કોરોના વાઇરસની બીજી લહેરમાં કેમ વધારે ઓક્સિજનની જરૂર પડી રહી છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત સહિત દેશભરમાં કોવિડની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં દાખલ થનારા દરદીઓને વધુ પ્રમાણમાં ઓક્સિજન આપવો પડી રહ્યો છે, જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા ઉપર ભારણ ઊભું થયું છે.

સોશિયલ મીડિયા અને ફોન કોલ્સ ઉપર ઓક્સિજનની મદદ માટે ટહેલ નાખવામાં આવી રહી છે.

દેશમાં ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે ભારતીય રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવાની ફરજ પડી રહી છે, જ્યારે ભારતીય વાયુદળ દ્વારા પણ વિશેષ ઉડાણો ભરવામાં આવી રહી છે.

ઉદ્યોગજગત માટેનો ઓક્સિજનનો ક્વોટા તબીબી વપરાશ માટે ફાળવવામાં આવી રહ્યો છે. દેશની પાંચથી વધુ હાઇકોર્ટમાં તથા સુપ્રીમ કોર્ટમાં ઓક્સિજન (અને કોરોના) મુદ્દે સુનાવણી ચાલી રહી છે.

કેટલાક અહેવાલો પ્રમાણે, દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારા માટે ડબલ મ્યુટન્ટ વાઇરસ જવાબદાર છે. જોકે નિષ્ણાતો આ મુદ્દે એકમત નથી.

અહીં નોંધનીય છે કે, વાઇરસ માનવશરીરમાં પ્રવેશે તથા અન્યોમાં ફેલાય ત્યારે તેનું સ્વરૂપ બદલતો રહે છે, આ પરિવર્તન મ્યુટેન્ટ તરીકે ઓળખાય છે.

ઓક્સિજનની જરૂર વધુ?

ગાંધીનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માળવંકરના મતે, "ઓક્સિજનની જરૂર વધુ પડી રહી છે, તેવી ચર્ચા કરતી વેળાએ આપણે એ બાબત પણ ધ્યાને લેવી રહી કે આપણી ઉત્પાદનક્ષમતા અગાઉ જેટલી જ છે."

"અગાઉ દૈનિક કેસની સંખ્યા મહત્તમ 90 હજાર જેટલી હતી. જે અત્યારે વધીને ત્રણ લાખ ઉપર પહોંચી ગઈ છે તથા હજુ પણ વધશે એવી આશંકા સેવવામાં આવી રહી છે."

"અગાઉની સરખામણીએ બીજી લહેર દરમિયાન યુવાનોને પણ ઓક્સિજનની જરૂર વધુ પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું એક કારણ નવો મ્યુટેન્ટ હોઈ શકે છે."

"કોરોનાનો વાઇરસ શરીરમાં પ્રવેશે તે પછી તે ફેફસાં સુધી પહોંચે છે એટલે તેની સંરક્ષણ પ્રણાલી ઉપર હુમલો કરે છે. તેનો સામનો કરવા માટે તંત્ર જે કોષને મોકલે તેનાથી સોજો ઉદ્દભવે છે અને બીજા તબક્કામાં ન્યુમોનિયાનું સ્વરૂપ ધારણ કરે છે, જેમાં ફેફસાં ઉપર સોજો કે ફેફસાંમાં પાણી જોવા મળે છે."

"જેનો સામનો કરવા માટે સ્ટિરોઇડ વગેરે આપવામાં આવે છે અને વધુ સ્થિતિ કથળે ત્યારે બહારથી ઓક્સિજન આપવું પડે છે."

શરીરની વ્યવસ્થા જોઈએ તો નાક વાટે લીધેલો વાયુ આપણા ફેફસાં સુધી પહોંચે છે, જે ઓક્સિજન લઈને કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢે છે. જેને સરળ શબ્દોમાં શ્વાચ્છોશ્વાસ કહેવામાં આવે છે. લોહી મારફત આ ઓકસિજન સમગ્ર શરીરમાં પહોંચે છે. જ્યારે આ સંતુલન ખોરવાઈ એટલે બહારથી ઓક્સિજન આપવાની જરૂર ઊભી થાય છે.

શુક્રવારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, જ્યારે કોઈ વ્યક્તિના શ્વાસ ટૂંકા થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે ત્યારે તેણે તબીબી માર્ગદર્શન લેવું રહ્યું.

શરીરમાં કેટલું ઓક્સિજન ઘટી ગયું છે અને કેટલા પ્રમાણમાં ઓક્સિજન છે તેના આધારે બહારથી કઈ પદ્ધતિથી (માસ્કથી, નાકથી વગેરે) અને કેટલો (મિનિટમાં કેટલા લીટર) ઓક્સિજન આપવો તેનો નિર્ણય લેવામાં આવે છે.

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે રાજ્યમાં એક હજાર 100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે, જેની સામે એક હજાર 50 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે અને સ્થિતિ કાબૂમાં છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેકટર જનરલ પ્રો. ડૉક્ટર બલરામ ભાર્ગવે એક ચર્ચા દરમિયાન જણાવ્યું, "કોરોનાની પહેલી લહેર હોય કેબીજી લહેર હોય. વૃદ્ધો તથા કૉ-મૉર્બિડિટી ધરાવનારા દરદી પહેલા તબક્કામાં સંવેદનશીલ તબક્કામાં હતા અને આ વખતે પણ છે."

"આ વખતે યુવાનોમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડી રહી છે. કેસની ટકાવારીની સામે મૃત્યુનો દર જેટલો હતો, મહદંશે તેટલો જ અત્યારે પણ છે."ડૉ. ભાર્ગવ ઉમેરે છે કે આ વચગાળાનું તારણ છે અને આ મુદ્દે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

બદલાતું સ્વરૂપ

અન્ય કોઈ વાઇરસની જેમ જ કોરોના વાઇરસ પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે ત્યારે તેનું સ્વરૂપ બદલે છે, જેને મ્યુટેશન (રૂપપરિવર્તન) કહેવામાં આવે છે. મોટાભાગના મ્યુટેશન અસામાન્ય ફેરફાર ધરાવતા હોય છે અને વાઇરસસંબંધિત મૂળભૂત લક્ષણ યથાવત્ રહે છે, પરંતુ ક્યારેક તે બહુ મોટું પરિવર્તન લાવી દે છે.

માનવકોષ સાથે સંપર્ક કરવા તથા પ્રવેશવા માટે કોરોનાના વાઇરસ દ્વારા તેના સ્પાઇકનો (કોરોનાની તસવીરમાં જોવા મળતો અણીયાળો આકાર અને તેની ઉપરના આકાર) ઉપયોગ કરે છે.

જેમ-જેમ વાઇરસ તેનું સ્વરૂપ બદલતો જાય તેમ-તેમ તે વધારે ચેપી, વધારે ઘાતક કે રસીને બેઅસર (કે અસર ઘટાડી) કરી શકે છે.વિશ્વમાં આવી રીતે યુકે, સાઉથ આફ્રિકા તથા બ્રાઝિલ વૅરિયન્ટ્સ જોવા મળી રહ્યા છે, જે અનેક દેશમાં ફેલાઈ ગયા છે.

વિશ્વભરના વૈજ્ઞાનિકો આ મ્યુટેન્ટ્સ પર નજર રાખતા હોય છે, જેથી કરીને જો વાઇરસે કોઈ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું હોય તો તેને ધ્યાને લઈ શકાય અને જરૂરી પગલાં લઈ શકાય.

કોરોના વાઇરસનું બદલાતું સ્વરૂપ એક તબક્કે પ્લાઝમા થેરપીને પણ બિનઅસરકારક સાબિત કરી શકે છે. આથી તબીબી જગતના નિષ્ણાતો જે દર્દી તાજેતરમાં સાજો થયો હોય, તે પ્લાઝમા ડૉનેટ કરે એવી ભલામણ કરે છે, જેથી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ પરિવર્તન આવતું જાય.

સ્થિતિ કેમ વકરી?

જાણકારોના કહેવા પ્રમાણે, દેશની યુવાન વસતિ, દેશની 'નૅટિવ ઇમ્યુનિટી' તથા મોટાભાગની ગ્રામીણ વસતિ હોવાને કારણે ભારતે કોરોનાને 'પરાજિત' કરી દીધો હોવાનો ભાવ ઊભો થયો હતો. જે સમય કરતાં વહેલું હતું.

તંત્ર ઉપર લાંબા સમયના થાક, કુંભ મેળા, રાજકીય રેલીઓ તથા ધાર્મિક મેળાવડાએ સ્થિતિને વધુ વકરાવી દીધી.જાણકારોના કહેવા પ્રમાણે, ફેકટરીથી દર્દી સુધી ઓક્સિજન પહોંચે તે માટે ત્રણ દિવસ સુધીનો સમય લાગતો હતો, જે હવે વધી અમુક કિસ્સામાં સાત દિવસ સુધી પહોંચી ગયો છે.

વહીવટી સાંઠમારી, ટ્રાફિક અને પરિવરહનસંબંધિત સમસ્યાને કારણે આમ થઈ રહ્યું છે. રસીની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં અગ્રેસર છે, પરંતુ વસતિદીઠ ટકાવારીની દૃષ્ટિએ ભારત ઘણું પાછળ છે. વળી રસી લીધા પછી એક પ્રકારની નિશ્ચિંતતા પ્રવર્તે છે, જે અનિચ્છનીય છે.

લોકોએ પોતાની સાવચેતી રાખવાનું ઘટાડી દીધું. નિષ્ણાતો હજુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા તથા માસ્ક જેવી મૂળભૂત કાળજી રાખવાની હિમાયત કરે છે.

વાઇરસના મ્યુટેન્ટમાં કેટલો ફેરફાર થયો છે, તેની માહિતી જિનૉમ સિક્વન્સિંગ મારફત મળે છે. ભારતે આ અભ્યાસની દિશામાં 'બહુ થોડું અને બહુ મોડું' કર્યું છે. ભારતમાં આ મુદ્દે બહુ થોડું કામ થયું છે, જેથી કરીને ભારતમાં જોવા મળતું નવું સ્વરૂપ વધુ ઘાતક તથા વધુ ચેપી છે એવું વૈજ્ઞાનિકઢબે નક્કર રીતે કહેવું મુશ્કેલ છે.

દરમિયાન ઓક્સિજનના વેપારક્ષેત્રે સંકળાયેલી એક વ્યક્તિના કહેવા પ્રમાણે, "યુપી-બિહારમાં કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રાર્થના કરો કે ત્યાં સંખ્યા વધે તે પહેલાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં સ્થિતિ કાબૂમાં આવી જાય, અન્યથા શું થશે તે કહી ન શકાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો