ભારતની કોરોના મહામારી આખી દુનિયા પર કેવી રીતે ભારે પડશે?

    • લેેખક, ઉમા એસ કંભમપતિ
    • પદ, અર્થશાસ્ત્રી,બીબીસી ગુજરાતી માટે

કોરોના મહામારીની બીજી લહેર ભારત પર તબાહી અને બરબાદી લાવવાની અસર દેખાડવા લાગી છે. છેલ્લા થોડાક દિવસથી ભારતમાં કોરોના સંક્રમણના દરરોજ નવા લાખો કેસ નોંધાઈ રહ્યા છે.

આ મહામારીને કારણે ગત સાત દિવસથી રોજ સરેરાશ 3700થી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ અનુસાર, મહામારીની શરૂઆતથી આ વાઇરસથી અત્યાર સુધીમાં દેશમાં 2.22 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 2.42 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

વિશેષજ્ઞ એ બાબત પર પણ ધ્યાન અપાવી રહ્યા છે કે ભારતમાં સંક્રમણ અને મૃત્યુના સરકારી આંકડા અને વાસ્તવિકતામાં ઘણું અંતર છે. ભારતમાં મહામારીની બીજી લહેરને અનેક રીતે જોડીને જોવામાં આવી રહી છે.

પ્રથમ તો એ કે આંકડાઓ યોગ્ય રીતે એકત્ર કરાયા નથી અને સરકારે હકીકતને નજરઅંદાજ કરીને તેને ખુશીથી સ્વીકારી લીધા. બીજું કારણ એ કે કોરોના વાઇરસનો એક નવો વૅરિયન્ટ આશા અને ધાર્યા કરતાં વધુ ઘાતક રહ્યો.

ત્રીજું કારણ એ કે દેશમાં ચૂંટણીની મોસમ હતી, કુંભનું આયોજન થયું અને આ બધું કોવિડ પ્રોટોકૉલને બાજુમાં રાખીને કરાયું. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશની વસતીની મોટો ભાગ એક માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે.

દેશમાં 1.4 અબજની વસ્તી રહે છે એટલે કે દુનિયાનો દર છઠો માણસ હિન્દુસ્તાની છે. આગળ આપણે એ સમજવાની કોશિશ કરીશું, જેનાથી દુનિયાની અર્થવ્યવસ્થા ભારતના સંકટથી અછૂત રહી શકવાની નથી.

1. એક વર્ષ, જેને ભારતે ગુમાવ્યું

ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિશ્વના આર્થિક વિકાસમાં તેનું મહત્ત્વનું યોગદાન રહે છે.

ભારતનો આર્થિક વિકાસ તુલનાત્મક રીતે ચારથી આઠ ટકાની વચ્ચે રહેતો આવ્યો છે. તેની પાસે દુનિયાનું એક મોટું બજાર છે.

એટલે સુધી કે મહામારીને આવતાં પહેલાં વર્ષ 2020ના શરૂમાં વિશ્વ મુદ્રા કોષે કહ્યું હતું કે ભારતના યોગદાનમાં કમીને કારણે જ વર્ષ 2018 અને 2019માં વૈશ્વિક વિકાસમાં સુસ્તી જોવા મળી હતી.

વર્ષ 2020 માટે આઈએમએફે ભારતના વિકાસદરને લઈને પોતાનું પૂર્વાનુમાન ઓછું કરીને 5.8 ટકા કરી નાખ્યું હતું. જોકે આઈએમએફને ભારતીય ઉપમહાદ્વીપ પાસેથી વધુ આશા હતી.

એવું લાગે છે કે વર્ષ 2020માં વૈશ્વિક વિકાસનો દર ગગડીને ચાર ટકા પાસે રહી ગયો, જ્યારે ભારતના વિકાસદરમાં લગભગ દસ ટકાનો ઘટાડો થયો છે.

વર્ષ 2021 માટે દરેકને આશા હતી કે ભારત અને દુનિયાની અર્થવ્યવસ્થા ફરીથી પોતાના પગ પર ઊભી થશે, પણ હવે આ અનુમાનો પર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે.

ઉદાહરણ તરીકે ઇન્વેસ્ટમેન્ટ સમૂહ નોમુરાનાં ચીફ ઇકૉનૉમિસ્ટ સોનલ વર્માએ અનુમાન લગાવ્યું હતું કે ભારતનો જીડીપી વર્તમાન ત્રિમાસિકમાં 1.5 ટકા સંકોચાઈ જશે.

બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પણ ભારતની જેમ સંકટનો સામનો કરી રહી છે. એવામાં એ શક્યતા છે કે દુનિયાના વિકાસ પર પણ તેની અસર થશે.

2. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો

ભારતમાં મહામારી જે રીતે ફેલાઈ છે, એને જોતાં એવું લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હજુ લાંબા સમય સુધી ચાલુ રહેશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનના શબ્દોમાં કહીએ તો, "કોરોના વાઇરસ આંતરરાષ્ટ્રીય સીમાઓ, રાષ્ટ્રીયતાઓ કે ઉંમર કે લિંગ કે ધર્મના આધારે ભેદભાવ કરતો નથી."

જોકે ઘણા વિશેષજ્ઞો એ સવાલ ઉઠાવે છે કે ભારતમાં જેવા મોટા દેશને શું ખરેખર આઇસોલેટ કરી શકાય તેમ છે?

હાલમાં નવી દિલ્હીથી હૉંગકૉંક માટે રવાના થયેલી એક ફ્લાઇટમાં 52 પેસેન્જર કોરોના સંક્રમિત મળ્યા હતા. આપણે એ પણ જાણીએ છીએ કે કોવિડનો ભારતીય વેરિએન્ટ પહેલેથી બ્રિટન પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં ખાસ કરીને પંજાબમાં બીજી લહેર માટે બ્રિટની વેરિએન્ટને જવાબદાર ગણવામાં આવ્યો હતો.

ભારતમાં આ બીમારીને ફેલાતા રોકવા માટે કડક ક્વૉરેન્ટીન નિયમો અને યાત્રા પ્રતિબંધની જરૂર છે. વિમાની સેવા, ઍરપૉર્ટ અને આ સેક્ટર સાથે જોડાયેલા કારોબાર પર નિર્ભર લોકો માટે આ ખરાબ સમાચાર છે. આથી વૈશ્વિક આર્થિક વિકાસ પર તેની ઊંડી અસર થવા જઈ રહી છે.

3. ફાર્મા કંપનીઓની સમસ્યાઓ

આકારની દૃષ્ટિએ જોઈએ તો ભારતનો દવા ઉદ્યોગ દુનિયાની ત્રીજી સૌથી મોટી ફાર્મા ઇન્ડસ્ટ્રી છે. પૈસાના હિસાબે આ દુનિયાનો 11મો સૌથી મોટો ઉદ્યોગ છે. દુનિયાભરમાં જેટલી દવાઓની નિકાસ થાય છે, તેમાં 3.5 ટકા ભાગનું યોગદાન ભારતનું છે.

જેનરિક દવાઓ મામલે વૈશ્વિક નિકાસ 20 ટકા ભારતથી થાય છે. જો ભારતના દવા ઉદ્યોગની આ નિકાસ પર કોઈ સંદેહ પેદા થયો તો દુનિયાભરની સ્વાસ્થ્ય સેવાઓને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.

વર્તમાન સ્થિતિમાં ભારત દુનિયાની 70 ટકા રસીનું ઉત્પાદન કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવૅક્સ પ્રોગ્રામ હેઠળ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને 64 ગરીબ દેશો માટે એસ્ટ્રાજેનેકા રસીના ઉત્પાદનનો અધિકાર આપવામાં આવ્યો છે.

તેમજ સીરમ ઇન્સ્ટિટ્યૂટને બ્રિટન માટે પણ 50 લાખ ડોઝનું ઉત્પાદન કરવાનું છે. ભારતના કોરોનાસંકટનો એ મતલબ થયો કે કાં તો રસીની નિકાસ રોકી દેવાઈ છે કાં તો પછી રદ કરી દેવાઈ છે.

મહામારીનો સામનો કરી રહેલા અનેક દેશો માટે આ ખરાબ સમાચાર છે અને તેમને ત્યાં સામાન્ય જિંદગી પાટા પર લાવવાની કોશિશમાં રોક લાગી જશે. જો ભારત આખી દુનિયાને રસીનો સપ્લાય નહીં કરી શકે તો આપણને તેની સાઇડ ઇફેક્ટ જોવા મળશે.

દુનિયાના અલગઅલગ ભાગમાં વારંવાર લૉકડાઉન લગાવાશે, સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોટોકૉલ વધી જશે અને દુનિયાભરના દેશોમાં આર્થિક ગતિવિધિઓ ફરી વાર સુસ્તીનો શિકાર થઈ જશે.

4. સેવાઓ પહોંચાડી ન શકાઈ

ભારત પશ્ચિમી યુરોપ અને અમેરિકામાં ઘણાં કામો માટે સપોર્ટ સ્ટાફ મોકલે છે.

ખાસ કરીને નાણાકીય અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં. હવે મહામારીને કારણે આ સેવાઓ અબાધ ગતિથી ચાલુ નહીં રાખી શકાય.

ઉદાહરણ તરીકે, તેને જોતા અમેરિકન વ્યાપારિક સંગઠન યુએસ ચેમ્બર ઑફ કૉમર્સને એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી છે કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થાઓના પગમાં બેડીઓ નાખી શકે છે.

બીજું ઉદાહરણ બ્રિટનનું છે, જેના માટે બ્રેક્ઝિક બાદ ભારતનો વેપારી સંબંધ ઘણો મહત્ત્વનો છે.

બ્રિટન માટે ભારતના મહત્ત્વનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય કે વર્ષ 2021માં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન બે ભારતયાત્રાનો કાર્યક્રમ બનાવી ચૂક્યા હતા, પણ મહામારીને કારણે છેલ્લી ઘડીએ તેને સ્થગિત કરવો પડ્યો.

આ સમસ્યાઓને જોતા દુનિયા માટે એ જરૂરી થઈ ગયું છે કે તે ભારતની મદદ માટે જલદી પગલાં ભરે.

જોકે શરૂઆતમાં મોડું થયા બાદ હવે દુનિયાભરના દેશોમાંથી ભારત માટે મદદ પહોંચવા લાગી છે. બ્રિટને વૅન્ટિલેટરો અને ઓક્સિજન કંસેન્ટ્રટર્સ મોકલ્યાં છે. અમેરિકાએ દવાઓ અને રસી માટે કાચા માલની સાથે રેપિડ ટેસ્ટ કિટ અને વૅન્ટિલેટરો મોકલ્યાં છે.

જર્મનીએ પણ મેડિકલ હેલ્પ સહિત ઓક્સિજન સપ્લાય મોકલ્યો છે. પણ ભારતને જે કંઈ પણ મોકલાઈ રહ્યું છે એ તેની જરૂરિયાતના હિસાબે સાગરમાં એક બુંદ સમાન લાગી રહ્યું છે.

પણ કમસે કમ એ તો જોવા મળી રહ્યું છે કે દુનિયાને ભારતની ચિંતા છે.

ભારત સરકારે ભલે વર્તમાન સંકટને સંભાળવામાં સફળ ન રહી હોય પણ દુનિયા પર પડનારી તેની અસરને ન સમજવી તેને નજરઅંદાજ કરવા જેવું જ હતું.

જો દુનિયાના મોટા દેશો ભારતની મદદ કરવામાં નિષ્ફળ રહ્યા તો જલદી ભારતનું સંકટ વૈશ્વિક સંકટમાં બદલાઈ શકે છે અને એવું માત્ર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જ નહીં થાય પણ અર્થવ્યવસ્થાના મોરચે પણ સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.

(ઉમા એસ કંભમપતિ બ્રિટનની યુનિવર્સિટી ઑફ રીડિંગમાં અર્થશાસ્ત્રનાં પ્રોફેસર છે. તેમનો આ લેખ અંગ્રેજીમાં ધ કન્વર્શેશન પર પ્રકાશિત થયો હતો. મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો