કોરોના વાઇરસ : ગુજરાતના પૂર્વ ક્રિકેટરે શોધેલા વૅન્ટિલેટરની વિશ્વમાં માગ કેમ?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાવાઇરસે જગતભરમાં હાહાકાર મચાવ્યો છે અને જે એક મેડિકલ ઉપકરણની સતત ચર્ચા થઈ રહી છે એ છે વૅન્ટિલેટર. કોરોનાએ જ્યાં ભરડો લીધો છે એવા કેટલાક દેશોમાં વૅન્ટિલેટરની માગ ઊભી થઈ છે.

કેટલાક દેશોએ તાબડતોબ વૅન્ટિલેટર બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. આપણા દેશમાં પણ વૅન્ટિલેટરની માગ ઊભી થઈ છે.

મેડિકલ ઉપકરણોના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓને વૅન્ટિલેટર બનાવવા માટે રાજ્ય સરકારે પણ આહ્વાન કર્યું હતું.

રાજકોટની જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમિટેડ કંપનીએ દસ દિવસની મહેનતે એક વૅન્ટિલેટર તૈયાર કર્યું છે.

ધમણ1 નામનું આ વૅન્ટિલેટર ગુજરાત સરકારને તેમજ સમગ્ર દેશમાં તેઓ એક લાખ રૂપિયામાં આપવાના છે.

ક્રિકેટ છોડીને બિઝનેઝમાં આવ્યા

જ્યોતિ સીએનસી કંપનીના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજાને સ્પૉર્ટ્સમાં કારકિર્દી બનાવવી હતી, પરંતુ તેઓ બની ગયા બિઝનેસમૅન.

રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તક 'ટેક મી હોમ : ધ ઇનસ્પાયરીંગ સ્ટોરીઝ ઑફ ટ્વેન્ટી ઍન્ટરપ્રિન્યોર્સ ફ્રોમ સ્મોલ ટાઉન ઇન્ડિયા વીથ બીગ ટાઇમ ડ્રીમ્સ'માં વિવિધ વ્યાવસાયીઓએ કરેલા સંઘર્ષ અને સફળતાનું આલેખન કરવામાં આવ્યું છે.

જેમાં એક પ્રકરણ પરાક્રમસિંહ જાડેજા વિશે છે. જેમાં જણાવાયું છે કે પરાક્રમસિંહ જાડેજા શતરંજ એટલે કે ચેસ તેમજ ક્રિકેટના ખૂબ સારા ખેલાડી હતા.

1985માં ગુજરાત તરફથી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાતના જે ટોચના ત્રણ ખેલાડી રમવા જવાના હતા તેમાંના એક પરાક્રમસિંહ જાડેજા હતા.

એ વખતે તેમની 12માં ધોરણની બૉર્ડની પરીક્ષાની તારીખ અને શતરંજની રાષ્ટ્રીય ટુર્નામેન્ટની તારીખ જોડે આવતી હતી.

પરાક્રમસિંહ બૉર્ડની પરીક્ષાને બદલે ચેસની ટુર્માનેન્ટ રમવા ગયા હતા. તેઓ ક્રિકેટ પણ સારું રમતા હતા. 1989માં તેઓ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ માટે અન્ડર 19 ટીમમાં પસંદગી પામ્યા હતા.

એ વખતે વિમાનની ટિકિટ તેમજ નાનામોટા ખર્ચ માટે 25 હજાર રૂપિયાની જરૂર હતી. એ વખતે તેમના પરિવારને ખૂબ આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો.

પરાક્રમસિંહના જીવનનો એ વળાંક હતો. તેમણે પછી સ્પૉર્ટ્સ છોડીને ધંધામાં મન પરોવ્યું હતું. ધીમે-ધીમે તેઓ આગળ વધતા ગયા અને જ્યોતિ સીએનસી કંપની શરૂ કરી હતી.

કઈ રીતે કામ કરે છે વૅન્ટિલેટર?

આ વૅન્ટિલેટર કઈ રીતે કામ કરે છે, આટલા સમયમાં કેવી રીતે તૈયાર કરી નાખ્યું એ જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો.

જ્યોતિ સીએનસી કંપનીના કૉર્પોરેટ કૉમ્યુનિકેશન્સનાં એક્ઝિક્યુટિવ હેડ શિવાંગી લાખાણીએ ધમણ-1 વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે "કોરોના પૉઝિટિવ દરદીને ધ્યાનમાં રાખીને જ વૅન્ટિલેટર ધમણ-1 બનાવવામાં આવ્યું છે. કોવિડ-19 દરદીઓ માટે પ્રેસર બેઝ્ડ વૅન્ટિલેટર જોઈએ તો આ એ જ ટેકનિકને ધ્યાનમાં રાખીને તૈયાર થયું છે."

"ઉત્પાદનના પહેલા તબક્કામાંઅમે 1000 વૅન્ટિલેટર બનાવવાના છીએ જે અમે ગુજરાત સરકારને આપવાના છીએ. એ વૅન્ટિલેટરો રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં પહોંચાડશે."

"એપ્રિલના અંત સુધીમાં અમે આ હજાર વૅન્ટિલેટર રાજ્ય સરકારને પહોંચાડી દઈશું. એક વૅન્ટિલેટર એક લાખ રૂપિયાની પડતર કિંમતે અમે રાજ્ય સરકારને આપવાના છીએ."

"મહારાષ્ટ્ર સરકારે પણ અમારી પાસે ધમણ-1 વૅન્ટિલેટર મગાવ્યાં છે. ઉપરાંતસ્પેન, અમેરિકા, કઝાકિસ્તાન, ઈરાન, કેન્યા, પોર્ટુગલ અને ફ્રાન્સે પણ વૅન્ટિલેટરો માટે અપ્રોચ કર્યો છે."

"કેટલીક પ્રાઇવેટ કંપનીઓનાં ઑર્ડર્સ પણ અમારી પાસે છે. જોકે, અમારો પહેલો ટાર્ગેટ એ છે કે ગુજરાત સરકારને એક હજાર વૅન્ટિલેટર્સ શક્ય તેટલાંવહેલાં પહોંચાડી દઈએ. એ પછી જ અમે અન્ય રાજ્યો અને અન્ય દેશ તેમજ પ્રાઇવેટ કંપનીની જરૂરિયાત પર ધ્યાન આપી શકીશું."

તમે દસ દિવસમાં વૅન્ટિલેટર તૈયાર કર્યું છે. તમને સંશોધન અને વિકાસ માટે આટલો ટૂંકો સમય પર્યાપ્ત હતો?

શિવાંગીબહેને કહ્યું હતું કે "તકનીકી બારીકીઓ વગેરે ધ્યાનમાં લઇને 25 જણાની ટીમે દિવસરાત મહેનત કરીને 10 દિવસમાં પ્રોટોટાઇપ એટલે કે નમૂનારૂપ આદર્શ મૉડલ તૈયાર કર્યું હતું."

"હવે કંપનીમાં 250 લોકો વૅન્ટિલેટર નિર્માણનું કામ કરી રહ્યા છે.રોજના પાંચથી દસ વૅન્ટિલેટર અમે તૈયાર કરી રહ્યા છીએ. અમારી નેમ છે કે આગામી વીસેક દિવસોમાં અમે 80થી 100 વૅન્ટિલેટર રોજના બનાવીએ."

કંપનીએ જે નમૂનારૂપ વૅન્ટિલેટર તૈયાર કર્યું એ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મુકાયું હતું. મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ એ વખતે ત્યાં આવ્યા હતા.

હૉસ્પિટલમાં મુકાયું એ અગાઉ કઈ-કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું?

શિવાંગીબહેને કહ્યું હતું કે "અમે સિવિલ હૉસ્પિટલમાં મૂક્યું એ અગાઉ ગાંધીનગરમાં ઇક્યુડીસી (ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ક્વૉલિટી ડેવલપમૅન્ટ સેન્ટર) છે ત્યાં અમે મેડિકલ સંસાધનના ગુણવત્તા પ્રમાણપત્ર માટે મોકલ્યું હતું."

"એ લોકોએ અમને પ્રમાણપત્ર આપ્યુંએ પછી પ્રોટોટાઇપ વૅન્ટિલેટર સિવિલ હૉસ્પિટલમાં મુકાયું હતું. ઇક્યુડીસીનું સર્ટિફિકેટ આવ્યા પછી ગુજરાત સરકારે અમને અન્ય વૅન્ટિલેટર્સ માટે જણાવ્યું હતું."

"અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ટેસ્ટિંગમાં મુકાયેલા પ્રોટોટાઇપના ફીડબૅક અમને ખૂબ સારામળ્યા છે. સિવિલ હૉસ્પિટલમાં જે મેડિકલ સ્ટાફ હતો તેમણે ટેસ્ટિંગ કરી લીધું છે."

સામાન્ય રીતે વૅન્ટિલેટરની બજારકિંમત 6 લાખ કરતાં વધુ હોય છે. તમે એક લાખમાં તૈયાર કર્યું છે. જો એની બૅઝિક કિંમત 6 લાખ હોય તો તમને કેવી રીતે પરવડે છે? આગામી સમયમાં પણ એક લાખ જ કિંમત રાખશો?

આના જવાબમાં શિવાંગી લાખાણીએ જણાવ્યું હતું કે "સામાન્ય રીતે વૅન્ટિલેટરની કિંમત 6 લાખથી શરૂ થતી હોય છે અને ઇમ્પૉર્ટેડ વૅન્ટિલેટરની કિંમત સાતથી આઠ લાખ સુધી જતી હોય છે. અમને 26 જેટલા એકમો વૅન્ટિલેટર્સના વિવિધ પાર્ટ્સ પૂરાપાડે છે."

"કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં લઈને પાર્ટ્સ પૂરા પાડતા સપ્લાયર્સે અમારી પાસેથી એની કોઈ વધારે રકમ નથી લીધી. તેઓ પડતરકિંમતે જ પાર્ટ્સ આપી રહ્યા છે."

"જરૂરિયાતમંદ દરદી સુધી ઝટ વૅન્ટિલેટર્સ પહોંચતા થાય એટલા માટેસપ્લાયર્સે અમને રાહત આપી છે, ઓવરહેડ કોસ્ટ લીધી નથી એટલે અમે પણ કિફાયતદરે એનું વેચાણ કરી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે સમગ્ર દેશમાં અમે એક લાખ પ્લસ ટૅક્સના ભાવ પર જ વૅન્ટિલેટર આપીશું."

"પછી અન્ય રાજ્ય સરકાર માગે કેકોઈ પ્રાઇવેટ કંપનીને જરૂર હોય."

ધમણ-1ની કામગીરી કઈ રીતે હાથ ધરવામાં આવી એ વિશે જણાવતાં શિવાંગી કહે છે કે "જે રીતે કોરોનાને પગલે ગંભીર માહોલ ઊભો થઈ ગયો એ પછી તકેદારીનાં પગલાં તાબડતોબ લેવાય એ માટે કલેક્ટરે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી."

"જેમાં જ્યોતિ સીએનસીના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજા પણ સામેલ હતા. એ બેઠકમાં એક વાત એવી પણ થઈ કે વૅન્ટિલેટર્સની ખૂબ જરૂર પડશે. આપણે ત્યાં જે વૅન્ટિલેટર્સ છે તે મોટા ભાગે વિદેશથી જ મગાવવામાં આવે છે."

"આપણે ત્યાં જ વૅન્ટિલેટર્સ તૈયાર થાય એવા કોઈ ખાસ માળખા નથી, તો એના માટે શું થઈ શકે? એમાં પરાક્રમસિંહ જાડેજાએ રજૂઆત કરી કે અમારું જ્યોતિ સીએનસીનું જે ઉત્પાદન યુનિટ છે એમાં એ ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ છે."

"વિવિધ કૉમ્પોનન્ટ એક જસ્થળે ત્યાં મળી શકે એમ છે. એમાં વૅન્ટિલેટર્સનું ઉત્પાદન થઈ શકે છે. જ્યોતિ સીએનસીને વૅન્ટિલેટર ઉત્પાદનનો કોઈ અનુભવ નહોતો. તેથી અમે આરએચપી મેડિકલ્સ જે અમદાવાદની કંપની છે તેમનો સંપર્ક સાધ્યો."

"આરએચબી મેડિકલ્સ બહારની અન્ય કંપની સાથે મળીને વૅન્ટિલેટર્સ વેચાણ કરે જ છે. એ કંપનીના રાજેન્દ્રસિહ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો. રાજેન્દ્રસિંહે વિદેશમાં પણ વૅન્ટિલેટર્સ સંદર્ભે ખૂબ કામ કર્યું છે."

"તેઓ રાજકોટ આવ્યા અને જરૂરી ગોઠવણકરી. અમારી ડિઝાઇન ટીમ છે તેમને માર્ગદર્શન આપ્યું. અમે જ્યોતિ સીએનસીમાં અમારી પોતાની એક ટેસ્ટિંગ લૅબોરેટરી પણ તૈયાર કરી છે."

તો શું જ્યોતિ સીએનસીનો આ પ્રથમ મેડિકલ પ્રોજેક્ટ છે?

એ સવાલના જવાબમાં શિવાંગીબહેને કહ્યું હતું કે "જ્યોતિ સીએનસી કંપની મેડિકલ ઇમ્પલાન્ટ્સના વિવિધ પાર્ટ્સ જેવા કે ની જોઇન્ટ્સ- હૅન્ડ જોઇન્ટ્સ વગેરે જે મશીનમાં તૈયાર થાય છે એ માટેનાપાર્ટ્સ જ્યોતિ સીએનસી બનાવે જ છે. મેડિકલક્ષેત્રે અમે મશીન્સ સપ્લાય પણ કરીએ છીએ."

ધમણ-1 વિશેની વધુ વિગત આપતાં શિવાંગીબહેને કહ્યું હતું કે "ધમણ-1 છે એ અમારું બૅઝિક મૉડલ છે. ધમણ-1ને હજી વધુ બહેતર કેટલું બનાવી શકાય એ માટે અમારું સંશોધન ચાલુ જ છે. ભવિષ્યમાં ધમણ-2 અને ધમણ-3 એવાં અન્ય મૉડલ્સ પણ આવશે."

"વૅન્ટિલેટર્સ વિશે વાત કરતાં ઝાયડસ હૉસ્પિટલ્સના બાયૉમેડિકલ ઍન્ડ પ્રૉજેક્ટ્સના હેડ ટેરેન્સ કુરિયને જણાવ્યું હતું કે "કોરોના પૉઝિટિવ દરદી ગંભીર તબક્કે પહોંચી જાય પછી જ વૅન્ટિલેટરની જરૂર પડે છે. આવા દરદીનું પ્રમાણ 3-4 ટકા છે."

"આપણી હૉસ્પિટલ્સમાં જે વૅન્ટિલેટર્સ હોય છે એ મોટે ભાગે વિદેશથી જ તૈયાર થઈને આવતા હોય છે. ખાસ કરીને જર્મની અને અમેરિકાથી વધારે આવે છે. એવામાં આપણે ત્યાં જ કોઈ વૅન્ટિલેટર તૈયાર થયું હોય તો એ આવકાર્ય ઘટના છે."

તેમણે એમ પણ કહ્યું, "જોકે, એમાં વધારે કયા ફિચર્સની જરૂર છે. એ કેટલી સક્ષમ રીતે કામ કરે છે એ વૅન્ટિલેટરના પરિણામ પર નિર્ભર રહે છે. એના પરિણામને આધારે એને વધુ વિકસાવી પણ શકાય છે."

ધમણ-1 વૅન્ટિલેટર કઈ રીતે કામ કરે?

કોરોના વાઇરસથી ગંભીર રીતે ગ્રસિત ગંભીર દર્દીને જ વૅન્ટિલેટર પર મૂકવામાં આવે છે.

લાંબી કે ગંભીર માંદગીને લીધે માણસનાં ફેફસાં જ્યારે કામ કરવાનું બંધ કરી દે ત્યારે વૅન્ટિલેટર એ ફેફસાંને યાંત્રિક રીતે ચલાવવાનું કાર્ય કરે છે. જેને લીધે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહે છે. અને એના લીધે દરદીને ચેપમુક્ત થવાનો સમય મળી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો