You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૈલા ખાલિદ : પેલેસ્ટાઇનની એ યુવતી, જેણે ઇઝરાયલનું વિમાન હાઇજેક કરી હાહાકાર વર્તાવી દીધો
29 ઑગસ્ટ 1969નો દિવસ હતો. રૉમ ઍરપૉર્ટ પર સફેદ સૂટ અને સન હેટની સાથે ગૉગલ્સ પહેરીને એક 25 વર્ષીય યુવતી ફ્લાઈટ નંબર TWA 840ની રાહ જોઈ રહી હતી. અંદરથી તે બહુ નર્વસ હતી. હોલિવૂડની અભિનેત્રી ઑડ્રી હેપબર્ન જેવી દેખાતી આ યુવતી ઍરપૉર્ટ પરની સિક્યોરિટીને થાપ આપીને પોતાની સાથે એક પિસ્તોલ અને બે હેન્ડ ગ્રૅનેડ લઈ આવવામાં સફળ થઈ હતી.
તે એવું દેખાડવાનો પ્રયાસ કરતી હતી કે વેઇટિંગ લાઉન્જમાં હાજર એક વ્યક્તિ સલીમ ઇસાવીને તે ઓળખતી નથી.
સલીમ ઇસાવી પોપ્યુલર ફ્રન્ટ ફૉર લિબરેશન ઑફ પેલેસ્ટાઈનની ચે ગ્વારા કમાન્ડો યુનિટના એક મહત્ત્વના સભ્ય હતા અને તે યુવતીનું નામ હતું લૈલા ખાલિદ.
લૈલા બૈરૂતથી એકલી ઉડાન ભરીને રૉમ પહોંચાં હતાં. લૈલા અને તેના સાથી ઇસાવીએ જાણી જોઈને ફર્સ્ટ ક્લાસમાં પોતાની સીટ બૂક કરાવી હતી જેથી કોકપિટમાં સરળતાથી પહોંચી શકાય.
1973માં પ્રકાશિત પોતાની આત્મકથા 'માય પિપલ શેલ લીવ'માં લૈલા ખાલિદ લખે છે, "હું અને ઇસાવી અલગઅલગ બેઠા હતાં, તેથી શિકાગોનો રહેવાસી એક ગ્રીક અમેરિકન મારામાં વધારે પડતો રસ લઈ રહ્યો હતો."
"તેણે મને જણાવ્યું કે તે 15 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા પછી પોતાની માતાને મળવા પોતાના વતન ગ્રીસ જઈ રહ્યો હતો. એક સમયે તો મને લાગ્યું કે તેને કહી દઉં કે આ વિમાન છોડીને બીજું કોઈ વિમાન પકડી લે. પરંતુ મેં મારી જાતને અટકાવી."
લૈલા ખાલિદ અને ઇસાવી કોકપિટ સુધી પહોંચ્યાં
વિમાનમાં લૈલા ખાલિદ અને સલીમ ઇસાવીની સીટ એકબીજાની નજીક હતી.
ઍરહોસ્ટેસે લૈલાને કૉફી અને ઇસાવીને બિયર પીરસ્યો. પરંતુ ત્યાર પછી ઍરહૉસ્ટેસે ઘણો આગ્રહ કર્યો છતાં લૈલા ખાલિદે કંઈ ન ખાધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઊલટાનું તેમણે ઍરહોસ્ટેસને કહ્યું કે તેમને ઠંડી લાગી રહી છે અને પેટમાં દુખાવો થાય છે, તેથી તેમને એક વધારાનો ધાબળો આપે.
ધાબળો મળંતા જ લૈલાએ પોતાના હેન્ડ ગ્રૅનેડ અને પિસ્તોલને ધાબળાની નીચે રાખી દીધાં જેથી જરૂર પડે ત્યારે સરળતાથી કાઢી શકાય.
'શૂટ ધ વિમેન ફર્સ્ટ'નાં લેખિકા ઍલિન મૅકડોનલ્ડને આપેલી મુલાકાતમાં લૈલા ખાલિદ જણાવે છે, "વિમાનમાં ખાવાનું પીરસવાનું શરૂ થતાં જ સલીમ ઊછળીને કૉકપિટ સુધી પહોંચી ગયો. તેની પાછળ પાછળ હું પણ મારા ખોળામાં રાખેલા હેન્ડ ગ્રૅનેડ સાથે દોડી."
"આ દોડધામમાં ઍરહોસ્ટેસના હાથમાંથી ટ્રૅ નીચે પડી ગઈ અને તેણે જોરથી બૂમ પાડી. તે જ સમયે મારી કમરમાં ફસાયેલી પિસ્ટલ મારી પૅન્ટમાંથી સરકીને સીધી વિમાનના ફ્લોર પર જઈને પડી."
"મેં અને ઇસાવીએ બૂમ પાડીને હુકમ આપ્યો કે ફર્સ્ટ ક્લાસના બધા પ્રવાસીઓ અને વિમાનકર્મીઓ તાત્કાલિક ઇકૉનોમી ક્લાસમાં જતા રહો."
લૈલાએ વિમાનને ઇઝરાયલ લઈ જવાનો હુકમ આપ્યો
આ હાઇજેકિંગમાં લૈલા ખાલિદને પાઇલટ અને ઍર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરવાનું કામ સોંપાયું હતું.
શરૂઆતમાં લૈલાએ વિમાનને ઇઝરાયલના લોદ ઍરપૉર્ટ પર લઈ જવા પાઈલટને જણાવ્યું. હવે તે ડેવિડ બેન ગુરિયોન ઍરપૉર્ટ તરીકે ઓળખાય છે.
વિમાને ઇઝરાયલી હવાઈક્ષેત્રમાં પ્રવેશ કર્યો કે તરત ત્રણ ઇઝરાયલી મિરાજ વિમાન તેની બંને તરફ ઊડવાં લાગ્યાં.
તેના કારણે વિમાનના પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. તેમને લાગ્યું કે ઇઝરાયલી યુદ્ધ વિમાનો તેમના વિમાનને તોડી પાડશે.
લૈલા ખાલિદે લોદના ઍર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કરીને જણાવ્યું, "તમે અમને ફ્લાઇટ TWA 840 કહેવાના બદલે ફ્લાઇટ પીએફએલપી ફ્રી આરબ પેલેસ્ટાઈન કહીને સંબોધિત કરશો."
વિમાનના પાઈલટે પહેલાં તો લૈલાનો આદેશ માનવાનો ઇનકાર કર્યો. પરંતુ જ્યારે તેમણે પોતાનો હેન્ડ ગ્રૅનેડ દેખાડ્યો ત્યારે પાઇલટને વિરોધ છોડી દેવો પડ્યો.
વિમાનને દમાસ્કસ તરફ વાળવામાં આવ્યું
લોદ તરફ જવાનો આદેશ માત્ર ઇઝરાયલીઓને છેતરવા માટે હતો. વિમાન લોદ ઉપરથી પસાર થયું. નીચે સેંકડો ઇઝરાયલી સૈનિકો અને ટૅન્ક તેનો મુકાબલો કરવા માટે તૈયાર ઊભા હતાં.
ત્યારે અચાનક લૈલા ખાલિદે પાઇલટને આદેશ આપ્યો કે વિમાનને સિરિયાની રાજધાની દમાસ્કસ લઈ જવામાં આવે.
રસ્તામાં તેમણે પાઈલટને પોતાના જન્મસ્થાન હાયફા પરથી વિમાન ઉડાવવા કહ્યું.
લૈલાએ પોતાની આત્મકથામાં લખ્યું, "મેં જ્યારે ઉપરથી પેલેસ્ટાઈન જોયું ત્યારે એક મિનિટ માટે હું ભૂલી ગઈ કે હું કોઈ અભિયાનનો હિસ્સો છું. મારા મનમાં થયું કે હું મારાં દાદી, મારી ફૂઈ અને ત્યાં રહેલા બધા લોકોને બૂમ પાડીને કહું કે અમે પાછા આવી રહ્યાં છીએ."
"ત્યાર પછી પાઇલટે પણ કહ્યું કે અમે જ્યારે હાયફા પરથી ઉડી રહ્યાં હતાં ત્યારે તેણે મારા ચહેરાનાં રૂંવાડાં ઊભાં થતાં જોયાં હતાં."
વિમાનને વિસ્ફોટકોથી ઉડાવી દેવાયું
દમાસ્કસ ઍરપૉર્ટ પર ઊતર્યા પછી સલીમ ઇસાવીએ વિમાનની કૉકપિટમાં વિસ્ફોટક ગોઠવ્યા અને વિમાનને ઉડાવી દીધું. તેમની નજરમાં પેલેસ્ટાઈનના લોકો તરફ વિશ્વની ધ્યાન ખેંચવાનો આ સૌથી વધુ અસરકારક રસ્તો હતો.
લૈલા ખાલિદને ઘણી વખત પ્રથમ મહિલા હાઇજેકર હોવાનો શ્રેય આપવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ત્રણ વર્ષ અગાઉ 1966માં કૉનડોર્સ સંગઠન તરફથી એક વિમાનનું અપહરણ કરીને ફૉકલૅન્ડ આઇલૅન્ડ લઈ જનાર હાઇજેકર પણ એક મહિલા જ હતી.
ઍલિન મૅકડોનલ્ડ પોતાના પુસ્તક 'શૂટ ધ વિમેન ફર્સ્ટ'માં લખે છે, 'હાઇજેકિંગના કારણે જે પ્રસિદ્ધિ મળી તેનાથી PFLPના નેતાઓને બહુ આનંદ થયો. તેમણે પોતાના સ્ટાર કૉમરેડ લૈલા ખાલિદને મધ્યપૂર્વના દેશોના પ્રવાસે મોકલ્યાં.'
'તેમને ખબર હતી કે ઇઝરાયલીઓ લૈલા ખાલિદનું અપહરણ કરવા અને તમને મારી નાખવા માટે ગમે તે કરી શકે છે. આમ છતાં તેમને આરબ દેશોના પ્રવાસે મોકલવામાં આવ્યાં. તેમની ચારે બાજુ અંગરક્ષકોનું મજબૂત સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. લૈલા ખાલિદ હવે આરબ વિશ્વનાં એક નાયિકા બની ચુક્યાં હતાં.'
ચહેરાની પ્લાસ્ટિક સર્જરી
ત્યાર પછી લૈલા ખાલિદે પોતાના નાક, ગાલ, આંખ અને મોઢા પર છ જગ્યાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી જેથી તેમનો ચહેરો બદલી શકાય અને તેમને બીજી વખત હાઇજેકિંગ માટે તૈયાર કરી શકાય.
સપ્ટેમ્બર 1970માં લૈલા ખાલિદ લેબેનોનથી યુરોપ ગયાં. ચોથી સપ્ટેમ્બરે સ્ટટગર્ટ, જર્મનીમાં તેમણે પૅટ્રિક આરગ્યુલો સાથે મુલાકાત કરી જેઓ આગામી હાઇજેકિંગમાં તેમનો સાથ આપવાના હતા.
તેઓ અગાઉ એકબીજાને ક્યારેય મળ્યા નહોતાં. 6 સપ્ટેમ્બરે બંને ન્યૂયૉર્કની ટિકિટ લઈને સ્ટટગર્ટથી ઍમ્સ્ટર્ડમ એક સાથે ગયાં.
આરગ્યૂલો અમેરિકામાં પેદા થયા હતા અને મૂળ નિકારગુવાના હતા. ઍમ્સ્ટર્ડમમાં તેઓ બંને ન્યૂયૉર્ક જઈ રહેલી ઇઝરાયલી ઍરલાઇન્સ ELAI 219ના બૉઈંગ 707 વિમાનમાં સવાર થયાં.
સારા ઇરવિંગ પોતાના પુસ્તક 'લૈલા ખાલિદ : આઇકોન ઑફ પેલેસ્ટિનિયન લિબરેશન'માં લખે છે, 'આ બંને જ્યારે વિમાનમાં સવાર થયાં ત્યારે તેમને ખબર નહોતી કે આ હાઇજેકિંગમાં તેમને જે બે સાથીદારો તરફથી મદદ મળવાની હતી તેને ELAIના સ્ટાફે સીટ આપી નહોતી.'
'હાઇજેકિંગની યોજના બનાવતી વખતે જ નક્કી થયું હતું કે ELAIના વિમાનનું અપહરણ કરવામાં બેથી વધુ લોકોની જરૂર પડશે કારણ કે તેમના વિમાનમાં હથિયારધારી સુરક્ષાગાર્ડ્સ હાજર હોય છે અને વિમાનમાં સવાર થતા લોકોની ત્રણ વખત તલાશી લેવામાં આવે છે.'
પાઇલટે કૉકપિટનો દરવાજો બંધ કર્યો
આ વખતે લૈલા ખાલિદ અને તેમના સાથી ઇકૉનોમી ક્લાસમાં બેઠાં હતાં.
લૈલા ખાલિદે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "આરગ્યૂલોને ખબર હતી કે તેણે શું કરવાનું છે અને મને ખબર હતી કે મારે શું કરવાનું છે. અમારી પાસે અમારાં હથિયાર હતાં. મારી પાસે બે હેન્ડ ગ્રૅનેડ હતા. પેટ્રિક પાસે પણ એક હેન્ડ ગ્રૅનેડ હતો. મેં એક ટૂંકું સ્કર્ટ પહેર્યું હતું. મેં બધા નકશા સ્કર્ટમાં છુપાવી દીધા હતા."
લૈલા દોડીને કૉકપિટ તરફ ગયાં પણ પાઇલટે પહેલાંથી દરવાજો અંદરથી લૉક કરી દીધો હતો.
ડેવિડ રાબ પોતાના પુસ્તક 'ટેરર ઇન બ્લેક સપ્ટેમ્બર'માં લખે છે, 'લૈલા ખાલિદે પોતાની ખાસ પ્રકારની બ્રામાંથી બંને હેન્ડ ગ્રૅનેડ કાઢી લીધા પરંતુ ત્યારે વિમાનમાં સવાર માર્શલોએ ગોળીબાર શરૂ કરી દીધો.'
'પૅટ્રિકે વળતું ફાયરિંગ કર્યું તો માર્શલ શ્લોમો વાઈડરના પગમાં ગોળી વાગી. આ દરમિયાન પૅટ્રિકને પણ ગોળી વાગી હતી. બે ગાર્ડ અને બીજા પ્રવાસીઓ લૈલા ખાલિદ પર તૂટી પડ્યા. લોકો તેમને મારવા લાગ્યા જેમાં તેમની કેટલીક પાંસળીઓ તૂટી ગઈ.'
માર્શલે ગોળીબાર કર્યો
આ દરમિયાન ચાલાક પાઇલટે વિમાનને અચાનક નીચે ડાઈવ કરાવ્યું જેથી લૈલા ખાલિદે સંતુલન ગુમાવ્યું અને તે નીચે પડી ગયાં.
પ્રવાસીઓ પર તેની કોઈ અસર ન થઈ કારણ કે તેમણે સીટ બેલ્ટ બાંધેલા હતા. વિમાન અત્યંત નીચી ઊંચાઈએ આવી ગયું હતું તેથી હવે ગ્રૅનેડ વિસ્ફોટ થાય તો પણ કૅબિન ડિપ્રેશરાઈઝ્ડ થવાની શક્યતા ન હતી. તેથી ઓછામાં ઓછું નુકસાન થાય તેમ હતું.
બીબીસી સાથે વાત કરતાં લૈલા ખાલિદે જણાવ્યું કે તે સમયે તેમના પર શું વીતતી હતી.
તેમણે કહ્યું, "અડધા કલાક પછી અમે ઊભા થઈ ગયાં અને મેં પોતાના દાંતથી હેન્ડ ગ્રૅનેડની પિન કાઢવાની કોશિશ કરી. અમે જેવા ઊભાં થઈને બૂમ પાડી કે તરત પાછળથી સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું."
"મેં જોયું કે કૉકપિટની મૅજિક આઇમાંથી કોઈ અમને જોઈ રહ્યું હતું. મેં તેમને ચેતવણી આપી કે અમે ત્રણ સુધી ગણીશું. ત્યાં સુધીમાં તમે કૉકપિટનો દરવાજો નહીં ખોલો તો હું વિમાનને ઉડાવી દઈશ."
"જોકે, હું વિમાન ઉડાવવા માગતી ન હતી. તેમણે દરવાજો ન ખોલ્યો. થોડી ક્ષણો પછી કોઈએ પાછળથી મારા માથા પર પ્રહાર કર્યો અને હું બેહોશ થઈ ગઈ."
ઇમરજન્સી લૅન્ડિંગ
લૈલા ખાલિદ પોતાની આત્મકથામાં લખે છે, 'મેં જોયું કે એક માર્શલે લોહીમાં લથબથ આર્ગ્યુલોની કમર પર ઊભા રહીને તેની પીઠમાં ચાર ગોળી મારી દીધી.'
ઇજાગ્રસ્ત માર્શલ શ્લોમો વાઇડરની હાલતથી ચિંતિત થઈને ELAI ના પાઇલટે યુકેમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.
થોડી જ ક્ષણોમાં ELAI નું બીજું વિમાન હિથ્રો ઍરપૉર્ટ પરથી ટેક-ઓફ કરવાનું હતું.
ડેવિડ રાબ પોતાના પુસ્તક 'ટેરર ઇન બ્લેક સપ્ટેમ્બર'માં લખે છે, 'આર્ગ્યૂલો પર પર ગોળી ચલાવનાર માર્શલ બાર લેવાવને જહાજના લેચમાંથી ઉતારીને બીજા ELAI વિમાનમાં ચઢાવી દેવાયા જેથી તેઓ બ્રિટિશ અધિકારક્ષેત્રમાંથી બહાર નીકળી જાય અને આર્ગ્યૂલોના મોત માટે જવાબદાર ગણવામાં ન આવે."
લૈલા ખાલિદને કેટલાક પ્રવાસીઓની ટાRની મદદથી બાંધીને બળજબરીથી વિમાનના ફ્લોર પર સુવડાવી દેવાયાં.
લૈલા ખાલિદના નસીબ સારા હતા કે ઇઝરાયલી સુરક્ષાદળોએ તેને બંધક ન બનાવ્યાં અને બ્રિટિશ પોલીસે તેમની ધરપકડ કરી.
વિમાને ઉતરાણ કરતા જ લૈલા ખાલિદ અને પૅટ્રિક આર્ગ્યૂલોના મૃતદેહને એક ઍમ્બ્યુલન્સમાં મૂકીને લઈ જવાયાં.
લૈલા ખાલિદ પોતાની આત્મકથા 'માય પિપલ શેલ લીવ'માં લખે છે, 'મેં સુરક્ષા કર્મચારીઓને વિનંતી કરી કે મારા હાથ ખોલી દેવામાં આવે.'
'મેં પૅટ્રિકના મૃતદેહની બાજુમાં રહીને તેના હાથ પકડ્યા. મેં તેની ઈજા તપાસી અને મિત્રતાના ભાવે તેના હોઠોને ચુંબન કર્યું. ત્યાર પછી હું રડવા લાગી.'
'મારા માટે આ બહુ દુખદાયક વાત હતી. હું વિચારતી હતી કે પૅટ્રિકની જગ્યાએ મારે મરવાનું હતું કારણ કે આ અમારી લડાઈ હતી. પૅટ્રિક તો અમારી મદદ કરવા આવ્યો હતો."
જેલમાં સારો વ્યવહાર
લૈલા ખાલિદને ઇલિંગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં જ્યાં આગામી કેટલાક દિવસો સુધી ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ડેવિડ પ્રિઉએ તેમની પૂછપરછ કરી.
જેલમાં લૈલાની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો. કેટલાંક મહિલા પોલીસ કર્મચારીઓ તેમની સાથે ટેબલ ટેનિસ પણ રમ્યાં.
લૈલાએ વાંચવા માટે કેટલીક સામગ્રી માંગી. તેમને વાંચવા માટે મહિલાઓનાં કેટલાંક સામયિક આપવામાં આવ્યાં ત્યારે તેમણે નારાજ થઈને તેને લેવાનો ઇનકાર કર્યો. ત્યાર પછી તેમને અખબાર આપવામાં આવ્યાં.
લૈલાને નહાવા માટે સ્ટેશન ચીફનું બાથરૂમ આપવામાં આવ્યું. તેમના માટે સ્વચ્છ કપડાં અને ટોવેલ લાવવામાં આવ્યાં.
તેમના રૂમમાં એક મહિલા ગાર્ડને બેસાડવાનો પ્રયાસ કરાયો ત્યારે લૈલાએ નારાજ થઈને જવાબ આપ્યો, "હું મારી જાતને મારવાની નથી. મારે હજુ બીજાં અભિયાનોમાં ભાગ લેવાનો છે."
લૈલા ખાલિદે જ્યારે થોડો સમય ખુલ્લી હવામાં શ્વાસ લેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમને જેલના ઉપરના માળ પર લઈ જઈને બારીઓ ખોલી નાખવામાં આવી જેથી તેઓ તાજી હવા લઈ શકે.
તેમને દરરોજ છ રૉથમૅન સિગારેટ પીવાની છૂટ મળી. કેટલીક વખત પોલીસ કર્મચારીઓએ તેમને રોજની છથી વધારે સિગરેટની વ્યવસ્થા પણ કરી આપી હતી.
લૈલાને છોડાવવા બ્રિટિશ વિમાનનું હાઇજેકિંગ
લૈલા ખાલિદની પૂછપરછ દરમિયાન ડેવિડ પ્રિઉએ તેમને માહિતી આપી કે ELAI નાં વિમાનો ઉપરાંત સ્વીસ ઍર, TWA, PANAM અને બ્રિટિશ ઍરનાં વિમાનોના પણ અપહરણ કરાયાં છે.
આટલું સાંભળતા જ લૈલા ખાલિદે કહ્યું કે બ્રિટિશ ઍરના વિમાનનું અપહરણ કરવાની કોઈ યોજના ન હતી.
પ્રિઉએ તેમને જણાવ્યું કે 9 સપ્ટેમ્બરે બહેરિનથી આવી રહેલા બ્રિટિશ ઍરના વિમાનનું અપહરણ કરીને તેને જૉર્ડનના ડોસન ફિલ્ડમાં લઈ જવામાં આવ્યું છે.
લૈલા ખાલિદે જ્યારે પુછ્યું કે અપહરણકારોની માંગણી શું છે, ત્યારે પ્રિઉએ જણાવ્યું કે 'તેઓ તમારી મુક્તિ ઇચ્છે છે.'
28 સપ્ટેમ્બરે પોલીસ ગાર્ડ્સે લૈલાને રડતાં જોયાં હતાં. તે દિવસના અખબારોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસિરના મૃત્યુના સમાચાર છપાયા હતા.
લૈલા ખાલિદની મુક્તિ
આખરે બ્રિટિશ સરકારે બંધક બનાવાયેલા પોતાના 114 નાગરિકોના બદલામાં લૈલા ખાલિદને મુક્ત કર્યાં.
24 દિવસ સુધી બ્રિટિશ જેલમાં રહ્યા પછી 1 ઑક્ટોબર 1970ના દિવસે લૈલા ખાલિદને લઈને રૉયલ ઍરફૉર્સના વિમાને કૈરો માટે ઉડાન ભરી.
તે અગાઉ 12 સપ્ટેમ્બરે હાઇજેક કરાયેલા તમામ વિમાનોને ડોસન ફિલ્ડમાં વિસ્ફોટકો દ્વારા ઉડાવી દેવાયાં હતાં.
આ ઘટનાનાં ઘણા વર્ષો પછી બીબીસીએ લૈલા ખાલિદને પુછ્યું કે 'તમે જે કર્યું તે બદલ તમને અફસોસ થાય છે?'
લૈલા ખાલિદે કહ્યું, "બિલકુલ નહીં." તેમને ફરી સવાલ કરાયો કે 'તમારા કારણે વિમાનમાં સવાર સેંકડો પ્રવાસીઓ ભયભીત થયા, તેમને માનસિક આઘાત પહોંચ્યો અને વિમાનના સ્ટુઅર્ડને ગંભીર ઈજા પણ થઈ હતી.'
લૈલા ખાલિદે કહ્યું કે "તેમને આઘાત લાગ્યો તે વાતની હું માફી શકું છું. પરંતુ અંતમાં તેઓ સુરક્ષિત રહ્યા. આ કાર્યવાહીનો હેતુ તેમને નુકસાન પહોંચાડવાનો ન હતો. તમારે એ પણ જોવું જોઈએ કે એક માનવી તરીકે અમારી અને અમારા માનવાધિકારોની અવગણના કરવામાં આવી હતી."
77 વર્ષીય લૈલા હાલમાં ઓમાનમાં રહે છે. તેમણે એક ડૉક્ટર ફયેઝ રશીદ હિલાલ સાથે લગ્ન કર્યાં છે. તેમને બદર અને બશર નામે બે બાળકો છે.
આજે તેમને જોઈને કોઈ એવું ન કહી શકે કે એક જમાનામાં ચેક્સવાળો કફાયા પહેરી અને હાથમાં એકે 47 રાઈફલ ધારણ કરનાર આ મહિલા પેલેસ્ટાઇનના સંઘર્ષનાં સૌથી મોટાં પોસ્ટરગર્લ હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો