You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ : હમાસે કહ્યું સૌથી હત્યારો રવિવાર, નેતન્યાહૂએ કહ્યું, જલદી શાંતિ નહીં
પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચેનો હિંસક સંઘર્ષ એક અઠવાડિયા પછી પણ ચાલી રહ્યો છે. સોમવારે સવારે ઇઝરાયલની સેનાએ ગાઝામાં અનેક વિસ્તારોમાં 80 હવાઈ હુમલાઓ કર્યા. આની અગાઉ પેલેસ્ટાઇની ચરમપંથી સંગઠન હમાસે દક્ષિણ ઇઝરાયલમાં રૉકેટ હુમલાઓ કર્યાં.
ગાઝાસ્થિત પેલેસ્ટાઇની અધિકારીએ અઠવાડિયાથી ચાલી રહેલી હિંસામાં રવિવારે થયેલી હિંસાને સૌથી "ખૂની દિવસ" ગણાવ્યો. એમણે કહ્યું, રવિવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં 42 લોકોનાં મૃત્યુ થયાં જેમાં 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે.
આ તરફ ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ગાઝામાં આવેલી પેલેસ્ટાઇની ચરમપંથી સમૂહો સામેનું ઇઝરાયલનું સૈન્ય અભિયાત પૂરી તાકાત સાથે ચાલુ રહેશે.
નેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી જરૂરી હશે ત્યાં સુધી અમે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખીશું, શાંતિ સ્થાપિત થવામાં હજી સમય લાગશે.
અનેક દેશોએ શાંતિ માટે અપીલ કરી છે ત્યારે સંઘર્ષવિરામની આંતરરાષ્ટ્રીય કોશિશને ફગાવી દેતા રવિવારે ટીવી પર સંબોધન દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસની સામે તેમનું સૈન્ય અભિયાન 'પૂરી તાકાતથી ચાલુ રહેશે.'
રવિવારે થયેલી ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટ બેઠકમાં તેમણે કહ્યું, "આંતકી સંગઠનો સામે અમારું અભિયાન પૂરી તાકાતથી ચાલુ રહેશે. અમે અત્યારે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ અને ત્યાં સુધી કરશું જ્યાં સુધી જરૂર પડે અને તમારા માટે ઇઝરાયલના નાગરિકો માટે શાંતિ સ્થાપિત ન થાય. આ સમય લેશે."
બાદમાં બપોરે થયેલા એક સંવાદદાતા સંમેલનમાં નેતન્યાહુએ સમર્થન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો આભાર માન્યો કે તેમને એ વાતનો અહેસાસ છે કે આ મામલે તેમના પર "દબાણ" છે.
ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન એટલે કે ઓઆઈસીએ રવિવારે થયેલી કટોકટીની બેઠકમાં પેલેન્સ્ટાઇનવાસીઓ પર હુમલા માટે ઇઝરાયલની આલોચના કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠકમાં બાદ એક નિવેદન જાહેર કરીને ઓઆઈસીએ ચેતવણી આપી કે ધાર્મિક સંવેદનાઓને ભડકાવવાની જાણજોઈને કરાઈ રહેલી કોશિશો, પેલેન્સ્ટાઇની લોકો અને ઇસ્લામિક દુનિયાની ભાવનાઓને ભડકાવવાની ઇઝરાયલની કોશિશોનાં ભયાનક પરિણામ હશે.
સમાધાનના માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો
એક તરફ ઇઝરાયલે હમાસના નેતા યાહ્યા અલ-સિનવારના ગાઝાસ્થિત ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા છે ત્યારે બીજી તરફ ઇઝરાયલ અને ગાઝાના હમાસ વચ્ચેની હિંસાનો ઉકેલ લાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો ઝડપી બનાવવામાં આવી રહ્યા છે.
ઇઝરાયલ પહોંચેલા અમેરિકાના દૂત હૈદી અમ્રે ઇઝરાયલના રક્ષા મંત્રી અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. વળી, ઇજિપ્તે પણ બેઉ દેશો વચ્ચે સંઘર્ષ વિરામ માટે મધ્યસ્થીની કવાયત ઝડપી બનાવી છે.
રવિવારે મળી રહેલી ઇસ્લામિક દેશોના સમૂહ ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉઑપરેશનની એક મહત્ત્વની બેઠકમાં સાઉદી અરેબિયાએ "પેલેસ્ટાઇનિયન લોકોનાં અધિકારોના ઉલ્લંઘન" માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. હાલ આ બેઠક ચાલી રહી છે.
રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ મુદ્દે ચર્ચા માટે એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે.
આ મામલે ચર્ચા માટે યુરોપિયન યુનિયનમાં સામેલ દેશોના વિદેશમંત્રીઓની પણ એક બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં યુરોપિયન યુનિયન કેવી રીતે હિંસા અટકાવવામાં યોગદાન આપી શકે તે વિશે વાત થશે.
પોપ ફ્રાંસિસ અને જર્મન સરકારે બેઉ પક્ષોને અપીલ કરી છે કે વાતચીતને રસ્તે સમસ્યાનું સમાધાન શોધવામાં આવે.
ઇઝરાયલના નિશાના પર હમાસ નેતાનું ઠેકાણું
ઇઝરાયલના જેટ વિમાનોએ રવિવારે ગાઝામાં સતત સાતમા દિવસે ફરીથી નવા હુમલાઓને અંજામ આપ્યો. આ હુમલાઓમાં ગાઝામાં હમાસના નેતા યાહ્યા અલ-સિનવારના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું.
સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવુ છે કે રવિવારે થયેલા ઇઝરાયલના રૉકેટ હુમલામાં અત્યાર સુધી 26 લોકોનાં મૃત્યુ થયાં છે. આ હુમલામાં બે ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતા.
સામે, હમાસ ચરમપંથીઓએ પણ ઇઝરાયલ તરફ અનેક રૉકેટ હુમલા કર્યા છે.
ગાઝાનો 41 બાળકો માર્યાં ગયાં હોવાનો દાવો, ઇઝરાયલે કહ્યું 'ચાલુ રહેશે હુમલાઓ'
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ એક સપ્તાહ બાદ પણ ચાલુ છે અને બન્ને પક્ષ એકબીજા પર હુમલા કરી રહ્યા છે.
બીબીસીની અરેબિક સેવાના જણાવ્યા અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો કર્યો છે, જ્યારે બીજી તરફ તેલ અવિવના આકાશમાં મોટા પ્રમાણમાં રૉકેટો છોડવામાં આવ્યાં છે.
ગાઝાપટ્ટીના અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે અને કેટલાકને ઈજા પહોંચી છે.
બીજી તરફ ભારે સંખ્યામાં છોડવામાં આવેલાં રૉકેટોએ તેલ અવિવ શહેરના આકાશને ધણધણાવી દીધું. સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર રૉકેટ ફાયર થતાં જ શહેરમાં સાયરનો વાગવાં લાગ્યાં અને લોકો બંકરોની અંદર દોડી ગયા. આ દરમિયાન દસ લોકોને ઈજા પહોંચી.
ઇઝરાયલ પર મિસાઇલ કે રૉકેટોથી હુમલો કરાય ત્યારે ચેતવણીના ભાગરૂપે શહેરમાં સાયરન વાગવા લાગે છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લઈ લે છે.
હુમલાઓ ચાલુ રાખવાની નેતન્યાહુની ચેતવણી
આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયે બન્ને પક્ષને સંઘર્ષવિરામની ભલામણ કરી છે.
શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુ અને પેલેસ્ટાઇનના વડા પ્રધાન મહમૌદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી અને સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.
રવિવારે આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદની બેઠક પણ મળી રહી છે.
ગત સોમવારે શરૂ થયેલા આ સંઘર્ષમાં ગાઝામાં 148 લોકો માર્યા ગયા હોવાનું પેલેસ્ટાઇનિયન અધિકારીઓએ જણાવ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં બે બાળકો પણ સામેલ છે.
ઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં માર્યા ગયેલા લોકોમાં કેટલાય ચરમપંથીઓ સામેલ છે. જ્યારે પેલેસ્ટાઇનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં 41 બાળકોનો સમાવેશ થાય છે.
આ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ 'શક્તિશાળી જવાબ આપવાનું ચાલુ' રહેશે એવી વાત કરી છે.
શનિવારે ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે 'જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી લડત ચાલુ રહશે.' જોકે, તેમણે નાગરિકોનો ભોગ ન લેવા એ માટે બનતા પ્રયાસ કરવાની પણ વાત કરી.
મીડિયા કાર્યાલયો પર હુમલો અને અમેરિકાની ચેતવણી
ગાઝાપટ્ટીમાં એક બહુમાળી ઇમારત પર કરાયેલા ઇઝરાયલી હુમલા બાદ અમેરિકાએ ઇઝરાયલને કહ્યું છે કે તે પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જૅન સાકીએ ટ્વીટ કીને કહ્યું, "અમે સ્પષ્ટ રીતે ઇઝરાયલને કહ્યું છે કે તમામ પત્રકારો અને સ્વતંત્ર મીડિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમની મહત્ત્વની જવાબદારી છે."
આ પહેલાં શનિવારે ઇઝરાયલના એક હવાઈ હુમલામાં ગાઝાની એક બહુમાળી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઇમારતમાં કેટલીય વિદેશી ન્યૂઝ ચેનલોનાં કાર્યાલયો હતાં.
અત્યાર સુધી આ હુમલામાં જાનની ખુવારીના કોઈ સમાચાર નથી.
ગાઝામાં એક ટાવર બ્લૉકને તબાહ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં સમાચાર સંસ્થા ઍસોસિયેડેટ પ્રેસ અને કતારની સમાચાર ચેનલ અલ-જઝીરાની ઑફિસ હતી.
રૉયટર્સ સમાચાર સંસ્થાએ કહ્યું કે, બિલ્ડિંગના માલિકને ઇઝરાયલ તરફથી હુમલાની ચેતવણીને પગલે આ હુમલા અગાઉ જ બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ હતી.
આ 12 માળની ઇમારતમાં અનેક ઍપાર્ટમેન્ટ અને અન્ય ઑફિસો હતી. બીબીસીના જેરૂસલેમ બ્યૂરોએ કહ્યું કે, ગાઝાસ્થિત બીબીસીની ઑફિસ આ બિલ્ડિંગમાં નથી.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે એમણે ગાઝાસ્થિત એક ટાવરને ધ્વસ્ત કરી દીધો જેમાં હમાસનું એક ઠેકાણું હતું.
સેનાએ કહ્યું કે, જે ઇમારતમાં અલ-જઝીરા અને એપીની ઑફિસ હતી એના પર એણે હુમલો કર્યો હતો.
સેનાએ એમ પણ કહ્યું કે, હુમલા અગાઉ સામાન્ય નાગરિકોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ સમય પર ઇમારતમાંથી નીકળી જાય.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે આ ઇમારતમાં હમાસનો "સૈન્યસરંજામ" હતો અને અહીં રહેનારા લોકોનો એક "માનવમુખોટો" તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
જોકે, આ બિલ્ડિંગના માલિકે આ વાતનો ઇનકાર કર્યો છે.
કેવી રીતે ભડકી હિંસા?
જેરૂસલેમમાં ગત એક મહિનાથી ચાલી રહેલી અશાંતિ બાદ હિંસાની શરૂઆત થઈ હતી.
આની શરૂઆત પૂર્વ જેરૂસલેમમાં પેલેસ્ટાઇનિયન પરિવારોને કાઢવાની ધમકી પછી શરૂ થઈ જેને યહૂદીઓ પોતાની જમીન ગણાવે છે અને ત્યાં વસવાટ કરવા માગે છે. આને કારણે આરબ વસતિવાળા વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હતું.
ગત અઠવાડિયે શુક્રવારે જેરૂસલેમસ્થિત અલ-અક્સા મસ્જિદ પાસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક હિંસક અથડામણ થઈ.
અલ-અક્સા મસ્જિદ પાસે પહેલાં પણ બેઉ પક્ષો વચ્ચે ઘર્ષણ થતું રહ્યું છે પરંતુ ગત શુક્રવારની હિંસા 2017 પછીની સૌથી ગંભીર હતી.
અલ-અક્સા મસ્જિદને મુસ્લિમો અને યહૂદીઓ બેઉ પવિત્ર સ્થળ માને છે.
1967માં મધ્ય-પૂર્વ યુદ્ધ પછી ઇઝરાયલે પૂર્વ જેરૂસલેમને પોતાના નિયંત્રણમાં લઈ લીધું અને તે આખા શહેરને તેની રાજધાની માને છે.
જોકે, આંતરરાષ્ટ્રીય સમુદાય તેનું સમર્થન નથી કરતો. પેલેસ્ટાઇનિયન પૂર્વ જેરૂસલેમને એક આઝાદ પ્રદેશની ભવિષ્યની રાજધાની તરીકે જુએ છે.
પાછલા અમુક દિવસોથી વિસ્તારમાં તણાવ વધ્યો છે અને આરોપ છે કે આ હિસ્સા પર હક હોવાનું કહેનાર યહૂદી પેલેસ્ટાઇનિયને બેદખલ કરવાની કોશિશ કરે જેને લઈને વિવાદ છે.
ઑક્ટોબર 2016માં સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક શાખા યુનેસ્કોના કાર્યકારી બોર્ડે એક વિવાદિત પ્રસ્તાવ પસાર કરી કહ્યું હતું કે જેરૂસલેમની ઐતિહાસિક અલ-અક્સા મસ્જિદ પર યહૂદીઓનો કોઈ દાવો નથી.
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અલ-અક્સા મસ્જિદ મુસલમાનોનો અધિકાર છે અને યહૂદીઓ સાથે તેનો કોઈ ઐતિહાસિક સંબંધ નથી. જોકે, યહૂદીઓ તેને ટૅમ્પલ માઉન્ટ કહે છે અને તેને યહૂદીઓ માટે એક મહત્ત્વનું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો