ઇઝરાયલ- પેલેસ્ટાઇન સંઘર્ષ : ગાઝામાં ચારે તરફ તબાહીના નિશાન વચ્ચે પાટા પર આવતું જીવન

ઇઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસ ચાલેલા સંઘર્ષ પછી હવે ગાઝામાં ધીમેધીમે સામાન્ય લોકોનું જીવન પર પાટા પર આવી રહ્યું છે.

શનિવારે અહીંયાં થોડા કૅફે ફરી ખૂલ્યા, દુકાનદારોએ પોતાની દુકાનો સાફ કરીને ખોલી અને માછીમારો સમુદ્રમાં માછલી પકડવા પહોંચ્યા.

ત્યારે ગાઝામાં માનવીય સહાયતા પણ પહોંચવાની શરૂઆત થઈ છે.

અધિકારીઓનું કહેવું છે કે હજારો પેલેસ્ટાઇનિયન લોકો પોતાના ઘરે પાછા આવ્યા છે, પરંતુ હુમલામાં થયેલા નુકસાનની ભરપાઈ થતા વર્ષોનો સમય લાગી જશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ખાસ કૉરિડૉર બનાવવાની માગ કરી છે જે મારફતે અહીંથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે બહાર લઈ જઈ શકાય.

હમાસ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષમાં ગાઝામાં 250થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. બંને પક્ષ પોતાની જીતનો દાવો કરે છે.

ત્યારે દક્ષિણ ઇઝરાયલમાં લોકો સંઘર્ષવિરામનો આનંદ લઈ રહ્યા છે પરંતુ તેમનું માનવું છે કે આ ક્ષેત્રમાં ફરીથી સંઘર્ષ શરૂ થવામાં કોઈ સમય નહીં લાગે.

મદદની શરૂઆત

સંયુક્ત રાષ્ટ્ર સહિત વિભિન્ન સહાયતા સંસ્થાઓના ટ્રક હવે ગાઝામાં પહોંચી રહ્યા છે, જેમાં દવાઓ, ભોજન અને ઈંધણ સામેલ છે.

આ મદદ ગાઝા પહોંચી શકે તે માટે ઇઝરાયલે કૅરેમ શેલમ ક્રૉસિંગને ખોલ્યું છે.

ઇઝરાયલી હવાઈ હુમલાને કારણે હમાસના નિયંત્રણવાળા ગાઝામાં એક લાખથી વધારે લોકોએ પોતાનાં ઘર છોડીને ભાગવું પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફનું કહેવું છે કે આ વિસ્તારના લગભગ આઠ લાખ લોકો પાસે પાઇપલાઇનથી પાણી નથી પહોંચતું.

પેલેસ્ટાઇનના અધિકારીઓનું કહેવું છે કે પહેલા કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહેલા ગાઝાને હવાઈ હુમલા પછી ફરીથી ઊભું કરવામાં કરોડો ડૉલરનો ખર્ચ થશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા માર્ગેટ હૅરિસે તરત દવાઓ અને આરોગ્યકર્મીઓની માગ કરી છે અને કહ્યું છે કે આ વિસ્તારમાં હૉસ્પિટલોમાં પહેલેથી હજારો ઈજાગ્રસ્તો છે.

વર્ષોથી ગાઝા પર ઇઝરાયલ અને ઇજિપ્તના પ્રતિબંધો છે અને તેની મારફતે લોકો અને સામાન ગાઝા પહોચે છે. બંને દેશોને ચિંતા છે કે રસ્તો ખૂલે તો એ રસ્તે હમાસ સુધી હથિયાર પહોંચી શકે છે.

'નુકસાનમાંથી ઉગરવામાં વર્ષો નહીં દાયકા લાગશે'

પેલેસ્ટાઇનના શરણાર્થીઓની યુએન એજન્સીએ કહ્યું છે કે તેમની પ્રાથમિકતા હજારો વિસ્થાપિત લોકોની ઓળખ કરીને તેમની મદદ કરવાની છે અને તેના માટે તરત 3.8 કરોડ ડૉલરની મદદની જરૂર છે.

ગુરુવારે ગાઝાની હાઉસિંગ મિનિસ્ટ્રીએ કહ્યું કે અહીંયાં 1,800 હાઉસિંગ યુનિટ રહેવા માટે અનફિટ છે અને 1,000 નષ્ટ થઈ ગયા છે.

રેડ ક્રૉસની ઇન્ટરનેશનલ કમિટીના મિડિલ ઈસ્ટ નિદેશક ફાબરિઝિયો કાર્બોની કહે છે, "બે અઠવાડિયાથી ઓછા સમયમાં થયેલા નુકસાનની ભરપાઈમાં વર્ષો નહીં બલકે દાયકાઓ લાગશે."

બૈત હાનૂનની નજીક રહેવાવાળાં સમીરા અબ્દુલ્લાહ નાસિરનું બે માળનું મકાન ધડાકામાં ધ્વસ્ત થઈ ગયું છે.

તેમણે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "અમે ઘરે આવી ગયા છીએ પણ અમારી પાસે બેસવાની પણ જગ્યા નથી. પાણી નથી, વીજળી નથી, બેડ નથી, અમારી પાસે કંઈ નથી. અમે અમારા સંપૂર્ણ તબાહ થઈ ગયેલા ઘરે આવ્યા છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો