એન્ટિબૉડી કોકટેલ : ડોનાલ્ડ ટ્રમ્પની સારવારમાં વપરાયેલી અને ભારતમાં લૉન્ચ થયેલી કોરોનાની નવી દવા શું છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે એવા સમયે કોવિડ-19 સામે ફરી એક નવી દવા લૉન્ચ કરવામાં આવી છે. જોકે આ દવા મામલે દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ કે આ એક અલગ પ્રકારની દવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિજેનેરોન અને રોશે કંપની દ્વારા આ દવા તૈયાર કરવામાં આવી છે અને આ એ જ દવા છે જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતું ત્યારે સારવાર માટે ઉપયોગમાં લેવાઈ હતી.

આ દવાને ભારતમાં ‘ઇમર્જન્સી યુઝ ઑથૉરાઇઝેશન’ માટેની મંજૂરી મળી છે અને તેને લૉન્ચ પણ કરી દેવાઈ છે.

હરિયાણાના એક 84 વર્ષીય દર્દી આ દવા લેનારી પ્રથમ વ્યક્તિ બન્યાં છે. તેમને ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હૉસ્પિટલમાં આ દવા અપાઈ હતી. તાજા અહેવાલો અનુસાર તેમને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે.

શું છે આ એન્ટિબૉડી કોકટેલ દવા?

રોશે ઇન્ડિયાના સીઈઓ વી. સિમ્પસન ઇમેન્યુએલ અનુસાર આ દવાને એન્ટિબૉડી કોકટેલ કહેવામાં આવે છે. કોરોના વાઇરસ સામે આ એક નવી થેરપી ડ્રગ છે.

તેમાં કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબ એન્ટિબૉડીનું કોકટેલ હોય છે. એક પૅકેટમાં આ દવા ઇન્જેક્શનની વેઇલ સ્વરૂપે આવે છે.

તેને બજારમાં સિપ્લા દ્વારા વેચવામાં આવી રહી છે. જ્યારે તેને રોશે ઇન્ડિયા દ્વારા લાયસન્સ કરવામાં આવી છે.

સિપ્લા અનુસાર તેમાં 120-120 એમજીના બે વેઇલ હોય છે. જેમાંથી માત્ર એક ડોઝ પૂરતો હોય છે. જેથી બીજો ડોઝ બીજા દર્દીને આપી શકાય છે. જોકે તે 48 કલાકની અંદર આપી દેવો પડે છે અને તેને સ્ટોરેજ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે.

આમ એક પૅકેટમાંથી બે દર્દીની સારવાર થઈ શકે છે. જોકે દવા માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ મળશે.

આમ દવાના દરેક પૅકમાં બે વેઇલ છે જેમાં એક દરદીને કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબના 600-600 એમજીના ડોઝ આપવાના રહે છે. તેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટોર કરવી પડે છે. જો એક દરદી માટે બૉટલ ખોલવામાં આવી તો પછી 48 કલાકની અંદર તેને બીજા દર્દી માટે ઉપયોગમાં લઈ લેવી પડે છે.

એન્ટિબૉડી કોકટેલદવા કઈ રીતે કામ કરે છે?

કંપનીના સીઈઓ વી. સિમ્પસન ઇમેન્યુએલે એક ન્યૂઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “આ દવા બે એન્ટિબૉડીનું મિશ્રણ છે એટલે તે એન્ટિબૉડી કોકટેલ કહેવાય છે. રસી જે રીતે શરીરમાં એન્ટિબૉડી બનાવે છે અને પછી તે વાઇરસ સામે લડે છે, તેવી જ રીતે આ દવા પણ એન્ટિબૉડી છે.”

“લૅબમાં તૈયાર કરેલ બે એન્ટિબૉડી કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબ વાઇરસને કોષ સાથે બાઇન્ડ થતો અટકાવે છે અને તેના સ્પાઇક પ્રોટિનને નિષ્ક્રિય કરી દે છે. તેનું સ્પાઇક પ્રોટિન કોષમાં વાઇરસને ટકવા માટે મદદ કરતું હોવાથી એન્ટિબૉડી આ સ્પાઇક પ્રોટિન સામે લડે છે. જેથી વાઇરસની વૃદ્ધિ પામવાની ક્ષમતા ઘટી જાય છે.”

“આથી સંક્રમણ વધતું નથી અને દરદીના જીવને જોખમ નથી આવતું. ક્લિનિકલ ટ્રાયલમાં આ થેરપી 70 ટકા અસરકારક પુરવાર થઈ છે.”

વળી દવાના ઉપયોગ વિશે વધુ જણાવતાં તેમણે કહ્યું,“12 વર્ષથી વયની ઉપરના તમામ લોકો માટે દવા વાપરી શકાય છે. પણ શરત એ છે કે એ વ્યક્તિને સંક્રમણ માઇલ્ડ અથવા મૉડરેટ કક્ષાનું હોય અને તેની સાથે કેટલાક રિસ્ક ફૅક્ટર જોડાયેલા હોવા જોઈએ.”

“માત્ર સાધારણ સંક્રમણમાં દવા ન લેવી જોઈએ અને તેને ઑવર ધ કાઉન્ટર વેચવામાં નહીં આવે. જેમને ડાયાબિટિસ હોય, હૃદયરોગની સમસ્યા, કૅન્સર અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાની બીમારી હોય તેવી વ્યક્તિઓ તથા જે કોવિડ દર્દી હાઇરિસ્ક પર હોય તેના માટે આ દવા છે. વળી સારવાર કરનારા ડૉક્ટર નિર્ણય કરશે કે દર્દીને આ દવાની જરૂર છે કે નહીં.”

અહીં એ નોંધવું અગત્યનું છે કે દિલ્હીમાં ખાનગી હૉસ્પિટલમાં આ દવાનો ઉપયોગ શરૂ થઈ ચુક્યો છે. જોકે કંપનીનું કહેવું છે કે ખાનગી-સરકારી કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાં પણ આ દવા ઉપબલ્ધ કરાવવામાં આવશે.

એન્ટિબૉડી કોકટેલદવાની કિંમત કેટલી છે?

પરંતુ આ દરમિયાન સૌથી વધુ ચર્ચા આ દવાની કિંમતની પણ થઈ રહી છે. કારણ કે દવાની કિંમત 1.20 લાખ રૂપિયા છે. જે ઘણી મોંઘી છે.

જોકે, કંપનીનું કહેવું છે કે આ દવાને લીધે વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 70 ટકા ઘટી જાય છે અથવા મૃત્યુનું જોખમ ઘટી જાય છે. વળી જો હૉસ્પિટલમાં હોય તો રિકવરી પણ જલદી આવી જાય છે. આથી વ્યક્તિનો હૉસ્પિટલનો જે ખર્ચો થાય છે તેમાં ઘટાડો થશે આથી આટલી કિંમત તેને અનુસંધાને પરવડી જશે.

ઉપરાંત કંપનીનું એવું પણ કહેવું છે કે જો સરકાર GST અને કસ્ટમ ડ્યૂટી સહિતના કરમાં રાહત આપે તો કિંમત હજુ ઘટી શકે છે.

પરંતુ હજુ સુધી ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં આ દવાનો ઉપયોગ નથી થયો. આગામી સમયમાં ઉપયોગ થવાના અહેવાલ છે.

દરમિયાન મેદાન્તા હૉસ્પિટલના ચૅરમેન ડૉ. નરેશ ત્રેહાનનું કહેવું છે કે શરૂઆતનૈ તબક્કામાં જો દર્દીના શરીરમાં એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તે વાઇરસને કોષમાં દાખલ થતો અટકાવી દે છે. તે કોવિડ સામે કારગત છે અને કોવિડના વૅરિયન્ટ 1.617 સામે પણ અસરકારક છે. આ એક નવું હથિયાર છે.

જોકે મેદાંતા હૉસ્પિટલે કોને દવા મળી શકે છે અને કોણે ન લેવી જોઈએ તે મામલે એક વિગતવાર માહિતી જાહેર કરી છે. વળી તેમાં મોનોક્લોનલ એન્ટિબૉડી કઈ રીતે કામ કરે છે એ વિશે પણ માહિતી આપી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોશે કંપની દ્વારા ભારત સરકારને કેટલાક ડોઝ દાન પણ કરવામાં આવ્યા છે જે બાદમાં રાજ્ય સરકારોને વહેંચવામાં આવશે.

ગુજરાતને પણ આ દવા આ રીતે મળશે કે કેમ તે વિશે જાણવા બીબીસીએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ પોતાનો મત જણાવવા માટે ઉપલબ્ધ નહોતા રહી શક્યા.

દિલ્હીમાં ફૉર્ટિસ સહિતની ખાનગી હૉસ્પિટલમાં ઓપીડીમાં આ દવા આપવાની શરૂઆત થઈ ચૂકી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

‘દવા સારી અને કારગત’

દરમિયાન કોવિડ મૅનેજમૅન્ટના નિષ્ણાત એવા અમદાવાદના ડૉ. મુકેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતને જણાવ્યું કે આ દવા સારી છે.

તેમણે કહ્યું,”રોશે (રોશ) એક નામાંકિત કંપની છે. તેની ટ્રાયલ પણ તેની પ્રતિષ્ઠા અનુસારની જ હોય છે.

તે ઇનોવેશન મામલે પણ જાણીતી કંપની છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને આ દવા અપાઈ હતી અને તેમની રિકવરી પણ ઝડપી થઈ હતી.”

“વળી જો આનાથી હૉસ્પિટલાઇઝેશ ઘટે તો વ્યક્તિનો ખર્ચો બચી જાય અને હૉસ્પિટલમાં પૂરતા બેડ ઉપલબ્ધ રહી શકે છે. યુરોપમાં પણ આ દવા ઉપયોગમાં લેવાઈ રહી છે.”

“અમદાવાદમાં પણ તેની શરૂઆત થવાની તૈયારીમાં છે. પ્લાઝમાની જેમ જ આના એન્ટિબોડી કામ કરે છે. તેને ઇન્ટ્રાવેનસ (ડ્રીપ દ્વારા) અથવા સ્કીન નીચે ઇન્જેક્શન દ્વારા લઈ શકાય છે. પણ તેને માટે એક સક્ષમ સ્પેશ્યાલિસ્ટ તબીબ મૉનિટરિંગ કરે તે યોગ્ય રહેશે. કેમ કે દવા મોંઘી હોવાથી તેનો બગાડ ન થાય અને તે યોગ્ય રીતે આપવામાં આવે તે પણ જરૂરી છે.”

તેમણે ઉમેર્યું,“એ વાત સાચી છે કે દવા મોંઘી છે. પરંતુ દરેકને બધું પરવડે એવું શક્ય જ નથી. અને તેની સામે દવા હૉસ્પિટલનો ખર્ચો બચાવી શકે છે એ પણ તેનું એક ફૅક્ટર છે. બની શકે ભવિષ્યમાં સરકાર પણ આ મામલે કંઈક સક્રિય થાય તો સરકારી હૉસ્પિટલોમાં પણ એ મળી શકે.”

“કેમ કે રેમડેસિવીર અને ટોસિલુઝુમેબ સહિતની ડ્રગ (ઇ્ન્જેક્શન) પણ મોંઘાં જ હતાં. છતાં જરૂર પડ્યે લેવા પડ્યા છે. ઉપરથી કેટલાક કિસ્સાઓમાં તો તેની આડઅસર પણ ગંભીર થતી હોય છે. આથી એન્ડિબોડી કોકટેલ પણ એક રીતે સારી જ દવા લાગે છે.”

“તે બે એન્ટિબૉડીનું મિશ્રણ છે એટલે વાઇરસનું ન્યૂટ્રલાઇઝેશ કરવામાં વધુ અસર કરી શકે છે.”

તદુપરાંત મેદાન્તા હૉસ્પિટલનાં મેડિસિન વિભાગના ડૉ. સુશીલા કટારિયા અનુસાર ઓપીડીમાં 65 વર્ષથી વધુની વય ધરાવતી વ્યક્તિ અથવા હાઇરિસ્ક પર રહેલી વ્યક્તિને દવા આપવામાં આવી રહી છે.

ડૉ સુશીલા અનુસાર, “દવા આપતા 30 મિનિટનો સમય લાગે છે અને તરત અસર કરે છે. એન્ટિબૉડી તૈયાર જ હોવાથી તે તત્કાલીક અસર કરતી હોવાથી અસરકારક લાગે છે.”

‘દવા અત્યંત મોંઘી છે અને 70 ટકા અસર કરે છે’

વળી બીજી તરફ મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતનું કહેવું છે કે ક્લિનિકલ ટ્રાયલમાં દવા પ્લેસિબોની સરખામણીએ 70 ટકા અસરકારક છે. એટલે તેને ઑવરઑલ પરફૉર્મન્સ તરીકે ગણવું વાજબી નથી લાગતું.

બીજું કે આ દવા અત્યંત મોંઘી છે એટલે ભારતમાં તે પરવડે તે કહેવું મુશ્કેલ છે.

તેમણે કહ્યું, “ક્લિનિકલ ડેટા આવ્યો છે પણ હજુ ત્રીજા તબક્કાનો ડેટા બાકી છે. એ વાત સાચી કે વિદેશમાં તેનો ઉપયોગ થયો છે. પણ વધુ પરિણામો ભવિષ્યમાં જ જાણવા મળશે.”

તેમને પુછાયું કે શું બાળકો માટે આ દવા ઉપયોગમાં લઈ શકાય?

તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ માત્ર વયસ્ક લોકો પર થઈ છે. આથી બાળકોને આ દવા આપવી યોગ્ય નહીં રહે.

નોંધનીય કે ઝાયડસ કૅડિલાએ પણ એન્ટિબૉડી કોકટેલ માટે ડ્રગ કંટ્રોલર પાસે મંજૂરી માગી છે. માનવીય પરીક્ષણ માટે ડ્રગ કંટ્રોલરને અરજી કરી છે.

કંપનીએ સ્ટૉક એક્સચૅન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ટ્રીટમેન્ટ કૅન્ડિડેટ ZRC-3308એ પ્રાણીઓ પરનાં પરીક્ષણ અનુસાર ફેંફસાંમાં થતા નુકસાનમાં ઘટાડો દર્શાવ્યો હતો. તે સુરક્ષિત છે અને સક્ષમ પણ.

અમેરિકામાં વીર બાયોટૅકનૉલૉજી અને ગ્લેક્સોસ્મિથક્લાઇન તથા રેજેનેરોન ફાર્મા અને એલી લીલી દ્વારા તૈયાર કરાયેલી એન્ટિબૉડી કોકટેલ ડ્રગ ઇમર્જન્સી ઑથોરાઇઝ યુઝ માટે વાપરવામાં આવી છે.

વળી સિપ્લા કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર પ્રથમ બેચમાં 1 લાખ તૈયાર કરી બજારમાં ઉપલબ્ધ કરાવાવમાં આવી રહ્યા છે. જેનાથી બે લાખ દરદીની સારવાર થઈ શકશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો