કોરોના વાઇરસ : સંક્રમણ બાદ સાજા થવામાં કેટલો સમય લાગે?

    • લેેખક, જેમ્સ ગૅલેઘર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

Covid-19 રોગચાળો 2019ના અંત ભાગમાં ફેલાવા લાગ્યો હતો, પણ એવાં ચિહ્નો મળી રહ્યાં છે કે કેટલાક દર્દી તદ્દન તંદુરસ્ત થઈ જાય તે માટે હજી ઘણો સમય લાગી જશે.

સાજા થઈ જવામાં કેટલો સમય લાગશે તેનો આધાર પ્રથમ તો એ બાબત પર છે કે તમે કઈ હદ બીમાર પડ્યા હતા. કેટલાક લોકો બહુ ઝડપથી બીમારીમાંથી સાજા થઈ શકે, પરંતુ બીજાને લાંબા સમય સુધી તબિયતની તકલીફ રહી શકે છે.

ઉંમર, લિંગ અને બીજી કોઈ બીમારી છે કે કેમ તે પ્રમાણે Covid-19 બીમારી વધારે ગંભીર બની શકે છે.

તમારી વધારે ઇન્વેસિવ ટ્રીટમેન્ટ કરવી પડી હોય અને જેટલી લાંબી ચાલી હોય તેટલો વધુ લાંબો સમય સાજા થવામાં લાગી શકે છે.

મને માત્ર હળવાં લક્ષણો દેખાયાં હોય તો શું?

Covid-19 બીમારીમાં મોટા ભાગના લોકોને માત્ર મુખ્ય લક્ષણ એટલે કે શરદી અને તાવ આવવો તે જ દેખાય છે. સાથે શરીર દુખવું, થાક લાગવો, ગળું ખરાબ થઈ જવું અને માથું દુખવું તેવાં લક્ષણો પણ આવી શકે છે.

શરૂઆતમાં ખાંસી સૂકી હોય છે, પણ પછી કફમાં વાઇરસના કારણે મરી ગયેલા સેલ્સ પણ નીકળવા લાગે ત્યારે તેમાં પરુ જેવું પણ નીકળવા લાગે છે.

આવાં લક્ષણો દેખાય ત્યારે આરામ કરવાની સલાહ અપાય છે. તેમજ ખૂબ પાણી પીવા અને દુખાવામાં રાહત માટે પૅરાસિટામોલ અપાય છે.

હળવાં લક્ષણો દેખાયાં હોય તેવા દર્દીઓ બહુ ઝડપથી સાજા થઈ જતા હોય છે.

એકાદ અઠવાડિયામાં તાવ જતો રહે છે, પણ કફ થોડો સમય વધારે રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીનના આંકડાના વિશ્લેષણ અનુસાર, દર્દીને સાજા થવામાં સરેરાશ બે અઠવાડિયાંનો સમય લાગે છે.

વધારે ગંભીર લક્ષણો જણાતાં હોય તો શું?

કેટલાક લોકોમાં બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ચેપ લાગે તેના 7 કે 10મા દિવસે આવું થાય છે.

તબિયત અચાનક લથડી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને ફેફસાં ફુલાવાં લાગે. શરીરની રોગપ્રતિકારક શક્તિ કામ કરતી હોવા છતાં પણ આવું થાય છે.

હકીકતમાં રોગપ્રતિકારક શક્તિ વધારે પડતી પ્રતિક્રિયા આપે છે અને તેના કારણે આડકતરી રીતે શરીરને બીજું નુકસાન થવા લાગે છે. કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરીને ઑક્સિજન પણ આપવો પડે છે.

જનરલ ફિઝિશિયન સારાહ જાર્વિસ કહે છે, "શ્વાસ લેવામાં તકલીફ દૂર થવામાં ઘણો સમય લાગી શકે છે. શરીર વધારે પડતી પ્રક્રિયા આપે છે અને સોજા ચડવા લાગે છે."

તેમનાં જણાવ્યા અનુસાર ફરી તંદુરસ્ત થવામાં બેથી માંડીને આઠ અઠવાડિયાં લાગી જાય છે અને તેમાં દર્દી થાકવા પણ લાગે.

ICUમાં રહેવાની જરૂર પડે તો શું?

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ અનુસાર 20માંથી એકને આઈસીયુમાં રાખવાની જરૂર પડી શકે છે અને તેમાં સિડેટ કરીને વૅન્ટિલેટર પર રાખવા પડી શકે છે.

આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) માં રાખવામાં આવે ત્યારે ગમે તેવી બીમારી હોય, બહાર આવતા થોડો સમય લાગતો હોય છે. દર્દીને ઘરે મોકલતા પહેલાં આઈસીયુ બહાર સામાન્ય વૉર્ડમાં રાખવા પડતા હોય છે.

ઇન્ટેન્સિવ કૅર મેડિસિના ડીન ડૉ. એલિસન પિટાર્ડ કહે છે કે ક્રિટિકલ કૅરમાં રાખવામાં આવ્યા પછી દર્દીને તંદુરસ્ત થતા 12થી 18 મહિના સુધી લાગી શકે છે.

લાંબો સમય હૉસ્પિટલમાં પથારીમાં રહેવાથી મસલ્સ માસ ઓછા થાય છે. દર્દીને નબળાઈ લાગે છે અને મસલ્સ ફરીથી તૈયાર થાય તેમાં સમય લાગતો હોય છે. કેટલાક દર્દીઓને ફરીથી ચાલતા થવા માટે ફિઝિયોથૅરપીની પણ જરૂર પડી શકે છે.

આઈસીયુમાં અમુક સ્થિતિમાં રહેવાના કારણે દર્દીને બીજી અસર પણ થઈ શકે છે, જેમ કે ભ્રમ થયા કરો અને બીજા માનસિક તણાવ થઈ શકે છે.

"આ બીમારીમાં બીજા પણ કેટલાંક પરિબળો જોડાઈ ગયાં છે - વાઇરસ ફટિગ (થાક) બહુ અગત્યની બાબત બની ગઈ છે," એમ વેલે યુનિવર્સિટી હેલ્થ બૉર્ડના ક્રિટિકલ કૅર ફિઝિયોથૅરપિસ્ટ પૉલ ટ્વોસ જણાવે છે.

ચીન અને ઇટાલીમાંથી અહેવાલો મળ્યા હતા કે સમગ્ર શરીરમાં નબળાઈ આવી જતી હતી, થોડું પણ કામ કરવાથી શ્વાસ ચડવા લાગતો હતો, સતત ખાંસી આવતી હતી અને શ્વાસમાં મુશ્કેલી પડતી હતી. તેમજ લાંબો સમય ઊંઘ લેવાની જરૂર પડતી હતી.

"અમે જાણીએ છીએ કે દર્દીને સાજા થવામાં ઘણો સમય લાગે છે, ઘણી વાર મહિનાઓ સુધીનો સમય લાગી શકે છે."

જોકે જનરલાઇઝ કરવું મુશ્કેલ છે. કેમ કે ઘણા લોકોને ક્રિટિકલ કૅરમાં ઓછો સમય પણ વિતાવવો પડે છે, જ્યારે ઘણાને ઘણાં અઠવાડિયાં સુધી વૅન્ટિલેટર પર રાખવા પડે છે.

શું કોરોના વાઇરસને લીધે લાંબા ગાળે સ્વાસ્થ્યને અસર થાય?

લાંબા ગાળાના આંકડા આપણી પાસે હજી છે નહીં તેથી કહી શકાય નહીં, પણ બીજી બાબતો પર વિચાર કરી શકાય.

રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી પ્રતિક્રિયા કરે તેના કારણે ફેફસાંને નુકસાન થાય છે અને તેના કારણે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમ (ARDS) દર્દીમાં ઊભો થાય છે.

"એવા આંકડા મળે છે ખરા કે લોકોને પાંચ વર્ષ પછીય શારીરિક અને માનસિક તકલીફો થતી રહે છે," એમ ટ્વોસ કહે છે.

વૉરવીક મેડિકલ સ્કૂલના લેક્ચરર ડૉ. જેમ્સ ગીલ કહે છે કે સાજા થવા માટે દર્દીને માનસશાસ્ત્રીય સારવારની પણ જરૂર પડશે.

"તમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે ત્યારે ડૉક્ટર કહેશે કે તમને વૅન્ટિલેટર પર મૂકવા પડશે. તમને બેહોશ કરવા પડશે. તમે તમારા પરિવારને ગુડબાય કહેવા માગો છો?”

"ગંભીર દર્દીમાં PTSD [પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર] જોવા મળે તેમાં નવાઈ નથી. ઘણા લોકોને માનસિક રીતે પણ અસર થઈ શકે છે."

એવી પણ શક્યતા છે કે ઘણા માઇલ્ડ કેસમાં પણ દર્દીઓને લાંબો સમય સુધી થાક જેવી સમસ્યાનો સામનો કરતો રહેવો પડી શકે છે.

કેટલા લોકો સાજા થયા છે?

ચોક્કસ આંકડા મળવા મુશ્કેલ છે. 15 એપ્રિલ સુધીમાં જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં મૃતકોની સંખ્યા 29,73,050 પર છે, જ્યારે 13,82,76,238 લોકોને ચેપ લાગ્યો છે.

જોકે દરેક દેશમાં આંકડા નોંધવાની પદ્ધતિ જુદી-જુદી હોય છે. કેટલાક દેશો સાજા થઈ રહેલા દર્દીઓના આંકડા નોંધતા નથી અને ઘણા મામૂલી ચેપના કેસ નોંધાશે પણ નહીં.

ગાણિતિક પદ્ધતિએ અંદાજ બાંધતા એવું માનવામાં આવે છે કે 99થી 99.5% ટકા લોકો સાજા થઈ જાય છે.

શું ફરીથી Covid-19 થઈ શકે?

આ બાબતમાં બહુ અનુમાનો લગાવાયાં છે, પણ પુરાવા ઓછા છે કે ઇમ્યુનિટી કેટલો સમય ટકે છે. જો દર્દી તદ્દન સાજા થઈ જાય તો તેનો અર્થ એ કે તેનામાં રોગપ્રતિકારક શક્તિ પેદા થઈ ગઈ છે.

દર્દીઓને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો તેવા સમાચારોમાં એવી પણ શક્યતા છે કે ટેસ્ટ ખોટી રીતે થયા હોય કે તેઓ કોરોનાથી મુક્ત થઈ ગયા છે.

રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કામ કરશે તે સવાલ સમજવો અગત્યનો બન્યો છે, કેમ કે તેના આધારે જ વ્યક્તિને ફરીથી ચેપ લાગી શકે છે કે કેમ અને રસી કેટલી ઉપયોગી થશે તેનો નિર્ણય કરી શકાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો