You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતની કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે આગ, ચાર દર્દીઓનાં મૃત્યુ
સુરતની આયુષ હૉસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે લાગેલી આગમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીન જણાવે છે કે અહીં કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરાઈ રહી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી અને ડૅપ્યુટી કમિશનર આશીષ નાયકે આ અંગે પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું છે કે આ ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હૉસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તે મામલે હજી સુધી કોઈ કારણ જાણી શકાયું નથી.
ગુજરાતમાં પહેલાં પણ લાગી ચૂકી છે કોરોના હૉસ્પિટલોમાં આગ
ગુજરાતમાં આ પહેલાં પણ કોરોનાની સારવાર કરતી હૉસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરની કોરોના હૉસ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચૂકી છે.
અમદાવાદ અને રાજકોટની હૉસ્પિટલોમાં લાગેલી આગ મામલે તો તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગની મોટાભાગની ઘટનાઓમાં શોર્ટ-સર્કિટને જવાબદાર ગણાવવામાં આવી હતી.
ગુજરાતની હૉસ્પિટલોમાં લાગેલી આગનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં ચર્ચાયો હતો અને રાજ્ય સરકારે આ મામલે જવાબ આપવો પડ્યો હતો.
વડોદરાની એસ.એસ.જી. હૉસ્પિટલમાં લાગેલી આગ બાદ વિવાદ પણ થયો હતો. મીડિયાના અહેવાલો હતા કે ધમણ વૅન્ટિલેટરમાંથી સ્પાર્ક થઈને આગ લાગી હતી. જોકે, શરૂઆતમાં તંત્રએ આ અહેવાલોને નકાર્યા હતા.
ધમણ વૅન્ટિલેટરે કોરોનાની પ્રથમ લહેરમાં ગુજરાતમાં વિવાદ સર્જ્યો હતો. સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરના એક પત્ર બાદ આ વૅન્ટિલેટર પર સવાલો ઊભા થયા હતા.
ગુજરાતમાં કોરોના હૉસ્પિટલમાં લાગેલી આગના બનાવો
ઑગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં 12 લોકોનાં મોત થયાં હતાં, જેની તપાસ ચાલી રહી છે.
13 ઑગસ્ટના દિવસે બોડેલીની કોરોના હૉસ્પિટલમાં આગ લાગી હતી.
25 ઑગસ્ટના દિવસે જામનગરની જી. જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી.
9 સપ્ટેમ્બરે વડોદરાની એસ.એસ.જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં વૅન્ટિલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.
18 નવેમ્બરે સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ લાગી હતી.
રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓનાં મોત થયાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો