તૌકતે વાવાઝોડું : ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ, દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગું કહેવું છે તે ગુજરાત તરફ આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું વધારે શક્તિશાળી બની શકે છે.

હવામાન વિભાગ મુજબ એ 18 તારીખે વહેલી સવારે ગુજરાતના પોરબંદર અને મહુઆ બંદર પરથી પસાર થઈ શકે છે.

હવામાન વિભાગે 17 અને 18 મેના રોજ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને અનુમાન છે કે 155-165 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને એ સાથે વરસાદ થશે.

ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં નીચાણવાળા ગામો અને એવા વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત અસરગ્રસ્ત રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ ઉપરાંત વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર ખાતે રાજ્યના અચ્ચ અધિકારીઓની બેઠક કરી છે.

ઉલ્લેખનીય છે તૌકતે વાવાઝોડાને પગલે કેરલ અને ગોવામાં અનેક સ્થળોએ ભારે વરસાદ થયો છે અને વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો.

ગુજરાતમાં અમદાવાદમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે અને તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ભારત સરકારે વાવાઝોડાને પગલે લોકોને વૅક્સિનની અપોઇન્ચમેન્ટ બદલવા કહ્યું છે તો ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં બે દિવસ માટે વૅક્સિનેશન મુલતવી રાખવામાં આવ્યું છે.

કેરળ અને ગોવામાં વરસાદ

તૌકતે વાવાઝોડું વધારે મોટું સ્વરૂપ લઈ શકે છે એવી આશંકા રવિવારે સેવવામાં આવી રહી છે. આ વાવાઝોડાની ઝડપમાં વધારો થશે, જેના કારણે સોમવારે 160 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે ઝડપી પવન ફૂંકાઈ શકે છે.

તૌકતેના કારણે ઘણા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પણ થયો છે.

ધ હિન્દુ અનુસાર વાવાઝોડાના કારણે કેરળના અર્નાકુલમ અને કોઝિકોડ જિલ્લામાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે અને બે હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડીને રાહત કૅમ્પમાં રહેવા મજબૂર બન્યાં છે. સરકારે આ લોકો માટે 71 રાહતકૅમ્પોની વ્યવસ્થા કરી છે.

શનિવારે કેરળમાં 145.5 મિમી વરસાદ નોંધાયો છે.

ભારતીય હવામાન વિભાગના આંકડાના આધારે મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે વાવાઝોડાના કારણે વીજપુરવઠો અને કૃષિને ભારે નુકસાન થયું છે.

આરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ઉત્તર તરફ વધી રહ્યું છે અને ગોવાના પંજીમથી દક્ષિણ-પશ્ચિમ તરફ આશરે 250 કિલોમીટર અને મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ તરફ 620 કિલોમીટર દૂર પહોંચી ગયું છે.

વાવાઝોડાના કારણે તામિલનાડુના કાંઠા વિસ્તારના ઘણા જિલ્લાઓમાં અને લક્ષદ્વીપ સમૂહમાં ભારે વરસાદ થયો છે.

આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આવનારા 48 કલાકમાં કર્ણાટકના કાંઠા વિસ્તારો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઝડપી પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. તેના કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે, કાચા મકાનોને નુકસાન થઈ શકે છે અને રસ્તાઓને અસર થઈ શકે છે.

માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડું 18 મે બપોર અથવા સાંજ સુધી પોરબંદર અને નલિયા વચ્ચે પહોંચી શકે છે. તેના કારણે પવનની ઝડપ 175 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

તૌકતેના ખતરાને પગલે કંડલા પોર્ટને આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરવામેં આવ્યું છે.

અનુમાન છે કે વાવાઝોડાના ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાથી કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના જૂનાગઢ, ગીર-સોમનાથ, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ અને જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાઈ થઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગ મુજબ તૌકતે વાવાઝોડું 18 મેના રોજ ગુજરાતના કાંઠાવિસ્તારને પાર કરીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને તે સમય તેની તીવ્રતા બહુ વધારે હશે. આ વાવાઝોડું એવા સમય આવ્યું છે જ્યારે ભારત કોરોના વાઇરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે.

તૌકતે સાથે સંકળાયેલી મહત્ત્વની વાતો

કર્ણાટકના ગૃહમંત્રીએ જણાવ્યું કે શનિવારે આ વાવાઝોડું રાજ્યના કાંઠા વિસ્તારમાં પહોંચી ગયું છે.

કર્ણાટકના ગૃહમંત્રીને ટાંકતા સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે કે, "તૌકતે વાવાઝોડાએ કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. એનડીઆરએફની બે ટીમ ત્યાં હાજર છે. ઉપરાંત એસડીઆરએફની ત્રણ ટીમો પણ તહેનાત કરવામાં આવી રહી છે. આશરે એક હજાર લોકો કર્ણાટકના કાંઠા વિસ્તારમાં દિવસ-રાત કામ કરશે."

બીએમસી (બૃહન્મુંબઈ મહાનગપાલિકા) દ્વારા પાંચસોથી વધુ કોરોના વાઇરસના દરદીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે. વાવાઝોડાના કારણે ઝડપી પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થવાની સંભાવના છે.

શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે એક મિટિંગ કરી હતી. જે પાંચ રાજ્યોમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થશે, તેમાં મહારાષ્ટ્ર પણ સામેલ છે. મિટિંગમાં મુખ્ય મંત્રીએ અધિકારીઓને સર્તક રહેવા જણાવ્યું હતું. પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંઘુદુર્ગ જેવા કાંઠા વિસ્તારોમાં દરેક સુવિધા સાથે તહેનાત રહેવા માટે મુખ્ય મંત્રીએ અધિકારીઓને સૂચન કર્યું હતું.

વાવાઝોડાના કારણે ભારતીય રેલવેએ અમુક ટ્રેનો રદ કરી દીધી છે અને કેટલીક ટ્રેન મોડી ચાલી રહી છે.

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે વાવાઝોડાના કારણે દરિયાકાંઠામાં લાઇફ-સેવિંગ મશીનરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી વાવાઝોડાથી ઉત્પન્ન થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાય.

પૂર્વ-મધ્ય અને દક્ષિમ-પૂર્વ મધ્ય આરબ સાગર, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકિનારા પર માછલી પકડવા પર રોક લગાવી દેવામાં આવી છે.

વાવાઝોડાથી સર્જાતી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતીય વાયુસેનાએ 16 ટ્રાન્સપૉર્ટ વિમાન અને 18 હેલિકૉપ્ટર તૈયાર રાખ્યાં છે.

વાવાઝોડાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે દરિયાકાંઠાનાં રાજ્યોના મુખ્ય સચિવો અને સંબંધિત મંત્રાલયો સાથે કૅબિનેટ સચિવો સતત સંપર્કમાં રહેશે. ગૃહ મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

શનિવારે ભારતીય નૅવીએ કહ્યું હતું કે તેણે કેરળના કોચીના ચેલ્લનમ પંચાયતના માલાઘપડી, કંપનીપાડી અને મારૂવક્કડના પૂરગ્રસ્ત ગામોમાં મદદ પહોંચાડી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રાહતકૅમ્પમાં લઈ જવાયા હતા.

એનડીઆરએફના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે તેઓ તૈયાર છે અને આ માટે 53 ટીમો તૈયાર કરવામાં આવી છે.

એનડીઆરએફના અધિકારીઓએ કહ્યું કે 24 ટીમો પહેલેથી જ તહેનાત કરી દેવામાં આવી છે અને 29 ટીમો સ્ટેન્ડબાય છે. પાંચ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં મદદ માટે તેઓ સ્ટેન્ડબાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો