કડિયાકામ છોડી સોમનાથના સ્મશાનમાં કોવિડ દર્દીઓના મૃતદેહોની અંતિમવિધિ કરનારા ગુજરાતીની કહાણી

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"કોરોનાએ લોકો વચ્ચે દેખાય નહીં એવી દીવાલ ઊભી કરી દીધી છે. અત્યારે ભાઈ ભાઈનો નથી, ભાઈ બાપનો નથી. મારા પચાસ વર્ષના આયખામાં મેં ક્યારેય આટલી મોટી સંખ્યામાં મરણ જોયાં નથી. આવી સ્થિતિમાં નક્કી કર્યું કે આપણે માણસ તરીકે ફરજ અદા કરવાની છે."

આ શબ્દો છે મૂળ કડિયાકામ કરનાર એ જેસલભાઈના, જેમણે આશરે 250 જેટલા કોરોના મૃતદેહોના અંતિમસંસ્કાર એક પણ પૈસો લીધા વિના કરાવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામમાં સોમનાથનું મંદિર આવેલું છે. સોમનાથ મંદિરથી દોઢેક કિલોમિટર દૂર સ્મશાન છે.

ત્રિવેણી નદી અને સમુદ્રનો જ્યાં સંગમ થાય છે, ત્યાં એ સ્મશાન છે. કોરોનાએ એવો કોરડો વીંઝ્યો છે કે એ સ્મશાનમાંથી દિવસરાત કાળા ધુમાડા ઊઠતા રહે છે.

રાજ્યના અનેક સ્મશાનોમાં આવી સ્થિતિ છે. લાકડાં ખૂટી પડ્યાં છે, ચીમનીઓ ઓગળી ગઈ છે અને દાહસંસ્કાર માટે માણસો મળતા નથી. આવી સ્થિતિમાં સોમનાથના કેટલાક યુવકોએ ભેગા મળીને સ્વૈચ્છિક રીતે મૃતકોના અંતિમસંસ્કારની જવાબદારી સ્વીકારી લીધી છે.

છેલ્લા સવા મહિનાથી એક પૈસો લીધા વગર તેઓ આ કામ કરી રહ્યા છે. સોમનાથના જ વતની જેસલ ભરડા આના માટે આગળ આવ્યા અને તેમની આગેવાનીમાં જ આ કામ ચાલે છે.

જેસલ ભરડા સાથે બીબીસીએ વાત કરી ત્યારે તેમની સામે પાંચ ચિતા સળગી રહી હતી. આવનારા અન્ય મૃતદેહો માટે લાકડાં વગેરેની તૈયારી કરતાં હતા.

તૈયારી કરતાં-કરતાં તેમણે કહ્યું કે "રોજના પચીસથી ત્રીસ મૃતદેહ આવે છે. ક્યારેક એનાથી પણ વધી જાય."

રોટલાની ચિંતા નથી

જેસલભાઈ કહે છે, "મેં જોયું કે અમદાવાદ, સુરત જેવાં મોટાં શહેરોનાં સ્મશાનોમાં મૃતદેહોની કતાર લાગી છે. કેટલાક લોકોને પોતાના પ્રિયજનની અંત્યેષ્ટિ માટે બબ્બે પાંચ-પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડે છે."

"અંતિમક્રિયા માટે માણસો મળતા નથી. મને થયું કે શા માટે આ કામમાં ન જોડાવું. દાહસંસ્કાર કરતા તો આવડે છે. તેથી બે-ચાર સાથી મિત્રોને જોડીને કામ શરૂ કર્યું."

જેસલ ભરડા મૂળે કડિયાકામ કરે છે. છેલ્લા સવા મહિનાથી તમે સ્મશાનમાં જ છો તો તમારૂં ઘર કેમ ચાલે છે?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "મારે ત્રણ દીકરા છે, એક દીકરો મોબાઇલ રિપૅરિંગનું કામ કરે છે. તેથી રોટલાની ચિંતા નથી."

કોરોના ચેપી રોગ છે. દાહસંસ્કાર વખતે તમે કઈ-કઈ તકેદારી રાખો છો?

જવાબમાં તેઓ કહે છે, "અમારી ટીમે નક્કી કર્યું છે કે ડૅડબોડીને ઍમ્બ્યુલન્સમાંથી લઈને ચિતા પર મૂકીએ ત્ચાં સુધી મોંઢા પર હાથ નહીં અડાડવાનો. ચિતા પર મૂક્યા પછી તરત હાથ સાફ કરી લેવાના. માસ્ક તો અમે પહેરી જ રાખીએ છીએ."

'...તો માણસ ને આ મડદામાં ફેર શું?'

ચોરવાડ, ઊના, વેરાવળ અને કોડિનાર તાલુકામાંથી મૃતદેહ સોમનાથના સ્મશાને આવે છે. સોમનાથથી સાત કિલોમિટર દૂર સિવિલ હૉસ્પિટલ આવેલી છે.

ત્યાં ગામેગામથી દરદીઓ સારવાર માટે આવતા હોય છે. તેથી ત્યાં કોઈનું મરણ થાય તો તેમને સોમનાથ સ્મશાને લઈ જવાય છે.

જેસલભાઈ કહે છે, "જેટલા પણ મૃતદેહ આવે છે, એમાંના 80 ટકા કોરોનાના કારણે મરણ પામેલા હોય છે."

"હૉસ્પિટલમાંથી જે મૃતદેહ આવે છે એને કોરોનાની ગાઇડલાઇન મુજબ મૃતદેહ પૅકિંગ કિટમાં વિંટાળેલા હોય છે. જે લોકો ઘરમાં જ મરણ પામ્યા હોય, તેમાં એવું કશું હોતું નથી."

ગીરસોમનાથનાં કેટલાંક સમુદાયોમાં એવી માન્યતા છે કે સાંજે સૂર્યાસ્ત થાય પછી મૃતકને અગ્નિદાહ ન આપવો. તેથી સામાન્ય સંજોગોમાં સાંજે સ્મશાનમાં અંત્યેષ્ટિ ખાસ થતી નથી.

કોરોનાએ સમયના તમામ છેદ ઉડાડી દીધા છે. માણસો એટલી સંખ્યામાં મરી રહ્યા છે કે શું દિવસ અને શું રાત, અહીં હવે સ્મશાનમાં ચિતા ઠરતી નથી.

જેસલભાઈની સાથે ખભેખભા જોડીને જે લોકો કામ કરી રહ્યા છે, એમાં અરજણભાઈ ગઢિયા છે. તેઓ પણ કડિયાકામ કરે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "જ્યારે કડિયાકામ ન હોય ત્યારે હું સ્મશાને આવીને અંતિમક્રિયામાં મદદરૂપ થાઉં છું. કોરોનાના મૃતદેહ સાથે બે-ચાર સગાં જ આવ્યાં હોય છે. આટલા લોકો અંત્યેષ્ટિનું કામ કરવામાં ઓછાં પડે. તેથી અમે તેમની મદદ કરીએ છીએ."

"લાકડાં લાવવા-ગોઠવવાથી લઈને શબવાહિનીમાંથી મૃતદેહ લઈને તેને લાકડાં પર મૂકવાનું કામ અમે કરીએ. અગ્નિદાહ આપવા માટે જ તેમના પરિવારજનને બોલાવીએ છીએ."

કોરોનાના મૃતદેહની અંતિમવિધિ કરો છો તો તમને ચેપ લાગશે એવી બીક ન લાગે?

અરજણભાઈ એકદમ તળપદો જવાબ આપતાં કહે છે, "બીક તો લાગે, પણ ખરા સમયે માણહ માણહની પડખે ઊભો ન રહે તો માણહમાં અને આ મડદામાં ફેર શું?"

"અમારા પરિવારના લોકો પણ અમને કહે કે તમે સ્મશાને જવાનું રહેવા દો. પરિવારને તો અમે મનાવી લઈએ છીએ."

'મને ચિન્તા હતી કે પપ્પાની અંતિમક્રિયા કેઈ રીતે પાર પડશે'

અમે જેસલભાઈ અને અરજણભાઈ સાથે વાત કરતા હતા ત્યારે જ વેરાવળના મયૂર સોલંકી તેમના પિતાના દેહને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લાવ્યા હતા. હૉસ્પિટલના રિપોર્ટ મુજબ તેમના પિતાને કોરોના થયો હતો.

જેસલભાઈ અને અરજણભાઈએ તેમને બધી ગોઠવણ કરી દીધી હતી.

બીબીસી સાથે વાત કરતાં મયૂર સોલંકી કહે છે કે "વેરાવળની એક ખાનગી હૉસ્પિટલમાં મારા પપ્પાની સારવાર ચાલતી હતી."

"તેમનું મૃત્યુ થયું એ પછી ત્યાંથી શબવાહિનીમાં અહીં સ્મશાન સુધી ડૅડબોડીને લઈ જવા માટે મારે 6000 રૂપિયા ચૂકવવા પડશે એવું કહેવામાં આવ્યું હતું. પછી માંડ-માંડ 4200માં નક્કી થયું."

"હું મારાં બા, બહેન સહિત કુલ ચાર જણા સ્મશાને આવ્યાં છીએ. શબવાહિનીમાં જ્યારે વેરાવળથી નીકળ્યો ત્યારે મનમાં મૂંઝવણ હતી કે સ્મશાનમાં બધું કેવી રીતે ગોઠવાશે?"

"મારી સાથે માણસો પણ નથી? પૈસા કેટલા દેવા પડશે? વગેરે સવાલો મનમાં હતા."

"સ્મશાનમાં આવ્યા ત્યારે જેસલભાઈ અને તેમની મંડળીના સભ્યોએ એક પણ પૈસો લીધા વિના જે મદદ કરી એ ક્યારેય નહીં ભૂલી શકાય."

"આજે સ્વજનો પડખે ઊભા રહી શકતા નથી ત્યારે બિલકુલ અજાણ્યા લોકો મારી પડખે ઊભા રહ્યા. તેમણે લાકડાં સહિતની તમામ ગોઠવણ કરી આપી. મેં જઈને પપ્પાના પાર્થિવદેહને માત્ર મુખાગ્નિ આપ્યો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો