જેરૂસલેમ : ઇઝરાયલવાસીઓ અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે વિવાદનું કારણ છે શેખ જરાર્હ મહોલ્લો

    • લેેખક, પૉલ આદમ્સ
    • પદ, કૂટનીતિક સંવાદદાતા, જેરૂસલેમ

સમીરા દજાની અને આદિલ બુદેરીનો બગીચો રેતીના મેદાનમાં બનેલા કોઈ ઉદ્યાન જેવો દેખાય છે. આ જગ્યા ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસા ભડકાવનારી વિવાદાસ્પદ જમીનનું કેન્દ્ર છે. આ સ્થળે એક શાંત બગીચો આવેલો છે, જેની ચારે બાજુ બોગેનવિલિયા (એક પ્રકારના ફૂલ)ની ડાળીઓ, લેવેન્ડર અને કેટલાય પ્રકારના ફળોના વૃક્ષો આવેલા છે.

પૂર્વ જેરૂસલેમના શેખ જર્રાહમાં વસતા આ પેલેસ્ટિનિયન દંપતીનું એક માળનું ઘર એવા 14 ઘરો પૈકી એક છે, જેમાં વસતા 28 પરિવારોએ ગમે ત્યારે ઘર છોડીને જવું પડે તેવી સ્થિતિ છે.

ઇઝરાયલી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા મામલા પછી અહીં યહૂદીઓની વસાહત બનવાની છે. તેના માટે આ વિસ્તારના 14 ઘરોમાં રહેતા લગભગ 300 લોકોની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે.

ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનના કટ્ટરવાદી જૂથ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું, તે પહેલાં જેરૂસલેમમાં હિંસા ભડકી હતી. આ કારણથી આ પ્રક્રિયાને અધવચ્ચે રોકી દેવાઈ હતી.

પરંતુ તેમના માથેથી જોખમ સંપૂર્ણપણે દૂર નથી થયું.

સમીરા જે સમયે પોતાના બગીચામાં માળીકામ કરતી હતી તે સમયે આદિલ મને 1950 અને 1960ના દાયકાની પોતાની બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીરો દેખાડી રહ્યા હતા. આ તસવીરો એ સમયે ખેંચવામાં આવી હતી જ્યારે સમીરા અને આદિલની મુલાકાત પણ થઈ ન હતી.

આદિલ કહે છે, "આ અત્યંત મુશ્કેલ છે. અમને લાગે છે કે આ ઘરમાં અમે જીવનનો મહત્ત્વનો સમય વીતાવ્યો છે. તે ખતમ થવાની અણી પર છે. અમને લાગે છે કે અમે બીજી વખત શરણાર્થી બની જઈશું."

ઇઝરાયલે જૉર્ડન પાસેથી આ હિસ્સો જિત્યો

1948માં ત્રણ વર્ષની લડાઈ પછી ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું ત્યારે બંનેના પરિવારોએ પશ્ચિમ જેરૂસલેમમાં બનેલા પોતાના ઘર છોડીને જવું પડ્યું હતું.

એક રીતે જોવામાં આવે તો સમીરા અને આદિલ જ્યાં રહે છે ત્યાંથી થોડા કિલોમીટર દૂર જ તેમનું જૂનું ઘર છે. પરંતુ ઇઝરાયલી કાયદા પ્રમાણે હવે તે ઘર ક્યારેય તેમનું નહીં થઈ શકે.

1950માં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ શેખ જર્રાહમાં વિસ્થાપિત પેલેસ્ટાઈનવાસીઓ માટે ઘર બનાવવાની જોર્ડનની એક યોજનાને મંજૂરી આપી હતી.

પરંતુ ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં તેમાંથી કેટલીક જમીન તે સમયે યહૂદીઓના બે ઍસોસિયેશનના હાથમાં હતી.

1967માં થયેલા છ દિવસના યુદ્ધ પછી ઇઝરાયલે જોર્ડન પાસેથી પૂર્વ જેરૂસલેમનો આ હિસ્સો જીતી લીધો. ત્યાર પછી આ બે ઍસોસિયેશને પોતાની જમીનના કબજા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.

આ વિવાદાસ્પદ જમીન શિમોન હાત્ઝાદિક (સિમોન, ધ રાઉટૂઅસ)ના મકબરાની નજીક છે. જૂડેયાની પ્રાચીન વાર્તાઓ પ્રમાણે શિમોન જેરૂસલેમના એક પૂજારી હતા, જે ઈશુના જન્મના 40 દિવસ પછી તેમને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે પ્રાચીન જૂડેયા એ જ જગ્યા છે જેને આજે જેરૂસલેમ તરીકે ઓળખવામાં આવે છે.

શેખ જર્રાહની આ જમીન માટે દાવો કરનારાઓનું કહેવું છે કે પેલેસ્ટાઇવાસીઓએ તેમની જમીન પર કબજો કર્યો છે.

શેખ જર્રાહની જમીન કોની છે અને તેના પર કોણ દાવો કરે છે તે અંગે અનેક વખત વિવાદ થયા છે અને તેણે ઘણી વખત હિંસાનું રૂપ ધારણ કર્યું છે.

અહીંથી બહારની સડકો જોવામાં આવે તો ત્યાં બહુ શાંતિ દેખાય છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા 11 દિવસના યુદ્ધ કે તેનાથી અગાઉ રમઝાન વખતે થયેલી હિંસાના અહીં કોઈ નિશાન જોવા નથી મળતા.

પરંતુ આ સમગ્ર વિસ્તારની દરેક શેરીમાં પોલીસે બેરિકેડિંગ કર્યું છે. યહૂદીઓ અહીં મુક્ત રીતે ફરી શકે છે, પરંતુ તમે પેલેસ્ટિનિયન હોવ અને અહીંના રહેવાસી ન હોવ તો તમે આ શેરીઓમાં પ્રવેશવાની પણ મનાઈ છે.

દસ વર્ષથી વિવાદ અને હિંસા

નજીકની દિવાલ પર 1948 અગાઉના પેલેસ્ટાઇનના વિસ્તારનો એક નકશો છે જેને કફિયાથી ઢાંકવામાં આવ્યો છે. (કફિયા એ માથે પહેરવાનું, સુતરાઉ કપડામાંથી બનેલું એક પરંપરાગત અરબી કપડું હોય છે.)

દીવાલ પર એક સ્લોગન પણ લખ્યું છેઃ "શેખ જર્રાહના આ મોહલ્લામાં તમારું સ્વાગત છે."

આ સડક પર આગળ જતા રસ્તીની બીજી બાજુએ એક દીવાલ પર 28 પરિવારોનાં નામ લખ્યા છે જેને અહીંથી વિસ્થાપિત કરવામાં આવનારા છે.

આ દીવાલની સામેના રસ્તા પર લગભગ 10 વર્ષ અગાઉ ઇઝરાયલી લોકોએ કબ્જો જમાવ્યો હતો. હવે અહીં ઘણી જગ્યાએ ઇઝરાયલી ઝંડા ફરકે છે.

ઘરની ઉપર સ્ટાર ઓફ ડેવિડ અને કેટલાય સુરક્ષા કૅમેરા પણ લાગ્યા છે. આધુનિક યહૂદીઓ સ્ટાર ઑફ ડેવિડને પોતાની ઓળખ ગણે છે અને ઇઝરાયલ પોતાના રાષ્ટ્રધ્વજમાં આ નિશાનનો ઉપયોગ કરે છે.

ઇઝરાયલી અધિકારીઓ પ્રમાણે શેખ જર્રાહનો મામલો 'જમીનના એક વિવાદ'થી વધારે કંઈ નથી, અને અહીંનો કાયદો એમની તરફેણમાં છે જેમની આ જમીન છે.

વર્ષ 2003માં આ બંને યહૂદી ઍસોસિયેશને આ જમીનનો માલિકીહક નહાલત શિમોન લિમિટેડને વેચી દીધો હતો. અમેરિકામાં હાજર આ સંગઠન એવા કેટલાય સંગઠન પૈકી એક છે જે જેરૂસલેમમાં પેલેસ્ટિનિયન વિસ્તારોમાં વસવા જઈ રહેલા યહૂદી લોકોની મદદ કરે છે.

1987માં આવેલા કોર્ટના એક ચુકાદાનો હવાલો આપીને જેરૂસલેમના ડેપ્યુટી મેયર ફ્લૂર હસન-નાહૂમ કહે છે, "ભાડું ન ચૂકવવા બદલ આ પરિવારોને અહીંથી હાંકી કાઢવામાં આવશે."

કોર્ટના આ ચુકાદાના કારણે આ જમીન પર યહૂદી ઍસોસિયેશનના અધિકારને માન્યતા મળી હતી અને અહીં વસનારા પેલેસ્ટાઇનવાસીઓને ભાડુઆત ગણાવવામાં આવ્યા હતા.

ફ્લૂર હસન-નાહૂમ જણાવે છે, "તમે સમજી શકો છો કે આ માત્ર જમીનને લગતો એક વિવાદ છે. તેને રાજકીય વિવાદ બનાવી દેવાયો છે જેથી લોકોને ઉશ્કેરી શકાય."

યુરોપને યહૂદીઓથી મુક્ત કરવાની નાઝીઓની ચળવળ તરફ ઇશારો કરતા તેઓ કહે છે, "મને એ વાતનું કોઈ કારણ નથી દેખાતું કે જૂડેયાના યુગને પૂર્વ જેરૂસલેમ સાથે શા માટે સાંકળવામાં ન આવે."

આ વખતે રમઝાન દરમિયાન શેખ જર્રાહમાં લોકોની વચ્ચે તણાવ સર્જાયો હતો. 10 વર્ષથી જમીન અંગે જે વિવાદ ચાલતો હતો તેના કારણે અચાનક હિંસક સ્થિતિ પેદા થઈ હતી.

નજીકમાં બંનેલી અલ-અક્સા મસ્જિદમાં બંને પક્ષ વચ્ચે વિવાદ વધ્યો અને થોડા સમયમાં જેરૂસલેમમાં ચારે બાજુ હિંસાની આગ ફેલાઈ ગઈ.

હમાસની એન્ટ્રી અને વિવાદ

ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે પોતાની સ્વીકૃતિ વધારવાની તક શોધી રહેલા હમાસના ઉગ્રવાદીઓ આ વિવાદમાં કૂદી પડ્યા અને તેમણે ઇઝરાયલ પર રોકેટમારો શરૂ કર્યો.

11 દિવસની લડાઈ પછી યુદ્ધવિરામની જાહેરાત થઈ ત્યારે પેલેસ્ટાઇનવાસીઓએ તેને હમાસની જીત ગણાવી અને જેરૂસલેમમાં ઉત્સવ મનાવાયો હતો.

તેઓ કહે છે, "અહીં વસતા પેલેસ્ટાઇનવાસીઓને અહીંથી સંપૂર્ણપણે કાઢી નાખવાનો પ્રયાસ થાય છે, જેથી એવા લોકોને અહીં વસાવી શકાય જેને ધાર્મિક પુસ્તકો મુજબ અહીં હોવું જઈએ. આ બાબત જ અહીં વિવાદનું કારણ છે."

તેઓ કહે છે કે 1948માં થયેલી લડાઈમાં યહૂદી અને આરબ બંને સમુદાયના લોકો વિસ્થાપિત થયા હતા. આજના યુગમાં બંને સમુદાયો વચ્ચે માત્ર આ જ એક સમાનતા છે.

તેઓ કહે છે, "તમારી પાસે એક શહેર છે, એક યુદ્ધ છે અને બે સમુદાયના લોકો છે જેઓ જમીન પર પોતાનો હક ગુમાવી રહ્યા છે. એક સમુદાયના લોકો પોતાની જમીન પાછી મેળવવામાં સફળ થઈ રહ્યા છે, પરંતુ બીજા સમુદાયના લોકોને કંઈ મળતું નથી. વાસ્તવમાં શેખ જર્રાહનો આ જ ગુનો છે."

ઉશ્કેરણીજનક પ્રક્રિયા

ઇઝરાયલી વકીલ ડેનિયલ સિડમેન છેલ્લા ત્રણ દાયકાથી પૂર્વ જેરૂસલેમમાં યહૂદીઓને વસાવવાની કોશિશ વિશે માહિતી એકત્ર કરે છે. તેઓ કહે છે, "આ હિંસા પાછળ ટેમ્પલ માઉન્ટ અને શેખ જર્રાહમાં થયેલો વિવાદ જ કારણભૂત હતો તે વાત કોઈ અકસ્માત નથી."

ડેનિયલ સિડમેન કહે છે કે 1967ના યુદ્ધ પછી જેરૂસલેમની ચાર આરબ વસાહત ધરાવતી જગ્યાઓમાંથી મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનવાસીઓને હઠાવાયા તે ઇઝરાયલની પ્રથમ કોશિશ હતી.

તેમાંથી બે જગ્યા શેખ જર્રાહમાં છે જ્યારે બે જગ્યા દક્ષિણ તરફ સિલવનમાં છે.

તેઓ કહે છે કે આ પ્રક્રિયા ઉશ્કેરણીજનક છે. "અમે જેરૂસલેમમાં આ વિવાદ ઉઠાવી રહ્યા છીએ અને તેને વિસ્થાપનના મુદ્દા સાથે સાંકળીને જોઈ રહ્યા છીએ."

બીજી તરફ બગીચામાં બેઠેલા આદિલ અને સમીરાને ચેતવણી આપવામાં આવી છે કે તેમણે પહેલી ઑગસ્ટ સુધીમાં પોતાનું ઘર ખાલી કરીને નવું ઠેકાણું શોધવાનું છે.

જે ઘરમાં આ દંપતીએ જીવનના 47 વર્ષ એક સાથે વીતાવ્યા છે, તેને ખાલી કરવા માટે હવે તેમની પાસે માત્ર કેટલાક મહિનાનો સમય બચ્યો છે.

આદિલ કહે છે કે આ બરોબરીની લડાઈ નથી.

તેઓ કહે છે, "એક વાત સ્પષ્ટ છે કે જે લોકો અહીં રહેવા આવવાના છે તેની સાથે અમારો મુકાબલો નથી. અમે એક સરકાર સામે લડી રહ્યા છીએ. અમારી પાસે એટલી શક્તિ નથી કે અમે ઇઝરાયલી સરકાર સામે લડી શકીએ."

જેરૂસલેમના ભવિષ્યના મુદ્દે હમાસે યુદ્ધને જરૂર આગળ વધાર્યું છે, પરંતુ શેખ જર્રાહમાં વસતા 28 પરિવારો માટે આજે પણ પહેલા જેવી જ સ્થિતિ છે. તેમને અહીંથી ગમે ત્યારે હાંકી કાઢવામાં આવી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો