You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદી વિરુદ્ધ પોસ્ટરો : ઑટો ડ્રાઇવર, લાકડાની ફ્રેમ બનાવનારા મજૂરની ધરપકડ - TOP NEWS
કોરોના વાઇરસના રસીકરણ-અભિયાન બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લગાવેલાં પોસ્ટરો બદલ દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ આ પોસ્ટરો દિલ્હીના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યાં હતાં.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પોલીસે આ મામલે 25 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક 19 વર્ષનો યુવક પણ સામેલ છે. જેણે ભગણવાનું છોડી દીધું છે.
બીજા લોકોમાં એક 30 વર્ષના ઑટો ડ્રાઇવર છે અને 61 વર્ષના કામદાર પણ સામેલ છે, જેઓ પોસ્ટર માટે લાકડાની ફ્રેમ બનાવવાનું કામ કરે છે.
અહેવાલ અનુસાર જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગન ગરીબ અને દૈનિક મજુરો છે.
બે ટંકનાં ભોજન માટે આ લોકોએ પોસ્ટર લગાવ્યાં હતાં. પરિવારોએ અખબારને જણાવ્યું કે તેમને તો ખબર પણ નહોતી કે આ રાજકીય પોસ્ટરો છે કે કેમ.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિસ્તારોમાં આવાં પોસ્ટરો જોવાં મળ્યાં છે.
દિલ્હી પોલીસે આ મામલે 17 એફઆઈઆર પણ નોંધી છે. આરોપીઓ પર સાર્વજનિક સંપત્તિને વિકૃત કરવા સમેત અનેક કલમો ઉમેરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ધરપકડ દિલ્હી પોલીસના અલગઅલગ ચાર ડિવિઝનો તરફથી કરવામાં આવી છે. પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું, "મોદીજી, તમે અમારાં બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી દીધી?"
પરિસ્થિતિ સુધરતા ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશેઃ વિજય રુપાણી
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારો થતા ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશે.
શિક્ષણવિભાગના અધિકારીને ટાંકતાં અહેવાલ જણાવે છે કે રાજ્ય સરકાર જુન મહિનામાં ધોરણ 12ની પરીક્ષાઓનું આયોજન કરવાનું વિચારી રહી હતી.
15 મેના રોજ તે અંગેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા હતી. પરતું હાલની કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાને લેતા પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે.
1.35 લાખ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અને 5.5 લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં ધોરણ 12ની પરીક્ષા આપશે.
અહેવાલ અનુસાર 25 મેના રોજ સૅન્ટ્રલ બૉર્ડ ઑફ સેન્કડરી ઍજ્યુકેશન (સીબીએસઈ) ધોરણ 12ની પરીક્ષા બાબતે નિર્ણય લેવાનો છે. એ નિર્ણય બાદ ગુજરાત સરકાર ગુજકેટની તારીખો જાહેર કરી શક છે.
નોંધનીય છે કે આ પહેલાં કોરોના વાઇરસની સ્થિતિને જોતાં ગુજરાતના શિક્ષણવિભાગે થોડા દિવસો અગાઉ ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી નાખી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.
કોવિડ સંબંધિત સુવિધાઓ માટે આધારકાર્ડ જરૂરી નથી : યુઆઈડીએઆઈ
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર યુનિક આઈડેન્ટીફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ સ્પષ્ટતા કરી છે કે વૅક્સિન અને હૉસ્પિટલની સુવિધાઓ લેવા માટે આધારકાર્ડ જરૂરી હોવાના દાવા ખોટા છે.
એક નિવેદનમાં યુઆઈડીએઆઈએ જણાવ્યું કે કોઈ કારણોસર જો આધાર વૅરિફિકેશન સફળ ન રહે તો સંબંધિત વિભાગ અથવા એજન્સીને આધાર ઍક્ટ 2017ની કલમ 7 મુજબ સેવા આપવી પડશે.
"આવશ્યક સેવા નહીં આપવા માટે આધારકાર્ડનો એક બહાના તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં. આધારકાર્ડ માટે એક ઍક્સેપ્શન હેન્ડલિંગ મિકેનિઝમ છે, જેનું આધારકાર્ડ ન હોય ત્યારે સુવિધા આપવા માટે પાલન કરવું જોઈએ."
યુઆઈડીએઆઈએ એવું પણ કહ્યું છે કે જો વ્યક્તિ પાસે આધારકાર્ડ ન હોય તો પણ આવશ્યક સેવા માટે ના પાડી શકાય નહીં.
અહેવાલ અનુસાર વૅક્સિન લેવા માટે ફોટો ઓળખપત્ર, આધારકાર્ડની જરૂર પડે છે પરતું જો આધારકાર્ડ ન હોય તો અન્ય દસ્તાવેજનો પણ ઉપયોગ કરી શકાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો