You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cyclone Eye : તૌકતે વાવાઝોડાની આંખ ગુજરાતમાં જ્યાંથી પસાર થઈ, ત્યાં શું થયું?
તૌકતે વાવાઝોડું હવે ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે, ભારત સરકારના હવામાનવિભાગે કહ્યું કે તૌકતે વાવાઝોડું હાલ નબળું પડી ગયું છે અને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે.
તૌકતે વાવાઝોડાની સાથે-સાથે વાવાઝોડાની આઈ અંગે પણ વાત થઈ રહી છે, જેના વિશે હવામાનવિભાગ માહિતી આપી રહ્યો છે.
આ આઈ શું છે? તૌકતે વાવાઝોડાની આંખ ક્યાં છે અને તે કેટલો વ્યાસ ધરાવે છે? આ આંખ ગુજરાતમાં ક્યાંથી પસાર થઈ? તે વિશેની માહિતી ગ્રાફિક દ્વારા હવામાનવિભાગ આપી રહ્યો છે.
સાયક્લોન આંખ કઈ રીતે બને છે?
જે વિસ્તારમાં 'આંખ' હોય, ત્યાં તેની ઉપર વાતાવરણ એકદમ ચોખ્ખું હોય છે.
વૈજ્ઞાનિક ભાષામાં આંખનો ભાગ 'ક્લાઉડ ફ્રી' વિસ્તાર હોય છે.
વાવાઝોડાની આંખ દેખાય એનો શો અર્થ?
ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં આંખ દેખાય તો તેનો અર્થ એવો થયો કે તે ખૂબ જ તીવ્ર બની ગયું છે અને તેની ઝડપ 74 માઇલ એટલે કે 119 કિલોમિટર પ્રતિકલાકથી પણ વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તૌકતે જેવા ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં મોટા પ્રમાણમાં ગરમ અને ભેજવાળી હવા વાવાઝોડાના મધ્ય ભાગમાં હોય છે.
થોડા સમય બાદ સમગ્ર હવા વાવાઝોડાની ઉપરની તરફ વાવાઝોડાના મધ્યમાં ભેગી થાય છે.
આંખ વાવાઝોડાનું કેન્દ્ર છે અને આ બિંદુની આજુબાજુ સમગ્ર તોફાન ફરતું હોય છે. આંખની ઉપરનું આકાશ એકદમ ચોખ્ખું હોય છે અને પવનની ઝડપ ઓછી હોય છે. ખરેખર તો આ વાવાઝોડાનો સૌથી શાંત વિસ્તાર હોય છે.
સાયક્લોન આંખ કેટલી મોટી હોય?
વાવાઝોડામાં આંખનો ભાગ શું નરી આંખે જોઈ શકીએ, એટલો મોટો હોય?
આનો જવાબ હા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સ્કાયમેટ વેધરના ડિરેક્ટર જી. પી. શર્માએ જણાવે છે કે કે જો તમને વાવાઝોડામાં કાળું ટપકું દેખાય તો સમજવું કે તે તેની આંખ છે. જ્યાં આંખ હોય, ત્યાં વાયુનું આવરણ હોતું નથી."
અમેરિકાની યુનિવર્સિટી ઑફ ઇલીનોયસ્ અર્બના કૅમ્પેન દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં વાવાઝોડાના કેન્દ્રમાં દેખાતી આંખને વાવાઝોડાની સૌથી મોટી લાક્ષણિકતા ગણાવાઈ છે અને તેનો વ્યાસ 20થી 50 કિલોમિટર જેટલો હોઈ શકે છે.
નાસાના અર્થડેટાના અહેવાલ મુજબ આંખનો વ્યાસ 8 કિલોમિટરથી માંડીને 200 કિલોમિટર સુધી હોઈ શકે છે.
જોકે અભ્યાસનાં તારણરૂપે તેઓ એવું પણ નોંધે છે કે મોટાભાગનાં વાવાઝોડાંની આંખનો વ્યાસ 30થી 60 કિલોમિટર જેટલો નોંધાયો છે, એથી ઓછા કે વધારે વ્યાસની આંખ ધરાવતાં વાવાઝોડાં જૂજ મળ્યાં છે.
જી. પી. શર્માનું કહેવું છે કે "આઈનો આકાર બહુ મહત્ત્વ ધરાવે છે. જો તેનો આકાર ગોળાકાર સમમિત (સર્ક્યુલર સિમેટ્રિકલ) હોય તો તે વાવાઝોડાની તીવ્રતા દર્શાવે છે."
તૌકતે વાવાઝોડાની આંખ કેવી હતી?
શર્મા જણાવે છે કે "તૌકતે વાવાઝોડાની આંખ ગોળાકાર નહીં પણ લંબગોળ હતી, આ વાવાઝોડના કિનારા એકદમ સ્પષ્ટ નથી."
"સૌથી મહત્ત્વની વાત એ છે કે તૌકતે સાયક્લોનિક સ્ટોર્મ બની ગયું ત્યાં સુધી તેની આઈ દેખાતી હતી, આવું જવલ્લે જ બનતું હોય છે."
શર્મા જણાવે છે કે તૌકતે વાવાઝોડાની આંખનો વ્યાસ 40 કિલોમિટર જેટલો હતો.
ભારતીય હવામાન વિભાગના અધિકારી જયંત સરકાર જણાવે છે કે તેમના વિભાગ દ્વારા તૌકતેની આંખના વ્યાસની ગણતરી કરવામાં આવી રહી છે.
શર્મા તૌકતે વાવાઝોડાની આંખ વિશે છણાવટ કરતાં કહે છે કે એવો અર્થ ન કાઢવો જોઈએ કે આંખ નાની હોય તો વાવાઝોડું નબળું હશે. ઓછો વ્યાસ ધરાવતી આંખ પણ શક્તિશાળી હોઈ શકે છે."
શક્તિશાળી પિન હૉલ આંખ
બૅ ન્યુઝ9ના અહેવાલ અનુસાર 16 કિલોમિટરથી ઓછો વ્યાસ ધરાવતી આંખને પીન હૉલ આંખ કહેવામાં આવે છે.
વિશ્વનાં અનેક સૌથી શક્તિશાળી વાવાઝોડાં પિન હૉલ આંખ ધરાવતાં હતાં. આ અહેવાલ પ્રમાણે આંખ જેટલી નાની હોય, વાવાઝોડું એટલી જ ઝડપથી ફરી શકે છે.
'વિલ્મા' વાવાઝોડામાં જે આંખ હતી તે સૌથી નાની હોવાનો અંદાજ છે, જેનો વ્યાસ માત્ર 2 માઇલ એટલે કે અંદાજે 3.2 કિલોમિટર જેટલો હતો.
જ્યારે સૌથી મોટી આંખનો રેકૉર્ડ 'વિન્ની' અને 'કાર્મેન' વાવાઝોડાંના નામે નોંધાયેલો છે.
બંને વાવાઝોડાની આંખનો વ્યાસ 230 માઇલ એટલે કે 370 કિલોમિટર હતો.
તૌકતેની આંખની ગુજરાતમાં ક્યાં અસર થઈ?
તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું ત્યારે તેની આંખ દીવ અને ઉના વચ્ચેથી પસાર થઈ હતી.
દીવથી પૂર્વ તરફ 30 કિલોમિટરના અંતરેથી આ આંખ પસાર થઈ હોવાનું નિષ્ણાતો જણાવે છે.
દીવ, ગીર-સોમનાથ અને અમરેલીમાં તેના કારણે અસર થઈ હતી.
જી. પી. શર્મા કહે છે કે "વાવાઝોડાની આંખ છેતરામણી હોય છે, જ્યારે આંખ પસાર થાય ત્યારે એવું લાગે છે કે વાવાઝોડું ચાલ્યું ગયું છે. જોકે આંખની પાછળનો વાવાઝોડાનો ભાગ આવે ત્યારે તે ફરીથી વિનાશ સર્જી શકે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો