કોરોના વાઇરસ પ્લાન : ગુજરાત સરકારનું આયોજન શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોરોના વાઇરસને પગલે દેશભરમાં લૉકડાઉન જાહેર કરાયું છે, એને વધારવામાં આવે એવી શક્યતા છે.

આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, રાજ્ય તેનો અમલ કરશે એવું ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીએ 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ને જણાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ મામલે ચર્ચા કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ કરી હતી.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર 12 એપ્રિલ સવારે દસ વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 493 કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદમાં સૌથી વધુ ચેપ

રવિવાર સવાર સુધી ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપના સૌથી વધુ મામલા અમદાવાદમાં જોવા મળ્યા હતા.

અમદાવાદમાં 266 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જેમાંથી 15 વિદેશી છે, જ્યાર 27 પરપ્રાંતીય છે. કોરોના વાઇરસના લીધે અમદાવાદમાં કુલ 11 મૃત્યુ નોંધાયાં છે.

રાજ્યની સ્થિતિ

આરોગ્ય અને કુટુંબ કલ્યાણવિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજ્યમાં 15, 561 લોકો ક્વોરૅન્ટીન થયેલા છે. જેમાંથી 14,013 લોકો હોમ ક્વોરૅન્ટીનમાં છે. 1406 લોકો સરકારી ફેસિલિટી અંતર્ગત ક્વોરૅન્ટીન થયેલા છે. જ્યારે પ્રાઇવેટ ફૅસિલિટીમાં 142 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

રાજ્યમાં હાલમાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યું છે, જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

આ માટેનું મોનિટરિંગ કમિશનર (આરોગ્ય)ની કચેરી દ્વારા કરાઈ રહ્યું છે. સર્વેલન્સમાં પૉઝિટિવ દર્દીઓની આજુબાજુના કન્ટેન્મૅન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શિકા અંતર્ગત કામગીરી કરાઈ રહી છે.

વૅન્ટિલેટરની સ્થિતિ

રાજ્યમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત ગંભીર દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલોમાં 1061 વૅન્ટિલેટર ઉપલબ્ધ છે અને વધુ એક હજાર વૅન્ટિલેટર ખરીદવાના આદેશ આપી દેવાયા છે.

આ ઉપરાંત દિલ્હી તરફથી રાજ્ય સરકારને 43 વૅન્ટિલેટર મળેલાં છે.

હૉસ્પિટલોની સ્થિતિ

રાજ્યમાં અમદાવાદ ખાતે 1200 બૅડ, વડોદરા તથા રાજકોટ ખાતે 250 બૅડ, સુરત ખાતે 500 બૅડ તેમજ તમામ જિલ્લા ખાતે સરકારી અન ખાનગી 100 બૅડની હૉસ્પિટલો ઊભી કરવામાં આવી છે.

આ રીતે રાજ્યમાં કુલ 8400 બૅડ સાથેની હૉસ્પિટલ-સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અહીં માત્ર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે.

ક્લસ્ટર કન્ટેન્મૅન્ટ

કોરોના વાઇરસનો ચેપ વધુ ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે ક્લસ્ટર કન્ટૅન્મૅન્ટ બનાવ્યાં છે. જે અંતર્ગત અમદાવાદમાં 14, સુરતમાં બે, ભાવનગરમાં બે, વડોદરામાં બે, રાજકોટમાં બે એમ સમગ્ર રાજ્યમાં કુલ 22 ક્લસ્ટર કન્ટૅન્મૅન્ટ બનાવાયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો