You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Blood Clot : કોરોના રસી લીધા બાદ લોહી ગંઠાઈ જાય? એની ખબર કઈ રીતે પડે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતમાં હાલમાં કોરોના વાઇરસ સામે રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રસી લેનાર કેટલાક લોકોમાં થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો જોવા મળ્યાં છે. થ્રોમ્બોએમ્બોલિકમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે.
જે નાગરિકોને કોવિશિલ્ડ વૅક્સિન આપવામાં આવી છે, તેમનામાં થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. જોકે, ભારતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે આવા કેસોની સંખ્યા બહુ ઓછી છે.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાઇરસ રસીકરણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ (26મી મે સુધીમાં), 20 કરોડ છ લાખ કરતાં વધુ લોકોને કોરોનવિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આ સાથે જ કેન્દ્ર સરકારના મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ડિસેમ્બર 2021 સુધીમાં તમામ નાગરિકોને કોરોનાની રસી આપી દેવામાં આવશે.
ભારતમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન, 45 વર્ષથી વધુ ઉંમરના અને સહબીમારી ધરાવનારા તથા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિક એમ તબક્કાવાર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
નાગરિકોને ઑક્સફૉર્ડ-ઍસ્ટ્રાઝેનકા દ્વારા વિકસાવવામાં આવેલી કોવિશિલ્ડ ઉપરાંત સ્વદેશી કંપની ભારત બાયોટૅક દ્વારા વિકસાવવામાં આવેલી કોવૅક્સિન આપવામાં આવી રહી છે.
આ સથે જ ભારતમાં રશિયા દ્વારા વિકસાવાયેલી સ્પુતનિક વી રસીને પણ મંજૂરી મળી ગઈ છે.
રસી બાદ બ્લડ ક્લૉટ અંગે સરકારે શું કહ્યું છે?
મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં કોવિશિલ્ડ રસીને લઈને ભારત સરકારે જણાવ્યું કે એઈએફઆઈ (ઍડ્વર્સ ઇવેન્ટ્સ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન) કમિટીની તપાસમાં બહાર આવ્યું છે કે કોરોના વૅક્સિન આપ્યા બાદ 26 દરદીઓમાં થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો જોવા મળ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે જણાવ્યું કે જે પ્રમાણે રસીકરણ થઈ રહ્યું છે, તેની સામે આ આંકડો બહુ નાનો છે. જોકે સરકારે કહ્યું છે કે તેઓ કોરોના રસીકરણ બાદ થતાં થ્રોમ્બોએમ્બોલિક લક્ષણો વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે ટૂંક સમયમાં એક માર્ગદર્શિકા બહાર પાડશે.
ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે કોરોના રસીકરણ બાદ દેશમાં બ્લીડિંગ અને બ્લડ ક્લૉટના જે કેસ સામે આવ્યા છે તે ઓછા છે અને નિદાનની અપેક્ષિત સંખ્યાને તે અનુરૂપ છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિક સચીવ ડૉ. મનોહર આગનાનીએ આ અંગે સમજાવતા જણાવ્યું હતું, "રસી લીધા પછી વ્યક્તિને અનપેક્ષિત તબીબી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઍડ્વર્સ ઇવેન્ટ્સ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન તરીકે ઓળખાય છે."
"વૅક્સિન, વૅક્સિન આપવાની પ્રક્રિયા કે અન્ય કોઈ કારણથી આમ થઈ શકે છે. તેને મુખ્યત્વે સામાન્ય, ગંભીર તથા અતિગંભીર એમ ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે."
તેમણે જણાવ્યું કે મોટાભાગની અસર સામાન્ય પ્રકારની હોય છે, જેને 'માઇનર ઍડ્વર્સ ઇફેક્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ઇન્જેકશન અપાયું હોય તે સ્થળે સોજો, હળવો તાવ, શરીરમાં દુખાવો, ગભરામણ, ઍલર્જી, ચકામા જેવી સમસ્યા થઈ શકે છે.
અમુક કિસ્સાને ગંભીર ગણવામાં આવે છે, જેમાં રસી લેનારને ભારે તાવ આવી શકે છે અથવા ઍન્ફ્લેક્સિસની (ગંભીર ઍલર્જિક રિઍક્શન) ફરિયાદ પણ રહે છે.
તે રસીને કારણે નહીં, પરંતુ દવાઓ પ્રત્યેની ઍલર્જીને કારણે પણ અમુક લોકોમાં જોવા મળી શકે છે. આમાં આજીવન અસર રહે તેવી સમસ્યા નથી થતી અને તેમાં હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પણ નથી પડતી.
કોરોના રસી લીધા બાદ થ્રોમ્બોએમ્બોલિક થવાનું જોખમ
ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા કોરોના વૅક્સિન કોવિશિલ્ડ વિકસાવવામાં આવી છે. આ વૅક્સિનનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે, જે વિશ્વના સૌથી મોટા વૅક્સિન ઉત્પાદક છે.
ભારતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે કોરોના રસીકરણ બાદ દેશમાં બ્લીડિંગ અને બ્લડ ક્લૉટના જે કેસ સામે આવ્યા છે, તે ઓછા છે અને નિદાનની અપેક્ષિત સંખ્યાને તે અનુરૂપ છે.
લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર એઈએફઆઈ કમિટી કોરોના વૅક્સિન લીધા બાદ (મે મહિનાના ત્રીજા અઠવાડિયાં સુધીમાં) ગંભીર અને અતિગંભીર લક્ષણો ધરાવતા 700માંથી 498 કેસની તપાસ કરી છે અને તેમાંથી 26 દરદીઓ થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો ધરાવતા હતા.
કમિટીને ટાંકતાં અહેવાલમાં લખાયું છે કે આ આંકડો બહુ નાનો છે, પણ કોરોના વૅક્સિન લીધા બાદ થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સનું જોખમ છે, તે પુરવાર થાય છે.
કમિટીએ કહ્યું કે કેટલાંક સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૅક્સિન લીધા બાદ બ્લડ ક્લૉટ થાય છે, પણ ભારતમાં પ્રતિ મિલિયન ડોઝ સામે માત્ર 9.3 કેસ સામે આવ્યા છે.
ભારતમાં રસીકરણથી શરૂઆત થઈ, ત્યારથી મે મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં CO-WIN ઍપમાં 23,000 લોકોએ કોવિશિલ્ડ રસી લીધા બાદ ગંભીર અસર થવાની ફરિયાદ કરી છે.
તેમાંથી માત્ર 700 કેસમાં જ ગંભીર પ્રકારની અસર થઈ છે. ભારતમાં 27 એપ્રિલ સુધી કોવિશિલ્ડના 13.4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ગંભીર ઍડ્વર્સ ઇફેક્ટના સંજોગોમાં રસી લેનારી વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થાય છે. તેને ગંભીર બાબત માનવામાં આવે છે. આવા કિસ્સામાં વ્યક્તિના જીવન ઉપર જોખમ ઊભું થાય છે અને આજીવન ખોટ કે સમસ્યા થવાની શક્યતા પણ રહે છે.
સામાન્યતઃ રસીકરણ બાદ ગંભીર આડઅસરના બહુ થોડા કિસ્સા જોવા મળે છે. આ પ્રકારના કિસ્સાની અસર સમગ્ર રસીકરણ અભિયાન ઉપર પણ થતી હોય છે.
કમિટીએ જણાવ્યું કે ભારત બાયોટૅક દ્વારા વિકસાવવામાં આવેલી વૅકિસન કોવૅકિસનમાં એક પણ સંભવિત થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સનો કેસ સામે આવ્યો નથી.
કમિટી પ્રમાણે કોવૅક્સિન લેનારી વ્યક્તિમાં દુખાવો, ઇન્જેક્શન અપાયું હોય તે જગ્યાએ હળવો સોજો, હળવો તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યા જોવા મળી હતી. ટ્રાયલ દરમિયાન માત્ર 10 ટકા લોકોને સમસ્યાઓ અનુભવાય હતી અને 90 ટકા લોકોને કોઈ મુશ્કેલી પડી ન હતી.
થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સમાં દરદીના શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે અને આ ગઠ્ઠા શરીરના કોઈ પણ ભાગમાં અથવા બીજી નસમાં પ્રવેશ કરી શકે છે. તેનાથી દરદીને શારીરિક તકલીફ થઈ શકે છે.
રસી લીધા બાદ લોહીના ગઠ્ઠા જામી જાય તો શું થાય?
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતીને જણાવ્યું:
"લોહીનો ગઠ્ઠો જામી ગયા બાદ શરીરના અંગોમાં જઈ શકે અથવા બીજી નસમાં પ્રવેશી શકે છે. જો તે મસ્તિષ્કની નસમાં પ્રવેશ કરે તો લકવો થઈ શકે અને હાર્ટની નસમાં ક્લૉટ થાય તો હાર્ટઍટેક આવી શકે છે."
"કોવિશિલ્ડ આપ્યા બાદ શરીરમાં જે ઇમ્યુનિટી મિકૅનિઝમ ટ્રિગર થાય છે તેની આડઅસરના કારણે બ્લડ ક્લૉટ થઈ શકે છે. હજુ સુધી આ બાબતે સંશોધન ચાલી રહ્યું છે. જો દરદીને ગંભીર લક્ષણો હોય તો તેને હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડી શકે છે."
તેઓ વધુમાં જણાવે છે કે યુરોપ અને બીજા દેશોના યુવાનોમાં અને ખાસ કરીને મહિલાઓમાં બ્લડ ક્લૉટ થઈ જવાના કેસ સામે આવ્યા છે, જે બાદ અમુક સમય માટે ત્યાં કોવિશિલ્ડ રસી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
"ભારતમાં પણ આવા કેસ સામે આવ્યા છે અને એટલા માટે સરકારે કમિટી બનાવી છે, જેણે પોતાનાં તારણો આપ્યાં છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સ ઠંડા પ્રદેશોમાં વધારે જોવા મળે છે. ભારત જેવા દેશમાં તેનું જોખમ ઓછું છે."
લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે, એઈએફઆઈ કમિટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સામાન્ય વસતિમાં થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટસ્ થતી રહે છે.
તેની પૃષ્ઠભૂમિ અને વૈજ્ઞાનિક લખાણ અનુસાર યુરોપિયન મૂળના લોકોની સરખામણીમાં દક્ષિણ અને દક્ષિણ-એશિયાના લોકોને તેનું જોખમ ઓછું છે.
થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ શું છે?
થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સમાં દરદીના શરીરમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે અને આ ગઠ્ઠો શરીરના કોઈ પણ ભાગમાં અથવા બીજી નસમાં પ્રવેશ કરી શકે છે. તેનાથી દરદીને શારીરિક તકલીફ થઈ શકે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "લોહીનો ગઠ્ઠો જામી ગયા બાદ શરીરના અંગોમાં જઈ શકે અથવા બીજી નસમાં પ્રવેશી શકે છે. જો તે મસ્તિષ્કની નસીમાં પ્રવેશ કરે તો લકવો થઈ શકે અને હાર્ટની નસમાં ક્લૉટ થાય તો હાર્ટ ઍટેક આવી શકે છે."
"કોવિશિલ્ડ આપ્યા બાદ શરીરમાં જે ઇમ્યુનિટી મીકેનિઝમ ટ્રિગર થાય છે તેની આડઅસરના કારણે બલ્ડ ક્લૉટ થઈ શકે છે. હજુ સુધી આ બાબતે સંશોધન ચાલી રહ્યું છે. જો દરદીને ગંભીર લક્ષણો હોય તો તેને હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડી શકે છે."
તેઓ વધુમાં જણાવે છે કે યુરોપ અને બીજા દેશોમાં યુવાનોમાં અને ખાસ કરીને મહિલાઓમાં બલ્ડ ક્લૉટ થઈ જવાના કેસ સામે આવ્યા છે, જે બાદ અમુક સમય માટે ત્યાં કોવિશિલ્ડ રસી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
"ભારતમાં પણ આવા કેસ સામે આવ્યા છે અને એટલા માટે સરકારે કમિટી બનાવી છે જેણે પોતાનાં તારણો આપ્યાં છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટસ્ ઠંડા પ્રદેશોમાં વધારો જોવા મળે છે. ભારત જેવા દેશમાં તેનું જોખમ ઓછું છે."
લાઇવમિન્ટના એક અહેવાલ અનુસાર એઈએફઆઈ કમિટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સામાન્ય વસતિમાં થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટસ્ થતા રહે છે. તેની પૃષ્ઠભૂમિ અને વૈજ્ઞાનિક લખાણ અનુસાર યુરોપિયન મૂળના લોકોની સરખામણીમાં દક્ષિણ અને દક્ષિણ-એશિયાના લોકોને તેનું જોખમ ઓછું છે.
થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો શું હોય?
વૅક્સિન માટેના વાયલને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તથા આપવામાં આવે તે જરૂરી છે. જો કોઈ વ્યક્તિને દવા પ્રત્યે ઍલર્જી હોય તો તેને રસી ન આપવી એવી ભારત સરકારની માર્ગદર્શિકા છે.
ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ, દરેક વ્યક્તિને રસી આપતાં પહેલાં સંભવિત આડઅસર વિશે માહિતી આપવામાં આવે છે.
થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સનાં લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, હાથ-પગમાં દુખાવો અથવા સોજો અને જ્યાં ઇન્જેક્શન લીધું હોય તેનાથી દૂર લાલ ફોલ્લીઓ થવી અથવા ઉઝરડા થવા વગેરે સામેલ છે.
આ ઉપરાંત પેટમાં દુખાવો, માથામાં દુખાવો, અશક્તિ, લકવો, આંખોની દૃષ્ટિ ઘટી જવી, માનસિક અસ્થિરતા અને ઊલટીઓ થઈ શકે છે.
દિલીપ માવળંકર કહે છે, "હૉસ્પિટલમાં લોહીને પાતળું કરવા માટેની દવા આપવામાં આવે છે. મસ્તિષ્કમાં જો થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સ થાય તો દરદીને વિવિધ શારીરિક તકલીફો થઈ શકે છે અને ગંભીર અસર થાય છે."
"કોરોના વાઇરસના દરદીઓમા પણ થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સ જોવા મળે છે અને તેમને દવાઓ આપવી પડે છે."
ભારત સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે કોવિશિલ્ડના ફાયદાઓ તેના નુકસાન કરતાં વધારે છે અને તેમાં કોરોના વાઇરસના ચેપને ઓછો કરવા માટે અને મૃત્યુ ઘટાડવા માટે પ્રબળ સંભાવનાઓ છે.
થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો જણાય તો શું કરશો?
ઍઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં હ્યુમન ટ્રાયલના વડા ડૉ. સંજય રાય સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે AEFI માટે અગાઉથી જ પ્રોટોકોલ નક્કી કરવામાં આવે છે.
જે અત્યારસુધીની ઉપલબ્ધ માહિતીના આધારે એકઠી કરવામાં આવી છે.
રસી લીધા બાદ અડધી કલાક માટે વ્યક્તિને કેન્દ્ર પર જ રહેવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ પ્રકારની ગંભીર આડઅસર દેખાય તો શું કરવું તેના વિશે કેન્દ્ર ઉપર હાજર રહેલા તબીબ તથા પેરામૅડિક સ્ટાફને તાલીમ મળેલી હોય છે.
સરકારે કહ્યું છે કે વૅક્સિન લીધાના 20 દિવસમાં જો થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો જણાય તો જે આરોગ્ય કેન્દ્રમાં વૅકસિન મૂકવામાં આવી છે, ત્યાં સંપર્ક કરવો.
જો ઘરે જઈને કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તો નજીકની હૉસ્પિટલમાં જાણ કરવી તથા કૉ-વિન ઍપ્લિકેશનમાં તેના વિશે વિસ્તૃત માહિતી ભરવા માટે કહેવામાં આવે છે.
AEFIની માર્ગદર્શિકા પ્રમાણે, જો ગંભીર સંજોગને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની તપાસ નિષ્ણાત તબીબોની પેનલ પાસે કરાવવામાં આવશે. જો પરિવાર સહમતિ આપે તો દરદીનું પૉસ્ટમૉર્ટમ કરવું અન્યથા અલગ ફૉર્મ થકી વિગતો મેળવવી.
જો ગંભીર આડઅસરને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર પડે અને ત્યાં મૃત્યુ થાય તો તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવે છે.
જે મુજબ સારવાર દરમિયાન આપવામાં આવેલા કોઈ ડ્રગને કારણે આડઅસર થઈ, વૅક્સિનની ક્વૉલિટીમાં ખામી હતી કે કેમ, વૅક્સિન આપવા દરમિયાન કોઈ ચૂક થઈ હતી કે સંજોગમાત્ર છે, જેવી બાબતો ચકાસવામાં આવે છે.
અલગ-અલગ રસીની અલગ-અલગ આડઅસર
અલગ-અલગ રસીની અલગ-અલગ આડઅસર હોઈ શકે છે. વૅક્સિન બનાવવાની પદ્ધતિ, તેને લગાવવાની રીત તથા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઉપર તેનો આધાર રહે છે.
જેમકે બીસીજીની રસી બાદ જ્યાં રસી આપવામાં આવી હોય ત્યાં ફોલ્લા જેવું ઊપસી આવે છે. ડીપીટીની રસી આપ્યા બાદ અમુક બાળકોને તાવ આવે છે.
ઓરલ પોલિયો ડ્રૉપ્સ આપ્યા બાદ તેની આડઅસર નથી થતી. ભારત સરકાર દ્વારા દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે, જે હેઠળ દેશની ગર્ભવતી મહિલાઓ તથા બાળકોને રસી અપાવવામાં આવે છે.
પોલિયો રસીકરણ અભિયાન દરમિયાન ત્રણ દિવસમાં એક કરોડ જેટલાં બાળકોને રસી આપવામાં આવે છે.
આ બધા અભિયાન સુગમ રીતે ચાલી રહ્યા છે, જે દર્શાવે છે કે ભારતનો AEFI પ્રોટોકોલ અસરકારક રીતે કામ કરી રહ્યો છે.
ભારતમાં વૅક્સિન મુદ્દે જાગૃતિનો અભાવ છે, જેના કારણે કેટલાક લોકો રસી લેતા ખચકાય છે. યોગ્ય માહિતીનો અભાવ તથા પૂર્વાગ્રહને કારણે આ ખચકાટ હોય શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકા પ્રમાણે, દરેક AEFI અંગેની માહિતી તાત્કાલિક ધોરણે સાર્વજનિક કરવામાં આવે તે જરૂરી છે.
યુરોપમાં કોવિશિલ્ડ પર હંગામી નિષેધ
માર્ચ મહિનામાં યુરોપના દેશો જર્મની, ફ્રાન્સ અને ઇટાલીએ કોવિશિલ્ડ વૅક્સિન પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો હતો. લોહીમાં ક્લૉટ બનવાની ઘટનાઓ બાદ મોટા દેશોએ આ રસી પર રોક લગાવી દીધી હતી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસ સામે આ રસીના ઉપયોગને લઈને જે ડર ફેલાયો હતો તેને નકારી કાઢ્યો હતો અને આ રસી કોરોના વાઇરસ સામે અસરકારક છે તેમ જણાવ્યું હતું.
તે સમયે બીબીસી હેલ્થ સંવાદદાતા નિક ટ્રિગલે કહ્યું હતું, "યુકે અને યુરોપ એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે વૅક્સિન સાથે આગળ વધવામાં આવશે ભલે અમુક સ્વતંત્ર રાષ્ટ્રો બીજો વિકલ્પ પસંદ કરે."
"અત્યાર સુધી જે બહાર આવ્યું છે તે પ્રમાણે રસી લીધા બાદ બ્લડ ક્લૉટના જે પણ કેસો સામે આવ્યા છે તેની સંખ્યા બહુ ઓછી છે અને આ પરિસ્થિતિમાં લાગે છે કે એ જ થઈ રહ્યું છે, જેની તમે અપેક્ષા હોય."
એસ્ટ્રાઝેનેકાએ તે વખતે નિવેદન આપ્યું હતું કે વૅક્સિનના કારણે બ્લડ ક્લૉટ થવાનું જોખમ વધી જાય છે તેના કોઈ પુરાવા નથી.