ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ : બ્રિટિશરાજ વખતે પડેલા એ ભાગલા, જેના લીધે બંને દેશ હજી સળગે છે

જેરૂસલેમમાં ઘર્ષણના બનાવોમાં સેંકડો પેલેસ્ટાઇનીયન અને 20 ઇઝરાયલી પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં ચાલી રહેલા ઘર્ષણને પગલે માહોલ તણાવગ્રસ્ત બન્યો છે.

પરંતુ બંને વચ્ચેનો આ વિવાદ દાયકાઓથી ચાલતો આવે છે.

તેની શરૂઆત કેવી રીતે થઈ?

પ્રથમ વિશ્વ યુદ્ધમાં મધ્ય-પૂર્વના આ ભાગના શાસક, ઓટોમન સામ્રાજ્યની હાર બાદ બ્રિટને પેલેસ્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધો હતો.

આ વિસ્તારમાં અરબ લોકો મોટી સંખ્યામાં હતા. જ્યારે યહૂદીઓ લઘુમતિમાં હતા.

જ્યારે આંતરરાષ્ટ્રીય કૉમ્યુનિટી દ્વારા બ્રિટનને પેલેસ્ટાઇનમાં યહૂદીઓ માટે 'નૅશનલ હોમ' સ્થાપવાની કામગીરી સોંપી ત્યારે તણાવ વધ્યો હતો.

યહૂદીઓ આ વિસ્તારને પોતાના પૂર્વજોનું ઘર માનતા હતા. જ્યારે પેલેસ્ટાઇનના આરબ લોકો પણ આ જમીન પર પોતાના હકનો દાવો કરતા હતા.

1920થી 1940 સુધી વિસ્તારમાં યહૂદી લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો.

જે પૈકી મોટા ભાગના લોકો યુરોપનાં અન્ય સ્થળોએથી યાતનાઓથી બચવા માટે ત્યાં આવ્યા હતા. ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધના નરસંહાર પછી.

એ દરમિયાન જ અરબ અને યહૂદી લોકો વચ્ચે હિંસાના બનાવોમાં વધારો થયો. તેમજ બ્રિટિશ શાસન સામે પણ વિરોધ શરૂ થયો.

વર્ષ 1947માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે પેલેસ્ટાઇનને અરબ અને યહૂદી એમ બે જુદાં-જુદાં રાષ્ટ્રોમાં વહેંચવા માટે મતદાન કર્યું, આ દરમિયાન જેરૂસલેમને ઇન્ટરનેશનલ શહેર તરીકે રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ યોજના યહૂદી નેતાઓ દ્વારા તો સ્વીકારી લેવાઈ પરંતુ આરબ લોકોને તે પસંદ ન પડી અને તેનું ક્યારેય અમલીકરણ ન થઈ શક્યું.

ઇઝરાયલનું નિર્માણ અને 'આપદા'

વર્ષ 1948માં સમસ્યાનું સમાધાન ન શોધી શકાતાં બ્રિટિશ શાસકો પરત ફર્યા અને સાથે જ યહૂદી નેતાઓએ ઇઝરાયલના નિર્માણની જાહેરાત કરી દીધી.

આ પગલાનો ઘણા પેલેસ્ટાઇનીયનોએ વિરોધ કર્યો અને યુદ્ધ ફાટી નીકળ્યું. આસપાસના અન્ય દેશોની સેનાઓએ પણ તેમાં ઝંપલાવ્યું.

જેને પગલે હજારો પેલેસ્ટાઇનીયનો કાં તો પોતાનાં ઘરો છોડીને ભાગી ગયા કાં તો તેમને આવું કરવા માટે દબાણ કરાયું. આ ઘટનાને તેઓ અલ નકબા એટલે કે 'આપદા' તરીકે ઓળખાવે છે.

બીજા વર્ષે યુદ્ધવિરામની જાહેરાત સાથે જ્યારે ઘર્ષણ અટક્યું ત્યારે ઇઝરાયલે મોટા ભાગના વિસ્તાર પર કબજો કરી લીધો હતો.

જોર્ડને જે વિસ્તાર પર કબજો કર્યો તે વેસ્ટ બૅન્ક તરીકે ઓળખાયો, જ્યારે ઇજિપ્તે ગાઝા પર કબજો કરી લીધો.

જેરૂસલેમને ઇઝરાયલ અને જોર્ડન વચ્ચે બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં કોઈ શાંતિકરાર ન હોવાના કારણે દરેક પક્ષ પ્રતિપક્ષ પર દોષારોપણ કરે છે. જે કારણે વર્ષોથી આ વિસ્તારમાં યુદ્ધો ચાલી રહ્યાં છે.

વર્ષ 1967માં વધુ એક યુદ્ધ બાદ ઇઝરાયલે પૂર્વ જેરૂસલેમ અને વેસ્ટ બૅંક પર પણ કબજો કરી લીધો.

સાથે-સાથે જ તેમણે સીરિયન ગોલન હાઇટ્સના મોટા ભાગના વિસ્તાર, ગાઝા અને ઇજિપ્તના સિનાઈ પેનિન્સુલા પર પણ કબજો કરી લીધો.

મોટા ભાગના પેલેસ્ટાઇનીયન રેફ્યુજી અને તેમના અનુગામીઓ ગાઝા અને વેસ્ટ બૅંકમાં રહે છે. તેમજ ઘણા જોર્ડન, સીરિયા અને લેબનોનમાં પણ વસે છે.

તેમને કે તેમના અનુગામીઓને ઇઝરાયલે પોતાના ઘરે જવાની પરવાનગી આપી નથી.

આ અંગે સ્પષ્ટતા કરતાં ઇઝરાયલ જણાવે છે કે આવું કરવાથી દેશ પર દબાણ આવશે અને યહૂદી રાષ્ટ્ર તરીકેનું તેનું અસ્તિત્વ જોખમમાં મુકાશે.

હજુ પણ વેસ્ટ બૅંક પર ઇઝરાયલનો કબજો છે. જોકે, ગાઝામાંથી તેઓ પીછેહઠ કરી ચુક્યા છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ હજુ પણ તેને 'ઑક્યુપાઇડ ટેરિટરી' (કબજે કરાયેલો પ્રદેશ) જ માને છે.

ઇઝરાયલ સમગ્ર જેરૂસલેમને તેમનું પાટનગર ગણાવે છે, જ્યારે પેલેસ્ટાઇનીયનો પૂર્વ જેરૂસલેમને ભવિષ્યના પેલેસ્ટાઇનીયન રાજ્યનું પાટનગર ગણાવે છે.

અમેરિકા જેવા અમુક જ દેશો સમગ્ર દેશ પર ઇઝરાયલના દાવાને સ્વીકારે છે.

પાછલાં 50 વર્ષમાં ઇઝરાયલે આ વિસ્તારમાં નિર્માણકાર્ય કર્યું છે. જ્યાં હાલ છ લાખ યહૂદીઓ વસે છે.

પેલેસ્ટાઇનીયનો કહે છે કે આ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે અને તે શાંતિ માટે અવરોધરૂપ છે. પરંતુ ઇઝરાયલ આ વાતનો ઇન્કાર કરે છે.

હાલ શું થઈ રહ્યું છે?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનીયનો વચ્ચે સામાન્ય રીતે તણાવગ્રસ્ત માહોલ રહે છે.

ગાઝા પર હાલ પેલેસ્ટાઇનના મિલિટન્ટ ગ્રૂપ, 'હમાસ'નું શાસન છે. તેઓ ઇઝરાયલ સામે ઘણી વાર લડ્યા છે. ઇઝરાયલ અને ઇજિપ્ત ગાઝાની સરહદો પર કડક નિયંત્રણ રાખે છે, જેથી હમાસ સુધી હથિયારો ન પહોંચી શકે.

વેસ્ટ બૅંક અને ગાઝાના પેલેસ્ટાઇનીયનોનું કહેવું છે કે તેઓ ઇઝરાયલનાં ઍક્શન અને નિયંત્રણોથી પીડાઈ રહ્યાં છે. જ્યારે ઇઝરાયલનું કહેવું છે કે તેઓ માત્ર પેલેસ્ટાઇનીયનની હિંસાથી પોતાને બચાવે છે.

એપ્રિલ-2021 દરમિયાન મુસ્લિમોના પવિત્ર મહિના રમજાનની શરૂઆત વખતે આ વિસ્તારમાં માહોલ તણાવગ્રસ્ત બન્યો હતો. આ દરમિયાન પોલીસ અને પેલેસ્ટાઇનીયનો વચ્ચે ઘર્ષણો થયાં હતાં.

પૂર્વ જેરૂસલેમમાંથી કેટલાંક પેલેસ્ટાઇનીયન કુટુંબોને ધમકી આપી ઘર છોડવા મજબૂર કરાયાની વાત બાદ માહોલ વધુ તણાવગ્રસ્ત બન્યો હતો.

મુખ્ય સમસ્યા શું છે?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનીયનો વચ્ચે ઘણા બધા મુદ્દાઓને લઈને વિવાદ છે.

જેમ કે પેલેસ્ટાઇનીયન રેફ્યુજીઓ સાથે શું થવું જોઈએ. 'ઑક્યુપાઇડ વેસ્ટ બૅંક'માં આવેલ યહૂદી વસવાટો રહેવા જોઈએ કે હઠાવવા જોઈએ.

જેરૂસલેમ બંને વચ્ચે વહેંચાવું જોઈએ? તેમજ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે પેલેસ્ટાઇનીયન રાજ્ય ઇઝરાયલની બાજુમાં જ અસ્તિત્વમાં આવવું જોઈએ?

છેલ્લાં 25 વર્ષોથી શાંતિ માટેની વાતચીત ચાલી રહી છે, પરંતુ તેનાથી હજુ સુધી ઘર્ષણનો અંત નથી આવ્યો.

ભવિષ્યમાં શું થઈ શકે?

નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો થવાની કોઈ સંભાવના નથી.

હાલમાં રચાયેલ શાંતિ માટેની યોજના, જે અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા, તેને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 'ડીલ ઑફ ધ સૅન્ચુરી' ગણાવી હતી.

પેલેસ્ટાઇનો દ્વારા તેનો અસ્વીકાર કરાયો હતો અને કહેવાયું હતું કે તે એકતરફી છે.

ભવિષ્યની કોઈ પણ યોજના માટે બંને પક્ષો રાજી થાય એ જરૂરી છે.

જ્યાં સુધી એવું નહીં બને ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ જ રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો