બિહાર-યુપીમાં કોરોના મહામારીમાં નદીમાં તરતા મૃતદેહો અંગે કેટલાક પ્રશ્નોના જવાબ

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, પટનાથી, બીબીસી ગુજરાતી માટે

બિહાર અને ઉત્તર પ્રદેશની નદીઓમાં મૃતદેહો મળવાના અહેવાલ સતત આવી રહ્યા છે.

બિહારના બક્સરના ચૌસા પ્રખંડ સ્મશાનઘાટ પર 71 મૃતદેહો ગંગા નદીમાં તરતા જોવા મળ્યા હતા ત્યારબાદ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે.

બીબીસીએ આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો.

પ્રશ્ન : આ મૃતદેહો ક્યાંથી આવ્યા છે?

જવાબ : બક્સર પ્રશાસનનો દાવો છે કે આ લાશો ઉત્તર પ્રદેશથી વહીને અહીં સુધી આવી છે. જોકે કેટલાક સ્થાનિક લોકોનું (જેની સાથે બીબીસીએ વાત કરી) કહેવું છે કે સ્થાનિક લોકો જ મૃતદેહોના અંતિમસંસ્કાર મોંઘા થતા અને કોરોનાના ડરથી મૃતદેહો ફેંકીને જઈ રહ્યા છે.

બીબીસીએ આ વિશે નદી મામલાના નિષ્ણાત દિનેશકુમાર મિશ્ર સાથે વાત કરી.

તેમણે કહ્યું, "અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે મૃતદેહો ક્યાંથી આવ્યા. અત્યારે ગંગામાં પાણી ઓછું છે, જો વરસાદનો સમય હોત તો આ મૃતદેહો વહી ગયા હોત અને કોઈને ખબર પણ ના પડી હોત."

"પરંતુ બક્સરના અધિકારીઓ જે નદીમાં વળાંકની વાત કહી રહ્યા છે તેમાં દમ છે."

"નદી કર્વ (વળાંક)ના બહારના કાંઠે ઇરોજન (કિનારાનું ધોવાણ) કરે છે અને અંદરના કાંઠે ડિપોઝિટ (માટી જમા કરવી) કરે છે."

"નદીઓની આ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. જો મૃતદેહો કે કોઈ પણ વસ્તુ વહેતી આવે તો નદી તેને માટીની જેમ જ બહારની તરફ ડિપોઝિટ કરશે."

સવાલ : શું મૃતદેહોને પ્રવાહિત કરવાની પરંપરા છે?

જવાબ : બક્સરના ચૌસા પ્રખંડથી ગંગામાં વહેતા મૃતદેહોનો મામલો સામે આવ્યો હતો ત્યારબાદ બક્સરના અધિકારીઓ તરફથી તારીખ 10મી મેના નિવેદનમાં કહેવામાં આવ્યું કે બિહારમાં મૃતહેદો પ્રવાહિત કરવાની પરંપરા નથી.

આ સંબંધમાં હિંદુ કર્મકાંડના જાણકાર પ્રભંજન ભારદ્વાજ કહે છે, "બિહારમાં મોટા ભાગે મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે છે. પરંતુ સાપ કરડવા કે ગંભીર બીમારી, જેમ કે કુષ્ઠ રોગથી થયેલા મૃત્યુમાં મૃતદેહોને ઘડામાં પાણી ભરીને અથવા કેળાનાં પાનની સાથે નદીની વચ્ચોવચ્ચ પ્રવાહિત કરવામાં આવે છે."

તેઓ કહે છે કે ઉત્તર પ્રદેશનાં કેટલાંય ગામોમાં મૃતદેહો પ્રવાહિત કરવાની પરંપરા છે.

તેઓ કહે છે, "કર્મનાથા નદી બિહાર અને યુપીની વચ્ચે વહે છે. કર્મનાથાનો જે ભાગ યુપી તરફ છે, ત્યાં કેટલાંય ગામોમાં મૃતદેહોને અગ્નિદાહ આપીને પ્રવાહિત કરી દેવામાં આવે છે."

સવાલ : જો સ્થાનિકો મજબૂરીમાં મૃતદેહો પ્રવાહિત કરી રહ્યા છે તો તેની પાછળ કારણ શું છે?

જવાબ : બક્સરના ધારાસભ્ય સંજયકુમાર તિવારી કહે છે, "આ મૃતદેહો યુપીથી આવ્યા છે. હવે યુપીમાંથી બિહારમાં મૃતદેહો ન આવી શકે તે માટે અમે નદીમાં બે મોટી જાળ પાથરવાની વ્યવસ્થા કરી છે."

તેઓ માને છે કે અંતિમસંસ્કાર બહુ મોંઘી પ્રક્રિયા બની ગઈ છે.

તેમનું કહેવું છે, "લાડકાં અને અંતિમસંસ્કાર સંબંધિત સામગ્રીના ભાવ બહુ વધી ગયા છે. પહેલા જે લાકડાં 250 રૂપિયા મણ આવતા હતા તેનો ભાવ 400 રૂપિયા મણ થઈ ગયો છે. છાણા સહિત અન્ય સામગ્રીનો ભાવ વધી ગયો છે. અને આ સામગ્રીનો પુરવઠો પણ પૂરતો નથી. જ્યારે કોવિડ અને નૉન-કોવિડ દર્દીઓનાં મૃત્યુની સંખ્યા વધી છે. પરંતુ હૉસ્પિટલો અને સ્મશાનગૃહોમાં કોઈ પણ રીતે ભ્રષ્ટાચારમાં કંઈ બાકી રહ્યું નથી."

સવાલ : શું આનાથી નદીના પાણી પર અસર પડશે? જે લોકો આ પાણી વાપરશે તેમને કોઈ સમસ્યા થશે?

જવાબ: દિનેશ મિશ્રા કહે છે, "જો આ કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહો છે તો બેશક અસર પડશે. પાણીમાં રોગાણુ સાથે જ તરશે. મૃતદેહોની સંખ્યા જેટલી છે એ હિસાબે તો આ પાણીની ટ્રીટમેન્ટ પણ અશક્ય લાગે છે. પ્રશ્ન એ પણ છે કે શું અધિકારીઓએ આ પાણીની તપાસ કરી?"

તો આરોગ્ય નિષ્ણાત અને આઈએમએ બિહારના સિનિયર વાઇરસ પ્રૅસિડન્ટ ડૉક્ટર અજય કુમાર કહે છે, "અત્યારે નદીના પાણીનો વપરાશ કોઈ પણ કામ માટે ન કરવો જોઈએ. ન લોકો માટે કે ન પશુઓ માટે. મોઢું, નાક, કાનથી કોવિડનો વાઇરસ અંદર જાય છે. જો લોકો આ પાણી વાપરશે તો લોકોને બૅક્ટેરિયાથી થનાર રોગો સહિત કોરોના સંક્રમણ પણ થઈ શકે છે. આ ખતરનાક સાબિત થઈ શકે છે."

સવાલ : પ્રશાસને હવે શું કરવું જોઈએ?

જવાબ : દિનેશ મિશ્ર કહે છે, "સૌથી પહેલા તો એ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ કે સામાન્ય લોકો પાણીનો સીધો ઉપયોગ ન કરે."

"ન્હાવા વગેરેમાં તેનો ઉપયોગ ન કરે. "

"તરત પાણીની ચકાસણી થવી જોઈએ. સાથે જ પ્રાણીઓને પણ નદીમાં નવડાવવા પર રોક લાગવી જોઈએ નહીં તો પ્રાણીઓમાં કોઈ રોગ આવે અને તેનું મૃત્યુ થાય તો મુશ્કેલી વધી જશે."

સવાલ : શું ઘટનાની લોકો પર મનોવૈજ્ઞાનિક અસર પણ પડશે?

જવાબ : મનોવેદ પત્રિકાના સંપાદક અને મનોચિકિત્સક ડૉ. વિનયકુમાર કહે છે, "નદીમાં જ્યારે મૃત્યુના અવશેષ તરવા લાગે એ બહુ ભયાનક સ્થિતિ છે અને તેનાથી માણસમાં ડરનો ભાવ પણ આવશે."

"તેની ગભરાટ થશે અને આસપાસ મૃત્યુનો અહેસાસ થશે."

"આવી ઘટનાઓ વારંવાર થશે તો સમાજમાં ઉદાસી સાથે નિષ્ઠુરતા પણ આવી જશે."

"કોઈ સમાજમાં જ્યારે નિષ્ઠુરતા આવી જાય તો પછી કોઈ કોઈની મદદ માટે આગળ આવતું નથી."

તેઓ કહે છે કે "આ મામલામાં સૌથી મહત્ત્વની ભૂમિકા સ્થાનિક સ્તરના જનપ્રતિનિધિઓની છે."

"પંચાયત સ્તર પરના જનપ્રતિનિધિઓએ આવી કોઈ લાશ અંગે ખબર પડે ત્યારે તાત્કાલિક તેના દાહસંસ્કાર કરાવે."

સવાલ : શું બિહાર-યુપીની નદીઓમાં જોવા મળતી લાશો વર્તમાન સમયમાં રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સામાજિક સૂચકાંકોની કથળતી સ્થિતિની સૂચક છે?

જવાબ : આ સવાલ પર અમે વરિષ્ઠ પત્રકાર દયાશંકર રાય સાથે વાત કરી, જેઓ મૂળે બલિયાના રહેવાસી છે અને બિહારની રાજધાની પટણામાં રાષ્ટ્રીય સહારા અખબારના સંપાદક પણ રહી ચૂક્યા છે.

તેમણે કહ્યું, "બિહારમાં સ્થિતિ બહુ દયનીય છે. યુપી તેનાથી કંઈક સારી સ્થિતિમાં છે, પણ એ તમને લખનઉ, એનસીઆરના વિસ્તારો, કાનપુર, અલાહાબાદમાં જ જોવા મળશે."

"બાકીની જગ્યાએ યુપીમાં પણ બિહાર જેવી સ્થિતિ છે. આ બંને રાજ્યોમાં શિક્ષણ-સ્વાસ્થ્ય વ્યવસ્થાની સાથેસાથે આખા સરકારી તંત્રના ખાનગીકરણને કારણે સરકારી નિયંત્રણ લગભગ ખતમ થઈ ગયું છે."

"એટલા માટે જ હૉસ્પિટલો, સ્કૂલોથી લઈને સ્મશાનગૃહો સુધી લૂંટ થતી જોવા મળી રહી છે."

તેઓ કહે છે, "કોરોનાના સમયમાં બંને રાજ્યોમાં ગ્રામીણ સ્તરે ટેસ્ટિંગની સ્થિતિ ખરાબ છે."

"એવા સમયે લોકો યોગ્ય સારવાર કે તપાસ કરાવતા નથી અને મૃત્યુ થતા તેમના મૃતદેહોને કોવિડના ડર અને નબળી આર્થિકને કારણે એમ જ ફેંકી દે છે."

"બંને રાજ્યોએ પોતાની કલ્યાણકારી ભૂમિકા નિભાવવી જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો