આ ‘શોએબભાઈ’ મુસ્લિમોના મિત્રમાંથી કટ્ટર હિંદુવાદી કેવી રીતે બની ગયા?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસની મહામારી દરમિયાન રાજ્યની કોમી સંવાદિતા ડહોળવાના કેસમાં મહેસાણાના ધવલ બ્રહ્મભટ્ટની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તેઓ સબ-જેલમાં છે.

રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૧ વર્ષના ધવલ બ્રહ્મભટ્ટ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને પત્ની, 2 બાળકો તથા મોટા ભાઈ સાથે સંયુક્ત કુટુંબ મહેસાણામાં રહે છે.

રાજ્યમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી ઊભી કરે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ બદલ મહેસાણા પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસ આગળ કાર્યવાહી કરી ધવલ બ્રહ્મભટ્ટને પાસાના કાયદા હેઠળ એક વર્ષ માટે જેલમાં ધકેલી દે તેવી શક્યતા છે એવું જણાવાઈ રહ્યું છે.

જોકે, આજે જેમની સામે મુસલમાનો માટે નફરત અને કોમી સંવાદિતા ડહોળવાનો આરોપ છે તે ધવલ બ્રહ્મભટ્ટ એક જમાનામાં શોએબભાઈ તરીકે ઓળખાતા અને મુસ્લિમોના ગાઢ મિત્ર પણ હતા.

ધવલ બ્રહ્મભટ્ટની સામે ખુદ પોલીસે ફરિયાદી બનીને તેની ઉપર એફઆઈઆર નોંધી છે. તેમની ઉપર ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટની વિવિધ કલમો ઉપરાંત હિંદુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે.

ફેસબુક પર નફરતની ભરમાર

બીબીસી ગુજરાતીએ જ્યારે તેમના ફેસબુક એકાઉન્ટની તપાસ કરી તો મોટાભાગની પોસ્ટથી એ જાણવા મળ્યું કે તેમને મુસલમાનોથી સખત નફરત છે.

ઉદાહરણ તરીકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 માર્ચે લોકોને લાઇટો બંધ કરી દીવો પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું. નરેન્દ્ર મોદીના એ આહ્વાનને કોમી સ્વરૂપ આપતા એક પોસ્ટમાં તેમણે લખ્યું કે 'એક ઇશારામાં જો ૧૦૦ કરોડ દીવા પ્રગડાવી શકાય છે, તો એક ઇશારામાં ૨૦ કરોડ દીવા બુઝાવી પણ શકાય છે.'

કોરોના વાઇરસની મહામારીમાં તેમણે કરેલી આ પોસ્ટની જાણ મહેસાણા પોલીસને એક ટ્વીટ મારફતે થઈ હતી અને એ પછી મહેસાણા પોલીસે એમની સામે ગુનો દાખલ કર્યો હતો.

આ સિવાય તેમની અન્ય ફેસબુક પોસ્ટ પર બીબીસી ગુજરાતીએ નજર નાખી તો જાણવા મળ્યું કે તેમની એક પોસ્ટમાં ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન કમળ સાથેનો તેમનો એક ફોટો છે.

અન્ય એક પોસ્ટમાં જાણીતા ન્યૂઝ ઍન્કર રવીશ કુમારનો એક મૉર્ફ એટલે કે ફેરફાર કરેલો ફોટો એમણે મૂક્યો છે. આ ફોટામાં ઍન્કર રવીશ કુમારને મુસ્લિમ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત લખાણમાં એમને નવી દિલ્હીની તબલીગી જમાતના વડા મૌલાના સાદ ગણાવવામાં આવ્યા છે.

બીજી એક પોસ્ટમાં ફિલ્મ અભિનેત્રી અને નરેન્દ્ર મોદી સરકારનાં ટીકાકાર સ્વરા ભાસ્કર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.

અન્ય એક પોસ્ટમાં તેઓ નરેન્દ્ર મોદીની દીવો પ્રગટાવવાની અપીલનો અમલ કરતા પોતાના ફોટો રજૂ કરે છે.

આ સિવાયની અમુક પોસ્ટમાં તેઓ હૉસ્પિટલમાં ક્વોરૅન્ટીન તબલીગી જમાત અને તેમની બહેનો અંગે અભદ્ર ટિપ્પણી કરે છે. એક મુસ્લિમ ફળો વેચનારા અંગેની પોસ્ટ શૅર કરે છે. હિંદુ યુવા વાહિનીની એક પોસ્ટ શૅર કરી તેઓ ઉત્તર પ્રદેશ પોલીસના વખાણ પણ કરે છે.

બીબીસી ગુજરાતીએ જ્યારે તેમના વિશે વધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે અમુક હિંદુ ચરમપંથીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા કથિત 'લવ-જેહાદ' કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં તેઓ ખૂબ સક્રિય રીતે સામેલ રહ્યા છે.

અગાઉ પણ તેમણે કથિત લવ-જેહાદના કેસને લઈને મહેસાણામાં હિંદુ-મુસ્લિમો વચ્ચે સંવાદિતા ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૧૯માં મહેસાણા પોલીસે કોમી આવા જ કેસમાં તેમની ધરપકડ પણ કરી હતી.

જોકે, છુટ્યા બાદ તેમણે એ જ કામ ચાલુ રાખ્યું અને તેના કારણે ફરીથી એવા જ કારણોસર તેમની ધરપકડ થઈ છે.

મુસ્લિમોના મિત્ર નફરત ફેલવાનાર કેવી રીતે બન્યા

બીબીસી ગુજરાતીને જાણવા મળ્યું કે ધવલ બ્રહ્મભટ્ટને એક સમયે મુસ્લિમ સમાજના લોકો સાથે ખુબ સારી મિત્રતા હતી. એ હદે તેઓ મુસ્લિમો સાથે યારી દોસ્તી રાખતા હતા કે મિત્ર વર્તુળમાં તેમનું હુલામણું નામ શોએબભાઈ પડ્યું હતું. તેમના અનેક મિત્રો મહેસાણાના મુસ્લિમ સમાજના હતા.

જોકે, હાલમાં તેઓ બિલકુલ અલગ સ્થિતિમાં છે અને મુસ્લિમો પ્રત્યેની નફરત તેમની પોસ્ટમાં તથા કામ અને તેને લઈને થયેલા કેસથી જાણી શકાય છે.

આ વિશે જ્યારે ધવલભાઇના મિત્ર ચિરાગ બ્રહ્મભટ્ટ સાથે બીબીસીએ ફોન ઉપર વાત કરી તો ચિરાગભાઈએ કહ્યું કે સોશિયલ મીડિયા પર હિંદુવિરોધી પોસ્ટ જોઈને તે વિચલિત થઈ જતો હતો. એ રીતે ધીરે ધીરે તેના મનમાં મુસ્લિમો માટે નફરત પેદા થઈ અને પછી તેના મિત્રવર્તુળમાં લોકો પણ બદલાતા ગયા.

ચિરાગભાઈ કહે છે કે, બજરંગ દળના અનેક લોકો તેના સંપર્કમાં આવ્યા. તેને અનેક કામો સોંપવામાં આવ્યા, તેને પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે પ્રેરવામાં આવ્યો.

ચિરાગભાઈ "તે ધીરે ધીરે સાવ જ બદલાઈ ગયો. આજે તેની ઉપર ત્રણ FIR છે અને બજરંગ દળ કે બીજી કોઈ સંસ્થા કદી તેની મદદ કરવા આગળ નથી આવી."

ધવલ બ્રહ્મભટ્ટ બજરંગ દળના એક ઍક્ટિવ સભ્ય બન્યા પછી હિન્દુ યુવા વાહિની નામની એક સંસ્થાના સભ્ય બન્યા અને હાલ આ જ સંસ્થા સાથે સંકળાયેલા છે.

મહેસાણામાં કથિત લવ-જેહાદની ઘટના

ધવલ બ્રહ્મભટ્ટ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં એક યુવતી એક મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી. આની જાણ ધવલ બ્રહ્મભટ્ટને થઈ. એક વાર જ્યારે તે યુવતી અને યુવક જ્યાં સાથે હતા ત્યાં ધવલ બ્રહ્મભટ્ટ અને તેમના અમુક મિત્રો પહોંચી ગયા. વાત ધાક-ધમકીથી શરૂ થઈ. હિંદુ યુવતીને ઘરે રવાના કરી દેવામાં આવી અને મુસ્લિમ યુવક સાથે મારામારીની ઘટના બની.

આ સમયે મુસ્લિમ યુવકના મિત્રો આવી પહોંચ્યા અને મામલો ત્યાં અટક્યો.

આ ઘટનામાં ધવલ બ્રહ્મભટ્ટને પણ માથામાં ઇજા થઈ હતી.

ચિરાગ બ્રહ્મભટ્ટ કહે છે કે " એ પછી તે બજરંગ દળમાં ખુબ ઍક્ટિવ થઈ ગયા હતા,"

મુસ્લિમો સામે નફરત અને પોલીસની કામગીરી

મહેસાણા સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસ, નીલેશ જાજડિયાએ બીબીસી બીબીસી ગુજરાતીને કહ્યું કે, ધવલ બ્રહ્મભટ્ટ આ પ્રકારના કામ કરવાનો આદી છે. હવે તેની સામે પાસા કરીને તેને વધુ સમય સુધી જેલમાં રાખવાનો પ્રયાસ જિલ્લા પોલીસ કરી રહી છે.

મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ગોસ્વામીએ ઘટના અંગે બીબીસી ગુજરાતીને કહ્યું કે, ધવલ બ્રહ્મભટ્ટે કરેલી પોસ્ટની તમામ નકલો પોલીસે ભેગી કરી છે અને તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. જોકે, તેઓ કોઇ હિંદુવાદી સંસ્થા સાથે સંકળાયેલા છે તે વિશે હજી સુધી અમને કોઈ જાણકારી નથી.

કોરોના વાઇરસની મહામારી ફેલાવાની શરૂઆત થઈ અને નવી દિલ્હીમાં તબલીગી જમાત સાથે સંબંધિત લોકોનાં કેસો સામે આવ્યા એ પછી સમગ્ર મુસ્લિમો સમાજને ટાર્ગેટ કરતા વાઇરલ મેસેજ અને ફૅક ન્યૂઝની અનેક ઘટનાઓ બની છે.

આવી સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે મુસ્લિમ સમુદાયના અનેક આગેવાનો પોલીસને જાણકારી આપી રહ્યાં છે અને પોલીસ પણ તેના પર ત્વરિત કાર્યવાહી કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ વધી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને ફૅક ન્યૂઝ ફેલાવનારી અને કોમને ટાર્ગેટ કરી સમાજને વિભાજિત કરનારા લોકો સામે પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

મહેસાણાના ધવલ બ્રહ્મભટ્ટ ફેસબુક પોસ્ટ બાબતે અલ્પસંખ્યક અધિકાર મંચના ઍક્ટિવિસ્ટ શમશાદ પઠાણની ટીમે પોલીસનું ધ્યાન દોર્યુ હતું.

એ જ રીતે અમરેલીના રાજુલામાં ચમ્પુભાઇ દરબાર સામે નોંધાયેલી એક ફરિયાદમાં રમઝાન કુરૈશી નામની એક વ્યક્તિ પોલીસનું ધ્યાન દોર્યુ હતું.

કુરૈશીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, તેમની પર એક મેસેજ આવ્યો હતો, જેમાં કોરોના વાઇરસના ફેલાવા માટે મુસ્લિમ સમાજ સામે ખૂબ જ ખરાબ શબ્દોનો પ્રયોગ થયો હતો જેની મે પોલીસને જાણ કરી.

આવી જ ફરિયાદો આણંદ, જામનગર, વડોદરા વગેરે શહેરમાં પણ થઈ છે તેવી માહિતી શમશાદ પઠાણ આપે છે.

શમશાદ પઠાણ કહે છે કે, દિલ્હીમાં તબલીગી જમાત સંબંધિત કેસો પછી અમને આવા અનેક સંદેશાઓ મળ્યા જેમાં મુસ્લિમ સમાજને ટાંકીને ફૅક ન્યૂઝ ફેલાવાઈ રહ્યા હતા અથવા તો બે કોમ વચ્ચે વિભાજન કરી લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા. આ માટે અમે દરેક જગ્યાએ પોલીસવડાઓનું ધ્યાન દોર્યુ હતું. અમને એ કહેતા ગર્વ થાય છે કે ગુજરાત પોલીસે આવા કિસ્સાઓમાં ફરિયાદો નોંધીને આવા લોકોને પાઠ ભણાવવાનું સરસ કામ કર્યું છે.

લોકો આવી પોસ્ટ શું કામ કરે છે?

સોશિયલ મીડિયામાં ફૅક ન્યૂઝ અને આવી ઉશ્કેરણીજનક પોસ્ટ ઘણી રહી છે ત્યારે મહામારીના સમયમાં લોકોની આ મનોવૃત્તિ અંગે બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સક હંસલ ભચેચ સાથે વાત કરી.

હંસલ ભચેચે કહ્યું કે, મોટાભાગે જે લોકો પોતાના મોબાઇલ પર મૅસેજ વાંચે છે, તેમને ભલે એવું થતું હોય કે તેમને તેની કોઈ અસર નથી પરંતુ ખરેખર તે મૅસેજ આપણા સબ-કોન્સિયસ માઇન્ડમાં જાય છે. એક પછી એક આવા મૅસેજ મૅસેજ ભેગા થતા રહે છે જે સમયાંતરે જે તે વ્યક્તિની સજેસ્ટિબિલિટીમાં વધારો કરે છે. સજેસ્ટિબિલિટી એટલે મગજ ફેરવી દેવાની પ્રક્રિયા.

ધવલ બ્રહ્મભટ્ટના કેસ વિશે વાત કરતા હંસલ ભચેચે કહ્યું કે, તેઓ એક સમયે મુસ્લિમોના મિત્ર હતા, પરંતુ પાછળથી તે કટ્ટર થઇ ગયા તેનું એક કારણ તેમની સજેસ્ટિબિલિટી છે.

હંસલ ભચેચ કહે છે "જે વ્યક્તિ ભયભીત હોય તેનું મગજ ફેરવવું સહેલુ હોય છે. બન્ને કોમો એકબીજા પ્રત્યેનો ભય પણ આની પાછળનું એક કારણ છે. પહેલાં ભય ઊભો થાય છે, પછી સજેસ્ટિબિલિટી, પછી એગ્રેશન એટલે કે ગુસ્સો અને છેલ્લે વેન્ટીલેશન આવે છે. આ પ્રકારના મૅસેજો આ પ્રક્રિયાને અંજામ આપે છે."

સમાજશાસ્ત્રી આનંદીબહેન પટેલે આ વિશે બીબીસી ગુજરાતીને કહ્યું કે, સમાજમાં એવા ઘણા લોકો અને સમૂહો કે સંગઠનો છે છે જે લોકોને કટ્ટરવાદ તરફ લઈ જવા માટે પ્રેરે છે. આની સામે લોકો વચ્ચે સદભાવ, પ્રેમ કે ભાઈચારાની વાત કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકોને કટ્ટર બનતા બચાવી શકે કે વધારે ઉદાર બનાવી શકે એવી સંસ્થાઓની સંખ્યા ઓછી છે. આ એક મોટો ગૅપ છે જે છેલ્લા ઘણા વર્ષોથી સમાજમાં ઉભો થયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો