'મારી નજર સામે મારી માએ દમ તોડ્યો', ગુજરાતનું એ ગામ જ્યાં શેરીએ શેરીએ કોરોનાથી થયાં મરણ

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

"ગામમાં શેરીએ શેરીએ નરું આક્રંદ છે. જ્યાં જાઓ ત્યાં મરસિયાં ગવાઈ રહ્યાં છે. ખૂબ દુ:ખદ પરિસ્થિતિ છે."

"છેલ્લા 15 દિવસમાં ગામમાં 48 મોભીઓના જીવ ગયા છે. ખરેખર તો કોરોના નહીં પણ તેમનાં મૃત્યુનું ખરું કારણ તો ઓક્સિજનની અછત હતી."

આ વાત છે કહેવાતા 'વિકસિત', 'આદર્શ' અને 'સલામત' રાજ્ય ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના માદરે વતન રાજકોટના એક ગામ કુવાડવાની.

પ્રથમ દૃષ્ટિએ ત્રીજા વિશ્વના કોઈ દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ જેવો ભાસ કરાવતી આ ગામની વાત 'દયજનક અને ભયજનક' સ્થિતિ વિશે વાત કરતાં ત્યાંના સરપંચ સંજય પીપળિયા ગળગળા થઈ જાય છે.

સરપંચ સંજયભાઈ કોરોનાની મહામારી અને તંત્ર દ્વારા લોકોના ઇલાજની વ્યવસ્થાના અભાવને પગલે ગામની કેવી બદતર સ્થિતિ થઈ છે તે અંગે બીબીસી ગુજરાતી સાથે આગળ વાત કરે છે.

તેઓ કહે છે કે, "અમે ગામમાં ફાળો ઉઘરાવી દસ લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. ગામના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે વ્યવસ્થા કરવા માટે તંત્રને અનેક રજૂઆતો કરી છે. તેમને કોઈ પણ પ્રકારે નાણાકીય વ્યવસ્થા નહીં કરવી પડે તેવી વારંવાર ખાતરી આપી છે. તેમ છતાં અમારું કોઈ સાંભળતું નથી. રોજબરોજ ઇલાજ અને ઓક્સિજનના અભાવના કારણે ગામમાં બે-ત્રણ લોકો કાળનો ભોગ બની જાય છે."

આ વાત રાજ્યમાં કોરોનાએ હચમચાવી મૂકેલી આરોગ્ય વ્યવસ્થાની સચ્ચાઈ બયાન કરતી હોવાનો તેઓ દાવો કરે છે.

જોકે, સરકારી અધિકારીઓ અને નેતાઓનો દાવો છે કે તેઓ આ ગામની પરિસ્થિતિથી વાકેફ છે અને ગામલોકોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે.

તેમજ સામેની બાજુએ ગામના સરપંચનું કહેવું છે કે ગામની પરિસ્થિતિ આટલી ગંભીર છે છતાં કોઈ રાજકીય હસ્તી ગામની મુલાકાતે આવી નથી. જિલ્લા કલેક્ટર અને અન્ય નેતાઓને વારંવાર પરિસ્થિતિ અંગે જાણ કર્યા બાદ પણ માત્ર વાયદા અને હૈયાધારણ સિવાય કંઈ મળ્યું નથી.

કોરોનાના કેર અને તંત્રની બેદરકારીના દાખલારૂપ આ ગામની પરિસ્થિતિ અંગે વધુ જાણવા બીબીસી ગુજરાતીએ પોતાના સ્વજનો ગુમાવનાર ગામવાસીઓનો સંપર્ક સાધ્યો હતો.

'ગામમાં દરેક કુટુંબમાં એક વ્યક્તિનું મોત'

કુવાડવાના સરપંચ ગામમાં કોરોનાના કેર અને તંત્રની અસંવેદનશીલતા અને બિનકાર્યક્ષમતાના કારણે હાહાકાર સર્જાયો હોવાનું જણાવે છે.

જ્યારે અમે તેમને પુછ્યું કે ગામમાં કોરોનાના કારણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે?

તો આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે ગામમાં કોરોના અને તંત્રની અવ્યવસ્થાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે પાછલી દસ મિનિટમાં જ મને મારા ગ્રામજનોના કુટુંબીજનો માટે ક્યાંકથી ઓક્સિજનની વ્યવસ્થા કરાવવા માટે 17 ફોન આવી ચુક્યા છે.

તેઓ રડમસ અવાજે આગળ જણાવે છે કે, "હું ગામનો સરપંચ છું. લોકો મને એવી આશા સાથે ફોન કરે છે કે હું તેમના સ્વજનોને બચાવવા માટે કંઈક વ્યવસ્થા કરી આપીશ. પણ હું હાલ કોઈની મદદ નથી કરી શકતો. લોકોની મદદ કરવા માટેનો કોઈ ઉપાય હાલ કામે નથી લાગતો."

તેઓ સ્થાનિક સરકારી તંત્ર દ્વારા પોતાની અને પોતાના ગામલોકોની ઉપેક્ષા કરાઈ રહી હોવાની વાત કરતાં કહે છે કે, કોઈ અધિકારી, કોઈ નેતા કે કોઈ ડૉક્ટર તેમની વહારે નથી આવી રહ્યા. તેઓ અને તેમના ગ્રામવાસીઓ સાવ નોધારું અનુભવી રહ્યા છીએ.

સરપંચ સંજયભાઈના અવાજમાં તેમને અનુભવવી પડી રહેલી લાચારીના પડઘા પડી રહ્યા છે.

જ્યારે અમે તેમને તેમના ગામવાસીઓ માટે સરકાર તરફથી કરાયેલી ઇલાજ અને ટેસ્ટિંગની વ્યવસ્થા વિશે પુછ્યું ત્યારે તેમણે નિસાસો નાખતાં કહ્યું કે, "વ્યવસ્થા તો દૂર એકલદોકલ સરકારી અધિકારીઓ સિવાય નેતાઓ સહિત કોઈ દિલાસો પણ આપવા ગામમાં આવ્યા નથી."

"ગામમાં દરેક શેરીમાં પાંચ-દસ લોકો બીમાર છે. તો દરેક શેરીમાં બે-પાંચ લોકોનાં મૃત્યુ પણ થઈ ગયાં છે. પાછલા પંદર દિવસમાં ઘણાં માતા-પિતાઓએ પોતાના યુવાન પુત્રો, ઘણાં સંતાનોએ તેમનાં વૃદ્ધ માતા-પિતા ગુમાવ્યાં છે. આમ કહીએ તો દરેક કુટુંબમાં લગભગ એક જણનું મૃત્યુ થયું છે. ખૂબ કપરો સમય છે."

'ગામમાં ફળીયે-ફળીયે મરણના માંડવા'

કુવાડવા ગામના હુડકો વસાહતના રહેવાસી ધનાભાઈ બાહુકીયા છકડો ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.

તેમનાં 75 વર્ષીય માતા લાભુબહેન ગત ગુરુવારે રાજકોટ સિવિલની સર્પાકાર લાંબી લાઇનમાં ઇલાજ માટેની રાહ જોતાં-જોતાં મૃત્યુ પામ્યાં હતાં.

તેમણે પોતાની તમામ બચત અને પૂંજી પોતાનાં માતાના ઇલાજ માટે લગાવવાની તૈયારી બતાવી તેમ છતાં કોઈ હૉસ્પિટલે તેમનાં બીમાર માતાનો હાથ ન ઝાલ્યો.

44 વર્ષીય ધનાભાઈ કહે છે કે, "હું સતત ત્રણ દિવસથી સુધી રાજકોટ અને આસપાસની ખાનગી હૉસ્પિટલોમાં મારાં માતાને દાખલ કરવા માટે ભટક્યો. પણ ક્યાંય પથારીની વ્યવસ્થા ન થઈ."

"અંતે જ્યારે અમે ક્યાંય પથારીની વ્યવસ્થા ન થતાં રાજકોટ સિવિલ પહોંચ્યાં ત્યારે ત્યાં લાંબી લાઇન જોવા મળી. હું અને મારાં માતા લગભગ 100મા નંબરે હતાં. હું, મારાં માતા અને મારા એક-બે સ્વજનો ભર તડકામાં લાઇનમાં ઊભાં રહ્યાં."

તેઓ ગુજરાતમાં કોરોનાના કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પડી રહેલા દબાણ અને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સરકારની નિષ્ફળતાની સાક્ષી પૂરતાં કહે છે કે, "હું માતાને લાઇનમાં ઊભાં રાખી અંદર અરજ કરવા ગયો કે મારાં માતાની તબિયત ઘણી ખરાબ છે એમને પહેલાં અંદર લઈ લો. પરંતુ કોઈએ મારું ન સાંભળ્યું."

"હું પાછો આવ્યો ત્યારે મારાં માતાને મારા સ્વજનો પાણી પાઈ રહ્યા હતા. મારી નજર સામે જ મારાં માતાએ પાણી પીતાં-પીતાં શ્વાસ છોડી દીધો. આવું દૃશ્ય જોવાનું દુર્ભાગ્ય ઇશ્વર કોઈ સંતાનના ભાગે ન આવશો."

આ દૃશ્ય યાદ કરી તેમના ગળે બાઝેલો ડૂમો અને આંખોના ખૂણે ભેગી થયેલી ભીનાશ અનુભવી શકાતી હતી.

ધનાભાઈ પોતાની આપવીતી સંભળાવવા માટે ફરીથી સ્વસ્થ થયા.

તેમણે તેમનાં માતા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેઓ ગમે તેટલાં નાણાં ખર્ચવા માટે રાજી હતા.

તેમ છતાં કમનસીબે તેમનાં માતાના શ્વાસ દવાખાનાના આંગણે જ થંભી ગયા. તેમને છેલ્લે સુધી ઓક્સિજન કે હૉસ્પિટલમાં સારવાર ન મળી શકી.

જ્યારે બીબીસી ગુજરાતીએ ધનાભાઈને પુછ્યું કે ગામમાં હજુ કેટલા લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે અને ગામમાં કેવી પરિસ્થિતિ છે?

આ પ્રશ્નના જવાબમાં તેમણે એ ભયાનક પરિસ્થિતિના કરેલા વર્ણનથી એ દૃશ્ય જાણે આંખ સામે ખડું થઈ ગયું.

"ગામમાં કોરોના, ઑક્સિજન અને હૉસ્પિટલમાં પથારીના અભાવના કારણે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરેક ફળિયામાં મરણના પાંચ-પાંચ, છ-છ માંડવા છે. ગામમાં લગભગ દરેક કુટુંબમાં બીમારીના કારણે ખાટલા છે."

તેઓ હજુ અમારા ફોન આવ્યો તે અગાઉ દસ મિનિટ પહેલાં જ એક ગ્રામજનની અંતિમ વિધિ પૂરી કરીને સ્મશાનેથી આવ્યા હતા.

ધનાભાઈ કુવાડવા ગામમાં કોરોનાએ સર્જેલા ફફડાટ અંગે વાત કરતાં આગળ કહે છે કે ગામમાં લોકોના ફોન સતત ઓક્સિજનના સિલિન્ડર માટેની કોઈ વ્યવસ્થા કરી આપવા માટેના કૉલથી રણકી રહ્યા છે.

તેઓ કહે છે કે, "જો રાજ્યના મુખ્ય મંત્રીના વતનમાં આવેલા ગામડાની આવી હાલત છે તો બીજી જગ્યાઓએ તો મદદની શી આશા રાખવી?"

'ગામમાં 100-100 મિટરે થયાં મરણ'

કુવાડવા ગામમાં રાધે હોટલ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ છૂટક મજૂર તરીકે કામ કરે છે.

તેમનાં 70 વર્ષીય માતા ગંગુબહેન પણ શુક્રવારે સાત દિવસની માંદગી બાદ ઓક્સિજન અને સારવારના અભાવમાં ઘરે જ ગુજરી ગયાં.

લાભુબહેનની માફક તેમને પણ કુવાડવા તો શું રાજકોટની કોઈ પણ હૉસ્પિટલમાં પથારી ન મળી શકી.

અંતે થાકીને તેમણે સ્થાનિક ડૉક્ટર પાસેથી દવા લઈ ઘરે જ પોતાનાં માતાની સારવાર કરવાનું નક્કી કર્યું હતું.

ગંગુબહેન પાછલા સાત દિવસથી સતત ઘટી રહેલા ઓક્સિજનના લેવલથી પરેશાન હતાં. તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. તાવ ચઢઊતર કરી રહ્યો હતો.

ડૉક્ટરે જગદીશભાઈને કહ્યું હતું કે તેમનાં માતાને ઓક્સિજન આપવાની જરૂર છે. પરંતુ જગદીશભાઈને ઘણી જગ્યાએ ભટક્યા બાદ પણ ક્યાંય ઓક્સિજન ન મળ્યો.

છેવટે તેમનાં માતાએ 23 એપ્રિલ, 2021ના રોજ સવારે નવ વાગ્યે પોતાના પુત્રના માથે હાથ ફેરવતાં ફેરવતાં જીવ છોડી દીધો.

એક પુત્ર કે પુત્રી માટે એથી વધુ અસહાય સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે તેમણે પોતાનાં માતા કે પિતાને પોતાની આંખની સામે અભાવમાં કણસી-કણસીને જીવ છોડતાં જોવાં પડે.

જગદીશભાઈ પોતાના ગામમાં સર્જાયેલી બિહામણી પરિસ્થિતિ વિશે વાત કરતાં જણાવે છે કે, "આવો ભયાનક મંજર મેં ક્યારેય નથી જોયો. ગામમાં દર 100 મિટરે મરણ થયેલું છે. જો તંત્ર દ્વારા જલદી કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હજુ ઘણા લોકો પોતાના સ્વજનો ગુમાવશે."

"ગામમાં હજુ 50 કરતાં વધુ લોકો બીમાર પડ્યા છે. કુવાડવાના સરકારી દવાખાનામાં કોઈને સારવાર નથી મળી રહી."

"લોકોને શ્વાચ્છોશ્વાસની સમસ્યા થઈ રહી છે. ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. ખાનગી ડૉક્ટરો ઓક્સિજન આપવાની અને દાખલ કરવાની સલાહ આપે છે. પણ ઓક્સિજન મળે તો લાવીએ ને. ખાટલા હોય તો દાખલ કરીએ ને."

'ગામમાં 10 તારીખથી છે લૉકડાઉન'

કુવાડવા ગામના સરપંચ સંજયભાઈએ 10 તારીખ અગાઉ ગામમાં અમુક મૃત્યુ નોંધાતાં પોતાના ગામમાં લૉકડાઉન લાદી દીધું હતું.

ગામમાં પાછલા 16 દિવસથી માત્ર જરૂરિયાતની વસ્તુઓ અને દવાની દુકાનો ખુલ્લી છે. તેમ છતાં આ 16 દિવસમાં ગામમાં આટલા બધા લોકોનાં મૃત્યુ થઈ ચુક્યાં છે.

નોંધનીય છે કે કુવાડવા ગામમાં એક કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર છે. જ્યાં 25 દર્દીઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા ઓક્સિજનના અભાવના કારણે કોઈ દર્દીઓને દાખલ કરવામાં નથી આવી રહ્યા. તમામને રાજકોટની વાટ જ પકડવાનું કહી દેવામાં આવે છે.

સંજયભાઈ જણાવે છે કે, "ગામના લોકો પોતાના સ્વજનોને બચાવવા માટે સરકાર અને સ્થાનિક તંત્રને જોઈતી તમામ મદદ કરવા તૈયાર છે. અમે શ્રમ, મૂડી અને સાધનો બધું પૂરું પાડવા તૈયાર છીએ. બસ અમારા માટે ઓક્સિજન અને ડૉક્ટરોની વ્યવસ્થા સરકાર કરી આપે. એ અમે નહીં લાવી શકીએ. બાકી પથારીથી માંડી નાણાં સુધી તમામ સંસાધનો અમે પૂરાં પાડશું."

સંજયભાઈ અનેક વખત સ્થાનિક નેતાઓ અને અધિકારીઓેને ફોન કરીને ગામની સ્થિતિ વિશે જાણ કરી ચુક્યા છે. તેમને આ પેશકશ પણ કરી ચુક્યા છે.

પરંતુ સરકારી અધિકારીઓ ઊલટાનું તેમને કહે છે કે તેઓ ક્યાંકથી ઓક્સિજનનો મેળ પાડે તો તેમના ગ્રામજનોને દાખલ કરી શકાશે.

સંજયભાઈ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડૉક્ટરો અને અધિકારીઓ અમને ક્યાંકથી ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું જણાવે છે. જો આવા મોટા અધિકારી કક્ષાના લોકો નાગરિકોને બચાવવા માટે ઓક્સિજનની વ્યવસ્થા ન કરી શકતા હોય તો અમે કેવી રીતે ઓક્સિજન લાવી આપીએ?"

તેઓ આગળ કહે છે કે, "સરકારી અધિકારીઓ અને નેતાઓને અમે અહીંની પરિસ્થિતિ જણાવી ચુક્યા છીએ. પરંતુ અમને કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી. હું સાવ માયકાંગલો હોઉં એવું અનુભવી રહ્યો છું."

કુવાડવા ગામમાં અગાઉ દર વર્ષ 10-15 લોકોનાં મૃત્યુ થતાં. જ્યારે કોરોના મહામારી ફાટી નીકળવાને કારણે બીજી લહેરમાં 10 તારીખથી અત્યાર સુધી યુવાન-આધેડ અને વૃદ્ધ એમ તમામ વયજૂથના લોકોનાં મૃત્યુ થયાં છે.

છેલ્લા 16 દિવસથી આ ગામના સ્મશાનમાં ચિતાઓ શાંત પડવાનું નામ નથી લઈ રહી.

સ્થાનિકોના જણાવ્યાનુસાર કુવાડવા ગામની વસતી 12 હજાર છે. ઉપરાંત ગામમાં ઔદ્યોગિક વસાહત હોવાના કારણે બે-અઢી હજાર પરપ્રાંતીય મજૂરો પણ રહે છે.

ગામના સરપંચ સંજયભાઈ કુવાડવામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે, "કુવાડવા એ આસપાસનાં ગામો માટે ખરીદીનું કેન્દ્ર છે. આસપાસનાં ગામોમાંથી અહીં લોકો માલસામાનની ખરીદી કરવા ભારે સંખ્યામાં આવે છે. આ સિવાય પરપ્રાંતીય મજૂરોના આગમનને કારણે પણ ગામમાં કોરોનાનો પ્રવેશ થયો હોય તેવું બની શકે છે. જેનો વધુ પડતી ભીડ અને વસતીના કારણે મોટા પાયે પ્રસાર થયો હોઈ શકે."

કોરોના સામે નતમસ્તક બની ગયેલા પોતાના ગામની લાચારી બતાવતાં તેઓ કહે છે કે અમારું ગામ પેંડા માટે વખણાય છે. પરંતુ જો જલદી જ કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો આ ગામનું નામ કોરોનામાં થયેલાં લોકોનાં મૃત્યુની મસમોટી સંખ્યા માટે પ્રતીકરૂપ બની જશે.

'બનતી તમામ સહાય કરવામાં આવશે'

રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સાથે સંપર્ક કરતાં તેમણે કુવાડવા ગામની પરિસ્થિતિથી પોતે પરિચિત હોવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે તેમણે ગામમાં કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુ અને ગામમાં ઓક્સિજનની અછત વિશે ત્યાંના સરપંચ સંજય પીપળિયા પાસેથી જાણ થતાં તેમણે તરત જ તેમના માટે ઓક્સિજનની વ્યવસ્થા કરાવી દીધી હતી.

જોકે, સંજયભાઈનું કહેવું છે કે મોહન કુંડારિયાનો સંપર્ક કર્યા બાદ તેમને છ બોટલ ઓક્સિજન અપાયો હતો. પરંતુ જરૂરિયાત તેના કરતાં ઘણી વધુ હતી.

સાંસદ મોહન કુંડારિયા પોતે કુવાડવા ગામની પરિસ્થિતિ સુધારવા અંગે લીધેલાં પગલાં અંગે વાત કરતાં આગળ જણાવે છે કે, "મેં હાલમાં જ રાજકોટના અન્ય વિસ્તારો સહિત કુવાડવા ગામની રજૂઆતને પગલે તેમના માટે પણ એક ઍમ્બુલન્સ ફાળવી છે. જે આવતા અઠવાડિયા સુધી તેમને મળી જશે. આ સિવાય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગામની સ્થિતિનું વિશેષ ધ્યાન રાખી યોગ્ય પગલાં લેવાની સૂચના આપી છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગામના લોકોની ફરિયાદ છે કે તેમના ગામની પરિસ્થિતિનો જાયજો લેવા માટે હજુ સુધી કોઈ અધિકારી કે નેતા નથી આવ્યા, આ અંગે તેઓ શું કહેવા માગે છે?

આ પ્રશ્નના જવાબમાં મોહન કુંડારિયાએ જણાવ્યું કે, "હું તેમના સાથે સતત સંપર્કમાં છું. અને હંમેશાં તેમના માટે ઉપલબ્ધ છું. નજીકના ભવિષ્યમાં હું ગામની મુલાકાતે પણ જઈશ."

જ્યારે તેમને નાનકડા ગામમાં આટલી હદ સુધી કેમ સંક્રમણ વકર્યું છે? તેવો પ્રશ્ન કરાયો ત્યારે તેમણે કહ્યું કે, "આનું કારણ એ તપાસનો વિષય છે. પરંતુ હાલ તો એટલું કહી શકાય કે કારણ ગમે તે હોય માનવજીવનની હાનિ બિલકુલ ન થાય એ માટે તમામ પ્રયત્નો કરવા અમે કટિબદ્ધ છીએ અને એ દિશામાં કામ પણ કરી રહ્યા છીએ."

આ સિવાય કુવાડવા ગામની પરિસ્થિતિ અંગે સરકારી તંત્ર દ્વારા લેવાયેલાં પગલાં વિશે વાત કરવા માટે અમે જ્યારે રાજકોટ કલેક્ટર કચેરીની કટોકટી શાખાનો સંપર્ક કર્યો ત્યારે શાખાના મામલતદાર ઉત્તમ કાનાણીએ કહ્યું હતું કે તેઓ કુવાડવાની પરિસ્થિતિથી બિલકુલ અજાણ છે એવું નથી. પરંતુ તેઓ હાલ આ મામલે કશું બોલી શકે એમ નથી.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ. નિલેશ શાહ સાથે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ બીપિન ટંકારિયાએ ગામની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "કુવાડવા ગામને અલાયદા સિલિન્ડર નથી અપાતા. અમારે અન્ય વિસ્તારોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અમારે સરકારી હોસ્પિટલમાં જથ્થો આપવાનો હોય છે આજે ભારત આખામાં ઓક્સિજનની કમી છે"

"આવી પરિસ્થિતિમાં જ્યાં જરૂરી લાગે ત્યાં અમે સિલિન્ડર આપી રહ્યા છીએ. આ સિવાય ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં પણ ઘણા કેસો છે. જ્યાં જેટલા કેસો હોય તે પ્રમાણમાં અમે સિલિન્ડર પહોંચાડીએ છીએ".

તેઓ એ વાત સ્વીકારે છે કે કુવાડવા ગામમાં 45 લોકોનાં મરણ થયાં છે.

જોકે, તેઓ ગામમાં થઈ રહેલાં મરણ અને કેસોના વધુ પ્રમાણ માટે ગામના લોકોની જ ભૂલ હોવાનું કહે છે.

તેઓ કહે છે કે, "જ્યારે આ ગામમાં અમે વૅક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો ત્યારે આ ગામના લોકોએ અમને સહકાર નહોતો આપ્યો. ત્યારે જો આ લોકોએ વૅક્સિન મુકાવી લીધી હોત તો ગામમાં ક્યારેય આટલા કેસ ના આવ્યા હોત."

જોકે, આ બાબત અંગે સ્પષ્ટતા કરતાં કુવાડવા ગામના સરપંચ સંજયભાઈ જણાવે છે કે, "ગામમાં કોરોનાના કારણે જેટલાં મરણ થઈ રહ્યાં છે તેને જોઈને ઘણા લોકો હવે વૅક્સિન મુકાવવાથી પણ ગભરાઈ રહ્યા છે. કારણ કે તેમને બીક છે કે વૅક્સિન મુકાવશું તો તાવ આવશે અને તેના કારણે બીજી માંદગીને નોતરું મળશે."

જોકે, અહીં એ વાત નોંધનીય છે કે સરકારી અધિકારી જ્યારે એવું જણાવે છે કે જો ગામમાં લોકોએ રસી લીધી હોત અને રસીકરણમાં સહકાર આપ્યો હોત તો આટલી મોટી જાનહાનિથી બચી શકાયું હોત. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રસીકરણ તો માત્ર 45થી વધુ વર્ષના લોકોનું થવાનું હતું જ્યારે કુવાડવામાં મોટી સંખ્યામાં યુવાનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેમની પણ જાનહાનિ થઈ છે. આમ સરકારી અધિકારીનો મરણના આંકડાની સ્પષ્ટતા કરતો તર્ક પરિસ્થિતિ સાથે સુસંગત લાગતો નથી.

હવે ભલે ચેપ ફેલાવાનું કારણ ગમે તે હોય પરંતુ કોરોનાના કારણે કુવાડવાની પરિસ્થિતિ અત્યંત દયજનક બની ગઈ છે તેમાં કોઈ બેમત નથી.

કુવાડવા ગામની પરિસ્થિતિ કોરોનાના કારણે કેટલી દયનીય બની છે તેનો અંદાજ માત્ર એક વાત પરથી આવી જાય છે કે આ સ્ટોરી લખાઈ રહી છે એ સમયગાળા દરમિયાન જ ગામમાં વધુ પાંચ લોકોનાં કોરોનાની માંદગીમાં મૃત્યુ થઈ ગયાં છે. આ સાથે જ ગામનો કુલ મૃતાંક 53 થઈ ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો