ભારતીય રાજકુમારી, જેમણે જાહોજલાલી છોડીને પાકિસ્તાનને પસંદ કર્યું

    • લેેખક, અકીલ અબ્બાસ જાફરી અને હસન બિલાલ ઝૈદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતના ભોપાલ રજવાડાના ઉત્તરાધિકારીએ પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણાને 1948માં જણાવ્યું હતું કે તેઓ પોતાના સિંહાસન પર બિરાજવાને બદલે પાકિસ્તાન આવવા ઈચ્છે છે.

આ સાંભળીને ખુશ થયેલા ઝીણાએ કહ્યું હતું કે "શ્રીમતી પંડિતને ટક્કર આપવા માટે આખરે અમારી પાસે પણ કોઈક તો હશે જ."

શ્રીમતી પંડિત એટલે જવાહરલાલ નેહરુનાં બહેન, જે એ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.

પાકિસ્તાન આવવાની ઇચ્છા જેમણે ઝીણાને જણાવી હતી એ બીજું કોઈ નહીં, પણ શાહજાદી ગોહરખાન એટલે કે આબિદા સુલતાન હતાં.

તેમના એકમાત્ર પુત્ર શહરયાર મહમદખાને એ દિવસોની સ્મૃતિને સંભારતાં જણાવ્યું હતું કે તેમનાં માતા પાસપોર્ટ લેવા માટે પાકિસ્તાનના રાજદૂતાવાસ પહોંચ્યાં ત્યારે તેમને ખબર પડી હતી કે ઝીણા મૃત્યુ પામ્યા છે.

"એ કારણસર વિલંબ થયો અને આખરે તેઓ માત્ર બે સૂટકેસ સાથે કાયમ માટે પાકિસ્તાન ગયાં હતાં."

શહરયારખાન ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારી હોવાની સાથે પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડના અઘ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

સવાલ એ છે કે ભારતમાં બે રજવાડાંનાં વારસદાર અને રાજવી પરિવારમાં ઉછરેલાં આ રાજકુમારીએ પાકિસ્તાન માટે પોતાનો આ વારસો છોડીને કરાંચી જવાનો નિર્ણય શા માટે કર્યો હતો?

આ સવાલનો જવાબ મેળવવા માટે તેમની આત્મકથાનાં પાનાં પર નજર ફેરવવી પડશે.

શાહજાદી આબિદા સુલતાને તેમની આત્મકથા 'આબિદા સુલતાન : એક ઇન્કિલાબી શહઝાદી કી ખુદનવિશ્ત'માં પોતાના જીવનનું સવિસ્તાર વર્ણન કર્યું છે. એ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, તેમનો જન્મ 1913ની 28 ઑગસ્ટે ભોપાલના સુલતાન પૅલેસમાં થયો હતો.

એ સમયે ભોપાલ રિયાસત પર તેમનાં દાદી નવાબ સુલતાન જહાંબેગમનું શાસન હતું, જેમને ભોપાલની જનતા 'સરકાર અમ્મા' નામે યાદ કરે છે.

સુલતાન જહાં બેગમને ત્રણ દીકરા હતા. તેમાં સૌથી નાના પુત્ર હમીદુલ્લાખાન હતા અને આબિદા સુલતાન તેમનાં સૌથી મોટાં પુત્રી હતાં.

સુલતાન બેગમજહાં પછી ભોપાલની રિયાસતના ઉત્તરાધિકારી તેમના સૌથી નાના દીકરા હમીદુલ્લાહખાન એટલે આબિદા સુલતાનના પિતા બને તેવી કોઈ શક્યતા ન હતી. તેનું કારણ એ હતું કે સુલતાન જહાંબેગમને હમીદુલ્લાથી મોટા બે પુત્ર પણ હતા.

તેમાં થયું એવું કે હમીદુલ્લાખાનના બન્ને મોટાભાઈનું 1924માં પાંચ મહિનાના અલ્પ આયુષ્યમાં મૃત્યુ થયું હતું.

એ વાતની દૂરદૂર સુધી કોઈ સંભાવના નહોતી કે સુલતાન જહાંબેગમ બાદ ભોપાલના રજવાડના ઉત્તરાધિકારી તેમના સૌથી નાના પુત્ર હમીદુલ્લાહખાન (આબિદા સુલતાનના પિતા) બને.

આનું કારણ એ હતું કે બેગમના હમીદુલ્લાહથી મોટા બે પુત્રો હતા. જોકે, આવું થઈ શક્યું નહીં, હમીદુલ્લાહખાનના બન્ને મોટા ભાઈ વર્ષ 1924માં નાની ઉંમરે મૃત્યુ થઈ ગયાં.

તેથી સુલતાન જહાંબેગમે તેમના રજવાડાના વારસદાર હમીદુલ્લાખાનને બનાવ્યા હતા.

હમીદુલ્લાખાને અલીગઢમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ રમતગમતના શોખીન અને નિડર હતા.

રજવાડાના બ્રિટિશ નિવાસીઓ આ નિર્ણયની તરફેણમાં હતા, પણ વાઇસરૉય, સુલતાન જહાંબેગમના પૌત્ર હબીબુલ્લાખાનને તેમના ઉત્તરાધિકારી બનાવવા ઇચ્છતા હતા.

સુલતાન જહાંબેગમ તેમના ઉત્તરાધિકારીના નામાંકન માટે ઔપચારિક કેસ લડ્યાં હતાં અને તેમણે સફળતાપૂર્વક સાબિત કર્યું હતું કે તેમને તેમના ઉત્તરાધિકારીનું નામાંકન કરવાનો અધિકાર છે.

સુલતાન જહાંબેગમે તેમના જીવનકાળમાં એટલે કે 1926માં જ ભોપાલ રિયાસતનો કારભાર હમીદુલ્લાખાનને સોંપી દીધો હતો અને 1930માં આ નાની બીમારી પછી તેમનું મૃત્યુ થયું હતું.

શાહજાદી આબિદા સુલતાનના જણાવ્યા મુજબ, તેમને નવાબ સુલતાન જહાંબેગમે પોતાની સીધી દેખરેખ હેઠળ તાલીમ આપી હતી.

તેમણે આબિદા સુલતાન માટે નૂર-અલ-સબાહ નામના એક મહેલનું નિર્માણ કરાવ્યું હતું. રજવાડાની વહીવટી બાબતો ઉપરાંત તેમણે આબિદા સુલતાનને ઘોડેસવારી, નિશાનબાજી અને વિવિધ રમતોની તાલીમ પણ અપાવી હતી.

તેમણે આબિદા સુલતાન માટે ધાર્મિક શિક્ષણને પણ ધ્યાનમાં રાખ્યું હતું અને શેખ મહંમદ નામના એક આરબ મૌલવી પાસે તેમને કુરાનનું શિક્ષણ આપ્યું હતું.

શહરયારખાને કહ્યું હતું કે "સરકાર અમ્મા મારાં માતાને એક આદર્શ મુસ્લિમ મહિલા તરીકે પ્રશિક્ષિત કરવા ઇચ્છતાં હતાં. કુરાનના તિલાવત માટે તેઓ રોજ સવારે ચાર વાગ્યે મારાં માતાને જગાડતાં હતાં."

"ઉચ્ચાર અને યાદ રાખવામાં કોઈ ભૂલ થાય તો તેમને શિક્ષા કરવામાં આવતી હતી, પણ તેના પરિણામે એવું થયું કે મારાં માતાએ માત્ર છ વર્ષની વયે આખું કુરાન મોઢે કરી લીધું હતું."

શહરયારખાનના જણાવ્યા મુજબ, સરકાર અમ્મા શાહજાદી આબિદાને બહુ પ્રેમ કરતાં હતાં, પણ એ પ્રેમની ખુલ્લેઆમ અભિવ્યક્તિ બહુ ઓછી કરતાં હતાં.

"જે દિવસે તેમણે કુરાન કંઠસ્થ કર્યું એ દિવસે તેમને એક દિવસની રજા આપવામાં આવી હતી અને સરકાર અમ્મા તેમને ચુમ્યાં હતાં."

"મારાં માતા કહેતાં હતાં કે તેમને કોઈ ચુમ્યાં હોય એવો એ પહેલો પ્રસંગ હતો, કારણ કે તેમના પરિવારમાં સ્નેહની અભિવ્યક્તિ ક્યારેક જ કરવામાં આવતી હતી."

એ સમયે રાજવી પરિવારની મહિલાઓ નાની વયમાં જ ઘોડેસવારીમાં કુશળતા પ્રાપ્ત કરે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

શહરયારખાનના જણાવ્યા મુજબ, શાહજાદી આબિદા બાળકી હતાં ત્યારે તેમને અને તેમનાં બહેનોને તેમનાં માતા બાસ્કૅટમાં સુવડાવીને તથા એ બાસ્કેટ ઘોડા પર બાંધીને તેમને બગીચામાં ચક્કર લગાવવા લઈ જતાં હતાં.

તેઓ બેસતાં થયાં પછી તેમને બકેટ ચૅરમાં બેસાડીને ઘોડા સાથે બાંધીને ફેરવવામાં આવતા હતાં.

શહરયારખાને કહ્યું હતું કે "મારાં માતાને બાળપણથી જ શિખવાડવામાં આવ્યું હતું કે દરેક પઠાણ એક સારો નિશાનબાજ હોવો જોઈએ."

"તેમની પાસે કોઈ બંદૂક ન હોય એવું ભાગ્યે જ બન્યું હશે. બાળપણમાં તેમની પાસે રમકડાની એક રાઇફલ હતી, જેના વડે તેઓ માખીઓને મારતાં હતાં."

"તેઓ મોટાં થયાં ત્યારે ઍરગન વડે પક્ષીઓનો શિકાર કરતાં થયાં હતાં. મારાં માતા અને તેમની બહેનોને અસલી રાઇફલના ઉપયોગની પરવાનગી મળે તે પહેલાં તેમને નિશાનબાજીનો લશ્કરી અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેઓ શૂટિંગ રેન્જમાં જઈ રોજ અભ્યાસ કરતાં હતાં."

વિવાહ અને વિચ્છેદ

વિખ્યાત પત્રકાર અખ્તર સઇદીને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં શાહજાદી આબિદા સુલતાને જણાવ્યું હતું કે તેમનાં દાદીએ તેઓ જીવતા હતાં ત્યારે જ તેમનાં લગ્ન કોરવાઈના નવાબ સરવર અલીખાન સાથે કરાવી નાખ્યાં હતાં. એ સમયે તેમની ઉંમર 17 વર્ષની હતી.

શાહજાદી આબિદા સુલતાનની આત્મકથામાં જણાવ્યા અનુસાર, 1933ની પાંચમી માર્ચે તેઓ સાસરે ગયાં હતાં અને 1934ની 29 એપ્રિલે તેમના એકમાત્ર પુત્ર શહરયારખાનનો જન્મ થયો હતો.

જોકે, શાહઝાદી આબિદા સુલતાન અને નવાબ સરવરઅલી ખાનનાં લગ્ન લાંબુ ન ટક્યાં. તેઓ તેમના દીકરા સાથે ભોપાલ પાછાં આવી ગયાં પણ નવાબ સરવરઅલી ખાને વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડનને ફરિયાદ કરી કે તેમને પુત્રના કબજાના કાયદેસરના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

કાયદા મુજબ તેમને તેમના ઉત્તરાધિકારીનો કબજો મેળવવાનો અધિકાર હતો, પરંતુ કાયદામાં એવી જોગવાઈ પણ હતી કે બાળક સ્તનપાન કરતું હોય ત્યાં સુધી તેને તેની માતાથી અલગ કરી શકાય નહીં.

નવાબ સરવરઅલીએ તેમના વારસદારના પહેલા જન્મદિવસની કોરવાઈમાં ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી.

એ વખતે શાહઝાદી આબિદા સુલતાને એક સાહસભર્યો નિર્ણય કર્યો અને તેઓ ભોપાલથી 100 માઈલ દૂર આવેલા કોરવાઈના પ્રવાસે એકલાં નીકળી પડ્યાં.

રાતે એક વાગ્યે કોરવાઈના મહેલમાં પહોંચેલાં શાહજાદી આબિદા સુલતાને તેમની લોડેડ રિવોલ્વર તેમના પતિ તરફ ફેંકીને કહ્યું હતું કે "આ હથિયારમાં ગોળીઓ ભરેલી છે. તેનો ઉપયોગ કરો અને મને મારી નાખો, અન્યથા હું તમને મારી નાખીશ. તમે તમારા પુત્રનો કબજો આ એક રીતે જ મારી પાસેથી મેળવી શકશો."

નવાબ સાહેબ દિગ્મૂઢ થઈ ગયા હતા અને તેમણે શાહજાદી આબિદા સુલતાનને વિનતી કરી હતી કે "ખુદાને ખાતર અહીંથી ચાલ્યાં જાઓ. હું મારા પુત્રના કબજા માટે કોઈ પણ પ્રકારનો દાવો નહીં કરું."

શાહઝાદી આબિદા સુલતાને પોતાની રિવોલ્વર પોતાના ખિસ્સામાં મૂકી અને ભોપાલ પરત ફર્યાં હતાં.

નવાબ સરવરઅલીએ બીજા દિવસે આ ઘટનાની જાણ નવાબ હમીદુલ્લાખાનને કરી.

નવાબ હમીદુલ્લાખાને દીકરીના સાહસને ટેકો આપ્યો અને આ રીતે શહરયારખાન કાયમ માટે શાહજાદી આબિદા સુલતાન સાથે જ રહ્યા.

નવાબ સરવરઅલીએ શાહજાદી આબિદા સુલતાનને તલાક તો આપ્યા નહીં, પણ તેમની પરવાનગી લઈને બીજાં લગ્ન કર્યાં હતાં. એ પછી શાહઝાદી આબિદા સુલતાન અને નવાબ સરવરઅલી ખાન ફરી મળવા લાગ્યાં તેમજ તેમની વચ્ચે પત્રવ્યવહારનો સિલસિલો પણ ચાલતો રહ્યો.

બન્ને પરિવારોમાં ફરી મનમેળ થઈ ગયો હતો. એટલી સારી રીતે મનમેળ થઈ ગયો હતો કે નવાબ સરવરઅલીને તેમનાં બીજા પત્નીથી થયેલી પુત્રીનાં લગ્ન શહરયારખાનના પુત્ર સાથે નક્કી કરવામાં આવ્યાં હતાં.

એક અસાધારણ મહિલા

શાહજાદી આબિદા સુલતાન રજવાડાનાં વારસદાર હતાં.

શહરયારખાને જણાવ્યું હતું કે તેમનાં માતા અનેક પ્રકારની રમતો રસપૂર્વક રમતાં હતાં, દાખલા તરીકે ગોલ્ફ, સ્ક્વૉશ અને હૉકી.

તેમના જણાવ્યા મુજબ, શાહજાદી આબિદા સુલતાનનું વ્યક્તિત્વ ગતિશીલ હતું અને તેમણે તેમની જૅન્ડર એટલે કે જાતિને ક્યારેય આડખીલી બનવા દીધી નહોતી.

શહરયારખાને કહ્યું હતું કે "કોઈ મહિલાને બદલે પુરુષોને શોભે એવાં વસ્ત્રો તેઓ પહેરતાં હતાં. મારા બાળપણની એક સ્મૃતિ છે. હું ત્રણ વર્ષનો હતો અને મારાં માતા મને સ્નાન કરાવતાં હતાં. એ વખતે તેમણે પણ નાના વાળ કપાવેલા હતા. તેમણે કોટ અને પેન્ટ પહેર્યાં હતાં. "

"એ ઘોડેસવારીનો ડ્રેસ હતો એવી ખબર મને બાદમાં પડી હતી. તેઓ પુરુષ જેવાં દેખાતાં હતાં. લોકો તેમના વિશે શું કહેશે તેની તેમને જરાય દરકાર ન હતી. તેઓ ક્યારેય કોઈ ચીજથી ડર્યાં હોય એવું મને યાદ નથી."

પોતાના બાળપણની એક ઘટનાને યાદ કરતાં શહરયારખાને કહ્યું હતું કે "એક દિવસ સવારે હું મહેલમાં રમતો હતો ત્યારે મારી નજર એક કાળા નાગ પર પડી હતી. એ નાગ ઓરડાના ખૂણામાં બેઠો હતો. હું ડરીને મારાં માતા પાસે ભાગ્યો હતો, પણ તેમણે પોતાની બંદુકમાંથી ગોળીબાર કરીને નાગને મારી નાખ્યો હતો."

વિમાન ઉડાડવાનો શોખ

શહરયારખાનના જણાવ્યા અનુસાર, તેમને પાક્કી ખાતરી હતી કે તેમનાં માતા બહુ શક્તિશાળી છે અને તેઓ કંઈપણ કરી શકે એમ છે.

આ વાતનું પ્રમાણ શાહજાદી આબિદા સુલતાનની આત્મકથામાંથી પણ મળે છે. તેમણે લખ્યું છે કે તેમને વિમાન ઉડાડવાનો શોખ હતો, પણ તેમના પિતા આ શોખ પૂરો કરવાના માર્ગમાં અડચણ બની ગયા હતા અને તેમણે તેમની દીકરીના જીવને જોખમમાં મૂકવાનો ઈનકાર કર્યો હતો.

એ પછી શાહજાદી આબિદા સુલતાન તેમનો આ શોખ સંતોષવા માટે એક સાહસિક પગલું ભરવા મજબૂર થયાં હતાં.

તેઓ શિકારના બહાને કોલકાતા પહોંચ્યાં હતાં અને ત્યાંની એક ફ્લાઇંગ ક્લબમાં તેમણે પ્રવેશ મેળવ્યો હતો.

શાહજાદી આબિદા સુલતાને લખ્યું છે કે તેમને શોધવા માટે તેમના પિતાએ સમગ્ર ભારતમાં માણસો મોકલ્યા હતા અને સાહબજાદા સઈદ ઝફર તેમને કોલકાતામાંથી શોધી કાઢવામાં સફળ થયા હતા.

તેમણે નવાબ હમીદુલ્લાને જાણ કરી હતી અને આગ્રહ કર્યો હતો કે શાહજાદીને વિમાનઉડ્ડયનની તાલીમ લેવાની પરવાનગી આપવી જોઈએ, કારણ કે તેમણે કોઈ નિંદાજનક કામ કર્યું નથી.

નવાબ હમીદુલ્લાએ તેમની દીકરીને વિમાન ઉડ્ડયનની તાલીમ લેવાની પરવાનગી આપી હતી અને એ પછીનાં વર્ષે શાહજાદી આબિદા સુલતાન બૉમ્બે ફ્લાઇંગ ક્લબ તરફથી લાઈસન્સ મેળવનારાં ભારતનાં ત્રીજા મુસ્લિમ મહિલા બન્યાં હતાં.

ખેલાડી અને શિકારી

યુકેમાં વસવાટ દરમિયાન શાહજાદી આબિદા સુલતાન સાઉથ કૅન્સિંગ્ટન ખાતેના ગ્રેમ્પિયન સ્ક્વૉશ કોર્ટમાં મહાન ખેલાડી હાશિમખાનના સંબંધી વલીખાન તથા બહાદૂરખાન સાથે રમતાં હતાં.

શહરયારખાનના જણાવ્યા મુજબ, તેમનાં માતા 1949માં અખિલ ભારતીય મહિલા સ્ક્વૉશ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યાં હતાં.

તેઓ હોકીના મેદાનમાં પણ ચેમ્પિયનો સાથે રમ્યાં હતાં. શહરયારખાનના જણાવ્યા મુજબ, તેમનાં માતા સાથે રમેલા ખેલાડીઓમાં અનવરઅલીખાન, કિફાયતઅલીખાન અને અહસન મોહમ્મદખાનનો સમાવેશ થાયછે. અહસને 1936ની ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના દેશ માટે સુવર્ણચંદ્રક જીત્યો હતો.

ધોડેસવારી માટેનું શાહજાદી આબિદા સુલતાનનું ઝનૂન તેમને પૉલોના મેદાન સુધી લઈ ગયું હતું. તેઓ રાજા હનૂતસિંહ સાથે પૉલો રમ્યાં હતાં. રાજા હનૂતસિંહને ભારતના ઇતિહાસમાં પૉલોના સૌથી કુશળ ખેલાડી પણ માનવામાં આવે છે.

એ ઉપરાંત શાહજાદી આબિદા સુલતાનને તેમના પિતા સિંહ તથા વાઘના શિકાર માટે પણ સાથે લઈ જતા હતા.

શાહજાદી આબિદા સુલતાનના મોટા કાકા નવાબ નસરુલ્લાહખાન પણ એક કુશળ શિકારી અને આશ્ચર્યજનક કહેવાય એટલી હદે પ્રવીણ નિશાનબાજ હતા.

શાહજાદી આબિદા સુલતાને એક સિંહનો શિકાર પણ કર્યો હતો. શહરયારખાને તેમના સંસ્મરણમાં લખ્યું હતું કે તેમનાં માતાએ તેમના જીવનકાળમાં 73 સિંહોનો શિકાર કર્યો હતો.

ભોપાલથી કરાચી, વાયા બ્રિટન

નવાબ હમીદુલ્લાખાન શાહજાદી આબિદા સુલતાનને પોતાના વારસદાર બનાવવા માટે પણ તાલીમ આપી રહ્યા હતા.

તેમની નિમણૂક તેમના પિતાના મંત્રીમંડળમાં મુખ્ય સચિવ તરીકે કરવામાં આવી હતી અને નવાબસાહેબ ભોપાલ બહાર હોય ત્યારે ભોપાલ સરકારનો વહીવટર શાહજાદી આબિદા સુલતાન ચલાવતાં હતાં.

એ પછી સમય બદલાયો હતો અને 1945માં નવાબ હમીદુલ્લાખાને બીજાં લગ્ન કર્યાં હતાં.

નવાબ હમીદુલ્લાએ તેમનાં પ્રથમ પત્ની મૈમુના સુલતાનને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યાં હતાં. મૈમુના સુલતાન નવાબના પરિવારમાં વિધવાના નામે ઓળખાતાં હતાં. નવાબ હમીદુલ્લાખાન અને શાહજાદી આબિદા સુલતાન વચ્ચેનું અંતર ત્યારથી વધવા લાગ્યું હતું.

શાહજાદી આબિદા સુલતાને તેમનાં માતાંને નવાબ હમીદુલ્લાખાન દ્વારા નજરઅંદાજ કરવામાં આવતાં હતાં તેનો ભારે વિરોધ કર્યો હતો અને પોતાના પુત્ર સાથે યુકે ચાલ્યાં ગયાં હતાં.

આ એ સમય હતો જ્યારે ભારત આઝાદ થઈ રહ્યું હતું અને પાકિસ્તાન એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવી રહ્યું હતું.

એ સમયે વિલાયતમાં રહેતાં શાહજાદી આબિદા સુલતાને પાકિસ્તાન જવાનો ફેંસલો કર્યો હતો અને તેઓ મહમદઅલી ઝીમાના સંપર્કમાં આવ્યાં હતાં.

બીજી તરફ નવાબ હમીદુલ્લા ખાનને શાહજાદી આબિદા સુલતાનના આ નિર્ણયની જાણ થઈ ત્યારે તેઓ દીકરીને મનાવવા માટે યુકે પહોંચ્યા હતા.

તેમણે તેમની દીકરીને કહ્યું હતું કે "હું પાકિસ્તાન ચાલ્યો જઈશ. ત્યાં મારી વધારે જરૂર છે. તમે ભોપાલનો કારભાર સંભાળી લો."

ઝીણાના મૃત્યુ પછી અખબારોમાં એવા સમાચાર સતત પ્રકાશિત થતા રહ્યા હતા કે ભોપાલના નવાબને ગવર્નર જનરલ બનાવવામાં આવશે.

જોકે, પાકિસ્તાનના સનદી અમલદારોએ એવું થવા દીધું નહીં અને ખ્વાજા નાઝિમુદ્દીનની નિમણૂક પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે કરવામાં આવી હતી.

શાહજાદીએ તેમનો વારસો શા માટે છોડ્યો?

ભારતમાં રજવાડાંનો અંત આવ્યો હતો અને ભોપાલના નવાબનું પદ પ્રતિકાત્મક બની ગયું હતું પણ તેમના માસિક ધોરણે યોગ્ય સાલિયાણું મળી રહ્યું હતું.

શાહજાદી આબિદા સુલતાને આ બધી ઘટના પહેલાં જ, વિભાજન દરમિયાન થનારી હિંસામાંથી પોતાના દીકરા શહરયારને બચાવવા માટે તેનું બ્રિટનના નૉર્થ હેમ્પ્ટનશાયરની પ્રસિદ્ધ ઑંડલ બૉર્ડિંગ સ્કૂલમાં ઍડમિશન કરાવી દીધું હતું.

આ તબક્કે સવાલ થાય કે શાહજાદી આબિદા સુલતાન તેમનો દબદબો છોડીને પાકિસ્તાન શા માટે ચાલ્યાં ગયાં? શહરયારખાનના જણાવ્યા મુજબ, ભોપાલમાં મુસલમાનો પ્રત્યે વધતી નફરતથી તેમને બહુ દુઃખ થયું હતું.

શાહજાદી આબિદા સુલતાન એક ભયાનક ઘટનાની સ્મૃતિ સંભારતાં કહેતાં હતાં કે કોઈ બીજા સ્થળેથી આવી રહેલા મુસ્લિમ શરણાર્થીઓનું સ્વાગત કરવા તેઓ ભોપાલ રેલવે સ્ટેશને ગયાં હતાં.

ટ્રેનના કોચના દરવાજા ખોલીને જોયું તો અંદર કોઈ જીવતું નહોતું. શાહજાદી આબિદા સુલતાન વારંવાર કહેતા હતાં કે એ દૃશ્ય જેમના જીવનનો સૌથી દુઃખદ પ્રસંગ બની ગયું હતું.

શાહજાદી આબિદા સુલતાનના પાકિસ્તાન જવાના નિર્ણયમાં એ ઘટનાએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.

શાહઝાદી આબિદા સુલતાનને તેમના એકમાત્ર પુત્રની ચિંતા પણ હતી. તેની વાત કરતાં શહરયારખાને કહ્યું હતું કે "તેમણે એવું અનુભવ્યું હતું કે ભારતમાં મારું (શહરયારનું) ભવિષ્ય બરબાદ થઈ જશે અને મને પ્રગતિની તક ક્યારેય નહીં મળે. શાહજાદી આબિદા સુલતાન ભોપાલ સહિતના ઘણાં રજવાડાઓના નવાબોની ઓળખ બની ગયેલી વૈભવશાળી જીવનશૈલીનાં પણ વિરોધી હતાં. તેઓ મને એ બધાંથી દૂર રાખવા ઇચ્છતાં હતાં."

શાહજાદી આબિદા સુલતાન ઑક્ટોબર, 1950માં જાતે પાકિસ્તાન ગયાં હતાં.

પાકિસ્તાનના મલિરમાં રહેવા લાગ્યાં હતાં અને બહાવલપુર હાઉસ સામે તેમણે પોતાના આવાસનું નિર્માણ કરાવ્યું હતું.

મલિરનો પ્રદેશ તેમને બહુ પસંદ હતો. તેઓ 50થી પણ વધુ વર્ષ સુધી એ ઘરમાં જ રહ્યાં હતાં. તેમનું મૃત્યુ એ આવાસમાં થયું હતું અને તેમના ત્યાંજ દફનાવવામાં આવ્યાં હતાં.

શાહજાદી આબિદા સુલતાને બનાવેલા આવાસની વાત કરતાં શહરયારખાને કહ્યું હતું કે "મારાં માતાએ તેમની બચતમાંથી જ એ ઘરનું નિર્માણ કરાવ્યું હતું. પાકિસ્તાન સરકાર તરફથી તેમને કશું આપવામાં આવ્યું નહોતું. એ ઘરમાં આઠ વર્ષ સુધી વીજળીનું કનેક્શન ન હતું."

રાજદ્વારી કારકિર્દી અને પાકિસ્તાનના રાજકારણનો અનુભવ

શાહજાદી આબિદા સુલતાન એક નવાબી પરિવારનાં સભ્ય હતાં. પાકિસ્તાનમાં લિયાકતઅલી ખાન, મહમદઅલી બોગરા, ઈસ્કંદર મિર્ઝા, હુસૈન શહીદ સુહરાવર્દી, અયૂબખાન, યાહ્યાખાન અને અન્યો સાથે પણ તેમને સંબંધ હતો.

મહમદઅલી બોગરાના કાર્યકાળમાં સંયુક્ત રાષ્ટ્રમાં મોકલવામાં આવેલા એક પ્રતિનિધિમંડળમાં તેમને સામેલ કરવામાં આવ્યાં હતાં અને ઈસ્કંદર મિર્ઝાના કાર્યકાળમાં તેમની નિમણૂક બ્રાઝિલના રાજદૂત તરીકે કરવામાં આવી હતી.

પરદેશમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે ફરજ બજાવનારાં બીજાં પાકિસ્તાની મહિલા તેઓ બન્યાં હતાં. એ પહેલાં બેગમ રાઈના લિયાકત અલી ખાને પાકિસ્તાનના રાજદૂત તરીકે ફરજ બજાવી હતી.

લગભગ એ જ સમયગાળામાં શહરયાર કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરીને પાકિસ્તાન પરત આવ્યા હતા. પાકિસ્તાનમાં સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કર્યા બાદ તેમની નિમણૂક વિદેશ વિભાગમાં કરવામાં આવી હતી.

શહરયારખાને જણાવ્યું હતું કે વિદેશવિભાગમાં તેમને પ્રમોશન મળ્યું એ વાતે તેમનાં માતા શાહજાદી આબિદા સુલતાનને બહુ ગૌરવ અનુભવતા હતાં.

1960ની ચોથી ફેબ્રુઆરીએ નવાબ હમીદુલ્લાખાનનું ભોપાલમાં અવસાન થયું હતું. શાહજાદી આબિદા સુલતાન એ વખતે ભોપાલમાં જ હાજર હતાં. તેમની સમક્ષ એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે તેઓ પાકિસ્તાનનું નાગરિકત્વ છોડીને ભારત પાછાં આવી જાય તો તેમને ભોપાલના નવાબ બનાવી શકાય.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અયૂબખાને પણ શાહજાદી આબિદા સુલતાનને ભોપાલમાં જ રહી જવાની સલાહ આપી હતી, પરંતુ શાહજાદી આબિદા સુલતાને એ બધું તેમનાં નાની બહેન સાજિદા સુલતાન માટે છોડી દીધું હતું.

સાજિદા સુલતાનનાં લગ્ન વિખ્યાત ક્રિકેટર અને પટૌડીના નવાબ ઈફ્તિખારઅલી ખાન સાથે થયાં હતાં. તેઓ નવાબ મન્સૂરઅલી ખાન ઉર્ફે ટાઈગર પટૌડીનાં માતા અને અભિનેતા સૈફઅલી ખાનનાં દાદી થાય.

રાજકારણથી દૂર રહેતાં શાહજાદી આબિદા સુલતાન, 1964માં પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ત્યારે કાઉન્સિલ મુસ્લિમ લીગના સભ્ય બન્યા હતાં. તેમના પ્રયાસોને કારણે ફાતિમા ઝીણા વિરોધ પક્ષના સર્વસંમત ઉમેદવાર તરીકે અયૂબખાન સામે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા તૈયાર થયાં હતાં.

શાહજાદી આબિદા સુલતાને એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે ફાતિમા ઝીણાનો રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મામૂલી સરસાઈથી વિજય થયો હતો, પણ તેમની જીતને હારમાં પલટાવી નાખવામાં આવી હતી.

એ પછી અનેક દરખાસ્ત છતાં શાહજાદી આબિદા સુલતાને રાજકારણમાં ક્યારેય ભાગ લીધો નહોતો. તેઓ પાકિસ્તાનના રાજકારણના માપદંડ અનુસારનાં ન હોય એ શક્ય છે એમ પાકિસ્તાનનું રાજકારણ શાહજાદી આબિદા સુલતાનના માપદંડ અનુસારનું ન હોય એ પણ શક્ય છે.

અંજુમ નઈમ રાણા અને અરદેશિર કાવસજીએ લખ્યું છે કે શાહઝાદી આબિદા સુલતાન પોતા ની કાર હંમેશાં જાતે ચલાવતાં હતાં. એક વખત પોતાની આંખના ઈલાજ માટે તેમણે ગુલશન-એ-ઇકબાલ જવું પડ્યું હતું. એ વખતે પણ તેઓ કાર જાતે ચલાવીને ત્યાં ગયા હતાં અને પરત આવ્યાં હતાં.

70 વર્ષના થયાં ત્યાં સુધી તેમણે સ્વીમિંગ, ટેનિસ અને નિશાનબાજીની પ્રૅકટિસ ચાલુ રાખી હતી.

શાહજાદી આબિદા સુલતાનના જીવનના અંતિમ દિવસોમાં તેમના મહોલ્લાના યુવાનો તેમના ઘરે આવતા હતા અને તેઓ તેમની સાથે ટેબલ ટેનિસ અને ચેસ રમતા હતાં.

તેમણે તેમની ડાયરીઓની મદદથી 1980ના દાયકામાં પોતાનાં સંસ્મરણ લખવાનું શરૂ કર્યું હતું.

એ કામ 2002માં તેમના મૃત્યુના દોઢ મહિના પહેલાં જ પૂર્ણ થયું હતું.

તેમનાં એ સંસ્મરણ 2004માં 'મેમરીઝ ઑફ અ રિબેલ પ્રિન્સેસ' શીર્ષક હેઠળ અંગ્રેજીમાં અને 2007માં 'આબિદા સુલ્તાન : એક ઇન્કિલાબી શહઝાદી કી ખુદનવિશ્ત' નામે ઉર્દૂમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો