You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરી પંડિતોને પાછા આવવાનું આમંત્રણ આપનાર મુસ્લિમ, જે 11 વર્ષથી મંદિરની દેખરેખ રાખે છે
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી હિન્દી માટે
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લાગરીપુરાના રહેવાસી એક સ્થાનિક મુસ્લિમ નૂર મહમદ ડાર છેલ્લાં 11 વર્ષથી પોતાના ગામમાં એક મંદિરની સારસંભાળ રાખી રહ્યા છે.
નૂર મહમદે 2011માં પોતાનું ગામ છોડીને પલાયન કરી ચૂકેલા કાશ્મીરી પંડિતોને પાછા આવીને તહેવાર ઊજવવા માટે આમંત્રણ આપ્યું હતું.
લાગરીપુરાના મંદિરને ખીરભવાની મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરથી થોડે જ દૂર એક નાનકડું મંદિર છે. આ બન્ને મંદિરોની સારસંભાળનું કામ નૂર મહમદ જ કરે છે.
તેઓ વ્યવસાયે એક રસોઈયા છે અને તેમને બે બાળકી છે.
'પંડિતોને મળીને તેમને ગામ આવવાનું આમંત્રણ આપ્યું'
મહમદ જણાવે છે કે તેમના ગામમાંથી પંડિતો પલાયન કરી ગયા બાદ તેઓ તેમને મળવા જમ્મુ ગયા અને કાશ્મીર પાછા આવી જવા કહ્યું હતું.
તેઓ જણાવે છે, "2011 સુધી હું ઘણી વખત અમારા ગામમાંથી પલાયન કરી ગયેલા પંડિતો પાસે ગયો. તેમને પાછા આવવા કહ્યું. હું જ્યારે પણ તેમને મળવા જમ્મુ જતો હતો, તેઓ પોતાના મંદિર વિશે પૂછતા હતા."
"હું તેમને કહેતો હતો કે અમે તેની સંભાળ રાખીએ છીએ. જ્યારે પણ હું મારા ગામના પંડિતો પાસે જતો, તેઓ મને ખૂબ માન આપતા હતા."
નૂર મહમદ જણાવે છે, "ગામમાં આવીને મંદિરમાં તહેવાર ઊજવવાના મારા આગ્રહ પર પંડિતોએ કહ્યું હતું કે જ્યારે તેમનું મન થશે, ત્યારે તેઓ ફોન પર કહેશે. થોડા સમય પછી તેમનો ફોન આવ્યો કે તેઓ કહેવાર ઊજવવા આવી રહ્યા છે. પંડિતો તરફથી આટલું જ સાંભળીને હું મંદિર સજાવવામાં લાગી ગયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ જણાવ્યું, "ઘણા દિવસો સુધી મંદિર સજાવ્યા બાદ અંતે 21 જૂન 2011ના દિવસે પંડિતો ગામ પર પહોંચ્યા હતા. જ્યારે તેમણે મંદિરને નવવધૂની જેમ શણગારેલી હાલતમાં જોયું તો તેઓ ખૂબ ખુશ થયા."
"તેમણે અહીં ખીરભવાનીનો તહેવાર ઊજવ્યો અને ઘણા દિવસો સુધી અમારી સાથે જ મુસ્લિમોનાં ઘરોમાં રોકાયા."
'મુસ્લિમોએ ક્યારેય રોક્યા-ટોક્યા નથી'
નૂર મહમદનું કહેવું છે કે 2011થી અત્યાર સુધી તેઓ પોતાના ગામમાં આ મંદિરની સારસંભાળ રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ઉગ્રવાદ શરૂ થયા બાદ 1990માં કાશ્મીરમાંથી પંડિતો પલાયન કરીને અલગઅલગ શહેરોમાં જઈને વસ્યા હતા. તે સમયે લાગરીપુરામાં કાશ્મીરી પંડિતોનાં 31 ઘર હતાં.
તેઓ કહે છે કે તેમના ગામના મુસ્લિમોએ પણ તેમને મંદિરની સારસંભાળ રાખવા બદલ ક્યારેય રોક્યા કે ટોક્યા નથી.
નૂર મહમદ કહે છે કે મુસ્લિમોએ આ મંદિરની સારસંભાળ રાખવામાં હંમેશાં તેમનો સાથ આપ્યો છે.
તેમનું કહેવું છે, "મને અત્યાર સુધી આ મંદિરની સારસંભાળ રાખવામાં કોઈ તકલીફ થઈ નથી. પાડોશીઓએ હંમેશાં મારો સાથ આપ્યો છે."
"એટલું જ નહીં હું એમ પણ કહી શકું છું કે અમે બધાએ ભેગા મળીને મંદિરની સુરક્ષા કરી અને આજે પણ કરી રહ્યા છીએ. મને કોઈએ ક્યારેય નથી કહ્યું કે તમે મુસ્લિમ હોવા છતાં મંદિર કેમ જાઓ છો?"
'મારા માટે મંદિર-મસ્જિદ ખુદાનું ઘર છે'
નૂર મહમદ પ્રમાણે તેમના માટે મંદિર અને મસ્જિદ એક જેવાં જ છે.
તેઓ કહે છે, "મારા માટે મસ્જિદ અને મંદિર જવું એકસરખું છે. બન્ને જગ્યાઓ ખુદાનું ઘર છે. હું મંદિર જઈને અગરબત્તી કરું છું, પાણી નાખું છું, કચરો સાફ છું. મારા ધર્મમાં આમ કરવાથી કોઈ ફરક પડતો નથી. મંદિરની સારસંભાળ રાખવાની સાથેસાથે પોતાના ધર્મનું પણ પાલન કરું છું."
તેઓ કહે છે, "હું નમાજ પણ પઢું છું અને રોજો પણ રાખું છું. મંદિર ગયા બાદ હું મારા ધર્મથી દૂર નથી થયો. મને એમ કરવાથી શાંતિ મળે છે."
નૂર મહમદ જણાવે છે કે તેઓ આ કામ કરવા મળ્યું તે માટે ખુદા અને પંડિતભાઈઓના આભારી છે.
મંદિરની સારસંભાળનો વિચાર કઈ રીતે આવ્યો? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "મારા દિમાગમાં આ વાત ખુદાએ જ નાખી. હું સમજું છું કે આ એક રીતે મારી જવાબદારી હતી કે હું આ કામ કરું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો