મોસાદઃ "અમે જે કરીએ છીએ તે સામાન્ય માણસ ન કરી શકે, ગુંડાઓ જ કરી શકે"

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

"તેમને ઈમાનદાર ગુંડાઓનો ખપ હોય છે. તેથી તેઓ મારા જેવા માણસોની ભરતી કરે છે. હું ગુંડો નથી. હું ઇઝરાયલનો એક આજ્ઞાંકિત નાગરિક છું. ચોરી કઈ રીતે કરવી, એકસાથે અનેક લોકોને ઠાર કઈ રીતે કરવા એ બધું તેઓ શીખવે છે."

"તેઓ તમને એવાં કામ કરતાં શીખવે છે, જે સામાન્ય નાગરિકો કરી શકતા નથી, માત્ર ગુનેગારો જ કરી શકે છે..."

મોસાદના ભૂતપૂર્વ એજન્ટ ગેડ શિરમને બીબીસી સાથેના 2010ના એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.

ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે આવા ઘણા સાચા-ખોટા કિસ્સા સંકળાયેલા છે, પણ મોસાદ ભય અને જિજ્ઞાસા બન્ને જન્માવે છે એ હકીકત છે.

હિબ્રુ શબ્દ મોસાદનો અર્થ થાય છે સંસ્થા. આ સંસ્થાને વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પૈકીની એક ગણવામાં આવે છે.

ઇઝરાયલ જેવા નાનકડા દેશની આ ગુપ્તચર એજન્સી, તેનાથી વિશ્વના મોટા દેશો પણ ફફડે એટલી શક્તિશાળી કઈ રીતે બની હશે?

'જાસૂસો માટે કોઈ કાયદા ન હોય'

દુબઈની એક હોટલના ઓરડામાં એક મૃતદેહ પડ્યો છે.

રૂમનો દરવાજો અંદરથી બંધ છે.

રૂમના દરવાજાની બહારના ભાગમાં રૂમમાં 'ડુ નોટ ડિસ્ટર્બ' લખેલું બોર્ડ લટકે છે.

રૂમમાં પડેલી મૃત વ્યક્તિનું નામ મહમૂદ અલ-મહાબુદ છે.

તેઓ પેલેસ્ટાઈનના કટ્ટરતાવાદી સંગઠન હમાસના એક સિનિયર નેતા હતા. બધાને લાગે છે કે એ માણસ કુદરતી રીતે મૃત્યુ પામ્યો છે.

રૂમમાં કોઈ આવ્યું ન હતું. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો તો પછી એ માણસનું મોત કઈ રીતે થયું?

આ ઘટનામાં મોસાદનો હાથ હોવાનું કહેવાય છે. મોસાદે તેનો સ્વીકાર જાહેરમાં, ઓફ કોર્સ ક્યારેય કર્યો નથી, પણ એક સીસીટીવી કૅમેરામાં મોસાદનું આ કામ રેકર્ડ થઈ ગયું હતું.

મહમુદ અલ-મહાબુહનો કોઈએ દુબઈ ઍરપૉર્ટથી હોટલ સુધી સતત પીછો કર્યો હતો અને તેમની હિલચાલ પર નજર રાખી હતી.

તેઓ હોટલની લિફ્ટમાં સવાર થઈને સેકન્ડ ફ્લોર પર આવ્યા ત્યારે ટેનિસ સૂટમાં સજ્જ બે પુરુષ તેમની પાછળ હતા.

મહમુદ અલ-મહાબુહનાં પત્ની તેમના સંપર્કના પ્રયાસ કરતાં હતાં, પણ તેઓ લાંબા સમય સુધી તેમના પતિનો સંપર્ક સાધી ન શક્યાં એટલે તેમણે હોટલનો સંપર્ક કર્યો હતો.

દુબઈ પોલીસના ડૉ. સઈદ હમિરીએ બીબીસીના ગોર્ડન કોરેરાને કહ્યું હતું કે "પોલીસની હાજરીમાં ઘટનાનું પોસ્ટમૉર્ટેમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે રૂમનો દરવાજો અંદરથી ખરેખર લોક્ડ હતો, પણ એ કિસ્સો હત્યાનો હોવાનું દર્શાવતા કેટલાક સંકેત જરૂર હતા. દીવાલ પર લોહીના છાંટા હતા અને મહમુદ અલ-મહાબુહના શરીર પર ઉઝરડા પણ હતા, જે ઝપાઝપી થઈ હોવાનું દર્શાવતા હતા."

મોસાદે જ મહમુદ અલ-મહાબુહની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને પાર પાડ્યું હતું તેની દુબઈ પોલીસને ખાતરી હતી.

મહમુદ અલ-મહાબુહનો પીછો કરી રહેલી બન્ને વ્યક્તિના પાસપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. જોકે, એ બન્ને વ્યક્તિના પાસપોર્ટ કોઈક બીજા દેશના હતા.

એ દેશોએ તેમના પાસપોર્ટના દુરુપયોગની નિંદા કરી હતી. મોસાદના લંડન ખાતેના વડાને પદ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા.

ડૉ. સઈદ હમિરીએ જણાવ્યું હતું કે એ બે વ્યક્તિઓ પૈકીના એક ઇઝરાયલના ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારી હતા.

અલબત્ત, મોસાદના ભૂતપૂર્વ અધિકારી ગેડ શિરમને કહ્યું હતું કે "આવું થતું રહે છે. આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને બીજા દેશોએ કકળાટ કર્યો હતો. તેમણે અમને સવાલ કર્યો હતો કે અમારા પાસપોર્ટના ઉપયોગની હિંમત તમે કેમ કરી? તેમણે એમ પણ કહેલું કે અમે તેમના નાગરિકો માટે જીવનું જોખમ સર્જ્યું છે, પણ તેમણે આ વાતો જાહેરમાં કહેવી પડે, એ તમે સમજી શકો. ખાનગીમાં તેઓ પણ એમ કહેવાના કે ઠીક છે...અમે પણ સમજીએ છીએ. બીજી વખત આવી ધમાલ ન થાય એ સુનિશ્ચિત કરજો."

જાસૂસોના જગતમાં કાયદાનું ઉલ્લંઘન કરવું કે તેને વાળવા-તોડવા એ સામાન્ય બાબત છે, પણ ઇઝરાયલ તમામ મર્યાદા ઓળંગી ગયું છે?

આ સવાલનો જવાબ આપતાં મોસાદના ભૂતપૂર્વ વડા એફ્રિમ મલેવીએ કહ્યું હતું કે "ઘણી બાબતો કાયદેસરની નથી હોતી, પણ મને કોઈએ ક્યારેય એવું પુછ્યું નથી કે હું તેમને જે કામ કરવાનું કહી રહ્યો છું એ કામ ગુનો છે કે કેમ. તેઓ શું કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે એ વાતને તેઓ બરાબર સમજી લે એ હું સુનિશ્ચિત કરું છું. એક વાત સમજી લો કે જાસૂસો માટે કોઈ કાયદા હોતા નથી."

મોસાદની સ્થાપના

બીબીસીના ગોર્ડન કોરેરાના જણાવ્યા મુજબ, મોસાદનું સૌથી વિશિષ્ટ લક્ષણ એ છે કે "તેઓ કોઈપણ જોખમ લેવા તૈયાર હોય છે."

આત્યંતિક જોખમ લેવું એ મોસાદના સ્વભાવમાં છે અને તેની સ્થાપના વેળાના અશાંતિભર્યા સમયને કારણે તેનો મિજાજ આવો થયો છે.

ઇઝરાયલ કાં તો આરબ દેશો સાથે સતત યુદ્ધ લડતું રહ્યું છે અથવા તો એ સતત યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રહ્યું છે. આજે ઇઝરાયલ એક સુપરપાવર છે, પણ મોસાદનો મિજાજ તો એવોને એવો જ છે.

બીબીસી નિર્મિત 'ટેરર થ્રૂ ટાઇમ' સીરિઝમાં બીબીસીના પ્રતિનિધિ ફેર્ગલ કીને મોસાદના વિકાસ પર થોડો પ્રકાશ ફેંક્યો છે.

ઇઝરાયલની રચના થયાના બીજા વર્ષે એટલે કે 1949માં મોસાદની સ્થાપના કરવામાં આવી હતી. ઇઝરાયલ આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલો જ્યુ લોકોનો દેશ છે.

તેથી તેને દેખીતી રીતે જ મોસાદ જેવી સંસ્થાની જરૂર હતી, જે તેની સરહદ પારના દુશ્મનો પર ચાંપતી નજર રાખી શકે.

1960માં હાથ ધરેલાં એક ઑપરેશન પછી મોસાદની ખ્યાતિ જગતભરમાં પ્રસરી હતી. એ કામગીરીમાં ભૂતપૂર્વ નાઝી અધિકારી એડોલ્ફ આઈખ્મનને જીવતા પકડવાના હતા. મોસાદ તેમને આર્જેન્ટિનામાંથી ઝબ્બે કરીને ઇઝરાયલ લાવ્યું હતું.

એડોલ્ફ આઈખ્મન ઓળખ બદલીને આર્જેન્ટિનામાં રહેતા હોવાનું મોસાદે 1957માં શોધી કાઢ્યું હતું.

મોસાદના ચાર એજન્ટની એક ટીમ જુદા-જુદા રૂટ પરથી એપ્રિલ-1960માં આર્જેન્ટિના પહોંચી હતી.

તેમણે બ્યુનોસ એરિસમાં એક ઘર ભાડેથી રાખ્યું હતું. એ મકાનને 'કેસલ' કોડ-નેમ આપવામાં આવ્યું હતું.

તેમના પ્લાનમાં થોડો ગૂંચવાડો સર્જાયો હતો એટલે એડોલ્ફ આઈખ્મનનું એક દિવસ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું અને મોસાદે તેમને દસ દિવસ સુધી આર્જેન્ટિનામાં જ રાખ્યા હતા.

કોઈ એક દેશના જાસૂસો માટે બીજા દેશના નાગરિકનું કોઈ ત્રીજા જ દેશમાંથી અપહરણ કરવાનું અને આઈખ્મનને દસ દિવસ સુધી પોતાના તાબામાં રાખવાનું આસાન ન હતું.

તેમાં જરાક ભૂલ થાય તો પણ તેમની ધરપકડ થવાની અને આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની શક્યતા હતી.

અપહરણના દસમા દિવસે ઇઝરાયલના એક પ્રધાનનું પ્લેન આર્જેન્ટિનાની રાજધાનીમાં એક સરકારી કાર્યક્રમ માટે આવ્યું હતું.

એ જ રાતે એડોલ્ફ આઈખ્મનને લઈને તે પ્લેન ઇઝરાયલ જવા રવાના થઈ ગયું હતું. એ મોસાદનું સૌથી મોટું ઑપરેશન હતું.

મોસાદના એજન્ટો વિદેશની ધરતી પર તેમનું કામ પાર પાડતા હોય ત્યારે પણ તેમને જરાય ડર લાગતો નથી. મોસાદે જગતને દર્શાવ્યું છે કે એક ગુપ્તચર એજન્સી તરીકે તે અત્યંત મહત્ત્વાકાંક્ષી છે.

વિદેશની ધરતી પર સફળ ઑપરેશનોની હારમાળા સર્જી

એ પછીના દાયકામાં પેલેસ્ટાઈનિયન બળવાખોરો સામે કરેલી સફળ કામગીરીને કારણે મોસાદનો ભય વધ્યો હતો.

ઇઝરાયલસ્થિત પત્રકાર અને 'ન્યૂ હિસ્ટરી ઓફ મોસાદ' પુસ્તકના લેખક રોનેન બર્ગમેને બીબીસીને કહ્યું હતું કે "મોસાદ કેટલાક ચોક્કસ લોકોની હત્યા કરતાં, તેની સ્થાપનાના પહેલા દિવસથી જ ક્યારેય ખચકાયું નથી. કદાચ દેશના નાના કદને કારણે ઇઝરાયલે અન્ય દેશોના સાર્વભોમત્વની પરવા ક્યારેય કરી નથી. તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા બાબતે બે વખત વિચારતા નથી. ક્યારેક તેઓ જરૂર કરતાં વધારે શક્તિનો ઉપયોગ કરે છે. તેઓ ક્રૂર અને ઘાતકી છે, પણ તેમનું લક્ષ્ય હાંસલ કરે જ છે."

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ સફળ ઑપરેશન હાથ ધર્યા બાદ મોસાદે વિદેશની ધરતી પર કેટલીક વધારે આક્રમક કામગીરીનું પ્લાનિંગ અને તેનો સફળ અમલ કર્યો હતો.

મોસાદે તેમના એક એજન્ટ ઈલાય કોહેનને સીરિયાની રાજધાની દમાસ્કસ મોકલ્યા હતા.

ઈલાય સીરિયાના નાગરિક તરીકે ત્યાં ગયા હતા.

તેમણે મોસાદને ઘણી મહત્ત્વની ગુપ્ત માહિતી પહોંચાડી હતી. આખરે તેઓ ઝડપાઈ ગયા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી.

1960ના દાયકામાં મોસાદે રશિયાનું નવું મિગ ઍરોપ્લેન કબજે કર્યું હતું અને ઇજીપ્તમાં કામ કરતા જર્મન વૈજ્ઞાનિકોને ધમકી અથવા લાંચ આપી હતી.

અન્ય ગુપ્તચર એજન્સીઓની સરખામણીએ મોસાદે પ્રારંભે બહુ જોખમ લીધું હતું, પણ દુનિયાના બીજા દેશો શું કહેશે તેની પરવા તેણે ક્યારેય કરી નથી.

સંરક્ષણ બાબતોના ઇઝરાયલસ્થિત પત્રકાર યોસી મેલમને 'હિસ્ટરી ઓફ મોસાદ' નામનું એક પુસ્તક લખ્યું છે.

બીબીસીના ફર્ગલ કિન સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "મોસાદના એજન્ટો હિંમતવાન છે. તેમને એટલી જ દરકાર હોય છે કે તેમણે તેમને સોંપાયેલી કામગીરી સફળતાપૂર્વક પાર પાડવાની છે. જમીનમાં દાટેલી જીવંત સુરંગ પર પગ મૂકવાનો હોય કે, સાથી રાષ્ટ્રોને ચેતવણી આપવાની હોય કે તેમના દેશમાં ગુનો કરવાનો હોય કે પછી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનું હોય, મોસાદ માને છે કે તેમણે આ બધું જ કરવું જોઈએ."

"બીજું, તેમને ખાતરી હોય છે કે તેઓ ભલે ગમે તે કામગીરી કરે, પણ તેમણે તેનાં માઠાં પરિણામનો સામનો નહીં કરવો પડે. નાઝી લોકોએ કરેલા જ્યુ લોકોના નરસંહારને હજુ થોડાં વર્ષ જ થયાં હતાં. તેથી બધાને ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ અને સ્નેહ હતો. અમારો દેશ નાનકડો છે. એ મોસાદ માટે લાભકારક સાબિત થયું છે," એમ પણ યોસી મેલમને કહ્યું હતું.

મોસાદ વધુને વધુ ભયાનક બની

1970ના દાયકામાં બસામ અબુ શરીફ પેલેસ્ટાઇન ચળવળનો જાણીતો ચહેરો હતા.

તેઓ પેલેસ્ટાઇનના કટ્ટરવાદીઓ દ્વારા ચલાવવામાં આવતા એક અખબારના તંત્રી પણ હતા.

મોસાદે તેમને નિશાન બનાવ્યા હતા.

તેમણે પોતે લખ્યું હતું કે "પુસ્તકે મારું ધ્યાન આકર્ષિત કર્યું હતું. એ પુસ્તકનું કદ બહુ જ મોટું હતું અને ચે ગુવેરા વિશેનું આટલું મોટું પુસ્તક મેં પહેલીવાર જોયું હતું. તમે પુસ્તકપ્રેમી હો તો શું કરો? પુસ્તક હાથમાં લો અને તેના પર નજર કરો. મેં પણ એવું જ કર્યું હતું. પુસ્તકનાં પાનાં ફેરવતો હતો ત્યાં મારી નજર બાઇન્ડિંગ પર પડી...."

"પુસ્તકના બાઇન્ડિંગની અંદરના બે વાયરને વિસ્ફોટકો સાથે જોડવામાં આવ્યા હતા. તેમાં જરાક અવાજ આવ્યો અને હું પાછો હટું એ પહેલાં એક જ ક્ષણમાં પુસ્તકમાં વિસ્ફોટ થયો હતો. મારી એક આંખ બહાર આવી ગઈ હતી. હું કશું સાંભળી શકતો ન હતો અને મારી ગરદન ચિરાઈ ગઈ હતી. તમે તેને શું કહેશો-ઉગ્રવાદ કે બહાદુરી?"

મોસાદ એક જ કામ પર ભાર મૂકે છે અને તે છે હત્યા.

એ કારણસર મોસાદ દુનિયાભરમાં જાણીતી છે. બસામ અબુ શરીફ પરનો હુમલો તેની શરૂઆત હતો.

1972ના મ્યુનિક ઑપરેશન પછી મોસાદ એટલે હત્યા એવું સમીકરણ બની ગયું હતું.

1972માં મ્યુનિક ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે જર્મની ગયેલા 11 ખેલાડીઓની બ્લૅક સપ્ટેમ્બર નામના પેલેસ્ટાઇનના એક કટ્ટરવાદી સંગઠને ગોળી મારીને હત્યા કરી હતી.

અહીંથી થયો મોસાદની નીતિમાં ફેરફાર

રોનેન બર્ગમેને કહ્યું હતું કે "મુદ્દો 11 ઇઝરાયલી નાગરિકોની હત્યા પૂરતો મર્યાદિત ન હતો. જર્મન સલામતી દળોએ કશું કર્યું ન હતું. તેમણે ઇઝરાયલી સલામતી દળને કોઈ પગલાં લેવા દીધાં ન હતાં. તેથી ઇઝરાયલ અને મોસાદે યુરોપિયન દેશોના સાર્વભૌમત્વને ધ્યાનમાં જ નહીં લેવાનો ફેંસલો કર્યો હતો."

11 ખેલાડીઓની હત્યા માટે જવાબદાર લોકોને એક પછી એક ખતમ કરવાનું મોસાદે એ પછીનાં વર્ષોમાં ચાલુ રાખ્યું હતું.

એ શ્રેણીબદ્ધ હત્યાઓમાં મોસાદે મોરોક્કોના એક નિર્દોષ નાગરિકની નોર્વેમાં હત્યા કરી હતી.

મોસાદ અત્યંત આક્રમક છે અને બ્લૅક સપ્ટેમ્બર દ્વારા કરવામાં આવેલી હત્યાઓના પ્રકરણમાં સંડોવાયેલા ન હોય એવા લોકોની પણ મોસાદે હત્યા કર્યાનો આક્ષેપ છે.

મોસાદની તાલીમ

પ્રચૂર રાષ્ટ્રવાદ મોસાદનાં રંગસૂત્રોમાં છે.

રોનેન બર્ગમેને કહ્યું હતું કે "મોસાદ સાથે જોડાયેલા દરેક માણસ દ્વારા કરવામાં આવતાં કામ રાષ્ટ્રવાદથી પ્રેરિત હોય છે."

જોકે, મોસાદનો હિસ્સો બનવાનું આસાન નથી. "એ માટે અનેક માનસિક અને શારીરિક પરીક્ષામાં પાસ થવું પડે છે. વ્યક્તિની ભાષાકીય ક્ષમતાની ચકાસણી પણ કરવામાં આવે છે," એવું નવલકથાકાર અને મોસાદ સાથે 1980ના દાયકામાં કામ કરી ચૂકેલા મિશ્કા બેન-ડેવિડે કહ્યું હતું.

મિશ્કા બેન-ડેવિડે સ્મૃતિ સંભારતાં કહ્યું હતું કે "મને એક વર્ષ સુધી તાલીમ આપવામાં આવી હતી. એ પછી અમારી અનેક ટેસ્ટ્સ લેવામાં આવી હતી અને અમને કેટલીક કામગીરી સોંપવામાં આવી હતી. એ પૈકીની કેટલીક વિચિત્ર હતી. દાખલા તરીકે, એક વખત હું અને મારા ટ્રેનર શેરીમાં ચાલતા જતા હતા ત્યારે તેમણે રહેણાંક વિસ્તારમાંની એક ઇમારતની બાલ્કની ભણી આંગળી ચીંધીને મને કહ્યું હતું કે તેઓ મને એ બાલ્કનીવાળા મકાનના માલિક સાથે પાંચ મિનિટમાં વાત કરતો જોવા ઇચ્છે છે."

"શું કરવું એ મને સમજાતું ન હતું. તેથી હું ત્યાં મૂંઝવણભરી અવસ્થામાં ઊભો રહી ગયો ત્યારે મારા ટ્રેનરે મને કહ્યું હતું કે માત્ર ચાર મિનિટ અને ત્રીસ સેકન્ડ બાકી રહી છે. પછી મને સમજાયું હતું કે કેટલીક બાલ્કનીઓમાં સમારકામ કરવામાં આવ્યું હતું. મને સમજાઈ ગયું. મેં ટ્રેનરને કહ્યુઃ માત્ર ચાર મિનિટ. સીડી ચઢીને પેલી બાલ્કનીવાળા મકાનના માલિકના દરવાજે ટકોરા માર્યા. તેમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું, જે ઘરનો દરવાજો ખોલવા તૈયાર ન હતું."

"મેં એ દંપતિને જણાવ્યું હતું કે તમે દરવાજો ખોલતા નથી એ ખરાબ કહેવાય. હું મ્યુનિસિપાલિટી તરફથી આવ્યો છું અને તમારા ઘરની બાલ્કનીના સમારકામ માટે નાણાં ફાળવવામાં આવ્યાં છે. તમારી બાજુનાં મકાનોની બાલ્કની માટે પણ આવું જ કરવામાં આવ્યું છે. એ સાંભળીને વૃદ્ધ દંપતિએ મને ઘરમાં પ્રવેશ આપ્યો હતો, હું તેમને બાલ્કનીમાં લઈ ગયો હતો અને ત્યાં અમે પાંચ મિનિટ સુધી વાત કરી હતી."

મિશ્કા બેન-ડેવિડના જણાવ્યા મુજબ, અચાનક આવી પડેલી પરિસ્થિતિનો સામનો હું કઈ રીતે કરું છું એ જાણવા માટે એવું કરવામાં આવ્યું હતું. આપણે કઈ રીતે વિચારીએ છીએ એ પણ તે દર્શાવે છે. ચોક્કસ પરિસ્થિતિમાં તમને પાઇપ મારફત ઉપર ચડવાનો મૂર્ખતાભર્યો અને જોખમી વિચાર આવે કે તમે બીજો વિકલ્પ શોધો?

તમારાં કામ જોઈને લોકો પોલીસને બોલાવે કે પછી તમે એવી પરિસ્થિતિમાંથી આસાનીથી બહાર નીકળી શકો છો?

મોસાદ આવા લોકોની બનેલી છે.

જાસૂસોના વર્તમાન વિશ્વમાં મોસાદનું સ્થાન

મોસાદ ક્યારેક એકલે હાથે કામ કરે છે, ક્યારેક એ મિત્રો બનાવે છે અને ક્યારેક મિત્ર દેશોની સીમા ઓળંગીને ગુના આચરે છે.

મોસાદે ક્યારેક સરમુખત્યાર શાસકોને મદદ પણ કરી છે. ઇઝરાયલ માટે જે કરવું તેમને જરૂરી લાગે એ બધું તેમણે કર્યું છે.

જોકે, 2001ના 11 સપ્ટેમ્બરે અમેરિકા પર હુમલો કરવામાં આવ્યો એ પછી અમેરિકાએ જાહેર કર્યું હતું કે એક કે બે દેશ ઉગ્રવાદ સામે લડી શકે નહીં.

ઉગ્રવાદનો સફાયો બધા દેશોએ સાથે મળીને કરવો પડે. ઉગ્રવાદ એક વૈશ્વિક સમસ્યા બન્યો છે ત્યારે ગુપ્ત કામગીરી કરવી જરૂરી નથી.

આ પ્રકારની લડાઈનો અનુભવ ધરાવતા હોય એવા લોકોની દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓને જરૂર છે.

ન્યૂ યોર્કમાંના ટ્વિન ટાવર્સને તોડી પાડવામાં આવ્યાં ત્યારે તેની માહિતી મેળવવા માટે અમેરિકાએ સૌથી પહેલાં મોસાદની મદદ માગી હતી.

અમેરિકા દ્વારા હાથ ધરવામાં આવતી ઘણી ઉગ્રવાદવિરોધી કામગીરી મોસાદે કરેલાં ઑપરેશન પર આધારિત હોય છે.

મોસાદ ખતરનાક, આક્રમક અને ચાલાક સંગઠન તરીકે વિખ્યાત છે.

મોસાદના ભૂતપૂર્વ વડા શાબદાય શાવિતે કહ્યું હતું તેમ "અમારી ઇમેજ જ અમારી શક્તિ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો