે.

ડેનિયલ ડેફોના પુસ્તકની શરૂઆત સપ્ટેમ્બર-1664થી થાય છે. એ સમયે અફવા ફેલાય છે કે સમગ્ર હોલૅન્ડમાં પ્લેગનો રોગચાળો ફેલાયો છે.

ત્રણ મહિના પછી એટલે ડિસેમ્બર-1664માં લંડનમાં પહેલાં શંકાસ્પદ મોતના સમાચાર આવે છે. વસંત ઋતુના આગમન સુધીમાં લંડનના તમામ ચર્ચ પર લોકોનાં મોતની નોટિસોમાં મોટો વધારો થાય છે.

જુલાઈ-1665 આવતા સુધીમાં લંડનમાં નવા નિયમો અમલી બને છે. એ ઘટનાનાં લગભગ 400 વર્ષ પછી આજે લૉકડાઉનના નામે લાદવામાં આવેલા નિયમો જેવા જ એ નિયમો હતા.

એ સમયે લંડનમાં તમામ જાહેર કાર્યક્રમો, બારમાં શરાબપાન, હોટલોમાં ખાણીપીણી અને ધર્મશાળાઓમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અખાડાઓ અને સ્ટેડિયમો પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

ડેનિયલ ડેફો લખે છે, "લંડનવાસીઓ માટે સૌથી ઘાતક વાત એ હતી કે અનેક લોકો બેદરકારી છોડતા ન હતા. ઘરમાં રહેવું જરૂરી હતું ત્યારે તેઓ શેરીઓમાં ફરતા હતા. માલસામાન ખરીદવા માટે ભીડ કરતા હતા."

"જોકે, નિયમોનું ચુસ્તીપૂર્વક પાલન કરીને ઘરમાં રહેતા હોય એવા લોકો પણ હતા."

ઑગસ્ટ મહિનો આવતા સુધીમાં "પ્લેગે બહુ ઘાતકી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એ રોગચાળો સંખ્યાબંધ પરિવારો અને આખેઆખા વિસ્તારોને ભરખી ગયો હતો,"

ડેનિયલ ડેફો આગળ લખે છે, "ડિસેમ્બર-1665 સુધીમાં રોગચાળાનો પ્રકોપ ઓછો થયો હતો. હવે હવા સાફ અને ઠંડી હતી. જે લોકો બીમાર પડ્યા હતા એ પૈકીના ઘણા સાજા થઈ ગયા હતા."

"શહેરનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગ્યું હતું. શહેરની છેલ્લી ગલી પણ રોગચાળાથી મુક્ત થઈ ગઈ ત્યારે લંડનવાસીઓએ રસ્તા પર નીકળીને ભગવાનનો આભાર માન્યો હતો."

400 વર્ષ પહેલાંના રોગચાળા વખતના માહોલ અને આજના માહોલ વચ્ચે ઘણું સામ્ય છે એ દેખીતું છે. આજે પણ લગભગ એવો જ માહોલ છે, તણાવ વધ્યો છે.

આલ્બર્ટ કામુની 'ધ પ્લેગ'

ડેનિયલ ડેફોની માફક આલ્બર્ટ કામુએ પણ રોગચાળાનું વર્ણન અત્યંત સ્વાભાવિક શૈલીમાં કર્યું છે.

કામુએ તેમના પુસ્તક 'ધ પ્લેગ'માં અલ્જીરિયાના ઓરાં શહેરમાં ફેલાયેલા પ્લેગના રોગચાળાનું વર્ણન કર્યું છે. 19મી સદીમાં ફેલાયેલા પ્લેગને કારણે ઓરાં શહેર વેરાન થઈ ગયું હતું.

એ સમયના કામુએ કરેલા વર્ણનમાં આજના સમયની ઝલક જોઈ શકાય છે. સૌપ્રથમ તો સ્થાનિક નેતાઓ એ રોગચાળાના અસ્તિત્વનો જ ઇનકાર કરતા રહે છે ત્યારે કામુ લખે છે, "શહેરની ગલીઓમાં સંખ્યાબંધ મરેલા ઉંદરડાઓ પડ્યા હતા."

તેમની નવલકથામાં એક અખબારના કોલમલેખક સવાલ કરે છે કે "ઉંદરડાઓ માણસો માટે કેટલા જોખમી છે તેની આપણા શહેરના માલિકોને ખબર નથી?"

આ પુસ્તકનું એક પાત્ર ડૉ. બર્નાર્ડ આરોગ્ય કર્મચારીઓની બહાદુરી વિશે કહે છે કે "મોત કઈ ઘડીએ મારી રાહ જોઈ રહ્યું હતું અને આખરે શું થશે એ હું જાણતો નથી. હાલ તો હું એટલું જ જાણું છું કે લોકો બીમાર છે અને તેમનો ઇલાજ જરૂરી છે."

આખરે આ રોગચાળામાંથી બચી ગયેલા લોકો માટે એક શિખામણ પણ છે કે "માણસને પ્રેમ કરવો એ કોઈ પણ મુશ્કેલ સમયમાં સૌથી વધારે જરૂરી બાબત હોય છે. આ વાત તેમને સમજાઈ ગઈ હતી."

પેલ હોર્સ, પેલ રાડર અને સ્પેનિશ ફ્લૂ

1918માં સ્પેનિશ ફ્લૂના રોગચાળાએ આખી દુનિયાનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. એ રોગચાળાને કારણે દુનિયામાં કમસેકમ પાંચ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે એ પહેલાં થયેલા વિશ્વયુદ્ધમાં એક કરોડ લોકોએ જીવ ગુમાવ્યો હતો, પણ યુદ્ધની નાટકીય ઘટનાઓએ તે રોગચાળાના પ્રભાવને છુપાવી દીધો હતો.

પહેલા વિશ્વયુદ્ધની માફક સ્પેનિશ ફ્લૂના રોગચાળા બાબતે પણ ઢગલાબંધ પુસ્તકો લખવામાં આવ્યાં હતાં.

બ્રિટિશ લેખિકા કૅથરીન એન. પૉર્ટરે 1939માં તેમની નવલકથા 'પેલ હોર્સ, પેલ રાઇડર'માં સ્પેનિશ ફ્લૂના રોગચાળાનું વર્ણન કર્યું છે.

પૉર્ટરની નવલકથાનું મિરાંડા નામનું પાત્ર બીમાર પડે છે ત્યારે મિરાંડાનો દોસ્ત ઍડમ તેને કહે છે કે "આ અત્યંત ખતરનાક સમયગાળો છે. બધાં થિયેટર્સ, દુકાનો અને રેસ્ટોરાં બંધ છે. ગલીઓમાં આખો દિવસ નનામીઓ નીકળતી રહે છે. આખી રાત ઍમ્બુલન્સ દોડતી રહે છે."

કૅથરીન પૉર્ટર સપ્તાહો સુધી ચાલેલી બીમારી વિશે મિરાંડાના તાવ અને દવાઓ મારફત જણાવે છે.

મિરાંડા સાજી થઈને બહાર નીકળે છે ત્યારે તેને ખબર પડે છે કે યુદ્ધ અને ફ્લૂને કારણે દુનિયા કેટલી બદલાઈ ચૂકી છે. ખુદ કૅથરીન પણ સ્પેનીશ ફ્લૂને કારણે મરતાં-મરતાં બચ્યાં હતાં.

'ધ પેરિસ રિવ્યૂ' સામયિકને 1963માં આપેલા ઈન્ટર્વ્યૂમાં કેથરીન પોર્ટરે કહ્યું હતું, "મારામાં અજબ પ્રકારનું પરિવર્તન આવી ગયું હતું. એ પછી ઘરની બહાર નીકળીને લોકોને હળવામળવામાં અને જિંદગી પસાર કરવામાં મને બહું સમય લાગ્યો હતો. હું ખરેખર દુનિયાથી દૂર થઈ ગઈ હતી."

'ધ યર ઑફ ફ્લડ'ની કલ્પના

2002માં સાર્સ, 2012માં મર્સ અને 2014માં ઈબોલા વાઇરસના પ્રકોપ જેવા એકવીસમી સદીના રોગચાળાઓએ પણ વેરાન શહેરો, બરબાદ થયેલી જિંદગીઓ અને આર્થિક મુશ્કેલીઓનું વર્ણન કરવાની તક આપી છે.

માર્ગારેટ એટવુડે નામનાં લેખિકાએ 2009માં 'ધ યર ઓફ ધ ફ્લડ' નામની નવલકથામાં, એક રોગચાળા પછી મોટાભાગના માણસો ખતમ થઈ જતા હોય એવી એક દુનિયાની કલ્પના કરી હતી.

પાણી વિનાના પૂરની માફક આવતા અને હવામાં તરતા સંખ્યાબંધ શહેરોને સળગાવી નાખતા એક રોગચાળાનું વર્ણન તે નવલકથામાં છે.

એ રોગચાળામાંથી જૂજ લોકો બચી શકે છે. એ લોકો કેટલા એકલવાયા છે તેનું સુંદર વર્ણ માર્ગારેટ એટવુડે કર્યું છે.

નવલકથામાં ટોબી નામની એક માલણ છે. એ વેરાન દેખાતા આકાશને નિહાળતાં વિચારે છે કે "કોઈક જો જરૂર બચ્યું હશે. આ ધરતી પર તે એકલી નહીં બચી હોય. બીજા લોકો પણ હશે, પણ એ દોસ્ત હશે કે દુશ્મન? એ પૈકીના કોઈ સાથે મુલાકાત થાય તો તેણે શું સમજવાનું?"

આ નવલકથાનું એક અન્ય પાત્ર રેન નામની નર્તકી છે. કોઈ ગ્રાહક પાસેથી રેનને બીમારીનો ચેપ લાગે છે અને તેને ક્વોરન્ટીનમાં રાખવામાં આવી હોય છે તેથી એ બચી જાય છે.

રેન ઘરમાં બેઠાંબેઠાં વારંવાર પોતાનું નામ લખ્યા કરે છે. રેન કહે છે કે, "અનેક દિવસો સુધી તમે એકલા રહો તો તમે એ ભુલી જાઓ છો કે તમે વાસ્તવમાં કોણ છો."

એટવૂડની નવલકથામાં ફ્લેશબેક પણ આવે છે. કુદરતી તથા માણસની દુનિયા વચ્ચેનું સંતુલન કઈ રીતે બગડ્યું, એ વિશે તેઓ ફ્લેશબેકમાં જણાવે છે.

સત્તાધારી કંપનીઓએ બાયો એન્જીનિયરિંગ મારફત કુદરતની છેડછાડ કરી એટલે સંતુલન બગડ્યું હતું. એવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો ટોબી જેવા પર્યાવરણ કાર્યકર્તાઓ કઈ રીતે વિરોધ કર્યો હતો એ વિશે પણ તેઓ ફ્લેશબેકમાં જણાવે છે.

તેનો અર્થ એ કે માર્ગારેટ એટવુડે તેમની નવલકથા નક્કર હકીકતના આધારે લખી હતી.

ચીની મૂળના લેખકની 2018ની એ કૃતિ

કોઈ રોગચાળા પર આધારિત કિસ્સાઓ આપણને આકર્ષે છે, કારણ કે તેમાં માણસો સાથે મળીને રોગચાળાનો સામનો કરતા હોય છે. તેમનો દુશ્મન માણસ નથી હોતો.

એ વખતે દુનિયામાં સારા-ખરાબ વચ્ચેનો ભેદ ખતમ થઈ જાય છે. દરેક પાત્ર પાસે બચવાની પૂરતી તક હોય છે. એ અર્થમાં દુનિયા સમાજવાદી થઈ જાય છે.

ચીની મૂળનાં અમેરિકન લેખિકા લિંગ માએ 2018માં 'સેવરન્સ' નામની નવલકથા લખી હતી.

તેમાં બીજા દેશોમાંથી આવીને અમેરિકામાં વસેલા લોકોની કથા પણ સામેલ છે. નવલકથામાં કેન્ડેસ ચેન નામની યુવતીનો કિસ્સો છે.

કેન્ડેસ બાઈબલનું પ્રિન્ટિંગ કરતી એક કંપનીમાં નોકરી કરે છે. 2011માં ન્યૂ યોર્ક પર ત્રાટકેલા શેન ફીવર નામના કાલ્પનિક રોગચાળામાંથી માત્ર નવ જ લોકો બચી શકે છે. એ નવમાં કેન્ડેસનો સમાવેશ થાય છે.

લિંગ મા લખે છે કે "રોગચાળા પછી શહેરનો માળખાકીય ઢાંચો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. વીજળીની ગ્રીડ પણ બંધ થઈ ગઈ છે."

એ પછી કેન્ડેસ ચેન અને બચેલા અન્ય લોકો શિકાગોના ઉપનગરીય વિસ્તારમાં આવેલા એક મોલ તરફ રવાના થાય છે.

તેમણે ત્યાં જઈને વસવાટ કરવા વિચાર્યું છે. બચેલા આ લોકો જે રસ્તાઓ પરથી પસાર થાય છે એ બધા બીમારી તથા તાવનો શિકાર બનેલા દેખાય છે.

મરેલા લોકો તેમની જૂની આદતોના શિકાર બન્યા છે. કેન્ડેસ અને તેના સાથીઓ વિચારે છે કે તેઓ ખરેખર આ રોગચાળાથી ઇમ્યુન છે કે ઈશ્વરની કૃપાથી બચી ગયા છે?

કેન્ડેસને પછી ખબર પડે છે કે રોગચાળાથી બચવાનો એકમાત્ર ઉપાય, તેના ગ્રુપના નેતા બોબે બનાવેલા નિયમોનું પાલન કરવાનો છે. બોબ એક આઈટી પ્રોફેશનલ છે...પછી કેન્ડેસ બોબ સામે બળવો કરે છે.

મહામારીની પછીની દુનિયાની વાત

લિંગ માએ તેમની નવલકથામાં જેવી પરિસ્થિતિની કલ્પના કરી છે, એવી પરિસ્થિતિ હાલ તો આપણી સમક્ષ નથી, પણ રોગચાળો વિનાશ વેરીને ચાલ્યો જાય છે એ પછીની દુનિયાની કલ્પના પણ લિંગ માએ કરી છે.

એ પછી સમાજના નિર્માણનો પડકાર સર્જાય છે. એક સંસ્કૃતિના વિકાસનો સવાલ ઉભો થાય છે.

જે લોકો બચ્યા છે તેમાંથી કોના હાથમાં સત્તા રહેશે? કઈ ધાર્મિક પરંપરાનું અનુસરણ કરવાનું છે એ કોણ નક્કી કરશે? લોકોના નિજતાના અધિકાર કઈ રીતે બચશે?

એમિલી સેન્ટ જોન મંડેલની 2014માં પ્રકાશિત નવલકથા "સ્ટેશન ઈલેવન"ની કથા પણ આવી જ છે.

કોઈ ન્યૂટ્રોન બોમ્બ ફાટી પડ્યો હોય એવી રીતે જ્યોર્જિયા નામના પ્રદેશમાં એક ભયંકર ચેપી રોગચાળો ફેલાય છે. તેમાં વિશ્વની 99 ટકા વસતી ખતમ થઈ જાય છે.

શેક્સપિયરના નાટક 'કિંગ લીયર'માં એક પાત્ર ભજવી રહેલા કળાકારને સ્ટેજ પર જ હાર્ટઅટેક આવે છે ત્યાંથી એ રોગચાળાની શરૂઆત થાય છે.

એ પછીની વાર્તા વીસ વર્ષ પછીની છે. એ કળાકારની પત્ની સ્ટેશન ઈલેવન નામની જગ્યાએ જોવા મલે છે.

સ્ટેશન ઈલેવનના અન્ય બચેલાં પાત્રો, ખાલી પડેલા શોપિંગ મોલ્સ અને નાનાં શહેરોમાં નાટકોનું મંચન કરે છે. ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરે છે.

સ્ટેશન ઈલેવનની કહાણી અનેક અર્થમાં, 14મી સદીના બ્રિટિશ કવિ ચૌસરની વિખ્યાત કે કુખ્યાત નવલકથા 'કેંટરબરી ટેલ્સ' જેવી જ લાગે છે.

'કેંટરબરી ટેલ્સ' ચૌસરની અંતિમ કૃતિ હતી અને તે 14મી સદીમાં યુરોપને બરબાદ કરી ચૂકેલા બ્લેક ડેથ એટલે કે પ્લેગના રોગચાળાને આધારે લખવામાં આવી હતી.

એમિલી સેન્ટ જોન મંડેલ સવાલ કરે છે કે કળા શું છે એ કોણ નક્કી કરશે? સેલેબ્રિટીનું વર્તન સંસ્કૃતિ છે? કોઈ વાઈરસ માનવજાત પર આક્રમણ કરશે ત્યારે નવી સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થશે?

અગાઉની કલા અને સંસ્કૃતિમાં શું પરિવર્તન થશે? આપણી વર્તમાન પરિસ્થિતિ વિશે પણ નવલકથાઓ લખાતી હશે તેમાં કોઈ શંકા નથી. હાલના રોગચાળાનું વર્ણન તેમાં કઈ રીતે કરવામાં આવશે?

તેઓ માણસો વચ્ચેની સામુદાયિક લાગણીને કેવી રીતે વ્યક્ત કરશે? આપણી વચ્ચે જે સંખ્યાબંધ બહાદુર લોકો છે તેમના વિશે તેઓ શું લખશે?

આ સવાલ તો ત્યારે થશે, જ્યારે આપણે વધુ વાંચીશું. તેની સાથેસાથે આ રોગચાળા પછી ઊભરનારી નવી દુનિયા માટે ખુદને તૈયાર કરીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો