RBI : રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની સ્થાપનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા શું હતી?

    • લેેખક, મયુરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી મરાઠી

ડૉ. બી. આર. આંબેડકરનું પુસ્તક 'ધ પ્રૉબ્લેમ ઑફ રૂપીઝ' સૌ પ્રથમ લંડનમાં 1923માં પ્રગટ થયું હતું. તે વખતે તેમની ઉંમર માત્ર 32 વર્ષની હતી. તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા હતા. તેના માટે તેમણે ભારતીય રૂપિયાની સ્થિતિ વિશે આ થિસિસ તૈયાર કરી હતી.

આ થિસિસ આગળ જતાં ભારતના અર્થતંત્રમાં અગત્યની સાબિત થઈ હતી અને તેના આધારે બ્રિટિશ અર્થવ્યવસ્થાથી આગળ નીકળી શકાયું હતું.

આ પુસ્તકે ખાસી ચર્ચા જગાવી હતી અને તેના આધારે જે નિર્ણયો લેવાયા તેના કારણે જ આખરે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી.

ડૉ. આંબેડકરને સામાન્ય રીતે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે સદીઓથી શોષિત રહેલા દલિત સમાજને જાગૃત કર્યો હતો અને ભારતની જ્ઞાતિ વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો.

તેમણે આ દિશામાં એકલે હાથે કરેલાં ક્રાંતિકારી કાર્યોને કારણે તેમને મહામાનવ કહેવાયા હતા. તેમનું વ્યક્તિત્વ બહુ આયામી હતું.

તેઓ ધર્મ, નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિતના વિષયોમાં નિષ્ણાત હતા. પરંતુ તેમનાં ભાષણો અને લખાણો પરથી એટલો ખ્યાલ આવે છે કે તેમનો સૌથી મનપસંદ વિષય અર્થતંત્ર હતો.

જોકે ડૉ. આંબેડકર વિશે વાત કરવામાં આવે ત્યારે પ્રથમ તેમને બંધારણના ઘડવૈયા તરીકે અને દલિત લડત માટે યાદ કરવામાં આવે છે અને તે પછી જ તેમની અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિભાની ચર્ચા થાય છે.

સાચી વાત એ છે કે ડૉ. આંબેડકર જીવનભર અર્થવ્યવસ્થા વિશે વિચારો કરતા રહ્યા હતા. તેમના આ વિચારોમાંથી જ ભારતીય અર્થતંત્રનુ સ્વરૂપ પણ ઘડાતું રહ્યું હતું.

તેમના આર્થિક વિચારોને આધારે જ ભારતમાં કેન્દ્રીય બેન્કની વ્યવસ્થા વિચારવામાં આવી હતી, પરંતુ તે વિશે બહુ ઓછા લોકો વિગતવાર જાણે છે. બ્રિટિશરાજ હતું તે વખતે જ આ દિશામાં મોટા પાયે વિચારણા થવા લાગી હતી અને તેમાંથી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સ્થાપનાનો નિર્ણય લેવાયો હતો.

આ સમગ્ર પ્રક્રિયામાં ડૉ. આંબેડકર સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા હતા. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ભારતીય ચલણ વિશે ડૉ. આંબેડકર થિયરી અને પ્રૅક્ટિસ બંનેમાં જે રીતે વિશેષજ્ઞતા ધરાવતા હતા, તેના કારણે આરબીઆઈની સ્થાપનામાં તેમની નિર્ણાયક ભૂમિકા બની હતી.

1773-1935: ભારતની બૅન્કિંગ વ્યવસ્થામાં કેવી રીતે કેન્દ્રીય બૅન્કની સ્થાપના થઈ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. ભારતનાં વિદેશી હૂંડિયામણ તથા ચલણની બાબતો તેના કાર્યક્ષેત્રમાં હતી અને દેશની બધી જ બૅન્કોની કેન્દ્રીય નિયંત્રક સંસ્થા તરીકે પણ કામ કરવા લાગી હતી.

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી અને બાદમાં ભારતનું શાસન બ્રિટિશ સરકારે સંભાળ્યું તે દરમિયાન ભારતના અર્થતંત્રમાં મોટા ફેરફારો થતા રહ્યા હતા. પરિવર્તનના આ ગાળામાં બૅન્કિંગ અગત્યનું બન્યું હતું.

ધીમે ધીમે બૅન્કિંગતંત્ર વિકસી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ અંગે રાહુલ બજોરિયાએ પોતાના પુસ્તક 'ધ સ્ટોરી ઑફ ધ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા'માં લખ્યું છે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વૉરેન હેસ્ટિંગ્સે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેમણે 1773માં દરખાસ્ત તૈયાર કરી હતી કે જનરલ બૅન્ક ઑફ બંગાલ ઍન્ડ બિહારની રચના કરવી જરૂરી છે, જેથી કંપનીનું કામકાજ સારી રીતે ચાલી શકે.

આ દરખાસ્ત સ્વીકારવામાં આવી નહોતી, પરંતુ કંપનીનું કામકાજ વધતું ગયું તે પછી 1906માં બૅન્ક ઑફ બંગાલની સ્થાપના થઈ હતી આ બૅન્કને બંગાળ અને બિહારમાં પોતાનું ચલણ મૂકવા માટે પણ મંજૂરી મળી હતી.

ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય ફેલાવા લાગ્યું તે પછી 1840માં બૅન્ક ઑફ બૉમ્બે અને 1843માં બૅન્ક ઑફ મદ્રાસની સ્થાપના થઈ. આ ત્રણેય બૅન્કને પ્રેસિડન્સી બૅન્ક્સ તરીકે ઓળખાતી હતી અને પોતપોતાના પ્રાંતોમાં બૅન્કના વ્યવહારો સંભાળતી હતી.

1857માં ક્રાંતિ થઈ તે પછી કંપની પાસેથી બ્રિટનના તાજે વહીવટ સંભાળી લીધો. તે સાથે બૅન્કિંગના કામકાજને પણ વધારે સત્તાવાર રીતે વિસ્તારવામાં આવી.

બ્રિટિશ સરકારે 1861માં પેપર કરન્સી ઍક્ટ પસાર કર્યો હતો, જેની સાથે ચલણના બધા અધિકારો હવે સરકારના હાથમાં હતા.

સમગ્ર દેશમાં બૅન્કિંગ વ્યવહારોને સંકલિત કરવા માટે કેન્દ્રીય બૅન્ક હોવી જોઈએ તેવી રજૂઆતો ફરી થવા લાગી હતી. તે વખતે ભારતીય રૂપિયાનું મૂલ્ય ચાંદીના ભાવ સામે ગણાતું હતું.

1892માં સોના સામે ચાંદીના ભાવ ઘટી ગયા એટલે રિવ્યૂ કમિટીએ સૂચન કર્યું હતું કે ભારતીય ચલણ માટે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ છે તે પ્રકારની કેન્દ્રીય બૅન્ક ભારતમાં પણ હોવી જોઈએ.

જોકે ઘણાં બધાં વેપારી હિતો સંકળાયેલાં હતાં એટલે તે અંગેનો નિર્ણય કરવો સહેલો નહોતો. તેથી ઘણાં વર્ષો સુધી આ દિશામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં.

1913માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીના સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જ્હોન કેઇન્સ ઇન્ડિયન ફાઇનાન્સ ઍન્ડ કરન્સીના રૉયલ કમિશનના, જે ચેમ્બરલીન કમિશન તરીકે પણ જાણીતું હતું , સભ્ય બન્યા હતા.

કેઇન્સે ભારતના ચલણ અને અર્થતંત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાં સુધીમાં ભારતીય ઉપખંડમાં રૂપિયો ચલણ તરીકે સ્થાપિત થઈ ગયો હતો અને સમગ્ર દેશમાં તેને પ્રાદેશિક ચલણ તરીકે પણ સ્વીકારવામાં આવતો હતો.

1910માં સરકારે યુનિવર્સલ પેપર કરન્સી ઍક્ટ પસાર કર્યો અને પાંચ, દસ અને એકસો રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી.

1914માં ચેમ્બરલીન પંચે ભલામણ કરી કે ત્રણેય પ્રેસિડન્સી બૅન્કને એક કરીને કેન્દ્રીય બૅન્ક બનાવવામાં આવે અને તેના પર સરકારનું નિયંત્રણ હોય.

જાહેર મૂડી અને દેવાંને આ કેન્દ્રીય બૅન્ક સંભાળે અને સાથે જ ચલણી નોટોને છાપવાનું પણ કામ કરે. આ સૂચન પ્રમાણે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ સરકારે ત્રણેય બૅન્કોનું વિલિનકરણ કરીને 1921માં ઇમ્પિરિયલ બૅન્કની સ્થાપના કરી.

જોકે તેને હજી ચલણના અધિકારો આપવામાં આવ્યા નહોતા. આગળ જતાં ઇમ્પિરિયલ બૅન્કનું રાષ્ટ્રીયકરણ કરીને 1955માં તેને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું.

ઇમ્પિરિયલ બૅન્કની સ્થાપના પછીય ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં ફેરફારો થતા રહ્યા. 1917માં સરકારે યુદ્ધના કારણે સોનાનું વેચાણ બંધ કરી દીધું હતું, જેના કારણે ચાંદીનો ભાવ બહુ વધી ગયો અને રૂપિયો નીચે જતો રહ્યો.

ભારતીય રૂપિયા સામે બીજા પણ પડકારો હતા. સ્ટર્લિંગ સામે રૂપિયાનું મૂલ્ય સ્થિર રાખવું જોઈએ એવી પણ માગણીઓ થઈ. પણ એવું શક્ય બન્યું નહોતું.

ભારતીય ચલણમાં સુધારા માટે 1925માં હિલ્ટન યંગ કમિશનને ભારત મોકલવામાં આવ્યું. ભારતીય રિઝર્વ બૅન્કની સ્થાપનાની દિશામાં આ અગત્યનું કદમ હતું.

આ તબક્કે હવે ડૉ. બી. આર. આંબેડકરનો પ્રવેશ થાય છે. પંચના સભ્યોએ ડૉ. આંબેડકરના પુસ્તક ધ પ્રૉબ્લેમ ઑફ ધ રૂપીનો અભ્યાસ કર્યો હતો.

અર્થશાસ્ત્રી ડૉ. આંબેડકર અને રૂપિયાની સમસ્યા

આંબેડકર વિદ્યાર્થી હતા ત્યારથી જ અર્થશાસ્ત્રમાં તેમની રુચિ જણાઈ આવતી હતી. ભારતનું અર્થતંત્ર, તેનો ઇતિહાસ, અને તેના ભૂતકાળ-વર્તમાન-ભવિષ્ય વિશે તેઓ સતત વિચારતા થયા હતા.

ન્યૂ યૉર્કની કૉલંબિયા યુનિવર્સિટીમાં તેમણે 1913માં પ્રવેશ મેળવ્યો હતો. યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર એડવિન સેલિગનેમના પ્રભાવથી તેમણે માસ્ટર્સ ડિગ્રી માટે અર્થશાસ્ત્રનો વિષય પસંદ કર્યો હતો. માસ્ટર્સ ડિગ્રી માટે તેમણે થિસિસ પસંદ કરી તેનું શિર્ષક હતું 'ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ ફાઇનાન્સ ઑફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની.'

ડૉ. આંબેડકરે 1792થી 1858 સુધીના સમયગાળાનો અભ્યાસ કર્યો હતો. આ સમયગાળામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગપેસારો કરી દીધો હતો. તેના કારણે ભારતના વહીવટમાં અને નાણાકીય વ્યવહારો પર શું અસર થઈ તેના વિશે ડૉ. આંબેડકરે અભ્યાસ કર્યો હતો.

આ નવી વ્યવસ્થામાં ભારતીયોનું શોષણ થઈ રહ્યું હતું. ડૉ. આંબેડકરે હિંમતપૂર્વક લખ્યું કે ભારતમાં ભૌતિક જીવનમાં ફેરફારો થયા, પરંતુ બીજી બાજુ ભારતીયો આર્થિક રીતે બ્રિટિશ શાસનના ગુલામ બની ગયા હતા.

ડૉ. આંબેડકર આગળ જતાં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ્યા ત્યારે ભારતીય રૂપિયાના મૂલ્ય વિશે બ્રિટન અને ભારતમાં ચર્ચાઓ જોરમાં હતી. રૂપિયામાં ચઢાવઉતાર, તેને સ્થિર રાખવાની જરૂર, સોનાના વિનિમય માટેનાં ધોરણો, કેન્દ્રીય બૅન્કની સ્થાપનાની જરૂર વગેરે મુદ્દાઓ ચર્ચામાં હતા.

આ બધા વચ્ચે ડૉ. આંબેડકરે પોતાની થિસિસના વિષય તરીકે ભારતીય રૂપિયાની જ પસંદગી કરી હતી અને તેમણે ધ પ્રૉબ્લેમ ઑફ ધ રૂપી એ નામે થિસિસ તૈયાર કરી હતી.

આ પહેલાં પ્રોફેસર કેઇન્સ પણ રૂપિયાની સમસ્યા વિશે વિચારો વ્યક્ત કરી ચૂક્યા હતા. ડૉ. આંબેડકરે આ બાબતમાં પ્રોફેસર કેઇન્સના વિચારોથી વિરુદ્ધ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારતમાં કયું ચલણ સૌથી ઉત્તમ છે. મરાઠી દૈનિક લોકસત્તાના તંત્રી અને આર્થિક બાબતોના જાણકાર ગિરીશ કુબેરે આ વિશે એક લેખ લખ્યો છે. અર્થશાસ્ત્રી આંબેડકર એવા તેમના આ લેખમાં તેમણે જણાવ્યું છે કે કઈ રીતે આ મુદ્દે કેઇન્સ અને આંબેડકર વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો.

કુબેરે લખ્યું છે: "ચલણની બાબતમાં પ્રોફેસર કેઇન્સ સૌથી અધિકૃત મનાતા હતા. તેમના વિચારોની અવગણના કરવી મુશ્કેલ બની હતી. આમ છતાં ચલણના મૂલ્ય માટે સોનાનો આધાર લેવાના પ્રોફેસર કેઇન્સના વિચારોને ડૉ. આંબેડકરે પડકાર્યા હતા.'

"સોના આધારે ચલણનું મૂલ્ય નક્કી કરવામાં સોનાનો ભાવ કેટલો છે તે આધાર લેવાતો હતો. આ ધોરણ સ્વીકારનારા દેશમાં સોનાનો ભાવ ગણીને તેના આધારે ફિક્સ રેટથી ચલણનું મૂલ્ય નક્કી કરતા હતા. ભારત એક વસાહત હતી એટલે ત્યાં પણ ગોલ્ડ ઍક્સચેન્જ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચલણનું મૂલ્ય નક્કી થવું જોઈએ એમ બ્રિટિશ સરકાર અને કેઇન્સ માનતા હતા."

"ડૉ. આંબેડકરે આનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સોના સામે મૂલ્ય ગણવાથી ચલણનું મૂલ્ય સ્થિર રહી શકશે નહીં. આનાથી રૂપિયાને સ્થિરતા મળશે એવા કેઇન્સ અને તેમના સમર્થકોના વિચારને તેમણે સ્વીકાર્યો નહોતો. ડૉ. આંબેડકરે 1800થી 1893 સુધીના સમયગાળામાં ચલણનું મૂલ્ય કેવું રહ્યું તેની સરખામણી કરીને પોતાના સિદ્ધાંતને સાબિત કર્યો હતો. તેમણે દર્શાવી આપ્યું કે ગોલ્ડ ઍક્સચેન્જ સ્ટાન્ડર્ડ યોગ્ય નથી અને ઉલટાનું આના કારણે ફુગાવો વધી શકે છે."

"ડૉ. આંબેડકરે માત્ર આટલાથી સંતોષ ના માન્યો. તેમણે પોતાના ઊંડા અભ્યાસના આધારે આક્ષેપ મૂક્યો કે બ્રિટિશ સરકાર ઇરાદાપૂર્વક રૂપિયાનું મૂલ્ય ઊંચું રાખે છે, જેથી બ્રિટિશમાંથી ભારતમાં નિકાસ કરનારાને મોટો નફો મળે. બાદમાં ડૉ. આંબેડકરે રૂપિયાનું અવમૂલ્યન કરવાની પણ માગણી કરી હતી."

યંગ કમિશન સામે ડૉ. આંબેડકરની રજૂઆત

અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. આંબેડકરનું પુસ્તક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. દરમિયાન હિલ્ટન યંગની આગેવાનીમાં બ્રિટિશ સરકારે રૉયલ કમિશન ભારત મોકલ્યું હતું. આ પંચના સભ્યો 1925માં ભારતમાં આવ્યા હતા, જેથી ચલણની સમસ્યાનો અભ્યાસ કરીને સરકારને ભલામણો કરી શકે.

આ પંચના દરેક સભ્યોએ ડૉ. આંબેડકરની થિસિસ વાંચી હતી એટલે તેમને પંચ સમક્ષ આવીને રજૂઆત કરવા જણાવાયું હતું. ડૉ. આંબેડકરે કેટલા વ્યવહારુ ઉકેલો સૂચવ્યા હતા અને પોતાના પુસ્તકના આધારે સમસ્યાનું વિશ્લેષણ કર્યું હતું.

અન્ય કેટલાક મુદ્દે પણ તેમના અભિપ્રાયો પંચે લીધા હતા. બાદમાં આ ચર્ચાની વિગતો પ્રસિદ્ધ પણ કરવામાં આવી હતી.

ચલણનો મુદ્દો ઘણો સંકુલ બન્યો હતો તેની રજૂઆત કરવા સાથે ડૉ. આંબેડકરે આગ્રહ વ્યક્ત કર્યો હતો કે ચલણને નિયંત્રણમાં રાખવા માટે એક કેન્દ્રીય સત્તાતંત્ર જોઈએ.

તેમના આ આગ્રહને કારણે જ આગળ જતાં ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનાનો માર્ગ ખૂલ્યો હતો.

રાહુલ બજોરિયા લખે છે: "આ પુસ્તકમાં મુખ્યત્વે રૂપિયાના આંતરિક મૂલ્ય અને તેની સ્થિરતા વિશે લખવામાં આવ્યું છે. તેના માટે રૂપિયાના પુરવઠા પર નિયંત્રણ અને સરકાર ચલણી નોટો છાપીને મૂકે તેના પર નિયંત્રણની જરૂર ગણાવાઈ છે. ભારતના આંતરિક વેપારને ધ્યાનમાં રાખ્યા વિના જ આડેધડ ચલણ બજારમાં મૂકવામાં આવે છે તેમ આંબેડકર માનતા હતા.''

''આવા જ વિચારો અન્ય કેટલાક સભ્યોએ પણ વ્યક્ત કર્યા હતા અને તેના કારણે કેન્દ્રીય બૅન્કની સ્થાપનાની વાત મહત્ત્વની બની રહી હતી. તેથી જુલાઈ 1926માં પંચે પોતાનો આખરી અહેવાલ આપ્યો ત્યારે ભલામણ કરી કે 'રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા'ની સ્થાપના કરવી જોઈએ અને આ બૅન્કને ચલણ રજૂ કરવા, હૂંડિયામણનો દર નક્કી કરવા અને સરકારના બૅન્કર બનવા માટેના અધિકારો આપવા જોઈએ."

અર્થશાસ્ત્રી અને રાજ્યસભાના સભ્ય ડૉ. નરેન્દ્ર જાધવે ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટકલ વિકલીમાં લખ્યું છે કે અર્થશાસ્ત્રી તરીકે ડૉ. આંબેડકરનું પ્રદાન અનન્ય રહ્યું છે.

તેઓ લખે છે: "આજે ભારતીય અર્થતંત્રનું સ્વરૂપ ઘણું બદલાયેલું છે, પરંતુ ડૉ. આંબેડકરે આપેલો સંદેશ આજેય પ્રસ્તૂત છે. તેમનો મૂળભૂત વિચાર એ હતો કે ચલણની બાબતમાં એક કેન્દ્રીય સંસ્થા હોવી જોઈએ."

વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું આજે જે સ્થાન છે અને તેની જવાબદારી આરબીઆઈ આજે સંભાળે છે, તેને આધારે કહી શકાય કે ડૉ. આંબેડકરના વિચારો આજે પણ સંસ્થા માટે માર્ગદર્શન બની રહ્યા છે.

આરબીઆઈની સ્થાપના

યંગ કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યા પછી બ્રિટિશ સરકારે 1927માં રિઝર્વ બૅન્ક બિલ રજૂ કર્યું હતું. બૅન્કને ચલણ રજૂ કરવાનો અધિકાર અપાયો હતો અને તેથી તેને રાજકીય અસરોથી મુક્ત રાખવા માટે એવી પણ જોગવાઈ કરાઈ હતી કે કોઈ રાજકીય વિચારધારા ધરાવતી વ્યક્તિને તેના સંચાલનમંડળમાં સામેલ કરવી નહીં.

આ ખરડા વિશે એકમતી થઈ નહોતી એટલે તરત તેને પસાર કરી શકાયો નહોતો. 1928માં સુધારા સાથે ખરડાને ફરી રજૂ કરાયો હતો, પણ વિવાદોને કારણે હજીય તેને કાયદો બનાવી શકાય તેમ નહોતો.

1930માં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ હતી, જેમાં રાજકીય સુધારા અને અધિકારો વિશે ચર્ચાઓ થઈ હતી. તેમાં આર્થિક અધિકારો પણ એટલા જ અગત્યના છે અને તેથી કેન્દ્રીય બૅન્કની સ્થાપના જરૂરી છે એવી રજૂઆતો થઈ હતી.

તે પછી ફરી 1933માં 'રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બિલ' રજૂ થયું અને તે પસાર થયું તે પછી 6 માર્ચ 1934માં તેના પર ગવર્નર જરનલે સહી કરી હતી. કાયદો તૈયાર થઈ ગયા પછી હવે તેના આધારે 1 એપ્રિલ 1935માં ભારતીય રિઝર્વ બૅન્કની સ્થાપના થઈ હતી.

આરબીઆઈની રચના થઈ તેના પહેલાંના સમયગાળામાં ભારતીય અર્થતંત્રે અનેક ઊથલપાથલ જોઈ હતી. ડૉ. બી. આર. આંબેડકરના આર્થિક વિચારો, તેમણે જુદા જુદા તબક્કે રજૂ કરેલા અભિપ્રાયો વગેરેને કારણે આરબીઆઈની સ્થાપનામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી. આજ સુધી આરબીઆઈ ભારતીય બૅન્કિંગ સિસ્ટિમનો આધારસ્તંભ બનીને રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો