You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામદેવ 'ઍલૉપથીને મૂર્ખ વિજ્ઞાન' કહી ફસાયા, આરોગ્યમંત્રીએ નિવેદન પરત લેવા કહ્યું- TOP NEWS
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને યોગગુરુ રામદેવને પત્ર લખીને તેમને નિવેદન પરત લેવાની વાત કરી છે.
તેમણે કહ્યું કે તેમણે તેમના નિવેદનથી "કોરોના યુદ્ધાઓનો અનાદર કરીને દેશભરની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે", આથી તેમણે વિવાદાસ્પદ નિવેદન પાછું લેવું જોઈએ.
તેમણે લખ્યું, "તમારું એ કહેવું બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે લાખો કોરોના દર્દીઓનાં મોત ઍલોપથી દવા લેવાથી થયાં છે. જો આજે દેશમાં કોરોનાથી મૃત્યુદર માત્ર 1.13 ટકા અને રિકવરી રેટ 88 ટકાથી વધુ છે, તેના માટે ઍલોપથી અને તેના ડૉક્ટરોનું મોટું યોગદાન છે."
તેમણે લખ્યું કે રામદેવનું નિવેદન ડૉક્ટરનું મનોબળ તોડનારું અને કોરોના મહામારીની સામેની લડાઈને નબળું પાડનારું સાબિત થઈ શકે છે.
તેમણે લખ્યું કે "હું સમજું છે કે તમારે કોઈ પણ મુદ્દા પર કોઈ પણ નિવેદન સમયકાળ અને પરિસ્થિતિ જોઈને આપવું જોઈએ. આવા સમયે ઇલાજની રીતોને તમાશો બનાવીને ન માત્ર ઍલોપથી બલકે એ ડૉક્ટરોની ક્ષમતા, યોગ્યતા અને તેમના ઇરાદાઓ પર પણ સવાલ કરે છે, જે અયોગ્ય છે."
ઍલૉપથીને મુર્ખ વિજ્ઞાન ગણાવવા બદલ રામદેવને IMAની નોટિસ
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)એ યોગગુરુ રામદેવના એ નિવેદન પર કાનૂની નોટિસ ફટકારી છે, જેમાં તેમણે કહ્યું હતું કે વર્તમાન સમયમાં કોવિડ-19ની સરખામણીએ ઍલૉપથીની સારવારને લીધે વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર રામદેવનો એક વીડિયો વાઇરલ થયો, જેમાં તેમણે પ્લાઝમા થૅરપીને કોવિડ-19ની સારવારની યાદીમાંથી હઠાવી લેવાના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો.
આ વીડિયોમાં રામદેવ કહી રહ્યા હતા, "ઍલૉપથી એક એવું મૂર્ખ અને દેવાળિયું વિજ્ઞાન છે કે પહેલાં ક્લૉરોક્વીન ફેલ થઈ, પછી રેમડેસિવિર ફેલ થઈ, પછી ઍન્ટી બાયૉટિક ફેલ થઈ, પછી સ્ટૅરોઇડ ફેલ થઈ અને કાલે પ્લાઝમા થૅરેપી પણ ફેલ થઈ ગઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયએશન કહ્યું છે કે રામદેવનાં નિવેદનોથી સંસ્થાનાં ગૌરવ અને વિશ્વાસ આહત થયાં છે.
હવે વિવાદ વધી જતાં પતંજલિ યોગપીઠે આ આરોપો અંગે સ્પષ્ટતા કરી છે.
'પતંજલિ આયર્વેદ લિમિટેડ'ના મેનૅજિંગ ડાયરેક્ટર બાલાકૃષ્ણે ટ્વિટર પર પતંજલિનું નિવેદન પોસ્ટ કર્યું છે.
તેમણે લખ્યું છે, "આવો, આપણ સૌ મળીને પથીઓનાં નામે ભ્રમ, અફવા અને કારણ વગરના વિવાદથી હઠી પ્રાચીન તેમજ આધુનિક વિજ્ઞાનના સમન્વયથી રોગોથી પીડિત માનવતાને લાભ પહોંચાડવામાં મદદ કરીએ. "
પતંજલિએ પોતાના બચાવામાં કહ્યું છે કે જે રીતે રામદેવનો વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરાયો છે, જે સંદર્ભથી દૂર છે.
નિવેદન અનુસાર, "રામદેવે આ વાતો એક ખાનગી કાર્યક્રમમાં કરી અને એ દરમિયાન વૉટ્સઍપ પર આવેલા કેટલાક મૅસેજ વાંચી રહ્યા હતા. સ્માવી રામદેવે આધુનિક વિજ્ઞાન પ્રત્યે કોઈ અવિશ્વાસ વ્યક્ત નથી કર્યો."
સુશીલ કુમારની પોલીસે ધરપકડ કરી, પહેલવાનની હત્યાનો આરોપ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઑલિમ્પિક વિજેતા રહેલા પહેલવાના સુશીલ કુમારની ધરપકડ કરી લીધી છે.
બે વખત ઑલિમ્પિક ચંદ્રક જીતનાર સુશીલ કુમાર પહેલવાન સાગર રાણાની હત્યા મામલે ફરાર હતા.
પોલીસ પ્રમાણે દિલ્હીના મુંડકા ખાતેથી તેમની ધરપકડ કરાઈ હતી.
ભારત માટે બે વખત ઑલિમ્પિક ચંદ્રક જીતી ચુકેલા વિશ્વ ચૅમ્પિયન પહેલવાન સુશીલ કુમાર હાલ પોલીસની પકડથી દૂર ભાગી રહ્યા હતા. તેમની ધરપકડ પર એક લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.
સુશીલ કુમાર પર પહેલવાન સાગર રાણા હત્યાકાંડમાં અપહરણ, હત્યા, ઇરાદા વગર હત્યા અને અન્ય કલમો હેઠળ FIR દાખલ છે.
છત્તીસગઢ : યુવકને થપ્પડ મારનારા કલેક્ટરની બદલી
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે એક યુવકને થપ્પડ મારનારા કલેક્ટર રણવીર શર્માની તાત્કાલિક બદલીના નિર્દેશ આપ્યા છે.
મુખ્ય મંત્રીએ યુવક સાથે થયેલી દુર્વ્યવહાર બદલ દુખ પણ વ્યક્ત કર્યું છે.
ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને જણાવ્યું, "સોશિયલ મીડિયાના માધ્યમથી સૂરજપૂર કલેક્ટર રણવીર શર્મા દ્વારા એક નવયુવક સાથે દુર્વ્યવહારનો મામલો મારા ધ્યાને આવ્યો છે. આ દુખદ અને નિંદનીય છે. છત્તીસગઢમાં આ રીતનું કોઈ કૃત્ય ચલાવી નહીં લેવાય. કલેક્ટરની તાત્કાલિક બદલીના નિર્દેશ આપ્યા છે."
બીબીસીના સહયોગી પત્રકાર આલોક પુતુલે જણાવ્યું કે મુખ્ય મંત્રીના નિર્દેશ બાદ રણવીર શર્માને ખસેડીને ગૌરવકુમાર સિંહને સૂરજપૂરના નવા જિલાધિકારી નિયુક્ત કર્યા છે.
રણવીર શર્માની સૂરજપૂરથી તાત્કાલિક બદલી કરીને તેમને મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પ્રતિક્ષારત)ના પદ પર મોકલવામાં આવ્યા છે.
રાજ્યના સૂરજપૂર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં તેઓ લૉકડાઉનના નિયમોને તોડવાના આરોપમાં એક યુવકનો મોબાઇલ જમીન પર ફેંકે છે અને તેને થપ્પડ મારતા નજર ચડે છે.
સોશિયલ મીડિયામાં લોકોના વિરોધ બાદ તેમણે આના માટે માફી પણ માગી હતી.
તેમણે કહ્યું, "મને આ વ્યવહાર બદલ પસ્તાવો થયો છે અને હું તેના માટે માફી માગું છું. મારો ઇરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો."
ગુજરાતને મદદ કરનારા PM મોદીને સ્વામીની ભલામણ, મહારાષ્ટ્ર-કેરળને વધુ રકમ ફાળવો
ન્યૂઝ 18ના એક અહેવાલ અનુસાર ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તૌકતે વાવાઝોડા બાદ વડા પ્રધાન મોદી ગુજરાતને કરેલી એક હજાર કરોડ રૂપિયા કરતાં વધુ મદદ મહારાષ્ટ્ર અને કેરળને કરવાની ભલામણ કરી છે.
તેમણ શનિવારે ટ્વીટ મારફતે કહ્યું હતું કે, "હવે જ્યારે વડા પ્રધાન ગુજરાત જઈ આવ્યા છે અને તરત જ એક હજાર કરોડ રૂપિયાની સહાય જારી કરી દીધી છે. ત્યારે તેમણે મહારાષ્ટ્ર અને કેરળને પણ આના કરતાં વધુ સહાય જારી કરવી જોઈએ. કારણ કે ત્યાં વધુ નુકસાન થયું છે. પરંતુ વડા પ્રધાન ત્યાં નથી જઈ શક્યા."
નોંધનીય છે કે તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું તે બાદ વડા પ્રધાન મોદીએ બુધવારે રાજ્યનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હોવાના અહેવાલો જોવા મળ્યા હતા.
આ સિવાય ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યમાં થયલા નુકસાનની પરિસ્થિતિનો અંદાજ કાઢવા માટે હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં 12 ડ્રોપઆઉટ અને બી. એ. થયેલા નકલી ડૉક્ટરો પકડાયા
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ગુરુવાર સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાંથી કથિતપણ બી. એ. ડિગ્રીધારક ડૉક્ટરની ધરપકડ કરાઈ હતી.
34 વર્ષીય આરોપી પાછલાં સાત વર્ષથી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતા હતા.
નોંધનીય છે કે એક અઠવાડિયા અગાઉ પોલીસે સુરેન્દ્રનગરમાંથી જ એક 12મું ધોરણ ડ્રોપઆઉટ વ્યક્તિની ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.
પોલીસ અનુસાર સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા તાલુકાના બાવલીગામમાં દરોડો પાડીન તેમણે આરોપી આશારામ દલવાડીની ધરપકડ કરી હતી.
મળેલ માહિતી અનુસાર દલવાડી તેમના ગામના શરદી, ખાંસી, તાવ અને કળતરની સમસ્યાવાળા દર્દીઓનો ઇલાજ કરતાં હતા. નોંધનીય છે કે આ તમામ લક્ષણો કોરોનાનાં પણ છે.
મોદી સરકારનાં સાત વર્ષ નિમિત્તે કોઈ ઉજવણી નહીં, સેવા પર ધ્યાન આપો : ભાજપ
ન્યૂઝ 18ના એક અહેવાલ પ્રમાણે આગામી 30 મેના રોજ વડા પ્રધાન મોદીની સરકારના શાસનને સાત વર્ષ પૂરાં થવાનાં છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આ પ્રસંગ અંગે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવાની પાર્ટીની કૅડરની સૂચના આપી છે.
અહેવાલ મુજબ જે. પી. નડ્ડાએ દેશમાં તાજેતરમાં વણસી રહેલી કોરોનાની પરિસ્થિતિને જોતાં આ નિર્ણય લીધો છે.
પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડાના પત્રમાં સૂચના આપતાં લખાયું છે કે, "વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે આપણી ફરજ છે કે કોરોનાના આ કપરા સમયમાં આપણી પ્રાથમિકતા લોકોને વધુમાં વધુ રાહત. પહોંચાડવાની હોવી જોઈએ."
"'સેવા જ સંગઠન' કાર્યક્રમ અંતર્ગત આપણને સત્તાનો દોર આપનાર લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. જનતાના કારણે જ આપણી સરકાર પાછલાં સાત વર્ષોથી અસરકારક રીતે કામ કરી રહી છે."
આ પત્રમાં નડ્ડાએ સૂચના આપી હતી કે પક્ષના શાસનની સાતમી વર્ષગાંઠ નિમિત્તે કોઈ ઉજવણી કરતાં કાર્યક્રમો નહીં, પરંતુ તેના સ્થાને કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે.
નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર માટે શાસક પક્ષ ભાજપ અને અન્ય રાજકીય પક્ષોના રાજકીય મેળાવડાઓને ઘણા લોકો કારણભૂત માની રહ્યા હતા.
સરકારનો આદેશ 'ભારતીય વૅરિયન્ટ' અંગેનું ક્ન્ટેન્ટ હઠાવે સોશિયલ મીડિયા કંપનીઓ
ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કહ્યું છે કે તેઓ પોતાનાં પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરાયેલી તમામ પોસ્ટ હટાવે જેમાં કોવિડ-19ના 'ભારતીય વૅરિયન્ટ'ની વાત કહેવાઈ છે.
ભારત સરકારના સૂચના અને ટૅકનૉલૉજી મંત્રાલયે કહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસના B.1.617 વૅરિયન્ટને 'ભારતીય વૅરિયન્ટ' નથી કહ્યો, તેથી તેને 'ભારતીય વૅરિયન્ટ' કહેવું ખોટું છે.
જોકે, કોરોના વાઇરસના વૅરિયન્ટને એ સ્થાનો સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે જ્યાં તેઓ સૌપ્રથમ મળી આવ્યા હોય, જેમ કે બ્રિટનનો વૅરિયન્ટ અને બ્રાઝિલમાં મળી આવેલો વૅરિયન્ટ.
પાછલા મહિને ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓથી કોરોના મહામારી સામે ઝઝૂમવાને લઈને સરકારની ટીકા કરનારી પોસ્ટ હઠાવવા વિશે કહ્યું હતું જે બાદ સરકારની ઘણી ટીકા થઈ હતી.
પ્રખ્યાત મેડિકલ જર્નલ ધ લૅન્સેટ પોતાના આઠ મેના અંકના એડિટોરિયલમાં વડા પ્રધાન મોદીની ટીકા કરતાં લખ્યું છે કે તેમનું ધ્યાય ટ્વિટર પર પોતાની ટીકાને દબાવવા પર વધુ અનને કોવિડ-19 મહામારી પર કાબૂ મેળવવા પર ઓછું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો