ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : નેતન્યાહુ બોલ્યા, 'હમાસે મોટી કિંમત ચૂકવવી પડશે', ઇઝરાયલને 'પાઠ ભણાવવાની' વળતી ધમકી

ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ રહ્યો. ઇઝરાયલે ગાઝામાં પોતાની કાર્યવાહીને વેગ આપ્યો તો બીજી બાજુ, પેલેસ્ટાઇનમાંથી ઇઝરાયલમાં રૉકેટ છોડવામાં આવ્યાં.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલી સૈન્ય ગાઝામાં જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી સૈન્યકાર્યવાહી કરશે.

શુક્રવારે તેમણે એક નિવેદનમાં કહ્યું, "હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે."

બીજી બાજુ, હમાસના સૈન્યપ્રવક્તાએ કહ્યું છે કે ઇઝરાયલી સૈન્યે જો જમીનીસ્તરે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો તો હમાસ ઇઝરાયલને 'પાઠ' ભણાવવા માટે તૈયાર છે.

નેતન્યાહુના નિવેદન બાદ થોડા સમયમાં જ ગાઝાના આકાશમાં વિસ્ફોટોની તસવીરો અને વીડિયો સામે આવ્યાં.

તો આ દરમિયાન અહીંની પરિસ્થિતિને જોતાં ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠન 'ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન' એટલે કે ઓઆઈસીએ રવિવારે ઇમરજન્સી બેઠક બોલાવી છે.

જેરૂસલેમ અને ગાઝામાં ઘર્ષણ વધી રહ્યું છે અને અને સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા સાઉદી અરેબિયાની વિનંતીને પગલે ઓઆઈસીએ આ બેઠક બોલાવી છે.

આ બેઠકમાં ઓઆઈસીના સભ્યરાષ્ટ્રો સામેલ થશે. ઓઆઈસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે પેલેસ્ટાઇનના વિસ્તારોમાં ઇઝરાયલી હુમલાઓ અંગે બેઠકમાં ચર્ચા કરાશે.

ઇઝરાયલી સૈન્ય હવે ગાઝા સરહદે પહોંચી ગયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી જે ઘર્ષણ ચાલી રહ્યું છે એ જોતાં મધ્ય-પૂર્વમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.

સંયુક્ત રાષ્ટ્રે પણ આ પરિસ્થિતને પગલે યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે.

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ : ગાઝા સરહદે સૈન્ય, ટૅન્કોની તહેનાતી

ઇઝરાયલે ગાઝા સરહદે ટૅન્કો અને સૈનિકોનો ખડકલો કરી દીધો છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ઘર્ષણને પગલે ઇઝરાયલ હવે જમીનીસ્તરે સૈન્યઅભિયાન આદરવાનું વિચારી રહ્યું છે.

ઇઝરાયલી સૈન્યે 7,000 રિઝર્વ સૈનિકોને બોલાવી લીધા છે અને ગાઝા સરહદ પર મોટા પ્રમાણમાં સૈન્ય અને ટૅન્કો ખડકી દીધાં છે.

અત્યાર સુધી આ હિંસામાં ગાઝામાં 100થી વધુ અને ઇઝરાયલમાં સાત લોકોનો ભોગ લેવાઈ ચુક્યો છે.

પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ અને ઇઝરાયેલી સૈન્ય વચ્ચે ફાટી નીકળેલી હિંસાએ ગુરુવારે વધારે વેગ પકડ્યો. ઉગ્રવાદીઓ ઇઝરાયલ પર રૉકેટ છોડતા રહ્યા અને ઇઝરાયલી સૈન્ય મિસાઇલોથી હવાઈ હુમલા કરતું રહ્યું.

બીજી બાજુ, ઇઝરાયલની અંદર પણ યહૂદી અને આરબો વચ્ચે ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે અને તેને પગલે ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ ગૃહયુદ્ધની ચેતવણી ઉચ્ચારી છે.

ઇઝરાયલના સંરક્ષણમંત્રી બેની ગેટ્ઝે અશાંતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોની ભારે તહેનાતીના આદેશ આપ્યા છે. અને અત્યાર સુધી 400થી વધારે લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

ગુરુવારે ગાઝા સરહદ પાસે ઇન્ફન્ટ્રીની બે ટુકડીઓ અને એક હથિયારધારી ટુકડીને તહેનાત કરી દેવાઈ છે.

જોકે, હજુ ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી પણ માનવામાં આવી રહ્યું છે કે સૈન્ય વહેલી તકે આ અંગેની યોજના રજૂ કરશે. જે બાદ સૈન્યપ્રમુખોએ અને સરકારે તેને મંજૂર કરવાની રહશે.

નોંધનીય છે કે વર્ષ 2014 બાદ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે સૌથી ભયાનક હિંસા થઈ રહી છે.

'ઇઝરાયલની બૉમ્બવર્ષા ગાઝાને બરબાદ કરી નાખશે'

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા 'ડૉક્ટર વિધાઉટ બૉર્ડર' (એમએસએફ)એ ચેતવણી આપી છે કે ઇઝરાયલ દ્વારા કરાઈ રહેલો ભારે બૉમ્બમારો 'ગાઝાને બરબાદી તરફ ધકેલી રહ્યો છે'પોતાના એક નિવેદનમાં એમએસએફે કહ્યું છે કે તેમને જણાયું છે ઇઝરાયલી પોલીસ દ્વારા કરાઈ રહેલો બળપ્રયોગ અસ્વીકાર્ય છે અને આનાથી ગાઝા પટ્ટીમાં બરબાદીનાં ભયાનક દૃશ્યોનું જોખમ પેદા થઈ રહ્યું છે.

એમએસએફ માટે પેલેસ્ટાઇનિયન વિસ્તારના પ્રમુખ હૅલેન ઑટેલન-પીટરસને કહ્યું, "આ વખતે ઇઝરાયલ તરફથી કરાઈ રહેલો બૉમ્બમારો પહેલાંનાં અભિયાનો કરતાં ઘણો વધારે અને મજબૂત છે.

સતત કરાઈ રહેલી બૉમ્બવર્ષાથી વિસ્તારની કેટલીય ઇમારતો બરબાદ થઈ ગઈ છે."

"બહાર નીકળવું જોખમથી ભરેલું છે અને ઘરની અંદર રહેવું પણ હવે જોમખી છે. સતત કરાઈ રહેલા ગોળીબાર વચ્ચે લોકો ફસાઈ ગયા છે. ઇમર્જન્સી સ્વાસ્થ્યકર્મીઓ જોખમ ઉઠાવીને લોકોની મદદ કરી રહ્યા છે."સોમવારે એમએસએફે કહ્યું હતું કે જેરૂસલેમમાં ઇઝરાયલી પોલીસના બળપ્રયોગથી ઘાયલ થયેલા કેટલાય દરદીઓની સારવાર માટે પેલેસ્ટાઇનિયન રેડ ક્રિસેન્ટ સંસ્થા મદદ રહી છે.

આમાંથી મોટા ભાગના દરદીઓ રબ્બરની ગોળીઓ, ગ્રૅનેડ અને દાઝી જવાથી ઘાયલ થયેલા છે. પીટરસને કહ્યું, "અમારી ટીમને એવાં કેટલાંય પુરુષો-મહિલાઓ-બાળકો મળ્યાં, જેમને ઈજા પહોંચી છે. રબ્બરની ગોળીઓથી ઘાયલ થયેલા 12 વર્ષના એક બાળકની પણ અમે સારવાર કરી છે."તેમણે ઉમેર્યું, "એમએસએફની ટીમે ગત કેટલાંય વર્ષોમાં જેરૂસલેમમાં આનાથી ખરાબ હિંસા હજુ સુધી નથી જોઈ."

ઇઝરાયલમાં ફરીથી શાંતિ કાયમ કરીશું : બેન્યામિન નેતન્યાહૂ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે 'સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશે જે આઇરન ડૉમ ઍન્ટી મિસાઇલ સિસ્ટમ લગાવી છે તે 'તેમને આક્રમક બઢત આપી રહી છે.''

સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર તેમણે કહ્યું કે પેલેસ્ટાઇનિયનોની તરફથી જે રૉકેટ છોડવામાં આવ્યાં હતાં, તેના જવાબમાં ઇઝરાયલી ડિફેન્સ ફૉર્સિઝે ગાઝાની કેટલીય જગ્યાને નિશાન બનાવી છે અને "આ આંકડો જલદી એક હજાર સુધી પહોંચી જશે."

ઇઝરાયલી વડા પ્રધાને એવું પણ કહ્યું, "અમે અમારા નાગરિકોની રક્ષા કરી રહ્યા છીએ અને હમાસ પર સતત હુમલા કરી રહ્યા છીએ. આ અભિયાનને હજુ થોડો સમય લાગશે."

તેમણે એવું પણ કહ્યું કે, "ઇઝરાયલમાં ફરીથી શાંતિ સ્થાપવાના અમારા ઉદ્દેશને પૂરો કરવા માટે અમે મજબૂતીથી હુમલા પણ કરીશું અને પોતાનું રક્ષણ પણ કરીશું."

યુદ્ધની આશંકા?

ગાઝાપટ્ટીમાં પેલેસ્ટાઇનિયન ઉગ્રપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચે ગોળીબાર અને રૉકેટ હુમલાઓમાં તેજી આવી છે અને સંયુક્ત રાષ્ટ્રે ભય વ્યક્ત કર્યો છે કે ક્યાંક આ હિંસા યુદ્ધમાં ન ફેરાવાઈ જાય.

ઇઝરાયલનું કહેવું છે કે પાછલા 38 કલાકમાં પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓએ એક હજારથી વધારે રૉકેટ છોડ્યાં છે. આમાંથી મોટાં ભાગનાં તેલ અવીવ પર છોડવામાં આવ્યાં છે.

આ હુમલાઓ વચ્ચે અનેક ઇઝરાયલી શહેરોમાં ઇઝરાયલી-આરબ હિંસક પ્રદર્શનો થયાં. તેલ અવીવની નજીક લૉડ શહેરમાં કટોકટી લાગુ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટરેસે કહ્યું છે કે તેઓ હિંસાને લઈને ખૂબ ચિંચિત છે.

ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે સોમવારે થયેલા હુમલામાં 43 પેલેસ્ટાઇનીઓનાં મૃત્યુ થયાં છે જેમાં 13 બાળકો છે. આ સિવાય છ ઇઝરાયલીઓ પણ મૃત્યુ પામ્યા છે.

આ હુમલાઓની શરૂઆત જેરૂસલેમસ્થિત અલ-અક્સા મસ્જિદ પાસે થયેલી હિંસક અથડામણ બાદ થઈ હતી. અલ-અક્સા મસ્જિદ મુસલમાન અને યહૂદી, એમ બન્ને માટે પવિત્ર સ્થળ છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે ગાઝાથી 1050 રૉકેટ અને મૉર્ટાર ગોળાઓ છોડવામાં આવ્યાં.

આમાંથી 850 ઇઝરાયલમાં પડ્યાં છે જ્યારે 200ને ઇઝરાયલની ડૉમ ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા.

શહેરથી આવી રહેલા વીડિયો ફૂટેજમાં આકાશમાં મોટી સંખ્યામાં રૉકેટ દેખાય છે. આમાંથી અમુકને ઇઝરાયલની ઇન્ટરસેપ્ટર મિસાઇલોએ નષ્ટ કરી દીધાં.

તેલ અવીવ જનારી કેટલીય ફ્લાઇટો રદ

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ગાઝાપટ્ટીમાં થઈ રહેલા બૉમ્બમારાને પગલે કેટલીય આંતરારાષ્ટ્રીય ઍરલાઇન્સે તેલ અવીવમાં હાજર ઇઝરાયલના મુખ્ય ઍરપૉર્ટ માટે પોતાની આગામી ફ્લાઇટો રદ કરી નાખી છે.

સુરક્ષાનાં કારણોને ધ્યાને લેતા અમેરિકાની ત્રણ કંપની યુનાઇટેડ, ડેલ્ટા અને અમેરિકન ઍરલાઇન્સ તથા જર્મીની લુફ્તાહાન્સા અને બ્રિટનની બ્રિટિશ ઍરવેઝે ઇઝરાયલના બેન ગુરિયન ઍરપૉર્ટ માટેની ફ્લાઇટ અટકાવી દીધી છે.

આ દરમિયાન ઇઝરાયલી સૈન્યે રિઝર્વ સૈન્યના 7000 સૈનિકો (રિઝર્વિસ્ટ)ને ફરજ પર બોલાવી લીધા છે અને તમામ ફાઇટર યુનિટના સૈનિકોની રજા રદ કરી નાખી છે.

આ પહેલાં ઇઝરાયલે ટૅન્કોની ટુકડીઓ અને સૈનિકોને મોટી સંખ્યામાં ગાઝાપટ્ટી તરફ જવાના આદેશ આપ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો