તૌકતે વાવાઝોડું : શું ગુજરાતમાં હવે દર વર્ષે મોટાં વાવાઝોડાં આવશે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં તૌકતે વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તારાજી સરજી છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. લક્ષદ્વીપથી સર્જાઈને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું આ વાવાઝોડું ઘણી ખરી રીતે અલગ છે.

ભારત દેશમાં એક તરફ પૂર્વના પ્રદેશો - બંગાળ, ઓડિશા, આસામ વગેરેમાં જ્યારે વાવાઝોડાનું પ્રમાણ વધારે જોવા મળે છે, ત્યાં અહીં પશ્ચિમના પ્રદેશોમાં તેની સરખામણીએ વાવાઝોડાં ઓછાં જોવાં મળે છે.

જોકે આ વાત હવે આવનારા દિવસોમાં સાચી નહીં રહે.

નિષ્ણાતોએ તો એ હદ સુધી શંકા વ્યક્ત કરી છે કે હવે ગુજરાત રાજ્યે લગભગ દર વર્ષે એક મોટા વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે.

ગુજરાતના જિલ્લાઓમાં બદલાતું વાતાવરણ

એક તરફ ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતી જતી ગરમી અને દેશના વિવિધ જિલ્લાઓમાં બદલાતું વાતાવરણ- જેના કારણે દેશમાં દુષ્કાળ, પૂર અને વાવાઝોડા જેવી ક્લાઇમેટિક સમસ્યાની સંખ્યા વધતી રહી છે.

કાઉન્સિલ ઑન એનર્જી, એન્વાયરમેન્ટ ઍન્ડ વૉટરે એક રિસર્ચ કર્યું હતું. જેમાં મુખ્યત્વે જાણવા મળ્યું હતું કે અનેક જિલ્લાઓમાં પણ કુદરતી આફતોનો ચહેરો બદલાઈ રહ્યો છે, એટલે કે દુષ્કાળ પડતો હોય તેવા જિલ્લામાં હવે પૂર આવી રહ્યું છે. અને પૂરવાળા જિલ્લામાં દુષ્કાળ પડી રહ્યો છે.

આ સંસ્થાએ ભારત સરકારના હવામાન ખાતા તેમજ ફાઇનાન્સ ખાતાના આંકડાની માહિતી ઉપરાંત બીજા સરકારી અને બિનસરકારી લોકોની મદદથી આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ રિપોર્ટમાં નોંધાયું છે કે, એક તરફ 1970થી 2005ના સાડા ત્રણ દાયકામાં કુદરતી હોનારતો કે એક્સ્ટ્રીમ ક્લાઇમેટિક ઇવેન્ટસની સંખ્યા 205 હતી, જેની સંખ્યા માત્ર દોઢ દાયકામાં 310 થઈ ચૂકી છે.

આ એક્સ્ટ્રીમ ક્લાઇમેટિક ઇવેન્ટમાં પૂર, દુષ્કાળ, વાવાઝોડા જેવી ઘટનાઓ સામેલ છે.

જોકે આ તમામ જિલ્લાઓમાં ગુજરાતના પણ તમામ 33 જિલ્લા સામેલ છે.

આ રિપોર્ટ એકંદરે આખા ભારત દેશના વિવિધ જિલ્લા પર આધારિત છે, પરંતુ બીબીસી ગુજરાતીએ CEEWના પ્રોગ્રામ લીડ, અબિનાશ મોહન્તી સાથે ગુજરાત વિશે વાત કરી.

સવાલ - છેલ્લાં બે વર્ષમાં ગુજરાત પર ત્રણ વાવાઝોડાંનો ભય રહ્યો હતો, જેમાંથી તૌકતે તો લેન્ડફૉલ કરીને તારાજી સર્જી છે, આવું કેમ થઈ રહ્યું છે?

અબિનાશ મોહન્તી - આ તમામ વાવાઝોડાં 'અરેબિયન સી'માં ઉદ્ભવ્યાં હતાં.

ગ્લોબલ વૉર્મિંગને કારણે અરેબિયન સીનું તાપમાન બીજા તમામ સમુદ્રોની સરખામણીમાં વધુ છે.

તેના વાતારણમાં 1.2થી 1.4 ડિગ્રીનો વધારો થયો છે.

આ દરિયામાં વરસાદી ડિપ્રેશન થવું એક કુદરતી પ્રક્રિયા છે, જેના કારણે વરસાદ આવે છે.

જોકે ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગરમી વધી રહી છે, બીજી બાજુ ઠંડું ડિપ્રેશન આ ગરમીને કારણે ગરમ થયેલા વાતાવરણને પોતાની તરફ આકર્ષે છે, જેને કારણે આ ડિપ્રેશન તીવ્ર બની જાય છે, અને એ તીવ્ર ડિપ્રેશન પછી વાવાઝોડાનું સ્વરૂપ લઈ લે છે.

ગુજરાતમાં છેલ્લાં અમુક વર્ષોમાં વધતી જતી ગરમીને કારણે આ વરસાદી ડિપ્રેશન તીવ્ર થઈ જાય છે.

સવાલ- ગુજરાતમાં એક્સ્ટ્રીમ ક્લાઇમેટિક ઇવેન્ટની વાત કરીએ તો પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ રહી છે?

અબિનાશ મોહન્તી - અમારી સ્ટડી દરમિયાન અમને જાણવા મળ્યું છે કે ગુજરાતના 33માંથી 29 જિલ્લાનું માઇક્રો ક્લાઇમેટ બદલાઈ રહ્યું છે.

જેમ એક દેશના વાતાવરણની એક પૅટર્ન હોય છે, તેવી જ રીતે દરેક જિલ્લાના વાતાવરણની એક પૅટર્ન હોય છે, કોઈ જિલ્લામાં વધારે વરસાદ હોય છે તો કોઈ જિલ્લો સૂકો રહે છે.

ગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં જોવા મળ્યું છે કે લગભગ 29 જિલ્લાનું માઇક્રો ક્લાઇમેટ બદલાઈ રહ્યું છે.

આ બદલાતી પ્રક્રિયા હજી વધારે બદલાશે, અને આવનારા દિવસોમાં તૌકતે જેવાં બીજાં અનેક વાવાઝોડાંનો સામનો ગુજરાતે કરવો પડશે.

છેલ્લાં 50 વર્ષમાં ગુજરાતમાં વાવાઝોડાંની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

સવાલ - તો કયા જિલ્લામાં ખાસ બદલાવ દેખાયા?

અબિનાશ મોહન્તી - અમારી સ્ટડી જિલ્લા સ્તરે રિસ્ક ઍસેસમેન્ટ હેઝાર્ડસ સ્ટડી છે.

તેમાં અમે જિલ્લા સ્તરે વાતાવરણ કેવી રીતે બદલાઈ રહ્યું છે, તેનો અભ્યાસ કર્યો હતો.

પહેલાં એવું જોવા મળતું હતું કે ગુજરાત જેવા પશ્ચિમી રાજ્યોમાં વધુ વાવાઝોડાં આવતાં ન હતાં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

એમ તો 29 જિલ્લામાં મોટા ફેરફાર થયા છે, પરંતુ સૌથી વધારે અસર આવનારા દિવસોમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં જોવા મળશે, જેની શરૂઆત તૌકતેથી થઈ ચૂકી છે.

અને આવનારા દિવસોમાં આ જિલ્લાઓને હજી વધારે સારી રીતે તૈયાર રહેવું પડશે.

સવાલ - આવું કેમ થઈ રહ્યું છે?

અબિનાશ મોહન્તી - ઝડપી વિકાસ માટે આપણે અસ્થિર વિકાસ તરફ વળ્યા છીએ.

ગુજરાતના દરિયા કિનારાઓ પરથી અનેક સ્થળેથી મેન્ગ્રોવને હઠાવી દેવાયાં છે.

ગરમ વાતાવરણને અહીં જ રોકી રાખવા માટેનું આ એક કુદરતી સાધન છે, અને તે જ્યારે હઠી ગયું છે, ત્યારે ગરમ વાતાવરણ સીધેસીધું જ અરબ સાગર સુધી પહોંચી જાય છે.

એટલે દરિયાકાંઠાનાં મેન્ગ્રોવ્સ ખૂબ જ મહત્ત્વનાં છે, વાવાઝોડાને રોકવા માટે, જે હવે ધીરેધીરે ખતમ થઈ ચૂક્યાં છે.

સવાલ - તો શું ગુજરાતમાં હવે વરસાદ વધારે આવશે?

અબિનાશ મોહન્તી - ના એવું નથી. એક તરફ જ્યારે છેલ્લાં 50 વર્ષમાં ગુજરાતમાં વાવાઝોડાંની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, ત્યાં દુષ્કાળમાં ગુજરાતમાં નવ ગણાનો વધારો છે.

એટલે કે દુષ્કાળની તીવ્રતા વધી રહી છે અને જ્યારે દુષ્કાળ ન હોય અને પૂર હોય તો પૂરની સંખ્યામાં અમારા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ચાર ગણો વધારો છે.

એટલે કે કુદરત પર નિર્ભર રહેતા ધંધા-વ્યાપારના લોકો માટે વાતાવરણની કોઈ જ ગૅરન્ટી નથી.

કોઈ વર્ષે બહુ વધારે વરસાદ આવી જશે, તો કોઈ વર્ષે વરસાદ આવશે જ નહીં, અને હવે વાવાઝોડાં પણ આવતાં રહેવાની શક્યતાઓ છે.

સવાલ - તો આગળ શું કરવું પડશે?

અબિનાશ મોહન્તી - મેં પહેલાં કહ્યું તેમ, તૌકતે એક શરૂઆત છે, આવાનાર સમયમાં આપણે પૉલિસી લેવલથી મૂળથી બદલાવ કરવો પડશે.

આપણી માળખાકીય સુવિધાઓ હજી ખૂબ વધારવી પડશે.

લોકો માટે વધુ સારી અને ઝડપી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી પડશે, કારણ કે આવનારા દિવસોનાં વાવાઝોડાં આપણને તૈયારી કરવા માટે વધુ સમય નહીં આપે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો