You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ઝાયડસ કંપનીએ બનાવેલી નવી દવા Virafinને મંજૂરી, કોરોનાના દર્દીઓને કેવી રીતે કરશે મદદ?
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. છેલ્લા બે દિવસથી દેશમાં ત્રણ લાખ કરતાં વધારે કોરોના વાઇરસના કેસ આવી રહ્યા છે.
દેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને તેનાથી થઈ રહેલાં મોતની ખબરો આવી રહી છે.
દેશની આવી સ્થિતિની વચ્ચે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ઝાયડસની Virafinને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે.
જે લોકોમાં કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો દેખાતાં હશે તેને આ દવા આપી શકાશે.
ડીજીસીઆઈએ ઝાયડસ કેડિલા કંપનીની પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બી દવાને મંજૂરી આપી છે, જેને વાયારાફિનના નામે ઓળખવામાં આવે છે.
દવા કેવી રીતે કામ કરે છે?
ઝાયડસનો દાવો છે કે જો આ દવા કોરોના થવાના શરૂઆતી ગાળામાં આપી દેવામાં આવે તો તે દર્દીને જલદી સાજા થવામાં મદદ કરે છે અને વધારે પડતી સ્થિતિ બગડતી અટકાવે છે.
આ દવા હાલ ડૉક્ટરોની સલાહ બાદ જ આપવામાં આવશે અને તેને હૉસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કંપનીના કહેવા પ્રમાણે આ દવાની દેશના 20-25 સેન્ટરોમાં ટ્રાયલ કરી હતી. તેમાં જોવા મળ્યું હતું કે Virafin શ્વસનની મુશ્કેલીને ઘટાડે છે અને સપ્લિમેન્ટ્રી ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડે છે. જે હાલના સમયમાં અનેક દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. આ દવા બીજી વાઇરલ બીમારી સામે પણ સફળ જોવા મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝાયડસના કહેવા પ્રમાણે તેના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે આ દવાના ઉપયોગ બાદ 7 દિવસમાં 91.15 ટકા લોકોનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ દવા વાઇરલ લોડને પણ ઘટાડે છે.
એન્ટિ વાઇરલ દવા એટલે શું?
એન્ટિ વાઇરલ દવા શરીરમાં રહેલા ફ્લુ અને વાઇરસ સામે લડવામાં મદદ કરે છે. તેને ડૉક્ટરની સલાહ બાદ જ લેવામાં આવે છે અને તે સામાન્ય રીતે જનરલ સ્ટોરમાં ઉપલબ્ધ હોતી નથી.
આ દવા એન્ટિ બાયૉટિક કરતાં જુદી હોય છે, એન્ટિ બાયૉટિક દવા શરીરમાં બેક્ટેરિયાં સામે લડવામાં મદદ કરે છે. જ્યારે એન્ટિ વાઇરલ ફ્લુ અને વાઇરસ સામે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે એન્ટિ વાઇરસ ડ્રગ ત્યારે સૌથી વધારે સારું કામ કરે છે જ્યારે તેને ફ્લુની અસરની શરૂઆતના દિવસોમાં લેવામાં આવે. જોકે, મોડેથી લેવામાં આવે તો પણ તે બીમારી સામે લડવામાં મદદ કરે છે.
એન્ટિ વાઇરલ દવાના ફાયદા શું છે?
અમેરિકાની સેન્ટ્રલ ફૉર ડિસીઝ કંટ્રોલ (પબ્લીક હેલ્થ એજન્સી, સીડીસી)ના જણાવ્યા પ્રમાણે એન્ટિ વાઇરલ દવા તાવ અને ફ્લુનાં લક્ષણોને ઘટાડે છે અને બીમારીના ગાળાને ટૂંકો કરે છે.
જો બીમારી ગંભીર હોય અને આ દવા લેવામાં આવે તો તેને વધારે ગંભીર થતી અટકાવી શકે છે.
સીડીસીના કહેવા પ્રમાણે કેટલાક એવા રિપોર્ટ્સ પણ આવ્યા છે કે એન્ટિ વાઇરલ દવા મોત થવાની સંભાવનાને ઘટાડી શકે છે.
કોરોના મામલે નવી ગાઇડલાઇન
એઇમ્સ, ICMR - કોવિડ-19 ટાસ્ક ફૉર્સ અને જૉઇન્ટ મૉનિટરિંગ ગ્રૂપે કોરોના વાઇરસના પુખ્ત વયના દર્દીઓ માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં દર્દીઓને માઇલ્ડ, મૉડરેટ અને સીવિયર કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેમની સારવારની રીતો વિશે માહિતી આપવામાં આવી છે.
આ ગાઇડલાઇન પ્રમાણે એવા દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થઈ રહી તેમને માઇલ્ડ ડિસીઝ, હળવા સંક્રમણની શ્રેણીમાં આવશે.
મૉડરેટ શ્રેણી એટલે કે ગંભીર શ્રેણીમાં એવા દર્દીઓ હશે જેમનો ઓક્સિજન સ્તર રૂમની હવામાં 90 થી 93 ટકા વચ્ચે હોય.
સીવિયર એટલે કે ખતરનાક શ્રેણીમાં એવા દર્દીઓ આવશે જેમનો ઑક્સિજન સ્તર રૂમની હવામાં 90 ટકાથી ઓછો છે.
માઇલ્ડ ડિસીઝના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અને ડૉક્ટરની સલાહ લેવાનું સૂચવવામાં આવ્યું છે.
મૉડરેટ શ્રેણીના દર્દીઓને વૉર્ડમાં દાખલ થવાની સલાહ અપાઈ છે. જ્યાં તેમને ઓક્સિજન સપોર્ટ મળી શકે. આ દરમિયાન જો દર્દીની પરિસ્થિતિ ગંભીર થઈ જાય તો ચેસ્ટ સીટી અને એક્સ-રે કરવાની સલાહ અપાઈ છે.
સીવિયર શ્રેણીના દર્દીઓને ICUમાં દાખલ કરવાની સલાહ અપાઈ છે. આ દરમિયાન તેમની સ્થિતિ અનુસાર રેસ્પિરેટરી સપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.
મૉડરેટ અને સીવિયર શ્રેણીના દર્દીઓના ક્લિનિકલ સુધાર બાદ ડિસ્ચાર્જ ક્રાઇટેરિયાના આધારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવાનું કહેવામાં આવ્યું છે.
60 વર્ષથી વધુ વયના લોકો, હૃદય સંબંધિત બીમારી, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ, લીવર અને ફેફસાં સંબંધિત બીમારીઓથી પીડાતા લોકો ગંભીર બીમાર પડે તેવી આશંકા છે. આવી વ્યક્તિઓમાં મૃત્યુ દર પણ વધુ જોવા મળ્યો છે.
રેમડેસિવિર માત્ર મૉડરેટ અને સીવિયર શ્રેણીના એ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે જેમને ઑક્સિજન સપોર્ટની જરૂર નથી.
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ અને ઑક્સિજન સપોર્ટ ન લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવાની સલાહ અપાઈ છે.
ગંભીરપણે બીમારી દર્દીઓ, જેમને ICUમાં દાખલ કર્યાના 24-48 કલાક થઈ ચુક્યા હોય તેમ છતાં તેમની બીમારી ગંભીર બનતી જઈ રહી હોય તો તેવા કિસ્સામાં જ ટોસિલિઝુમેબ આપવાની સલાહ અપાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો