અધધ 20 કરોડ રૂપિયા કપડાં સાથે ધોવાઈ જાય એવું બને?

સામાન્ય જિંદગીમાં કપડાં ધોવામાં સાથે અગત્યના કાગળ કે ખિસામાં રહેલી 100-500ની નોટ ધોવાઈ જાય એવું તો બનતું હોય છે પણ 20 કરોડ રૂપિયા ધોવાઈ જાય એમ બને? હા બને. દુનિયા ખૂબ મોટી છે અને જિંદગીમાં આવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે.

આવી જ એક ઘટનામાં આશરે વીસ કરોડની મોટી લોટરી જીતનાર હવે એનો દાવો કરી શકે એમ નથી કારણ કે ટિકિટ જ કપડાં સાથે ધોવાઈ ગઈ છે.

26 મિલિયન ડૉલર (અંદાજે 19 કરોડ 52 લાખ રૂપિયા)નું ઇનામ ધરાવતી કેલિફોર્નિયાની લૉટરી જીતવાનો દાવો કરનાર મહિલાનું કહેવું છે કે તેમનાંથી ટિકિટ નષ્ટ થઈ ગઈ છે.

મહિલાએ જણાવ્યું કે લૉટરી ટિકિટ તેમનાં પેન્ટનાં ખીસાંમાં હતી અને પેન્ટ ધોવામાં ટિકિટ ધોવાઈ ગઈ છે.

જે ટિકિટને સુપરલૉટો પ્લસ લૉટરીનું પ્રથમ ઇનામ મળ્યું છે તે નવેમ્બર મહિનામાં નોરવોક શહેરમાં આવેલા એક સુપર માર્કેટમાં વેચવામાં આવી હતી. આ શહેર લોસ એન્જલસની નજીક છે.

જે મહિલાનો પ્રથમ ઇનામ જીતવાનો દાવો છે તેમને સ્ટોરનાં સીસીટીવી ફૂટેજમાં ટિકિટની ખરીદી કરતાં જોઈ શકાય છે. આ મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

મહિલા પોતાનું પ્રથમ ઇનામ લઈ શકે એમ નથી અને ઇનામની રકમ પર દાવો કરવા માટેની સમયઅવધિ ગુરૂવારે પતી ગઈ છે.

લૉટરી આયોજકોએ જણાવ્યું કે, ઇનામની રકમ 180 દિવસમાં મેળવી લેવી જોઈએ. 14 નવેમ્બરે લૉટરીનો ડ્રો કરવામાં આવ્યો હતો.

નોરવોકમાં આવેલ સુપર માર્કેટના કર્મચારી એસ્પેરાન્ઝા હરનાનડેઝને ટાંકી કેલિફોર્નિયું વ્હિટીયર ડેલી ન્યૂઝ લખે છે કે, બુધવારે મહિલા સ્ટોરમાં આવ્યાં હતાં અને દાવો કર્યો હતો તે તેમણે પ્રથમ ઇનામ મેળવનાર ટિકિટની ખરીદી કરી હતી.

મહિલાએ જણાવ્યું કે તેમણે ટિકિટ ખોઈ નાખી છે અને સંભવતઃ જે કપડાં ધોવા માટે નાખ્યાં હતાં તેની સાથે ટિકિટ પણ ધોવાઈ ગઈ છે.

કેલિફોર્નિયામાં લૉટરીનાં પ્રવક્તા કેથી જોન્સટને અખબારને કહ્યું કે, મહિલા જે દાવો કરી રહી છે તેની ખરાઈ કરવા માટે સ્ટોરનું વીડિયો ફૂટેજ પર્યાપ્ત નથી. ઇનામની રકમ મેળવવા માટે હાથમાં ટિકિટ હોવી જોઈએ.

તેમણે જણાવ્યું કે લૉટરી આયોજકો સાથે વીડિયો શૅર કરવામાં આવ્યો છે અને તેઓ દાવાની તપાસ કરી રહ્યાં છે.

હવે ઇનામ રકમ શું થશે?

આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું કે, જો કોઈ પણ વ્યક્તિ લૉટરીના પ્રથમ ઇનામ પર દાવો નહીં કરે તો સમગ્ર રકમ કેલિફોર્નિયામાં આવેલી જાહેર શાળાઓમાં વહેંચી દેવામાં આવશે.

આયોજકોએ કહ્યું કે પ્રથમ ઇનામ મેળવનારી ટિકિટ જે દુકાનમાંથી વેચવામાં આવી હતી, તે દુકાનને લૉટરીના નિયમ પ્રમાણે 1 લાખ 30 હજાર ડૉલર આપવામાં આવ્યા છે.

લોસ એન્જલસ ટાઇમ્સને આયોજકોએ જણાવ્યું કે, આવું ભાગ્યે જ બને છે જ્યારે કેલિફોર્નિયા લૉટરી જીતનાર વ્યક્તિ ઇનામની રકમનો દાવો કર્યો નથી.

આ પ્રથમ વખત છે જ્યારે ઇનામ જીતવા છતાં ટિકિટ રજૂ થઈ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો