You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોદીના મિત્ર' નેતન્યાહુએ ઇઝરાયલનું સમર્થન કરનારા દેશોનો આભાર માન્યો, ભારતનું નામ પણ ન લીધું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ રવિવાર સવારે એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે વર્તમાન સમયમાં ઇઝરાયલનું સમર્થન કરી રહેલા 25 દેશોનો આભાર વ્યક્ત કર્યો. પણ, આમાં ભારતનું નામ નથી.
જોકે, ભારતના સત્તાધારી પક્ષ ભાજપના કેટલાય નેતા અને દક્ષિણપંથી વિચારધારાના સમર્થકો સતત ઇઝરાયનાં વખાણ કરતા રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ઇઝરાયલના સમર્થનમાં મોટી સંખ્યામાં સક્રિય છે.
નેતન્યાહુએ પોતાના ટ્વીટમાં સૌથી પહેલાં અમેરિકા, બાદમાં અલબેનિયા, ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, કૅનેડા, કૉલમ્બિયા, સાઇપ્રસ, જ્યૉર્જિયા, જર્મની, હંગેરી, ઇટાલી, સ્લૉવેનિયા અને યુક્રેન સહિત કુલ 25 દેશોનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે લખ્યું, "આતંકવાદી હુમલા વિરુદ્ધ આત્મરક્ષાના અમારા અધિકારનું સમર્થન કરવા અને ઇઝરાયલ સાથે મજબૂતીથી ઊભા રહેવા માટે આપ સૌનો આભાર."
ભારતમાં માત્ર ઇઝરાયલ જ નહીં, પેલેસ્ટાઇનના સમર્થનમાં પણ ટ્વીટ કરાઈ રહ્યાં છે. વર્તમાન વિવાદ પર ભારતીયોના વિચાર વહેચાયેલા જોવા મળી રહ્યા છે.
જોકે, ભારતના વિદેશમંત્રાલય તરફથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિય વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસા પર કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું.
અલબત્ત, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ 11 મેએ સુરક્ષાપરિષદની બેઠકમાં પૂર્વ જેરૂસલેમની ઘટનાઓ અંગે કહ્યું હતું કે "બન્ને પક્ષોએ જમીન પર યથાસ્થિતિ બદલવાથી બચવું જોઈએ."
12 મેની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું, "ભારત હિંસાની નિંદા કરે છે. ખાસ કરીને ગાઝામાંથી રૉકેટ હુમલાની."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું હતું કે હિંસા તત્કાલ ખતમ થવી જોઈએ.
ભારત અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેના સંબંધો
ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો ભારતની પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે સહાનુભૂતિ રહી છે. જોકે, ગત કેટલાંક વર્ષોથી ભારત અને ઇઝરાયલ વચ્ચેની નિકટતા પણ બહુ વધી ગઈ છે.
એટલે સ્પષ્ટ છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની હિંસા ભારત માટે અસમંજસની સ્થિતિ સર્જે છે.
ભારતે 17 સપ્ટેમ્બર, 1950માં ઇઝરાયલને માન્યતા આપી હતી. એ બાદ યહૂદી એજન્સીએ બૉમ્બેમાં એક ઇમિગ્રેશન કાર્યાલય પણ ખોલ્યું હતું. એને બાદમાં વેપારકાર્યાલય અને અંતે વાણિજ્ય દૂતાવાસમાં ફેરવી દેવાયું હતું.
1992માં સંપૂર્ણ રાજકીય સંબંધો સ્થાપિત થતાં બન્ને દેશોમાં દૂતાવાસ ખોલવામાં આવ્યાં હતાં.
1992માં સંબંધો આગળ વધતાં બન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને કૃષિક્ષેત્રે સહયોગ પણ વધ્યો. બાદનાં વર્ષમાં બન્ને દેશો વચ્ચે કેટલાંય ક્ષેત્રે સહયોગ વધ્યો.
જુલાઈ 2017માં નરેન્દ્ર મોદી 70 વર્ષોમાં ઇઝરાયલનો પ્રવાસ કરનારા ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા.
વર્ષ 2018માં નેતન્યાહુ ભારતમાં આવ્યા. આ બન્ને મુલાકાત પહેલાં વર્ષ 2015માં તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઇઝરાયલનો પ્રવાસ કર્યો હતો. જ્યારે વર્ષ 2016માં ઇઝરાયલના રાષ્ટ્રપતિ રુબેન રિવિલ ભારતમાં આવ્યા હતા.
મોદી અને નેતન્યાહુ વચ્ચેના સંબંધ
વર્ષ 2018માં નેતન્યાહુ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે બંને નેતાઓ એકબીજાના કેટલા નજીક છે તે દેખાઈ આવતું હતું.
નેતન્યાહુએ મોદી સાથે અમદાવાદમાં 8 કિલોમિટર જેટલો લાંબો રોડ શો પણ કર્યો હતો.
જે બાદ બંને નેતાઓ સાબરમતી આશ્રમ ગયા હતા જ્યાં નેતન્યાહુ અને તેમનાં પત્નીએ પતંગ પણ ઉડાડ્યો હતો.
નેતન્યાહુ ગુજરાતની મુલાકાતે ઉતરાયણના દિવસો બાદ આવ્યા હતા.
ગુજરાત અને ઇઝરાયલ ખેતી ક્ષેત્રે એકબીજાને સહયોગ કરી રહ્યાં છે. ઇઝરાયલ ભારતને હૉર્ટિકલ્ચર ક્ષેત્રે ખાસ સહયોગ આપી રહ્યું છે.
આ સમયે મોદીએ નેતન્યાહુને સંબંધતા કહ્યું હતું કે તેઓ જ્યારે ઇઝરાયલ ગયા હતા ત્યારે જ તેમણે ઇઝરાયલ સાથે સંબંધો મજબૂત કરવાનું નક્કી કરી લીધું હતું.
તેમણે કહ્યું, "હું ત્યારથી જ રાહ જોઈ રહ્યો હતો કે 'મારા મિત્ર' નેતન્યાહુ ભારત આવે. આજે હું ખુશ છું કે તેઓ ગુજરાત પણ આવ્યા."
નેતન્યાહુએ તેમની મુલાકાત વખતે ગુજરાતને ડિસેલિનેશન(દરિયાનું પાણી મીઠું બનાવવું) કરતું વાહન પણ આપ્યું હતું. જે સુઈગામની સરહદે આવેલા બીએસએફ કૅમ્પને આપવામાં આવ્યું હતું.
ઇઝરાયલ ભારતના સંબંધો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જેરૂસલેમને પાટનગર બનાવવાની અમેરિકાની જાહેરાતને નકારી કાઢવાની તરફેણમાં ભારત સહિત 128 દેશોએ મતદાન કર્યું હતું.
1950માં ભારતે ઇઝરાયલ એક રાજ્ય તરીકે માન્યતા આપી હતી. પરંતુ 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ તેના તરત પછી નહેરુએ માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો.
1992માં ભારતે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. જોકે તેમ છતાં ભારતે ઇઝરાયલ સાથેના સંબંધને લઈને ક્યારેય વધુ ઉત્સાહ દેખાડ્યો નથી.
1992માં રાજદ્વારી સંબંધો સ્થાપ્યા બાદ 2000માં પ્રથમ વખત લાલકૃષ્ણ અડવાણી એક વરિષ્ઠ પ્રધાન તરીકે ઇઝરાયલ ગયા હતા. આ વર્ષે આતંકવાદ અંગે ભારત-ઇઝરાયલી જોઇન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી હતી.
2003માં તે સમયના ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાએ અમેરિકન યહૂદી કમિટીમાં એક ભાષણ આપ્યું હતું અને ઇસ્લામિક ઉગ્રવાદ સામે લડવા માટે ભારત, ઇઝરાયલ અને અમેરિકા સાથે આવવા જોઈએ તેવી વાત કરી હતી.
2004માં જ્યારે કૉંગ્રેસ સત્તામાં આવી ત્યારે ઇઝરાયલ-ભારતના સંબંધ સમાચારમાંથી ગાયબ થઈ ગયા હતા. જોકે, બંને દેશોના સંબંધોમાં કોઈ ખટરાગ આવ્યો હોય એવું પણ બન્યું નથી.
મુંબઈમાં થયેલા ઉગ્રવાદી હુમલા બાદ ઇઝરાયલ અને ભારત વચ્ચે ઘણા સંરક્ષણ સોદા થયા છે. વર્ષોથી ભારત ઇઝરાયલને ખુલ્લેઆમ સ્વીકારવાથી પીછેહઠ કરતું રહ્યું છે .
ભારત આરબ દેશો સાથે ઘણા સારા સંબંધો ધરાવે છે અને આ જ કારણ છે કે ભારત ઇઝરાઇલ સાથે આગળ વધવામાં ખચકાટ થતો હતો.
જોકે, પ્રથમ ભારતીય વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 2018માં ઇઝરાયલની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ ભારત અને ઇઝરાયલના સંબંધ વધુ ગાઢ બન્યા છે.
આરબ દેશો સાથેની મિત્રતામાં અસર નહીં પડે તે માટે ભારત ઇઝરાયલ સાથે સંબંધો વિકસાવવાથી પીછેહઠ કરતું રહ્યું છે.
ભારતના વાણિજ્ય મંત્રાલય મુજબ 2016-17માં આરબ દેશો સાથે ભારતનો વેપાર 121 અબજ ડૉલર હતો. આ ભારતના કુલ વિદેશી વેપારના 18.25 ટકા છે.
બીજી બાજુ ઇઝરાયલ સાથે ભારતનો વેપાર પાંચ અબજ ડૉલર હતો, જે ભારતના કુલ વેપારનો એક ટકા પણ નથી.
ઇઝરાયલ સાથે ભારત ગાઢ સુરક્ષા સંબંધો ધરાવે છે જ્યારે રોજગાર, વિદેશી હુંડિયામણ અને ઊર્જાની દૃષ્ટિએ આરબ દેશો બહુ મહત્વપૂર્ણ છે.
ભારતમાં લોકો શું પ્રતિક્રિયા આપી રહ્યાં છે
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદનનો ભારતનો દક્ષિણપંથી વર્ગ વખાણ કરી રહ્યો છે. દક્ષિણપંચી વિચારધારાના સમર્થકો નેતન્યાહુને મધ્ય-પૂર્વમાં હીરો તરીકે જુએ છે.
છેલ્લાં ઘણા દિવસોથી ભારતમાં પણ #IStandWithIsrael #ISupportIsrael નો ઘણો ઉપયોગ થાય છે. સત્તાધારી પક્ષ ભાજપના કેટલાક મોટા નેતાઓએ ઇઝરાયલ માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
બિહાર ભાજપ અધ્યક્ષ ડૉ. સંજય જયસ્વાલે ટ્વિટર પર લખ્યું છે કે "દરેક દેશ પાસે આત્મરક્ષણનો અધિકાર છે. હું ઇઝરાયલની સાથે છું."
કેટલાક અન્ય નેતાઓએ પણ આવી જ ટ્વિટ કરી છે.
પરંતુ કૉંગ્રેસ પાર્ટીની દલિત પાંખે તેના પર કટાક્ષ કર્યો છે.
દલિત પાંખે ટ્વિટર પર લખ્યું, "#IStandWithIsrael #ISupportIsrael હૅશટેગનો ઉપયોગ કરીને અંધ-ભક્તો આખો દિવસ ટ્વિટ કરી રહ્યાં છે અને બીજી બાજુ ઇઝરાયલના વડા પ્રધાને તેમના સમર્થનને કોઈ મહત્ત્વ આપ્યું નથી. ભક્તા માટે તો 'બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ કેવી રીતે વિશ્વ ગુરુ બનાવશો ભક્તો? "
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો