કોરોના વાઇરસ : ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે મારું પગેરું દિલ્હીના નિઝામુદ્દીનમાં કેવી રીતે શોધ્યું?

    • લેેખક, મેહુલ મકવાણા
    • પદ, બીબીસી સંવાદદાતા

31 માર્ચે સાંજે 7 વાગે હું બીબીસી ગુજરાતીની દિલ્હીસ્થિત ઑફિસમાં કામ કરી રહ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને અંકુશમાં લેવા 21 દિવસના લૉકડાઉન વચ્ચે નવી દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાંથી અચાનક મોટી સંખ્યામાં સંક્રમિત લોકો મળી આવ્યાના સમાચારોની અપડૅટ્સ આવી રહી હતી.

ઑફિસનો ફોન જ મહત્તમ ઉપયોગમાં આવતો હોય છે એટલે સામાન્ય રીતે મારો અંગત ફોન બંધ જ રહેતો હોય છે પણ મેં એ ફોન ચાલુ કર્યો. જેવો મેં એ ફોન ચાલુ કર્યો કે બીજી-ત્રીજી મિનિટે એ રણક્યો.

મેં હેલો કહ્યું એ સાથે સામેથી વિનમ્ર અને સ્પષ્ટ અવાજ આવ્યો.

''હેલો મેહુલભાઈ વાત કરો છો? હું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. બારડ વાત કરું છું. તમે તાજેતરમાં નવી દિલ્હીના નિઝામુદ્દીનની મુલાકાત લીધી છે? આપ કેમ છો અને ક્યાં છો?''

હું સમજી ગયો કે આમ અચાનક કેમ આવો કૉલ આવ્યો.

મેં એમને જણાવ્યું કે, ''હું અમદાવાદનો છું અને હાલ દિલ્હીમાં જ રહું છું અને બીબીસીની ગુજરાતી સેવાનો સંવાદદાતા છું. મેં એમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાંથી અચાનક મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યાં છે તે મારા ઘરથી ઑફિસ વચ્ચેનો રોજનો રસ્તો છે અને હું ઘણી વાર ત્યાં બિરયાની પાર્સલ કરાવવા રોકાતો હોઉ છું.''

પોલીસ ઇન્સ્પેકટર ડી. બી. બારડને મારી વાતથી સંતોષ થયો અને ગણતરીના સમયમાં વાત પૂરી થઈ.

પોલીસ ઇન્સ્પેકટર ડી.બી. બારડે ફોન મૂક્યો અને મેં યાદ કર્યું કે માર્ચ મહિનાની શરૂઆતમાં હું એક વાર રાત્રે ઑફિસ પતાવી નિઝામુદ્દીન દરગાહ પાસેના ખાણી-પીણી બજારે બિરયાની લેવા રોકાયો હતો.

મેં એ પણ યાદ કરી જોયું એ વખતે મેં માસ્ક પહેરેલું હતું અને બિરયાની પાસર્લ કરાવી તરત જ હું નીકળી ગયો હતો.

જોકે, કહાનીમાં ટ્વીસ્ટ એ છે કે મારા જે નંબર પર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. બારડે ફોન કર્યો તે નંબર તો એ વખતે બંધ જ હતો અને દોઢેક વર્ષથી મોટા ભાગે તે બંધ જ હોય છે. બૅન્કના ઓટીપીની જરૂર સિવાય તે નંબર હું ભાગ્યે જ ચાલુ રાખું છું.

હૉટસ્પોટ નિઝામુદ્દીન અને સાનંદ આશ્ચર્ય

ગુજરાત પોલીસનો એ કૉલ મારા માટે સાનંદ આશ્ચર્ય હતું. આનંદ એ વાતનો હતો કે દેશને ખળભળાવી દેનાર નિઝામુદ્દીનના મરકઝના કોરોના વાઇરસ સંક્રમણને ગુજરાત પોલીસ ખૂબ જ પ્રોઍક્ટિવ રીતે લઈ રહી છે.

આશ્ચર્ય એ હતું કે નિઝામુદ્દીનના મરકઝમાંથી મળી આવેલા કેસો પર હજી તો અપડેટ્સ થઈ રહી છે ત્યારે આટલી ઝડપથી ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે નિઝામુદ્દીનમાં મારો નંબર કેવી રીતે શોધી કાઢ્યો?

2 એપ્રિલે આ લખાઈ રહ્યું છે ત્યારે નિઝામુદ્દીન મરકઝમાંથી 2361 લોકોને કાઢવામાં આવ્યા છે. એ પૈકી કોરોના વાઇરસની સંભાવનાવાળા 617 લોકોને હૉસ્પિટલમાં લઈ જવાયા છે અને બાકીના લોકોને અન્યત્ર ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

2 એપ્રિલ સુધી દેશમાં જે 2000 જેટલા કેસો છે તેમાં નિઝામુદ્દીન મરકઝ સાથે સંબંધિત 378 મામલાઓ છે.

36 કલાકના સઘન અભિયાન પછી મરકઝ પહેલી એપ્રિલે વહેલી સવારે ખાલી કરાવાયો હોવાની જાહેરાત દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કરી હતી.

કેન્દ્ર સરકારના આદેશને પગલે નિઝામુદ્દીન વિસ્તારની કે મરકઝની મુલાકાત લેનારા લોકોનું પગેરું દેશભરમાં પોલીસ શોધી રહી છે.

દિલ્હીના નિઝામુદ્દીનની મુલાકાત લઈ સુરત પરત ફરનારા 72 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તે પૈકી 42 લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

અલબત્ત, આ તમામ લોકો મરકઝના મુલાકાતીઓ છે એવું જરૂરી નથી એમાં ઘણા વેપારીઓ પણ છે, એ જ રીતે જે રીતે હું પત્રકાર છું અને મરકઝનો મુલાકાતી નથી.

ગુજરાત પોલીસે મને કેવી રીતે શોધ્યો?

ગુજરાત પોલીસને મારો નંબર કેવી રીતે મળ્યો તે અંગે વાત કરવા મેં સૌપ્રથમ મને ફોન કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. બારડને કૉલ કર્યો.

એમણે મને કહ્યું કે, એરિયા ટાવરમાંથી એ વિસ્તારની મુલાકાત લેનારા રાજ્યના નંબરો મળી આવે છે. 230 જેટલા નંબરો અમદાવાદના હતા અને એ તમામ નંબરોને 31 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી ટ્રૅસ કરી લેવામાં આવ્યા છે.

આ અંગે મારા સહયોગી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાથે વાત કરી હતી.

આશિષ ભાટિયાએ કહ્યું કે "દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝની ઘટના પછી દિલ્હી પોલીસે અમુક મદદ કરી અને પછીથી સાઇબર ક્રાઇમે ઍક્ટિવ નંબરોની યાદી તૈયાર કરી હતી અને તેના આધારે લોકો સાથે વાત કરવામાં આવી અને જરૂરી લોકોને ટ્રૅસ કરવામાં આવ્યા."

એમણે કહ્યું કે, "દિલ્હીમાં તબલીગી જમાતવાળા જે લોકો હતા એ પૈકી ગુજરાતના 27 નંબરો એવા હતા કે તેઓ દિલ્હીથી ઉત્તર પ્રદેશ તથા અન્ય વિસ્તારની મુલાકાત લીધી હતી અને એ પછી તેઓ અમદાવાદ આવ્યા હતા. જોકે એ તમામ લોકોનો કોરોના વાઇરસનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે."

ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દીપન ભદ્રને મારા સહયોગી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને કહ્યું કે ગુજરાત પોલીસને દિલ્હી પોલીસ પાસેથી માહિતી મળી હતી.

પોલીસ પછી કૉર્પોરેશનનો કૉલ

31 માર્ચે ગુજરાત પોલીસના કૉલ પછી 1 એપ્રિલ સાંજે 5 વાગે ફરી મારો અંગત ફોન રણક્યો. હવે સામે અમદાવાદ મ્યુનિસિપલ કોપૉરેશનના ડૉ. ચિરાગ હતા.

એમણે મારી સાથે વાત કરી અને વિગતો પૂછી. એમણે મારા પરિવારની વિગતો માગી અને મેં તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી છે કે કેમ તે પૂછ્યું.

એ જ રીતે 2 એપ્રિલ સવારે ફરી એક વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પૉરેશનમાંથી ડૉ. હેમલનો કૉલ મને આવ્યો. એમણે પણ ડૉ. ચિરાગની જેમ જ મને મારી તબિયત વિશે પૂછપરછ કરી.

સર્વેલન્સની સત્તા

મને સવાલ એ થયો કે તો શું પોલીસને મોબાઇલ લોકેશન અને નંબર ટ્રૅસ કરવાની સત્તા હોય છે?

પોલીસ કાયમ આમ કરતી હોય છે કે ખાસ સંજોગોમાં તે આમ કરે?

આ સવાલોના જવાબ મેળવવા મેં નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાથે વાત કરી.

રમેશ સવાણીએ મને કહ્યું કે, "પોલીસ લૉ ઍન્ડ ઑર્ડર, જાહેર આરોગ્ય જેવી કટોકટી વગેરે કિસ્સામાં મોબાઇલ સર્વેલન્સ રાખી શકે છે."

"કમિશનર ઑફ પોલીસ, આઈબી, ક્રાઇમ બ્રાન્ચ વગેરે પાસે એની સત્તા હોય છે. પોલીસ એરિયા ટાવરને આધારે લોકેશન કાઢી શકે છે અને જે તે કિસ્સામાં જરૂરિયાત મુજબ આગળ વધે છે. પોલીસ કંપની પાસે કૉલ ડિટેઇલ મંગાવીને એનું એનાલિસીસ કરતી હોય છે."

રમેશ સવાણીનું કહેવું છે આધુનિક સમયમાં પ્રાથમિક મોબાઇલ સર્વેલન્સ સહેલું છે અને તેનાથી ઝડપથી સંપર્ક કરનારાઓની વિગતો પોલીસ પાસે આવી જાય છે.

વરિષ્ઠ ક્રાઇમ પત્રકાર પ્રશાંત દયાળનું કહેવું છે કે મોબાઇલ સર્વેલન્સ માટે જે તે અધિકારીને રૅન્ક મુજબ સત્તા હોય છે. આઈજી સ્તરના અધિકારીના આદેશ પર 15 દિવસ સર્વેલન્સ થઈ શકે છે. હોમ સેક્રેટરીના આદેશ પર એક મહિનો સર્વેલન્સ થઈ શકે છે.

દયાળ માને છે કે આ સર્વેલન્સ અત્યારે જેમ લોકોને ક્વોરૅન્ટીન કરવામાં ઉપયોગી નીવડી રહ્યું છે એમ જ તે ગુનાઓને ટ્રૅસ કરવામાં જ નહીં પણ તમે જે ગુનામાં ભાગીદાર ન હો તેની સામે બચાવમાં પણ ઉપયોગી નીવડે છે.

હૅકસગૉન અને ટ્રાયંગલની દુનિયા

પ્રશાંત દયાળે મને કહ્યું, "આ ડેટા ફક્ત ગુજરાત પોલીસને નહીં, પરંતુ સમગ્ર દેશમાં અલગઅલગ રાજ્યોની પોલીસને દિલ્હીની સ્પેશિયલ બ્રાંચ દ્વારા આપવામાં આવ્યો છે."

પ્રશાંત દયાળનું કહેવું છે કે પોલીસે જે કર્યું છે તે કોઈનું મોબાઇલ ઇન્ટરસેપ્શન નથી પરંતુ ફક્ત લોકેશન ટ્રૅસિંગ છે.

પ્રશાંત દયાળે એમ પણ કહ્યું કે તમારો ફોન તમે વાપરી ભલે ન રહ્યા હો પણ એનું લોકેશન ઑન હોય અને એ જે ટાવરને મળતું હોય એ એરિયા ટાવરમાં તમારો નંબર આવે તો પણ તમને કૉલ આવે.

સવાલ એ હતો કે પોલીસ આ કરે છે કેવી રીતે અને એનો જવાબ મને સાયબર એક્સપર્ટ અને ટૅક ડિફેન્સના સીઈઓ સની વાઘેલાએ આપ્યો.

સની વાઘેલાએ કહ્યું કે "મોબાઇલની દુનિયામાં વિસ્તાર એક હૅક્સગૉન એટલે ષષ્ઠકોણમાં વિભાજિત થાય છે. એ હૅકસગૉનની વચ્ચે મોબાઇલ સર્વિસનો ટાવર લાગે છે."

"એ એક હૅક્સગૉનમાં 6 ટ્રાયંગલ બને છે. આવી ઘટનામાં કે ક્રાઇમમાં ઘટનાસ્થળ કયા ત્રિકોણ યાને ટ્રાયંગલમાં છે તે જોવામાં આવે છે."

"નિઝામુદ્દીન વિસ્તારમાં જે મરકઝ છે એ ટ્રાયંગલમાં આવતા નંબરોનો ડેટા સર્વિસ પ્રોવાઇડરો રાજ્ય સરકારને આપે છે."

"આવા કિસ્સાઓમાં જો તમારો નંબર ટ્રાયંગલમાં આવતો હોય તો જ તમને કૉલ કરવામાં આવે છે. જો કોઈ લોકેશન બે ટ્રાયંગલની વચ્ચે હોય તો બેઉ ટ્રાયંગલને ચેક કરવામાં આવે છે."

સની વાઘેલાનું કહેવું છે કે પોલીસ અને સંબંધિત તપાસ ઍજન્સીઓ પાસે કૉલ ડિટેઇલ એનાલિસીસ અને લૉકેશન એનાલિસીસ ચેક કરવા માટેના ખાસ સૉફ્ટવેર હોય છે જેના જે તે નંબર 3 મહિનાની હિસ્ટરી ચેક કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો