You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'કોરોના વાઇરસ પણ જીવ છે, એને પણ જીવવાનો અધિકાર', ત્રિવેન્દ્રસિંહ રાવતના નિવેદનથી વિવાદ - BBC TOP NEWS
ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે "કોરોના વાઇરસને પણ આપણી જેમ જીવવાનો અધિકાર છે."
તેમણે ગુરુવારે કહ્યું કે કોરોના વાઇરસ એક જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.
એક ખાનગી સમાચાર ચેનલને તેમણે કહ્યું કે "ફિલસૂફીની દૃષ્ટિએ જોઈએ તો કોરોના વાઇરસ સજીવ છે."
"તેને પણ અન્ય લોકોની જેમ જીવવાનો અધિકાર છે. પરંતુ આપણે (મનુષ્ય)પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે નીકળ્યા છીએ. આથી એ સતત રૂપ બદલી રહ્યો છે."ત્રિવેન્દ્રસિંહ રાવતની આ ટિપ્પણીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે, લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, કેમ કે તેમણે આ વાત એવા સમયે કરી છે કે જ્યારે આખો દેશ કોવિડ-19ની બીજી લહેર સામે લડી રહ્યો છે.
ગોવાની હૉસ્પિટલમાં 15 કોરોના દરદીઓનાં મૃત્યુ, ઓક્સિજન પ્રૅશર ઓછું થઈ ગયાનો દાવો
ગોવામાં સરકારી હૉસ્પિટલમાં અધિકારીઓનું કહેવું છે કે અહીં 15 કોરોના વાઇરસના દરદીઓનાં મૃત્યુ થયાં છે. ઓક્સિજન પ્રૅશર ઓછું થવાથી મૃત્યુ થયાની આશંકા છે.
દરદીઓના પરિવારજનો કહે છે કે ગોવા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં જ્યાં સુધી ઓક્સિજનનું પ્રૅશર સામાન્ય થયું ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.
સમાચાર એજન્સી એએનઆઈએ કહ્યું કે કથિત રીતે ઓક્સિજનના સપ્લાયને કારણે રાત્રે બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં દરદીઓનાં મૃત્યુ થયાં છે.
એક દરદીના મિત્રનો દાવો છે કે ઓક્સિજનની ઘટથી અહીં રોજ વીસથી પચ્ચીસ દરદીઓનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી અધિકારીઓનું કહેવું છે કે તેઓ હાલમાં મૃત્યુના કારણની તપાસ કરી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાકાળમાં આઠ સિવિલમાં તબીબી સ્ટાફ હડતાળ પર કેમ?
સ્થાનિક અખબારોના અહેવાલો અનુસાર પાછલા બે દિવસથી ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત આઠ હૉસ્પિટલોના ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ વિવિધ માગણીઓને લઈને હડતાળ પર છે.
તબીબી સ્ટાફનું કહેવું છે કે તેમના પગારભથ્થા-મુદ્દાની વાજબી માગણીઓ અંગે વારંવાર રજૂઆતો છતાં સરકાર તરફથી સંતોષકારક જવાબ ન મળતાં તેઓ આ આંદોલન ચલાવી રહ્યા છે.
નોંધનીય છે કે આ સમગ્ર હડતાળમાં આઠ સિવિલ હૉસ્પિટલમાં 800 તબીબો અને 2000 નર્સિંગ સ્ટાફ સામેલ છે.
અહેવાલો અનુસાર તબીબી સ્ટાફની હડતાળના કારણે આ હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
જેને પગલે હડતાળ સમેટાવા માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ ઉતારી દેવાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગાંધીનગરની GMERS મેડિકલ કૉલેજ ખાતે પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોનો આરોપ છે કે તેમના પ્રદર્શનસ્થળે 100-150 પોલીસકર્મચારીઓને ઉતારી દેવાયા હતા.
જેઓ બે મહત્ત્વપૂર્ણ સભ્યોને પૂછપરછ કરવા માટે સાથે લઈ ગયા હતા. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
પોલીસે આવી કોઈ પણ ઘટના ન બની હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ રૂટિન પોલીસ બંદોબસ્તના કારણે ઘટનાસ્થળે હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'સીકરણનો કાર્યક્રમ નિષ્ફળ રહ્યો, તો શું અમે ફાંસો ખાઈ લઈએ?'
કેન્દ્રીય ખાતર અને રસાયણમંત્રી સદાનંદ ગૌડાએ ગુરુવારે કહ્યું કે કોર્ટના હિસાબે કોવિડ-19ના રસીકરણનો કાર્યક્રમ નિષ્ફળ રહ્યો છે તો શું અમે ફાંસો ખાઈ લઈએ?
મંગળવારે કર્ણાટકની હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પ્રદેશમાં રસીકરણની ધીમી ગતિને પગલે ફટકાર લગાવી હતી.
ગુરુવારે સદાનંદ ગૌડા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ બેંગલુરુમાં એક પત્રકારપરિષદ કરી રહ્યા હતા. ગૌડા અને રવિએ પત્રકારપરિષદમાં કોવિડને લઈને સરકાર દ્વારા લેવાયેલાં પગલાંઓની જાણકારી આપી હતી.
બન્નેએ સરકારનો બચાવ કર્યો અને જણાવ્યું કે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ ઘટશે.
ગૌડાએ આ દરમિયાન કહ્યું, "જો કોર્ટ કાલે કહે કે આટલી રસી ઉપલબ્ધ કરાવવાની છે પણ જો રસીનું ઉત્પાદન હજુ એ સ્તરે નથી થઈ રહ્યું તો શું અમારે ફાંસો ખાઈ લેવો જોઈએ? તમારે આ બધા અંગે પણ વિચારવું જોઈએ."
ગૌડાને રસીકરણ પર કર્ણાટક હાઈકોર્ટના આદેશને લઈને સવાલ પુછાયા હતા. ગૌડાએ જણાવ્યું કે રસીનું ઉત્પાદન અત્યારે માગના હિસાબે નથી થઈ રહ્યું.
વૅક્સિન, ઓક્સિજન અને દવાઓ સાથે PM પણ ગાયબ : રાહુલ ગાંધી
ભારતમાં હજુ પણ કોરોનાનો કેર યથાવત્ છે. દેશનાં ઘણાં રાજ્યોમાં હાલ પણ કોરોના વાઇરસના કારણે મિનિ લૉકડાઉનની સ્થિતિ છે.
તેમ છતાં કોરોનાના નવા કેસોમાં રાહત મળતી દેખાઈ રહી નથી. હજુ પણ દેશના ઘણાં રાજ્યોમાં વૅક્સિન, ઓક્સિજન, પ્રાણરક્ષક દવાઓ અને પથારીઓની અછત હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે.
જોકે, ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત સબસલામતના દાવા કરી રહી છે.
પરંતુ સામેની બાજુએ સોશિયલ મીડિયા પર અને પરંપરાગત માધ્યમોમાં પણ સરકારની ટીકા થઈ રહી છે.
વિપક્ષ પણ સરકારની કામગીરીની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યો છે.
ગુરુવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કોરોનામાં નબળી કામગીરીને લઈને કેન્દ્ર સરકારને ટ્વિટર પર ચાબખા માર્યા હતા.
તેમણે લખ્યું હતું કે, "વૅક્સિન, ઑક્સિજન અને દવાઓ સાથે PM પણ ગાયબ છે. બાકી રહ્યા છે તો માત્ર સૅન્ટ્રલ વિસ્ટા, દવાઓ પર GST અને અહીં-તહીં PMના ફોટો."
ગુજરાત : કોરોનાના નવા 10,742 કેસ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 10,742 નવા કેસ સામે આવ્યા છે. તેમજ 109 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુરુવારના વધારાની સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,25,353 થઈ ગઈ છે. સાથે જ મૃતાંક 8,840 થઈ ગયો છે.
અમદાવાદ શહેરમાંથી 2,878 નવા કેસો મળી આવ્યા હતા.
નોંધનીય છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર ગુરુવારે રાજ્યમાં 15,269 લોકોએ કોરોના વાઇરસને માત આપી હતી.
હાલમાં રાજ્યમાં 1,22,847 ઍક્ટિવ કેસો છે. જે પૈકી 796 વૅન્ટિલેટર પર છે.
ગુજરાત : ત્રણ દિવસ સુધી 45થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા 45થી વધુ ઉંમરના લોકો માટે કોવિશિલ્ડ રસીના બે ડોઝનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સામેની બાજુએ ગુજરાતમાં આ વયજૂથ માટેના લોકો માટે 14 મેથી ત્રણ દિવસ સુધી રસીકરણની કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અહેવાલ પ્રમાણે એક સરકારી પેનલનાં સૂચનો અનુસાર કેન્દ્ર સરકારે ગુરુવારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારીને 12-16 અઠવાડિયાં કરવાનો નિર્ણય લીધો હતો.
કેન્દ્રના આ નિર્ણયને પગલે રસીકરણ કાર્યક્રમ રિવાઇઝ કરવાનું કારણ આગળ ધરીને ગુજરાત સરકારે 14, 15 અને 16 મેના રોજ 45થી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં આ વયજૂથના લોકો માટે રસીકરણની કામગીરી 17 મેથી શરૂ થશે.
24 કલાકમાં કેરળમાં ખૂટી જશે ઓક્સિજન?
ઓક્સિજન ઉત્પાદકતાના મામલે ભારતના સૌથી વધુ આત્મનિર્ભર રાજ્ય કેરળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેડિકલ ઓક્સિજન માટે SOS મૅસેજ મોકલ્યો છે.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન કર્યું છે કે તેઓ તાત્કાલિક 300 મેટ્રિક ટન મોડિકલ ઓક્સિજ રાજ્યને પૂરો પાડે કારણ કે સમગ્ર રાજ્યમાં 24 કલાક માટે જ ઓક્સિજન બાકી બચ્યો છે.
વડા પ્રધાનને લખેલા પત્રમાં વિજયને કેરળને દરરોજ મળનારા ઓક્સિજનમાં 450 મેટ્રિક ટનનો વધારો કરવાની માગ કરી છે. વૈજ્ઞાનિકોના અનુમાનના આધારે કેરળમાં આગામી ત્રણ દિવસોમાં ચિકિત્સા માટે ઓક્સિજનની માગ વધી છે.
ઓક્સિજનની સપ્લાય વધારવા પાછળ વિજયને બે તર્ક આપ્યા છે.
તેમણે કહ્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. મહામારીની બીજી લહેરમાં કુલ સંક્રમણના મામલા 4.19 લાખ થઈ ચુક્યા છે. આને કારણે મોટી સંખ્યામાં લોકો હૉસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે.
સાથે જ ભારતીય હવામાન વિભાગે 14 અને 15 મેના રોજ કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હવાઓ સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે, જે કારણે માર્ગ પરિવહન પ્રભાવિત થવાની આશંકા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો