તૌકતે વાવાઝોડું : વાવાઝોડાથી બચવા માટે શું કરશો?

ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ 'તૌકતે' વાવાઝોડું પણ આવી રહ્યું છે.

વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર તરફથી તૌકતે વાવાઝોડું આગળ વધ્યા બાદ હાલ ગુજરાતના કાંઠા તરફ ફંટાયુ છે. હવામાન વિભાગ અનુસાર 20 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ સાથે તે દીવથી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 280 કિલોમીટર દૂર ગતિમાન છે.

મોડી રાત્રે મહારાષ્ટ્રના તટ પાસેથી પસાર થતા મુંબઈમાં વરસાદ અને પવનની સ્થિતિ જોવા મળી હતી.

વાવાઝોડું તૌકતે ગુજરાતના કાંઠા તરફ ફંટાયું છે. જોકે, હવામાન વિભાગ અનુસાર તેની તીવ્રતા વધી રહી છે. જે ચિંતાનો વિષય છે. ગુજરાત અને દીવ બંને માટે તીવ્ર વાવાઝોડા સંબંધિત ચેતવણી જાહેર કરાઈ છે.

આ દરમિયાન, સમગ્ર સ્થિતિને કારણે એનડીઆરએફની ટીમો કોલકાતા, પૂણે અને વિજયવાડાથી અમદાવાદ આવી પહોંચી છે. વાયુસેનાની ટીમ અને અન્ય સાધન-સામગ્રી પણ આવી પહોંચી હોવાનું એનડીઆરએફનું કહેવું છે.

વાવાઝોડા પહેલાં શું કરવું?

રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ. ગભરાવું જોઈએ નહીં.

વળી સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું. અસર થનારા વિસ્તારમાં હોઈએ તો પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળાંતર કરી લેવું.

રેડિયો, ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરીસૅલ પણ રાખવા. માછીમારે દરિયો ન ખેડવો અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ.

વાવાઝોડા સમયે શું કરવું?

રાજ્ય સરકાર અનુસાર વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવું. બહાર જવાનું સાહસ ન કરવું. શક્ય હોય તો ગૅસ, વીજ કનેક્શન બંધ રાખવા.

સમાચારોથી સતત અપડેટ રહેવું અને માહિતી મેળવતું રહેવું.

વાવાઝોડા બાદ શું કરવું?

નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું. જો સ્થળાંતર કરેલ હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે જ માર્ગથી જવું.

ઉપરાંત વહીવટીતંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદ જોઈએ તો તુરંત સંપર્ક કરવો.

વાવાઝોડાની ચેતવણી મળે ત્યારે શું કરશો?

ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ આંધી અને વાવાઝોડાના સંજોગોમાં કેવી સાવચેતીઓ રાખવી જોઈએ એનાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે.

  • સ્થાનિક હવામાન અંગે જાણકારી રાખો અને વહીવટી તંત્ર તરફથી મળતી જાણકારીઓ પર ધ્યાન આપો.
  • ઘરની અંદર જ રહો, અગાશી પર ના રહો.
  • વીજળીનાં બધાં જ ઉપકરણોના પ્લગ કાઢી લો.
  • પ્લમ્બિંગ કે ધાતુનાં પાઇપને અડશો નહીં. ટાંકીમાંથી આવતાં પાણીનો ઉપયોગ ન કરો.
  • ટિનનાં છાપરાં અને ધાતુની છતવાળી ઇમારતોથી દૂર રહો.
  • ઝાડ નીચે કે પાસે શરણ ના લો.
  • જો તમે કાર કે બસની અંદર છો તો ત્યાં જ વાહન રોકી લો.
  • ધાતુથી બનેલી ચીજોનો ઉપયોગ ના કરો. ટેલીફોન અને વીજળીના તારને અડશો નહીં.
  • પાણીમાંથી તરત જ બહાર નીકળી જાવ. સ્વિમિંગ-પૂલ, સરોવર કે નાની નાવડીમાંથી તરત જ બહાર નીકળી જાવ.

વીજળી પડે ત્યારે આ વાતોનું ધ્યાન રાખો

  • જો કોઈના પર વીજળી પડે તો તરત જ ડૉક્ટરની મદદ લો. આવા લોકોને અડવાથી તમને કોઈ નુકસાન થતું નથી.
  • જો કોઈના પર વીજળી પડી હોય તો પહેલાં એની નાડી તપાસો અને જરૂર જણાય તો પ્રાથમિક ઉપચાર આપો.
  • વીજળી પડી હોય ત્યારે ખાસ કરીને બે જગ્યાઓએ દાજી જવાની સંભાવના રહેતી હોય છે. એક કે જ્યાંથી વીજળીએ શરીરમાં પ્રવેશ કર્યો હોય અને બીજો એ ભાગ કે જ્યાંથી વીજળી નીકળી હોય, જેમ કે પગનાં તળિયાં.
  • એવું પણ બની શકે છે કે વીજળી પડવાથી વ્યક્તિનાં હાડકાં તૂટી ગયાં હોય અને વ્યક્તિને સંભળાવાનું અને દેખાવાનું બંધ થઈ ગયું હોય.
  • વીજળી પડ્યા બાદ તરત જ બહાર ના નીકળો. મોટાં ભાગનાં મૃત્યુ વાવાઝોડું શમી ગયાની 30 મિનિટ પછી વીજળી પડવાથી થતાં હોય છે.
  • જો વાદળ ગરજતાં હોય અને તમારાં રુવાંટાં ઊભાં થતાં હોય તો એ વીજળી પડવાનો સંકેત હોઈ શકે. એવામાં લપાઈને ઊભડક બેસી જાવ, તમારાં હાથ ઘૂંટણ પર રાખો અને માથું બન્ને ઘૂંટણની વચ્ચે. આ મુદ્રાને કારણે તમારો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક થશે.
  • છત્રી કે મોબાઈલ ફોન ન વાપરો. ધાતુનાં માધ્યમથી વીજળી તમારા શરીરમાં પ્રવેશી શકે છે.
  • બ્રિટિશ મેડિકલ જર્નલમાં જણાવાયું છે કે કઈ રીતે 15 વર્ષની એક બાળકી પર વીજળી પડી હતી, જ્યારે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હતી. એને હાર્ટ ઍટેક આવી ગયો હતો.
  • એવી માન્યતા છે કે વીજળી એક જગ્યા પર બે વખત પડતી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો