નિસર્ગ વાવાઝોડું : એ છ વાવાઝોડાં જેનાથી ગુજરાત બચી ગયું

ગુજરાત પરથી ચક્રવાત 'નિસર્ગ'ની ઘાત લગભગ ટળી ગઈ છે. બુધવારે બપોરે આ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું હતું અને લગભગ ત્રણ કલાક બાદ તેની 'પૂંછડી' જમીન ઉપર ત્રાટકી હતી.

'નિસર્ગ' જમીન ઉપર ત્રાટક્યું, ત્યારે એક તબક્કે તેની મહત્તમ ગતિ 120 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી ગઈ હતી. વાવાઝોડું જેમ-જેમ આગળ વધતું ગયું, તેમ-તેમ તેની ગતિ ધીમી પડતી ગઈ.

બદલાયેલી પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વહીવટીતંત્ર સહિત રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.

'નિસર્ગ'એ ચાલુ વર્ષે ગુજરાત ઉપર ત્રાટકનારું પ્રથમ વાવાઝોડું છે. ગત વર્ષે અરબ સાગરમાં પાંચ વાવાઝોડાં ઉત્પન્ન થયાં હતાં, જેનાં કારણે ગુજરાતીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા.

વાવાઝોડાનું વિઘ્ન

વર્તમાન સમયમાં અરબ સાગર ઉપર પાણીનું તાપમાન 31થી 32 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું, જે વિશ્વની કોઈપણ જળસપાટીની સરખામણીએ વધુ છે. આટલું ઊંચું તાપમાન વાવાઝોડાના સર્જન માટે આદર્શ માનવામાં આવે છે.

સામાન્ય રીતે અરબસાગરની જળસપાટી ઠંડી રહેતી હોવાથી અડધોઅડધ વાવાઝોડાં ગતિ પકડી શકતા નથી.

ખાનગી હવામાન સંસ્થા 'સ્યામેટ'ની આગાહી પ્રમાણે, 'નિસર્ગ'ની ગતિ ક્રમશઃ ધીમી પડતી જશે અને બુધવાર સાંજ સુધીમાં તે સાયક્લોન ન રહેતા માત્ર 'ડિપ ડિપ્રેશન'માં ફેરવાઈ જશે.

'નિસર્ગ'ના કારણે મંગળવારથી જ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર,અમરેલી મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ અને પાલઘર તથા કેન્દ્રશાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 60 હજાર કરતાં વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

બી.બી.સી. મરાઠી સંવાદદાતા જ્હાન્વી મૂળે જણાવે છે કે રાયગઢમાં જ્યારે વાવાઝોડું ત્રાટક્યું, ત્યારે તેની મહત્તમ ગતિ 120 કિલોમિટર પ્રતિકલાક સુધી પહોંચી ગઈ હતી. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં કલાકના 70 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

ત્રણ કલાકમાં વાવાઝોડું પસાર થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા નાગરિકોને ગુરુવાર સવાર સુધી બહાર નહીં નીકળવા સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ઝાડ, હૉર્ડિંગ્સ તથા વીજળીના તારને થયેલું નુકસાન દુરસ્ત કરી શકાય.

'નિસર્ગ'ને કારણે મુંબઈ, પુના તથા રાયગઢમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની, વીજળીનાં થાંભાલ ઉખડી જવાની તથા ઝાડ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે.

અરબ સાગર, ચક્રવાત અને ગુજરાત

અરબ સાગરમાં 'નિસર્ગ'ની સાથે જ વધુ એક ડિપ-ડિપ્રેશન ઊભું થયું હતું, પરંતુ તે વાવાઝોડામાં પરિવર્તિત થયું ન હતું. સામાન્ય રીતે અરબ સાગરમાં વર્ષ દરમિયાન સરેરાશ 1.7 વાવાઝોડાંનું નિર્માણ થતું હોય છે.

અરબ સાગરમાં એક બાદ એક તુરંત વાવાઝોડાં સર્જાવા એ જ્વલ્લે જ બનતી ઘટના છે. જોકે, 2019નું વર્ષ અપવાદરૂપ હતું.

ગત વર્ષે 'હિક્કા', 'ક્યાર', 'મહા', 'વાયુ' અને 'પવન' એમ પાંચ ચક્રવાત સર્જાયાં હતાં, પરંતુ તેના કારણે ગુજરાતમાં કોઈ ચિંતાજનક ખાનાખરાબી સર્જાઈ ન હતી.

ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ'ના તારણ અનુસાર, જળવાયુ પરિવર્તનને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

એજન્સીએ વર્ષ 2019માં બહાર પાડેલા અહેવાલમાં જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વભરના હવામાનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ઉપરાંત અરબ સાગરના તાપમાન અને પવનની સ્થિતિમાં ફેરફારને કારણે વાવાઝોડાં વધારે ભીષણ બની રહ્યાં છે.

નવેમ્બર-2019માં 'મહા' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું હતું, પરંતુ તે સૌરાષ્ટ્રના દરિયાકિનારા ઉપર ત્રાટકે તે પહેલાં તેની ગતિ ઘટી ગઈ હતી અને તે 'ડિપ-ડિપ્રેશન'માં ફેરવાઈ ગયું હતું.

જોકે, તેના કારણે રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જેની માઠી અસર મગફળી, અડદ અને ડાંગર જેવા પાક લેનાર ખેડૂતોને થઈ હતી, કારણ કે પાક તૈયાર હતો, ત્યારે જ વરસાદ ખાબક્યો હતો.

આ પહેલાં જૂન-2019માં સૌરાષ્ટ્રના દરિયાકિનારે 'વાયુ' વાવાઝોડું સૌરાષ્ટ્ર, પાકિસ્તાન તથા ઓમાનના દરિયાકિનારે ત્રાટકવાનું હતું. 1998 પછી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચડનારું આ પ્રથમ વાવાઝોડું હતું, પરંતુ તે કિનારે પહોંચે તે પહેલાં જ નબળું પડી ગયું હતું.

સપ્ટેમ્બર-2019માં 'હિક્કા' ભારત અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળવાનું હતું, પરંતુ સાયક્લોન (ઘડિયાલથી વિપરીત ગતિ)ની સાથે ઍન્ટિ-સાયક્લોન (ઘડિયાલની દિશામાં ગતિ કરતાં પવન) ઊભા થતા આ વાવાઝોડું દરિયામાં જ સમાઈ ગયું.

ઑક્ટોબર-2019 વધુ એક વખત અરબ સાગરમાં ઘાતક વાવાઝોડું 'ક્યાર' ઉદ્દભવ્યું હતું. 2007ના 'ગોનુ' વાવાઝોડા બાદનું આ પછીનું સૌથી ભયાનક વાવાઝોડું હતું. તેના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, પાકિસ્તાન તથા ઓમાનના દરિયા કિનારામાં ઊંચી લહેરો ઉઠી. અંતે તે યમનના સોકોટરા પાસે સમાઈ ગયું.

ડિસેમ્બર - 2019ના પ્રથમ સપ્તાહ અરબ સાગરમાં 'પવન' વાવાઝોડું ઉત્પન્ન થયું, જે વર્ષનું પાંચમું અને અંતિમ સાયક્લોન હતું. હવામાનશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે, 1902 પછી પહેલી વખત અરબ સાગરમાં એક જ વર્ષમાં પાંચ-પાંચ વાવાઝોડાં નોંધાયાં હોય.

તે ભારતના તટીય વિસ્તારોને સ્પર્શવાનું ન હતું, છતાં સાવચેતીનાં પગલાંરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. અંતે તે સોમાલિયા નજીક દરિયામાં સમાઈ ગયું.

મે મહિનાના અંતભાગમાં બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું 'અંફન' વાવાઝોડું પશ્ચિમ બંગાલ તથા ઓડિશાની ઉપર ત્રાટક્યું હતું. જેમાં પશ્ચિમ બંગાલમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સેંકડો કરોડની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો