કોરોના વાઇરસ : લૉકડાઉનમાં પગપાળા ઘરે જતાં મૃત્યુને ભેટેલા રણવીરના છેલ્લા શબ્દો શું હતા?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, મને લેવા આવી શકતા હોવ તો આવી જાઓ."

આ શબ્દો એ શખ્સના આખરી કૉલના છે જેમનું દિલ્હીથી મધ્ય પ્રદેશ પગપાળા જતાં વચ્ચે આગ્રા પાસે મૃત્યુ થઈ ગયું.

રણવીર સિંહ નામની આ વ્યક્તિ દિલ્હીમાં એક ડિલિવરી બૉય તરીકે કામ કરતી હતી.

પરંતુ લૉકડાઉનને કારણે દિલ્હીમાં ખાવાપીવા અને રહેવાની સમસ્યા થતાં તેઓએ પોતાના ગામ જવાનો નિર્ણય કર્યો હતો.

કોઈ સાધન ન મળતાં રણવીર સિંહ ચાલતાં જ પોતાના ગામ તરફ આગળ વધ્યા હતા.

મૃત્યુની રાતે શું થયું હતું?

મૃત્યુ પહેલાંની રાતે રણવીર સિંહે પોતાના કેટલાક સાથીઓ સાથે મળીને ઘર જવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ બસો બંધ હોવાથી રણવીર સિંહે ચાલવાનું શરૂ કરી દીધું હતું.

દિલ્હીથી નીકળીને ફરીદાબાદ પહોંચતાં રણવીરે રાતે સાડા નવ વાગ્યે પોતાનાં બહેન પિંકી સાથે વાત કરી.

પિંકી જણાવે છે, "એ દિવસે મેં અચાનક જ ભાઈને ફોન જોડી દીધો તો તેઓએ કહ્યું કે 'ઘર આવી રહ્યા છે, કેમ કે લૉકડાઉનને કારણે કામકાજ વગેરે બંધ છે. પગપાળા આવે છે.' મને આ સાંભળીને અજબ લાગ્યું હતું..."

પિંકી જણાવે છે કે "ભાઈ સાથે વાત કર્યા બાદ હું મારી દવા લઈને સૂઈ ગઈ. સવારે જ્યારે ઊઠી તો સૌથી પહેલાં લગભગ પાંચ વાગ્યા આસપાસ ભાઈને ફોન કર્યો.

પિંકી કહે છે, "તેઓ ફોન પર કહ્યું કે તેમને છાતીમાં દુખે છે... મેં કહ્યું કે તમે ક્યાંક બેસી જાવ અને ત્યાં સુધીમાં હું કોઈને ફોન કરું છું..."

ચાલતી વખતે રણવીર સાથે શું થયું હતું?

રણવીર સિંહ દિલ્હીથી મથુરાના રસ્તે થઈને સવારેસવારે આગ્રા પહોંચી ગયા હતા.

ત્યાં સુધી રણવીર ઘણા થાકી ગયા હતા. રસ્તામાં કેટલાક કિલોમીટર સુધી તેમને ટ્રેક્ટર પણ મળ્યું, પરંતુ તેઓએ લાંબું અંતર પગપાળા જ કાપ્યું હતું.

અને રણવીર આ રસ્તે એકલા જ નહોતા ચાલતા. તેમની સાથે તેમની ઉંમરના ઘણા યુવાનો, વડીલો અને બાળકો સામેલ હતાં.

રણવીર સિંહ દિલ્હીની એક રેસ્ટોરાંમાં ડિલિવરીમૅનના રૂપમાં કામ કરતાં હતા. તેમની સાથે તેમના સંબંધી અરવિંદ પણ હતા.

અરવિંદ એ શખ્સ છે જેમને રણવીર સિંહે અંતિમ કૉલ કર્યો હતો. અરવિંદ એ આખી રાત રણવીર સિંહ સાથે સંપર્કમાં હતા.

અરવિંદને એક ટ્રકમાં જગ્યા મળી ગઈ હતી, જ્યારે તેમના જીજાજી પગપાળા આવી રહ્યા હતા.

અરવિંદ સિંહ જણાવે છે, "મારી રાતે તેમની સાથે વાત થઈ હતી. રાતમાં જ તેઓ થાકની વાત કરતા હતા. પરંતુ કોરોનાના ડરને કારણે કોઈએ તેમની મદદ ન કરી."

"તેઓ પગપાળા ચાલતા રહ્યા અને આગ્રા સુધી આવતાંઆવતાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ..."

મૃત્યુના છેલ્લા કલાકો...

રણવીર સિંહનું મૃત્યુ નેશનલ હાઈવે-2 પર સવારે સાડા છ વાગ્યે થયું.

પરંતુ મરતાં પહેલાં રણવીર સિંહે પોતાના સંબંધી અરવિંદને ફોન પર મદદની વાત કરી હતી.

અરવિંદ કહે છે, "તેમણે મને ફોન કર્યો ત્યારે કહ્યું કે 'મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. મને લેવા આવી શકતા હોવ તો આવી જાવ.' મેં કહ્યું કે 100 નંબર ડાયલ કરો... કોઈની મદદ લો... પરંતુ બાદમાં તેમનો અવાજ ન આવ્યો."

"આ કૉલ બાદ અંદાજે આઠ મિનિટ પછી હું ટ્રકમાંથી ઊતર્યો અને ફરી એક ફોન કર્યો ત્યારે કોઈ અન્યે ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેમની હાલત ગંભીર છે. બાદમાં તેમનું મૃત્યુ થઈ ગયું."

મૃત્યુ બાદ શું?

રણવીર સિંહના મૃત્યુ બાદ તેમના ઘરમાં સન્નાટો વ્યાપી ગયો. રણવીર સિંહનાં પત્ની મમતા અને તેમનાં ત્રણ બાળકો આઘાતમાં છે.

રણવીર સિંહનાં બહેન પિંકીએ બીબીસીને જણાવ્યું, "અમારા પિતાજી પણ વહેલા ગુજરી ગયા. બાદમાં ભાઈએ ઘરની જવાબદારી સંભાળી હતી. તેને ત્રણ બાળકો છે. હવે ઘરમાં કોઈ કમાનાર નથી બચ્યું."

"હવે હું મારા ઘરને જોઉં છું ત્યારે ખબર નથી પડતી કે આગળ શું થશે. અમારી ઉપર શું વીતે છે એ અમે જ જાણીએ છીએ. ભાઈએ આ ઘરની દીવાલ બનાવવા માટે દોઢ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું, જે તેઓ ચૂકવતા હતા. હવે તેનું શું થશે?"

પિંકી બોલતાંબોલતાં ભાવુક થઈ જાય છે કે તેમના ઘરની રોનક ઝાંખી પડી ગઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે મનની વાત કાર્યક્રમમાં દેશવાસીઓને, ખાસ કરીને ગરીબોને લૉકડાઉનને કારણે પડતી મુશ્કેલીઓને લઈને માફી માગી હતી.

હવે સવાલ એ છે કે રણવીરનો પરિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના પર આવી પડેલી વિપદા માટે માફ કરી શકશે કે નહીં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો