ગુજરાતથી લઈ દિલ્હી સુધી હાહાકાર, ઓક્સિજન વિના મરતાં દર્દીઓ અને લાચાર પરિવારો

ગુજરાતથી લઈ, દિલ્હીથી પંજાબ સુધી ઓક્સિજનની અછતે હાહાકાર મચાવ્યો છે.

દિલ્હી અને પંજાબમાં તો હૉસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી જવાને કારણે દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે.

ઓક્સિજનના અભાવને પહોંચી વળવા તથા દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી હતી.

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે આ કોરોનાની બીજી લહેર નથી આ સુનામી છે. કોર્ટો સરકાર પાસેથી લોકોને મરતા બચાવવા માટે શું કરી શકાય તેનો રિપોર્ટ પણ માગ્યો છે.

દેશભરમાં લોકો હાલ ઓક્સિજનના અભાવને કારણે મરી રહ્યાં છે.

દિલ્હીના રોહિણીમાં આવેલી જયપુર ગોલ્ડલ હૉસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીઓનાં મોત થયાં છે.

મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર દીપ બલુજાના કહેવા પ્રમાણે હૉસ્પિટલમાં 200 દરદી છે જેમાંથી 80 ઓક્સિજન સપોર્ટ પર છે અને 35 આઈસીયુમાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે ગત રાત્રે ઓક્સિજનની ઘટના કારણે ગંભીર રીતે બીમાર 20 દરદીઓનાં મૃત્યુ થઈ ગયાં.

હિંદુસ્તાન ટાઇમ્સે હૉસ્પિટલના અધિકારીઓને ટાંકીને જાણકારી આપી હતી કે મૃત્યુ પામનારા મોટા ભાગના કોરોના વાઇરસના દરદી હતા જે હૉસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ભરતી હતા.

તમામ 20 દરદીઓનાં મૃત્યુ લો ઓક્સિજન પ્રેશરના કારણે થયાં કારણ કે હૉસ્પિટલની પાસે ઑક્સિજન પૂર્ણ થઈ ગયો હતો.

હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર દીપ બલુજાએ કહ્યું, "અમે ક્રિટિકલ કેર યુનિટમાં તે તમામ 20 દરદીઓને ગુમાવી દીધા છે જે હાઈ ઓક્સિજન ફ્લો પર હતા."

ગંગારામ હૉસ્પિટલમાં 25નાં મોત

ગુરુવારે દિલ્હની સર ગંગારામ હૉસ્પિટલમાં ખૂબ જ ગંભીર સ્થિતિમાં રહેલા અને હાઇ ફ્લો ઑક્સિજન પર રાખવામાં આવેલા 25 કોરોનાનાં દર્દીઓનાં ગુરુવાર અને શુક્રવારની સવાર સુધીમાં મોત થયાં હતાં.

જોકે, હૉસ્પિટલે અધિકારીક રીતે આ મોતને ઓક્સિજનની ઘટથી થયાં હોવાનો ઇન્કાર કર્યો હતો.

એ દિવસે હૉસ્પિટલે ઓક્સિજનની ઘટ હોવાની વાત કરી હતી. મીડિયામાં દર્દીઓનાં મોત અને ઓક્સિજનની ઘટના અહેવાલો આવ્યા બાદ હૉસ્પિટલને તાત્કાલિક ઓક્સિજનનું ટેન્કર પહોંચાડવામાં આવ્યું હતું.

હૉસ્પિટલે જણાવ્યું હતું કે ઇમરજન્સી અને ICUમાં મેન્યુઅલ વૅન્ટિલેશનની મદદ લેવાઈ રહી હતી કારણ કે મશીનવાળા વૅન્ટિલેટર કામ કરી રહ્યા ન હતા.

પંજાબના અમૃતસરમાં ઓક્સિજના અભાવે 6નાં મોત

પંજાબના અમૃતસરમાં એક ખાનગી હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે 6 લોકોનાં મોત થયાં છે. જેમાંથી પાંચ કોરોનાના દર્દી હતા.

હૉસ્પિટલના સત્તાવાળાઓએ આ મામલે જિલ્લા વહિવટી તંત્રને જવાબદાર ગણાવ્યું હતું. નિલકંઠ હૉસ્પિટલના, જ્યાં દર્દીઓનાં મોત થયાં છે, ડિરેક્ટર સુનિલ દેવગનના જણાવ્યા પ્રમાણે તેમણે સતત જિલ્લા વહિવટી તંત્રને આ મામલે જાણ કરી હતી અને ઓક્સિજન પૂરો પાડવા માટે કહ્યું હતું.

જોકે, તેમનું કહેવું છે કે તેમને તંત્ર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે જિલ્લા વહિવટી તંત્રએ અમૃતસરમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ પર કબ્જો જમાવી લીધો છે જેથી સરકારી મેડિકલ કૉલેજને ઓક્સિજન પૂરો પાડી શકાય.

તેમનું કહેવું છે કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને દરેક કલાકે હૉસ્પિટલ પેનિક કૉલ કરી રહી છે.

ગુજરાતમાં ઓક્સિજન મામલે હાહાકાર

ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં હૉસ્પિટલો ઓક્સિજનની કમીનો સામનો કરી રહી છે.

વિજય રૂપાણીના શહેર રાજકોટની જેનેસિસ હૉસ્પિટલોના તબીબોએ ઓક્સિજનની કમીને લઈને ગુરુવારે પત્રકાર પરિષદ કરવાની ફરજ પડી હતી.

ડૉક્ટરોના કહેવા પ્રમાણે તેમની હૉસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂબ ઓછો છે અને તેમને ક્યાંથી સપ્લાય મળી રહ્યો નથી. જો ઓક્સિજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં ના મળે તો દર્દીઓનાં મોત પણ થઈ શકે છે.

જેનેસિસ હૉસ્પિટલના ડૉ. અર્ચિત રાઠોડે પત્રકારોને કહ્યું હતું કે બહુ ગંભીર દર્દીઓ ઓક્સિજન વિના જીવી શકે નહીં, બે મિનિટ પૂરતો પણ ઓક્સિજન સપ્લાય થતો બંધ ના થવો જોઈએ.

જેનેસિસના ડૉક્ટરોના કહેવા પ્રમાણે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેમને ઓક્સિજન મળી રહ્યો નથી, તેમનો આશય પેનિક ફેલાવાનો નથી પરંતુ સાચી સ્થિતિ શું છે તે દર્શાવવાનો છે.

ગોંડલની ત્રણ હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમીના અહેવાલો પણ સમાચાર માધ્યમોમાં આવ્યા હતા. અહીં પણ ખાનગી હોસ્પિટલોને પૂરતો ઓક્સિજન મળી રહ્યો ન હતો.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીથી ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે એવા આરોપો કર્યા કે અમરેલીની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે.

તેમના કહેવા પ્રમાણે અમરેલી જીલ્લો ઓક્સિજન માટે રાજકોટ અને ભાવનગર પર નિર્ભર છે અને છેલ્લા 3 દિવસથી રાજકોટ અને ભાવનગરમાંથી ઓક્સિજનની સપ્લાય થઈ રહી નથી.

પરેશ ધાનાણીનું કહેવું છે કે જો ઓક્સિજન નહીં મળે તો અમરેલીમાં કોરોનાનાં દર્દીઓનાં મોત થઈ શકે છે.

ગુજરાતે ઓક્સિજન કંટ્રોલ રૂમ ઊભો કરવો પડ્યો

ગુજરાત સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે ઓક્સિજનની સપ્લાય, ફાળવણી અને વહેંચણીને મોનિટર કરવા મામલે બે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે.

ગુજરાતમાં આ અઠવાડિયાથી ઓક્સિજનની કમીની ફરિયાદો હૉસ્પિટલમાંથી આવવા લાગી છે.

આરોગ્ય કમિશનર જય પ્રકાશના કહેવા પ્રમાણે રાજયકક્ષાનો એક ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે.

જેના દ્વારા ગુજરાતમાં ઓક્સિજનના જથ્થાને મોનિટર કરવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટે કહ્યું, 'આ લહેર નહીં, સુનામી છે'

દિલ્હી હાઇકોર્ટમાં ઓક્સિજનની અછતને લઈને સુનાવણી થઈ હતી. આ મામલે હાઇકોર્ટે કહ્યું હતું કે દિલ્હી સરકારે ઓક્સિજન ટેન્કરોની ખરીદીને લઈને તમામ પ્રયાસ કરવાના રહેશે.

હાઇકોર્ટે કહ્યું કે આ બીજી લહેર નહીં પરંતુ સુનામી છે નવા કેસો ખૂબ ઝડપથી આવી રહ્યા છે. મે મહિનાની મધ્યમાં આપણે પીક પર પહોંચીશું.

હાઇકોર્ટે કહ્યું કે કેટલાક લોકોનાં મોત થશે, તે ટાળવા શક્ય નથી. પરંતુ જેને આપણે બચાવી શકીએ છીએ આપણે તેને પણ ખોઈ રહ્યા છીએ.

આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પ્લાન માગ્યો હતો કે મે મહિનાની મધ્યમાં જ્યારે પીક પર હઈશું ત્યારે લોકોનાં મોત કેવી રીતે અટકાવીશું?

કોર્ટે મૃત્યુદર ઘટાડવા પર ધ્યાન આપવાનું સરકારોને કહ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો