વિરમગામ : દલિત ખેતમજૂરના દીકરાને નોકરી મળી, સારાં કપડાં પહેરી મૂછ રાખી તો માર પડ્યો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિરમગામ નજીક આવેલા કરકથલ ગામમાં એક દલિત યુવાનને કથિત રીતે મૂછ રાખવા બદલ ગામના ઠાકોર સમુદાયના લોકોએ માર માર્યો હોવાની ઘટના ઘટી છે. પીડિતની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને અમુક આરોપીઓ ફરાર છે.

"મજૂર દલિત બાપનો એકનો એક દીકરો છું. પિતાએ પોતાનું પેટ કાપીને મને ભણાવ્યો છે. મને સાણંદમાં નોકરી મળી એટલે મેં પિતાને મજૂરી છોડાવી દીધી. હું સારાં કપડાં પહેરવા લાગ્યો. દાઢી-મૂછ પણ વધારી હતી."

"એવામાં ગામના ઊંચી જાતિના લોકોએ મને મૂછ કાઢી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. હું એમની સાથે ઝગડવાનું ટાળતો હતો. મને તો કલ્પના પણ નહોતી કે માત્ર મૂછ રાખવા બદલ લોકો મારા ઘરની અંદર ઘૂસીને મને, મારા પિતાને, મારી બહેનને મારશે."

વિરમગામની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુરેશ વાઘેલા નિરાશ થઈને બીબીસી સાથે ઉપરની વ્યથા રજૂ કરી છે.

ખેતમજૂર પિતાના પુત્રને નોકરી મળી, મૂછો રાખી તો માર પડ્યો

વિરમગામ નજીક આવેલા કરકથલ ગામમાં રહેતા અને એક સમયે ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાત ચલાવનારા સુરેશના પિતા મગનલાલ વાઘેલાનું સપનું હતું કે એમનો દીકરો ભણે. ભણે અને મોટો સાહેબ બને.

ખેતમજૂરી કરીને મગનલાલે પુત્રને ભણાવ્યો. પુત્ર ભણ્યો અને સાણંદમાં એને નોકરી મળી. નોકરી મળતાં જ સુરેશે પિતા પાસે ખેતમજૂરી બંધ કરાવી દીધી.

સુરેશ આગળ જણાવે છે, "મેં નાનપણથી ગરીબી જોઈ હતી. નોકરી કરીને બે પૈસા કમાતો થયો તો સારાં કપડાં પહેરતો થયો. દાઢીમૂછ રાખી પણ ગામના ઉચ્ચ વર્ણના લોકોને સારાં કપડાં અને દાઢીમૂછ સાથે વાંધો હતો."

"મને વારંવાર દાઢીમૂછ કાઢી નાખવા અને જૂનાં કપડાં પહેરવાનું કહેતા પણ હું ગણકારતો નહોતો. મારે તો શાંતિથી નોકરી કરીને, બહેનનાં લગ્ન કરાવવાં હતાં."

"એવામાં 23 મેની રાતે મને ગામના ઊચી જાતિના લોકોનો ફોન આવ્યો કે દલિત થઈને મૂછ રાખવાનો તને અધિકાર નથી, મૂછો કઢાવી નાખ. ધમકી પણ આપી કે મૂછ નહીં કઢાવે તો ઘરે આવીનું મારીશું."

એ રાતે શું બન્યું?

સુરેશના પિતા મગનલાલ વાઘેલા જણાવે છે, "મેં દીકરાને પૂછ્યું કે આટલી મોડી રાતે તને ફોન કરીને કોણ હેરાન કરે છે પણ એણે કંઈ કહ્યું નહીં. થોડી વારમાં મારા ઘરનો દરવાજો ખખડ્યો. અમે દરવાજો ખોલ્યો તો બહાર પંદર જણનું ટોળું ઊભું હતું."

"એમના હાથમાં લાકડી અને ધારિયાં હતાં. અમે કંઈ સમજીએ એ પહેલાં જ એ લોકો ઘરમાં ઘૂસી ગયા. બીભત્સ ગાળો બોલવા લાગ્યા અને મારા દીકરા સુરેશને મારવા લાગ્યા. હું બચાવવા વચ્ચે પડ્યો તો મને ધક્કો મારીને પાડી દીધો."

સુરેશનાં બહેન તરુણાએ બીબીસીને જણાવ્યું, "મારા ભાઈને ધારિયાં અને લાકડીથી માર્યો. મારા પિતા એક ખૂણામાં પડ્યા હતા. હું બચાવવા ગઈ તો જાતિવિષયક વેણ બોલી મને પણ મારી. મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે."

સુરેશના જણાવ્યા અનુસાર આરોપીઓએ તેમને ધમકી આપી કે જો તેમણે સવાર સુધીમાં મૂછ ના કાઢી તો આખા પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટના બાદ વાઘેલા પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી.

આ કેસની તપાસ કરી રહેલા વિરમગામના પીએસઆઈ વી.એ. શેખે બીબીસીને જણાવ્યું, "અમે ફરિયાદ મળી એ સાથે જ પાંચ આરોપીમાંથી ત્રણની ધરપકડ કરી લીધી. બે નાસી ગયા છે અને બાકીના અજાણ્યા લોકોની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં તમામની ધરપકડ કરી લેવાશે."

'દલિતોમાં સાક્ષરતા વધી પણ જાતિવાદ યથાવત્'

આ મામલે પોલીસ ફરિયાદ કરાયા બાદ આરોપીઓના સગાસંબંધીઓ ગામ છોડીને જતા રહ્યા છે. બીબીસીએ એક આરોપી ધમા ઠાકોરના પિતા નરશી ઠાકોરનો સંપર્ક સાધ્યો હતો. જોકે, તેમણે આ કાયદાકીય મામલો હોવાથી કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

વિરમગામના દલિત અગ્રણી નવીનચંદ્ર વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિરમગામમાં દલિતોમાં સારક્ષરતાનું પ્રમાણ વધ્યું છે પણ આસપાસના વિસ્તારોમાં હજુ પણ જાતિવાદની સમસ્યા યથાવત્ છે.

તેઓ જણાવે છે, "અહીં અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની કોઈ હિંમત નહોતું કરતું, પરિણામે આવી ઘટનાઓ બનતી રહે છે."

"જોકે, યુવાનોમાં સાક્ષરતાનું પ્રમાણ વધતાં પીડિતો પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરે છે. "

પોલીસે હાલ આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરી છે, સાથે જ પીડિત પરિવારને પોલીસરક્ષણ પણ આપવામાં આવ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો